ગયા મહીને મને થોડા વાંચકોએ જુદા ઈ-મેઈલ કરીને એક સમાન મુદ્દા વિષે લખ્યું હતું: સંબધોમાં અસામંજસ્યતા. હું તેમની ટીકાઓને ભેગી કરીને અહી મુકું છું.

હું મારા ૧૫ વર્ષનાં લગ્નજીવનમાં મારાથી બનતું બધું જ કરી છૂટી છું તેમ છતાં મારા પતિ ખુબ જ ખરાબપણે મારા પર ગુસ્સે થયા કરે છે. તે મને ગાળો આપે છે અને મારા ઉપર એવી રીતે રાડો પાડે છે કે જાણે હું કોઈ આ ઘરની વણજોઈતી નોકર ન હોય! બધું જ નાની-નાની વાતો ઉપરથી ચાલુ થાય છે અને આ તેમનું મારા પ્રત્યેનું એક સામાન્ય વર્તન હવે થઇ ગયું છે. હું ઘણી બધી વખત ઘર છોડીને ચાલી ગઈ હતી પણ પાછી પણ ગયી છું કેમ કે દર વખતે તે મને વચન આપે છે કે હવે તેઓ તેમનાં વર્તનનું પુનરાવર્તન નહિ કરે…

મેં ઘણી બધી વખત છુટાછેડા લઇ લેવાનું વિચાર્યું છે પણ બાળકોના લીધે થઈને તેમ કર્યું નથી કેમ કે હું માનું છું કે એકલ માં-બાપના છોકરા વધુ ભયભીત, વ્યાકુળ મનોદશા વાળા થઇ જાય છે અને તેમને માનસિક પ્રશ્નો સતાવતા થઇ જાય છે. જયારે તમારા સાથી સાથે બિલકુલ ચાલે એવું ન હોય ત્યારે શું કરવું જોઈએ?

જો કે હું કોઈ મનોચિકિત્સક નથી, કે નથી તે ક્ષેત્રમાં મેં કોઈ તાલીમ લીધેલી, તેમ છતાં હું એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તેનાં ઉપર પ્રકાશ પાથરી શકું છું. સૌ પ્રથમ તો, એવો કોઈ સ્પષ્ટ પુરાવો નથી કે જેનાંથી એવું દર્શાવી શકાય કે એકલ માં-બાપથી ઉછરેલાં બાળકો માં અને બાપ એમ બન્ને જણાથી ઉછરેલાં બાળકો કરતાં કોઈ પણ રીતે ઊણા ઉતરતા હોય. એવાં કેટલાંક લોકો છે કે જે મને દયાળુ અને વ્હાલા લાગે તેવાં છે કે જેઓ એકલ માં-બાપના હાથે ઉછરેલાં છે.

એમાં કોઈ શક નથી કે જે બાળકો એકલ માં-બાપના ઘેર ઉછેરે છે તેઓ પોતાનાં બીજા વાલીની ગેરહાજરીને જરૂરથી અનુભવતાં હોય છે, પરંતુ તેનો સાર એવો નથી કે આ ખાલીપો તેમનાં મનોવલણ ઉપર કે કોઈ બીજી રીતે તેમને અસર કરતો હોય. એનાંથી ઉલટું, જે બાળકો એકલ માં-બાપના હાથે ઉછરેલાં છે તેઓ પોતાનાં સંબંધને વધુ ગંભીરતાથી લેતાં હોય છે, કારણકે તેમને સંબધની બરડતાનો અનુભવ કરી લીધો હોય છે.

