મારું ઈનબોક્સ દુઃખ અને તકલીફોના ઈ-મેઈલથી છલકાઈ ગયું છે. લોકોની નોકરી જતી રહી છે, કોઈનાં છુટાછેડા થઇ રહ્યા છે, તો કેટલાંક લોકો બિમાર થઇ ગયા છે. કેટલાંક પોતાનાં પૈસા ગુમાવી રહ્યા છે તો કોઈ કોર્ટમાં પોતાનો કેસ હારી રહ્યા છે, ઘણાં લોકો કેટલાંય મહિનાઓથી બેરોજગાર રહેલાં છે તો કેટલાંક ભારે દેવાના ડુંગર નીચે દબાયેલા છે. લોકો પોતાનાં ભવિષ્ય માટે ચિંતિત છે અને પોતાનાં ભૂતકાળથી પરેશાન. ઘણાં લોકો પોતાનાં કામ પર, ઘરમાં કે બન્ને જગ્યાએ ઘણી ચુનોતીઓમાંથી પસાર થઇ રહ્યા છે. ચિંતા, ચિંતા અને થોડી વધારે ચિંતા.

આપણામાંના મોટાભાગના લોકો આ ટાળવાની કોશિશ કરે છે કારણકે આપણને જીવન શાંતિભર્યું, ખુશીઓભર્યું, અને તણાવ અને ખેંચાણથી મુક્ત જોઈતું હોય છે. આપણને એવું જીવન જોઈતુ હોય છે કે જે સરળ હોય અને તેમાં કોઈ આશ્ચર્ય ન હોય કે કોઈ આઘાતો ન હોય. આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે ભવિષ્ય હજી પોતે આવે તે પહેલાં પોતાને વર્તમાનનાં દરવાજેથી જ જાહેર કરી દે. આપણે એવું ઇચ્છતાં હોઈએ છીએ કે કુદરત પણ આપણા આયોજન મુજબનું વર્તન કરે. સત્ય એ છે કે આપણે બહુ બધું ઇચ્છતાં હોઈએ છીએ. જો તમે મને પૂછો તો હું કહીશ કે આપણી પાસે બહુ બધી અનુચિત અપેક્ષાઓ હોય છે. છતાં પણ, શું શાંતિથી રહેવું એ શક્ય છે ખરું, ખુશ રહેવાનો કોઈ માર્ગ છે ખરો? કદાચ હોઈ શકે છે. ચાલો હું એક નાનકડી વાર્તાથી શરુ કરું કે જે કદાચ તમે ક્યારેક મારા પ્રવચનોમાં કે બીજે ક્યાંક સાંભળી હશે.

એક રાજાને એક વખત વિચાર આવ્યો કે શું શાંતિને દર્શાવી શકાય ખરી અને જો હા, તો તે કેવી લાગી શકે? તેને તો જાહેરાત કરતાં જણાવ્યું કે જો કોઈ કલાકાર શાંતિનું એક સૌથી ચોક્કસ ચિત્ર દોરી શકશે તો તેને ભવ્ય ઇનામ આપવામાં આવશે. તેનાં સામ્રાજ્યમાંથી કેટલાંય ચિત્રકારો સુંદરમાં સુંદર ચિત્રો દોરીને તેની પાસે લાવ્યા. કોઈએ પંખીઓ અને વિશાળ આકાશ પટ દોર્યા હતાં. તો કોઈએ શાંત સમુદ્ર દોર્યો હતો તો કોઈએ ગાઢ જંગલો દોર્યા હતાં. એક કલાકારે એક માં પોતાનાં બાળકોને ખવડાવી રહી હતી એવું દોર્યું હતું અને બીજાએ એક વૃદ્ધ માણસ એક વૃક્ષ નીચે બેઠો હતો તેવું દોર્યું હતું.

બીજા અનેક કલાકારો પોતાનાં કેનવાસ ઉપર રંગોથી તેમનાં ચિત્રોમાં જાણે કે પ્રાણ ફૂંકી દીધો હતો. ઘણાં ઊંડા વિચાર કર્યા પછી, રાજાએ બે ચિત્રોને નામાંકન કર્યા કે જે તેને લાગતું હતું કે તેઓ શાંતિને બહુ નજીકથી પ્રદર્શિત કરી રહ્યા હતાં.

એક ચિત્ર હતું શાંત સરોવરનું. સંપૂર્ણપણે સ્થિર, તે સરોવર ચારેબાજુ લીલાછમ પર્વતોથી છવાયેલું હતું. તેની ઉપર ભૂરું વિશાળ આકાશ પોતાની અંદર સફેદ વાદળાઓ લઈને પથરાયેલું હતું. એક જુનું વૃક્ષ પોતાની શાખાઓને તે તળાવ ઉપર ફેલાવીને કિનારે શાંતિથી ઉભું હતું. એક સુકું પાંદડું પાણીની સપાટી ઉપર તરી રહ્યું હતું. રાજાના દરબારીઓએ આ ચિત્રને સૌથી વધારે મત આપ્યા હતાં.

એક બીજું ચિત્ર હતું કે જેમાં નર્યો કોલાહલ દોરેલો હતો. જો કે તેમાં પણ પર્વતો હતાં, પણ તે એકદમ ઉખડ-બાખડ અને ઉજ્જડ હતાં. આકાશ કાળું ડીબાંગ હતું અને તેમાં વીજળી ચમકી રહી હતી અને ભારે વર્ષા થઇ રહી હતી. એક મહાકાય ધોધ એક ઊંચા પર્વત પરથી પડી રહ્યો હતો. દરેકજણ આ ચિત્રની પસંદગી જોઈને વિસ્મય પામતાં હતાં. પણ પછી રાજાએ તેમને ધ્યાનથી જોવાનું કહ્યું, તેને થોડું વધારે બારીકાઇથી ચકાસવાનું કહ્યું.

