“ શું તમે દયાવાન છો?”
“મોટાભાગે હોઈએ છીએ,” તેઓ જવાબ આપે છે.
“શું તમે માફ કરો છો?”
“હા, મોટાભાગે કરીએ છીએ,” તેઓ જવાબ આપે છે.

હું જયારે પણ કોઈને ઉપરોક્ત બે સવાલો કરું છું ત્યારે મને મોટાભાગનાં લોકો આ જ જવાબ આપતાં હોય છે. જો તમને સાચું કહું તો, જયારે પણ આપણે ક્યારેક-ક્યારેક દયાવાન કે માફી આપનાર બનતાં હોઈએ છીએ ત્યારે તેવું આપણે ખરેખર તો આપણી અનુકુળતાએ જ કરતાં હોઈએ છીએ, એનો અર્થ એવો થાય છે કે આપણે હજી પણ એવું વિચારતા હોઈએ છીએ કે દયા કરતાં હજી પણ વધારે વ્યાજબી પસંદગી હોઈ શકે છે. સાચી દયા એ કોઈ કારણ કે કોઈ ચેષ્ટા ઉપર આધારિત નથી હોતી, એ ફક્ત એક સદ્દગુણ છે, એક પ્રતિભાવ, એક લાગણી, એક અનુભૂતિ, કે જેને આપણે બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ પસંદ કરતાં હોઈએ છીએ.

હું જાણું છું આ કોઈ આદર્શ દુનિયા નથી અને, વર્તમાનમાં અને હાલનાં દિવસોમાં, દયા અને
માફીને એક નબળાઈ તરીકે ગણવામાં આવે છે, પણ ચાલો, થોડો સમય કાઢીને બાઈબલમાંથી નીચેનો ફકરો વાંચીએ. તમે જો આ પહેલાં પણ આ વાત અસંખ્ય વાર વાંચી હોઈ શકે છે તેમ છતાં ફરી એકવાર વાંચો અને આ વાતને તમારી અંદર ઊંડે સુધી ઉતરવા દો.

પિલાત, જિસસને મુક્ત કરવાની રાહ જોઈ રહ્યો હતો, તેને તેમણે (જે લોકો જિસસને સૂળીએ ચડાવવા માંગતા હતાં તેમને સંબોધીને) ફરીથી કહ્યું, પણ તેઓ તો ફક્ત એક જ નારો લગાવતાં રહ્યાં, “તેને સૂળીએ ચડાવો! સૂળીએ ચડાવો!”

પિલાતે તેમને ત્રીજી વખત કહ્યું, “કેમ? આ માણસે શું ખોટું કર્યું છે? મને તો તેનામાં મોતની સજા કરવા જેવું કશું પ્રમાણભૂત લાગતું નથી. માટે, હું તો તેને ચાબૂક ફટકારીને છોડી દઈશ.”

પણ તેઓએ તો દબાણ ચાલુ રાખ્યું, ઊંચા અવાજે બસ જિસસને સૂળીએ ચડાવવાની માંગ ચાલુ જ રાખી. અને અંતે તેમનો અવાજ જીતી ગયો. માટે પિલાતે તેમની ઈચ્છા માન્ય રાખી અને એક બીજા ગુનેગારને કે જે બળવો અને ખૂનના ગુના બદલ જેલમાં હતો તેને તેમની ઈચ્છા મુજબ મુક્ત કર્યો. પરંતુ જિસસને તેને તેમની ઈચ્છાને હવાલે કર્યા. (લ્યુક ૨૩:૨૦ – ૨૫)

બીજા બે ગુનેગારોને પણ જિસસની સાથે સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો. જયારે તેઓ સ્કલ નામના સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પેલાં બે ગુનેગારો સાથે ક્રોસ પર ચડાવવામાં આવ્યા, એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ. ત્યારે જિસસે કહ્યું, “હે પરમ પિતા, તેમને માફ કરજે, કારણ કે તેમને નથી ખબર કે તેઓ શું કરી રહ્યા છે.” અને તેઓએ પર્ચી ફેંકીને તેમનાં વસ્ત્રો પણ કોણ લેશે તે નક્કી કરી કાઢ્યું.