મહત્વનું એ નથી કે બાળક એકલ માં-બાપના હાથે મોટું થાય છે પરંતુ મહત્વનું એ છે કે તે માં કે બાપે પોતાનાં બાળકને એક પ્રેમાળ અને સ્વ-વિકાસ માટે સહાયક એવું વાતાવરણ પૂરું પાડ્યું કે નહિ. તમને કદાચ આ વિષય ઉપરનો લેખ વાંચવો હોય તો અહી વાંચી શકો છો. અને, આ જ તે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે જે હું આપવા માંગું છું: ઓછા લોકોનું પણ એક સંગઠિત કુટુંબ એ વધુ લોકોનું બનેલાં એક ઝેરી કુટુંબ કરતાં અનંતગણું વધારે સારું છે. જયારે બે સાથીઓ વારંવાર દલીલો કરતા હોય, ઝઘડો કરતા હોય અને મારામારી કરતા હોય, ત્યારે બાળક ઉપર તેની બહુ મોટી સૂચક અસર પડે છે. આવા કિસ્સામાં, મારા મત મુજબ, તો છુટા થઇ જવું અને શાંતિથી રહેવું એ તણાવગ્રસ્ત, જેનાં વિષે કશું ભાખી ન શકાય તેવાં અને નાદુરસ્ત વાતાવરણમાં રહેવા કરતાં ક્યાંય વધારે સારું છે. જે પીડા આપતું હોય તેને તો દુર જ કરી દેવું જોઈએ.

મારા વાંચકોના મૂળ પ્રશ્ન તરફ પાછા વળીએ તો: છુટા પડવાનો નિર્ણય ક્યારેય સરળ નથી હોતો, ના, એટલાં માટે નહિ કે તમને સાચા-ખોટાનું ભાન નથી, પરતું એટલાં માટે કે મોટાભાગના અપમાનજનક સંબધોમાં, જે પ્રભુત્વવાળું પાત્ર છે તે મોટાભાગે એવું હોય છે કે જેનાં વિષે કશું કહી શકાય તેમ નથી હોતું અને તે હંમેશા અસ્થિર હોય છે. તમને એ ખબર જ નથી હોતી કે કઈ બાબતે તે બગડી ઉઠશે. તેઓ એક ક્ષણમાં ખુબ જ પ્રેમાળ હોય છે અને બીજી જ ક્ષણે એક રાક્ષસ. અને આ બાબત કુટુંબના બીજા સભ્યો માટે ખુબ જ ત્રાસદાયક અને ડરાવણી હોય છે. અને, એકલ માં-બાપ ના હાથે ઉછરવા કરતાં આ પ્રકારનું વાતાવરણ તો એક બાળક માટે ક્યાંય વધારે નુકશાનકારક હોય છે.

બીજા પાત્રના સ્વભાવમાં રહેલી અસ્થિરતા એક એવું તત્વ છે કે જે સંબધને વધારે ગુંચવણભર્યો બનાવે છે. અને સૌથી ખરાબમાં ખરાબ વાત તો એ છે કે પીડાદાયી પાત્ર ભાગ્યે જ એનાં વર્તનને બદલતું હોય છે. જયારે તેઓ અસ્થિર અને વિપરીત હોય છે, ત્યારે તેઓ તમારી સાથે પણ એવાં જ રહેવાનાં. હું અહી એક મહત્વની વાત એ પણ કહેવા માંગું છું: એવું ન માનશો કે ક્રોધે ભરાવું એ તેમનાં સ્વભાવમાં હોય છે. તેઓ – જો કે જરૂરી નથી એ જાણી જોઈને આવું હોય –તમારી સાથે આવા બનવાંનું એટલાં માટે પસંદ કરતાં હોય છે કારણકે તમે ભૂતકાળમાં એમની ગેરવર્તણૂકને સ્વીકારી કે ચલાવી લીધી હોય છે.

