ગયા સપ્તાહના મારા પીડિત સંબંધો ઉપરનાં લેખ પછી, અમુક વાંચકોએ મને ઈ-મેઈલ કરીને તેમનાં જીવનની ગુંચવણો મને લખી જણાવી કે શા માટે તેઓ પોતાનાં સાથીને છોડી શકે તેમ નથી. તેમને મને એવું પૂછ્યું કે આવા સંજોગોમાં એક રાહત આપે તેવી વ્યક્તિગત પદ્ધતિને કેવી રીતે વિકસાવવી. હું તમારી દુર્દશા સમજુ છું; એક સંબધ કાયમ કઈ સુસંવાદીત કે પીડિત નથી હોતો, કોઈ વખત તે ફક્ત એક લુખ્ખો સંબધ હોય છે, કોઈ પણ પ્રકારનાં આનંદ કે સહવાસ વિનાનો. તેમાં તમારો કોઈ દુરુપયોગ પણ નથી થતો હોતો, પરતું તમારા સાથીની તટસ્થતા અને અવગણના તમને ગુસ્સે અને તણાવગ્રસ્ત બનાવી દેતાં હોય છે.

ગુસ્સાનો પ્રકોપ અને ગુસ્સાનો અનુભવ તે બન્ને સમાન નથી હોતા. બરાડા કે ચીસો ના પડવી અને તેમછતાં પણ અંદર ઘણો બધો ગુસ્સો ભરી રાખવો એ લોકો માટે બિલકુલ સામાન્ય વાત હોઈ શકે છે. કોઈ વખત તમે ખુબ જ ગુસ્સે અને હતાશ થઇ ગયા હોવ છો કે તમે તેને બહાર પણ કાઢવા નથી માંગતા હોતા કારણ કે તમને ખબર હોય છે કે તેનાંથી કોઈ હેતુ સરવાનો નથી. તમે ભૂતકાળમાં પ્રયત્ન કરી જોયો હોય છે, અને તેનાંથી કશું મદદ મળી નથી હોતી, સામેની વ્યક્તિ બદલાતી જ નથી. તમારી પોતાની સ્વસ્થચિત્તતા માટે, તમે કોઈનાં પર ગુસ્સે થવા કે અંદરથી ગુસ્સાનો અનુભવ પણ કરવા નથી માંગતા હોતા. ભૂતકાળમાં મેં ગુસ્સામાંથી કેમ બહાર આવવું તેનાં ઉપર લખેલું છે. આજે, હું ઝેરી ગુસ્સા ઉપર લખીશ – કે જે તમે અંદર ભરી રાખતાં હોવ છો.

ઝેરી ગુસ્સો તમારા ભૂતકાળમાં ઘટેલા કોઈ બનાવો ઉપર કે તમારા વર્તમાન સંબધમાં તમે કશુંક અનુભવતા હોવ છો તેનાં પરિણામ સ્વરૂપે હોય છે. જે હોય તે, હું રાહત આપતાં ત્રણ રસ્તા આપું છું, જો તમે તેને આપ્નાવશો તો તે તમને તમારી શાંતિને જાળવવા માટે કે પછી ગુસ્સો કે જે તમારી જાતને એક દુ:ખ અને બોજાનો અનુભવ કરાવડાવે છે તેને તમારી અંદરથી કાઢી નાંખવા માટે મદદરૂપ થશે. આમાં કદાચ કોઈ ફિલસુફી કે અનુભવજન્ય સત્ય હોઈ શકે છે કે નથી પણ હોઈ શકતું. પરંતુ, તમે તેને શાંત રહેવા માટેનાં એક સમર્થન તરીકે જોઈ શકો છો. તે આ મુજબ છે:

૧. હું આપણો દેણદાર છું.

આ ત્રણેય પદ્ધતિઓમાં સૌથી વધારે શક્તિશાળી રીત છે. કલ્પના કરો કે તમે કોઈ બેંકના ગ્રાહક છો. તમે કોઈ અંગત લોન લીધી છે અને તમે હવે તેનાં હપ્તા ભરી રહ્યાં છો. બેંકનો મેનેજર બદલાઈ શકે છે, બેંકની શાખા કોઈ બીજા સ્થળે બદલાઈ શકે છે, બેંકને કોઈ ખરીદી લઇ શકે છે પણ તમારું દેવું જે છે તે એમનું એમ રહેતું હોય છે. તમારે છેલ્લાં શ્વાસ સુધી કે પછી અંતિમ હપ્તા સુધી, બેમાંથી જે પણ વહેલું આવે ત્યાં સુધી, ભરણું ભરવાનું રહેતું હોય છે. ટૂંકમાં: તમે જે લીધું છે તે તમારે પાછું ચુકવવાનું છે.