લોકો ત્યાં ઉભા રહ્યા અને જોતા રહ્યા, અરે નેતાઓ પણ તેમનો ઉપહાસ કરતાં રહ્યાં: “તેને બીજાને બચાવ્યા છે; જો તે ભગવાનનો મોકલેલો મસીહા હોય તો આજે તે પોતાની જાતને પણ બચાવી લે!” સૈનિકો પણ જિસસની મજાક કરતાં રહ્યાં.
(લ્યુક ૨૩;૩૨-૩૬)

“હે પિતા, આ લોકોને માફ કરજો, કારણ તેઓ પોતે શું કરી રહ્યાં છે, તેની તેમને ખબર નથી.” નાઝરથનાં જિસસે તેમને મળેલી અત્યંત દર્દનાક અને મરણતોલ પીડાની સજાનાં પ્રત્યુત્તરમાં કહ્યું. તેમને થયેલાં અન્યાય માટે આ તેમનો પ્રતિભાવ હતો. અને પછી શું થયું? “ અને તેઓએ પર્ચી ફેંકીને તેમનાં વસ્ત્રો પણ કોણ લેશે તે નક્કી કરી કાઢ્યું.”

જે લોકોએ જિસસની મજાક ઉડાવી, જેમને તેમનાં ઉપર કાંટાળો તાજ મુક્યો, જેમને જિસસને ક્રોસ પર ચડાવી ખીલ્લા ઠોક્યા, તે બધાને જિસસે માફ કરી દીધાં. પણ, આટલું જાણે કે પુરતું ન હોય તેમ સત્તા અને લાલચથી અંધ થયેલાં એવાં તેઓએ પાસા ફેંકીને એ પણ નક્કી કર્યું કે કયા સૈનિકનાં ભાગે જિસસનાં કયા કપડા આવશે.

આ એક જ ચિત્રની અંદર, તમે આપણી દુનિયાની બે ચરમસીમાઓને જોઈ શકો છો. એક બાજુ જિસસની કરુણા છે કે જે બતાવે છે કે કોઈ પોતે જેને આધીન થયેલાં છે તેનાંથી કેટલું ઉંચે ઉઠી શકે છે તેની કોઈ સીમા નથી, અને બીજી બાજુ છે સૈનિકોની લાલચ, અજ્ઞાનતા, અને ક્રુરતા જે દર્શાવે છે કે માણસને નીચે પડવાની પણ કોઈ સીમા નથી.

માનવજાતનાં સમગ્ર ઈતિહાસ દરમ્યાન, સારા લોકોનો મજાક અને ઉપહાસ થતો આવ્યો છે, તેમનો ઉપહાસ કરવામાં આવ્યો છે, તેમનાં ઉપર વિવાદ કરવામાં આવે છે, તેમને ખુબ જ અન્યાયીપણે સજા કરવામાં આવે છે, મારવામાં આવે છે, અરે મારી પણ નાંખવામાં આવે છે. કોઈએ મને પૂછ્યું પણ હતું કે તેમનાં બલિદાનથી કયો હેતુ સરતો હોય છે?

“વારુ,” મેં કહ્યું, “જિસસના બલિદાનને કારણે, એક બિલિયનથી પણ વધુ લોકો આજે પ્રેરણામય જીવન જીવી રહ્યા છે, ૨૦૦૦ વર્ષ પછી પણ. અને બુદ્ધે પોતાનો રાજ્ય ત્યાગ કર્યો માટે આજે પણ ૫૦૦ મિલિયન લોકોને બુદ્ધનાં જ્ઞાનનો ફાયદો મળી રહ્યો છે.”