સૌથી વધુ પીડા આપનાર પાત્ર જે હોય છે તે સંબધની શરૂઆતમાં એક પ્રેમાળ અને સન્માનીય વ્યક્તિ તરીકે રજુ થાય છે, પરંતુ, જેમ-જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેઓ વધુ ને વધુ પોતાનાં વર્તન પ્રત્યે પ્રોત્સાહક અને ચાલાક બનતા જાય છે. જો તમે તેનાં અપરાધોનો સ્વીકાર કરતાં રહેશો તો તેઓ ખરાબ આચરણ કરવાનું ચાલુ જ રાખશે. બાળક માટે થઇને કે પછી બીજા ગમે તે કારણને લઈને ક્યારેય તમારે તમારી જાત ને એવાં સાથી સાથે રહેવા માટે સમજાવવી ન જોઈએ જે તમારી સાથે ખરાબ વર્તન કરતું હોય. શું તે તમારી સાથે સારી રીતે નથી વર્તન કરતાં હોતા જયારે તે પ્રણય કરતાં હોય? તેનો અર્થ એ છે કે તેઓ સારું વર્તન કરવા માટે શક્તિમાન હોય છે અને હવે તે તમને મન ફાવે તેમ લેતાં થઇ જાય છે. જો તમે આર્થિક રીતે પગભર હોવ, તો આગળ વધી જાવ. અને જો ન હોવ તો, તરત તમારી આર્થિક રીતે પગભર થવાની બાબતને પ્રાથમિકતા આપો.

જો તમે આવા પીડાદાયી સંબધમાંથી છુટા નહિ પડી જાવ તો તમે તમારી જાતનું એક મોટું અહિત કરી રહ્યાં છો. અને, જો તમે છુટા ન જ પડી શકતા હોવ તો પછી તમારે તમારી સ્વસ્થચિત્તતા જાળવી રાખવા માટેની એક વ્યક્તિગત પદ્ધતિ બનાવવી જોઈએ. તમને રાહત આપનારી એ પદ્ધતિ કાં તો દયા હોય શકે કે ખરીદી કરવા જવાનું હોઈ શકે, માફી હોઈ શકે કે ધ્યાન કરવાનું હોઈ શકે, તે તમારી અંગત પસંદગી હોય છે. અમુક લોકોની બહુ વિચિત્ર પદ્ધતિ હોય છે જો કે:

“જયારે તારો પતિ તારી ઉપર ખોટા બરાડા પાડે ત્યારે તું શું કરે છે?” એક સ્ત્રીએ પોતાની મિત્રને પૂછ્યું. “હું તો સાફ કરવા માંડું છું,” પેલી મિત્રે જવાબ આપ્યો. “સફાઈ?” તેને નવાઈ લાગી. “તું વળતી તેનાં ઉપર બરાડા નથી પાડતી કે ગુસ્સે નથી થતી?” “ના, હું તો ખાલી ટોઇલેટ સાફ કરવા માંડું છું.” “આવું તો ક્યારેય પહેલાં સાંભળ્યું નથી! એ મારા માટે તો ચોક્કસપણે કામ ન જ આવે.” “ વારુ, હું જયારે ટોઇલેટ સીટ એનાં ટુથબ્રશથી સાફ કરતી હોવ ત્યારે એ મને ખુબ જ સંતોષ આપે છે.”

આશા રાખું કે તમારી પાસે કદાચ વધારે સારું આરોગ્યપ્રદ વલણ હશે. મજાક એક તરફ, જો તમે ખરાબ વર્તણુંકને સ્વીકારી કે અવગણીને તમારી જાતને એક મામુલી ગણવાના હશો, તો મહેરબાની કરીને એ સ્પષ્ટપણે જાણી લેશો કે તમારે આ યાતના તમારા છેલ્લાં શ્વાસ સુધી સહન કરવાની છે. તમારા સાથી સુધરશે પણ નહિ કે બદલાશે પણ નહિ. સમાજે બનાવેલી સાચા અને ખોટાની વ્યાખ્યામાં બંધાવા કરતાં તો શાંતિ અને સન્માનભર્યું જીવન વિતાવવામાં શાણપણ છે.

ભવ્ય જીવન તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તેને સસ્તી કિમતે ન કાઢો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email