એ વ્યક્તિ કે જે આજે તમારો સાથી છે, તે કદાચ પાછલી જિંદગીમાં તમારા માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર કે કદાચ દુશ્મન પણ હોઈ શકે છે. આજે કદાચ તેનું નામ જુદું, તેની સાથેનો સંબધ જુદો, કે તેનું શરીર જુદું હોઈ શકે છે, પણ તેમાં કોઈક વ્યવહારો બાકી રહી જતાં હોય છે. આ સમર્થનમાં તમારે ફક્ત એટલું વિચારવાનું છે કે તમારે આ વ્યક્તિ સાથે કોઈ બાકી રહી જતો હિસાબ કરવાનો છે. તે તમારો લેણદાર છે. આ પ્રક્રિયામાં, તમારામાં થોડું વૈરાગીપણું પણ આવી શકે છે, તમે વધુ આધ્યાત્મિક પણ બની શકો છો, તમારામાં દયાનો ગુણ વિકસી શકે છે કે પછી કદાચ તમારો ભગવાન સાથે વધુ મજબુત સંબધ બની શકે છે. કોઈપણ રીતે, તમે મોટા થાવ છો અને વિકાસ પામો છો.

કોઈએક વ્યક્તિ કે જેને હું ઓળખું છું તે બિમાર હતી. વાસ્તવમાં તેને એક મરણતોલ બીમારી લાગુ પડી હતી. એની આજુબાજુના જેટલાં લોકો હતાં તે તમામ લોકો હતપ્રભ થઇને રડી રહ્યા હતાં, તે વ્યક્તિએ તેમને કહ્યું, “ચિંતા ન કરશો. મારે આ ઈસ્પિતાલમાં સમય વિતાવવો જ પડશે. મારો આ ડોક્ટર સાથે ગયા જન્મમાં કોઈ બાકી રહી જતો હિસાબ કરવાનો છે.” અને દરેકજણ એકદમ તરત જ શાંત થઇ ગયાં.

૨. હું તમને માફ કરું છું

આ પદ્ધતિમાં ખુબ જ મોટા પ્રમાણમાં આંતરિક શક્તિની જરૂર પડતી હોય છે કારણકે માફ કરવું સહેલું નથી હોતું. લોકો ઘણી વખત કહેતાં હોય છે, કે મેં સામેની વ્યક્તિને માફ કરી દીધી છે, પણ તેમ છતાં તેઓ પોતાનાં હૃદયમાં તેનાં પ્રત્યે ગુસ્સો ભરી રાખતાં હોય છે. તમને કઈ રીતે ખબર પડે કે તમે ખરેખર કોઈને માફ કરી દીધાં છે? વારુ, જયારે તેમનો ભેટો થઇ જાય, કે તેમની યાદ આવી જાય, સારી કે ખરાબ, અને એ તમારી અંદર કોઈપણ પ્રકારનું દુઃખ, ગુસ્સો કે બેચેની ન જન્માવે તો તેનો અર્થ છે કે તમે તેમને બિલકુલ માફ કરી દીધાં છે. હું તમને માફ કરું છું તેટલું કહેવું જ ખાલી પુરતું નથી, આપણે તે અનુભવવું પણ જોઈએ. અને, માફ કરવાનો સારો રસ્તો એ છે કે એ હંમેશાં યાદ રાખવું કે, પ્રથમ તો, તમારે તમારી લોન તો ચુકવવાની જ છે, અને બીજું કે, તમે તેમની ભૂલોથી વધારે મોટા છો. આ વાત મને આ પદ્ધતિના સાર તરફ લઇ જાય છે:

તમારી જાતને એ યાદ અપાવો કે તમે સામેની વ્યક્તિને માફ કરી રહ્યા છો કેમ કે તેમનું વર્તન, વલણ કે ભૂલો તમારા અસ્તિત્વથી મોટી નથી. કે તમે સભાનપણે તેમની અવહેલનાથી વિશાળ બનીને ઉભરવાનું પસંદ કરો છો. કહો: “હું તમને માફ કરું છું કારણકે હું મારી જાતને મુક્ત કરવા માંગું છું. આજ એક માત્ર રીત છે જેનાંથી આપણું ખાતું બંધ થઇ શકે તેમ છે નહિતર તે ચાલુ જ રહેશે અને બાકી રહેતો હિસાબ બીજા જન્મમાં પણ સાથે આવશે. મારે તમારી લોન ફરીથી ચૂકવવી નથી. હું તમને બાકી રહેતા હપ્તાની ચુકવણીમાંથી મુક્ત કરું છું. હું તમને માફ કરું છું.”