પાણીનાં ધોધ પાછળ, ખડકની પાતળી તિરાડમાંથી એક નાનકડું ઝાડ ઉગેલું હતું. કે જેનાં ઉપર, આ ગર્જના કરતાં પાણીની મધ્યે, આ ઉગેલા નાનકડા ઝાડ ઉપર, એક માળો બાંધેલો હતો કે જેમાં એક માદા પંખી શાંતિથી બેસીને પોતાનાં બચ્ચાઓને ખવડાવી રહ્યું હતું. નિર્ભયપણે. જાણે કે પોતે એક સંપૂર્ણ શાંતિમાં ન હોય.

રાજાએ આ ચિત્રને વિજેતા જાહેર કરી ઇનામ આપ્યું.

‘કારણકે’ રાજાએ કહ્યું, ‘પ્રથમ ચિત્ર આકર્ષક છે, પણ તે સાચું નથી. શાંતિનો અર્થ એ નથી કે જીવન એ મુશ્કેલીઓથી, પરેશાનીઓથી અને ચુનોતીઓથી મુક્ત હોય. એનાં બદલે, જીવન તો આ બધાથી ઘેરાયેલું હોવાને માટે જ બનેલું હોય છે, તેમ છતાં તેમાં શ્રદ્ધા રાખી અને શાંત રહેવાનું હોય છે.’

આપણામાંના મોટાભાગનાં લોકો આપણા જીવન-ચિત્રને પ્રથમ ચિત્ર જેવું ઈચ્છે છે, પણ મોટાભાગે જીવન તો આપણા હાથમાં બીજા પ્રકારનું ચિત્ર જ થમાવે છે. પ્રથમ ચિત્ર એ જીવન પ્રત્યેની આપણી અપેક્ષાઓ છે જયારે બીજું ચિત્ર એ જીવનની હકીકત. અને શાંતિ આ બન્ને વચ્ચેના સમાધાનમાં રહેલી હોય છે. તમે વરસાદને કે ધુંવાધાર ધોધને પડતા રોકી ન શકો, પરંતુ તમે તમારા જીવનનો માળો, શ્રદ્ધાના, સ્વીકારના, અને સારા કર્મોના વૃક્ષ ઉપર જરૂર બનાવી શકો છો. મેં ક્યાંક એક સુંદર વિચાર વાંચેલો કે જે મને અત્યારે યાદ આવી ગયો.

ઘણાં સમય સુધી મને એમ લાગતું કે જીવન બસ હવે શરુ થવાનું છે – સાચું જીવન. પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ અવરોધ આવી જતો, કઈક પહેલાં કરવું પડતું કામ, કોઈ બાકી રહી જતો વ્યવહાર, હજી થોડો વધારે સમય કરવું પડતું કામ, કોઈ ચૂકવવાનું રહી જતું દેવું.
અંતે એ જ્ઞાનનો મારામાં ઉદય થયો કે આ અવરોધો એ જ મારું જીવન હતું.

જયારે જીવવાનું મુશ્કેલ થઇ પડે, જયારે જીવન તમને બરાબરનાં ખેંચી નાંખે, ત્યારે તેને એક સુંદર અને મનોહર ઢંગથી ઉપાડો. તેનાં માટે ફરિયાદ કરતાં કે રડતાં બેસવાનો તો કોઈ અર્થ જ નથી. તમારી જાતને એ યાદ અપાવો કે આ મારા જીવનનું ચોમાસું છે, અને તમારે તેમાં ટકી જ રહેવાનું છે અને તમારું ધ્યાન હંમેશાં કેન્દ્રિત કરેલું જ રાખવાનું છે, કે જયારે એક દરવાજો બંધ થઇ જાય ત્યારે બીજા સો દરવાજા ખુલ્લા થતાં જ હોય છે. કોઈ વખત ચોમાસું અપેક્ષા કરતાં થોડું લાંબુ ચાલી જતું હોય છે. તો શું થઇ ગયું? કોઈ વખત બીજો દરવાજો જલ્દી ન પણ ખુલે. તો શું થઇ ગયું? આ જ તો જીવન છે.

આપણે જીવનનાં આ સત્યને જેટલું જલ્દી સમજી લઈશું, એટલાં જ વહેલાં સુખી અને ખુશ થઈશું. આપણી મુસાફરીમાં, આકાશ હંમેશા કઈ ભૂરું નહિ હોય, પર્વતો હંમેશા કઈ લીલાછમ નહિ હોય. દિવસો હંમેશા કઈ સૂર્યપ્રકાશિત નહિ હોય કે રાતો હંમેશા કઈ તારલાઓથી મઢેલી નહિ હોય. સમુદ્ર કાયમ શાંત નહિ હોય કે નદીઓ કાયમ કઈ પુર વાળી પણ નહિ હોય. અને, આ જ જીવન છે. ગમે તેવું હોય પણ, કીમતી જ છે, જે છે તે આ છે. ખુશી અને શાંતિની મુસાફરી.

ચાલતાં રહો. સુંદર ઢંગથી. કૃતજ્ઞતાથી.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email