દયા અને માફી આ બે બલિદાનનાં સમાનાર્થી શબ્દો છે. જયારે તમે માફ કરો છો, ત્યારે ક્યાંક તમે તમારી જાતનાં અસ્તિત્વનાં કોઈ એક ભાગનું, તમારા સન્માનનું, તમારા ગૌરવનું, તમારી જાતનું એક બલિદાન આપતાં હોવ છો. પણ, માફ કરવાથી તમે તમારા અહંકારના બંધનથી પણ પેલે પાર ઉઠી શકો છો. વધુમાં, બલિદાન એ કોઈ વેપાર નથી, તમે બદલામાં તમારા માટે કશી અપેક્ષા ન રાખો, આ તો એક માનવપ્રેમ છે, એક પરોપકારનું કાર્ય.

મને એવું નહિ પૂછતાં કે સામી વાળી વ્યક્તિ તમારી દયાને લાયક જ ન હોય તો શું કરવાનું કે જો એ તમારી દયાને ગણકારે પણ નહિ તો શું કરવાનું? કારણકે જો તમને હજી પણ આ સવાલો સતાવતા હોય તો તમે જિસસનું જે ઝનુન હતું તેને તમારા હૃદયમાં ઊંડે સુધી હજી નથી પહોંચાડ્યું. તેને ત્યાં સુધી જવા દો. ઉપરોક્ત ફકરાઓ ફરીફરીને વાંચો, તમને જેટલી જરૂર પડે તેટલી વખત વાંચો કાં તો પછી જ્યાં સુધી તમારી આંખમાંથી એક આંસુ ન ખરી પડે ત્યાં સુધી વાંચો અને તમને ખબર પડશે કે હું ખરેખર શું કહી રહ્યો છું.

એક યુવાન માણસને લુટી લઈને માર મારવામાં આવ્યો અને રસ્તા ઉપર મરવા માટે છોડી દેવાયો.

એ ત્યાં આગળ ઘાયલ અને મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો, અને ત્યાંથી એક માણસ પસાર થયો, કે જે મનોચિકિત્સક હતો, તે તરત તેની પાસે ગયો અને વિસ્મયતાપૂર્વક બોલ્યો, “હે ભગવાન, જેણે પણ આવું કર્યું છે તેને ખરેખર મદદની જરૂર છે!”

એકને મદદની જરૂર છે અને બીજાને દયાની, કોઈ પણ રીતે, તે બન્નેને મદદની જરૂર છે. આપણા ઉદાહરણમાં, જો પીડિત વ્યક્તિને મદદ ન મળી તો તે મૃત્યું પામી શકે છે અને ગુનેગારને જો મદદ ન મળી તો, તે બીજાને પણ મારી શકે છે. કોઈ પણ રીતે, આમાં દુનિયાને જ ખોટ છે.

ઉપનિષદોમાં આપણી દુનિયા માટે એક શબ્દ છે – वसुधैव कुटुम्बकम् (મહોપનીષદ ૬. ૭૧-૭૩), સમગ્ર દુનિયા એક પરિવાર છે. આ એક ગ્રહ છે, એક દુનિયા છે, એક પરિવાર છે. ચાલો આપણે આપણા ભાગે આવતું કામ કરીએ.

દયાને કોઈ કારણ કે ઇનામની જરૂર નથી, ફક્ત ઈચ્છાની, શિસ્તની જરૂર છે. માફીને તો શિસ્તતાની પણ જરૂર નથી ફક્ત એક વિશાળ હૃદયની જ જરૂર છે, એટલી વિશાળતા કે જે દરેકની ભૂલોને શોષી લે. જયારે તમારું હૃદય એક દરિયા જેટલું વિશાળ હશે, તો અન્યની શાર્ક જેવડી ભૂલો અને ટુના (કાંટાવાળી સમુદ્રી માછલી) જેવી હાજરી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું તરંગ સર્જ્યા વગર પણ સહઅસ્તિત્વ ધરાવી શકશે

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email