૩. હું માલિક છું.

આ પદ્ધતિમાં ઉપરોક્ત કહેલાં બે વલણોને તમારા જીવન જીવવાની રીતમાં વણી લેવાના છે. તેમાં હંમેશાં એ યાદ રાખવાનું છે કે આપણે જે પણ પસંદગીઓ કરીએ તેનાં માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ. આપણે આપણા જીવનના, આપણા મનના, આપણી લાગણીઓનાં માલિક છીએ. એક સુંદર બૌદ્ધિક સૂત્ર છે: “જયારે પણ તમે કોઈ વ્યક્તિ પ્રત્યે નારાજગી અનુભવતા હોવ, ત્યારે કર્મોની માલિકી ઉપર આ રીતે ધ્યાન આપો: ‘આ સારી વ્યક્તિ પોતાનાં કર્મોની માલિક છે, તેનાં કર્મોના ગર્ભમાંથી તે જન્મી છે, તેનાં કર્મો જ તેનો કુટુંબ-કબીલો છે જેનાં માટે તે જવાબદાર છે, તેનાં કર્મો તેનાં આશરે છે, તે પોતે પોતાનાં કર્મોનો વારસદાર છે, પછી તેનાં કર્મો સારા હોય કે ખરાબ.’ ”

જયારે આપણે સામેની વ્યક્તિને આપણાથી સ્વતંત્ર અને ઉપરોક્ત કહેલાં જ્ઞાનના પ્રકાશમાં જોઈશું તો પ્રથમ બે પદ્ધતિઓને અનુસરવી સરળ થઇ જશે. તમે એક ગ્રાહક છો અને એજ રીતે તે પણ એક ગ્રાહક જ છે. તેઓ પોતાનાં કરેલા કર્મોના માલિક પણ છે અને વારસદાર પણ, અને આપણે આપણા કરેલા કર્મોના.

મુલ્લા નસરુદ્દીનને વ્યગ્રતાનાવારંવાર હુમલા આવવાથી તે રક્તચાપના રોગી બની ગયા.

“તપાસનું પરિણામ તો સારું છે,” ડોકટરે કહ્યું, “તમારે કદાચ મનોચિકિત્સકને મળવું જોઈએ.”
“મનોચિકિત્સકને?”
“હા. કદાચ તમારે કોઈ ધંધો કે કૌટુંબિક પ્રશ્ન હોઈ શકે છે કે જે આવા હુમલાઓ આપી રહ્યું છે. થોડા અઠવાડિયાઓ પહેલાં, મારી પાસે આવો જ એક કેસ આવ્યો હતો. દર્દીએ ૨૦,૦૦૦ રૂપિયાની લોન માટે ચિંતિત હતો અને માટે તેને બેચેનીના હુમલા આવતાં હતાં.”
“તો તમે તેને કેવી રીતે સાજો કર્યો?” મુલ્લાએ પૂછ્યું.
“મેં તેને નાદારી જાહેર કરી દેવાની સલાહ આપી અને કહ્યું કે જીવન આવી લોન પર ચિંતા કરવા માટે બહુ ટૂંકું છે,” ડોકટરે કહ્યું. “તે અત્યારે એકદમ તંદુરસ્ત છે અને હવે તેને ચિંતા કરવાનું બિલકુલ છોડી દીધું છે.”
“મને ખબર છે,” મુલ્લાએ કહ્યું. “હું જ એ માણસ છું જેણે તેને ૨૦,૦૦૦ રૂપિયાની લોન આપી હતી. તેને ખાલી ચિંતા કરવાનું જ નથી છોડી દીધું પણ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે.”

આ એક ઉપર-નીચે હીંચવાના એક હીંચકા જેવું છે. આપણે આપણી લોન ચૂકવવી જ પડશે. દરેકજણ કોઈકનું દેવાદાર હોય જ છે. જો તમારે ખાતું જ બંધ કરવું હોય, તો તેમને તેમનાં દેવામાંથી મુક્ત કરો. બદલામાં કુદરત પણ તમને તમારા દેવામાંથી મુક્ત કરી દેશે.

આવતાં અઠવાડીએ, હું તમને ધ્યાન કરવાની એક ખુબ જ શક્તિશાળી રીત વિષે વાત કરીશ કે જેનાં માધ્યમથી તમે ઉપરોક્ત કહેલ બાબતોને સુદૃઢ કરી શકશો અને તમારી લાગણીઓના મૂળ સ્રોત સુધી જઈ શકશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email