સૌથી ખરાબમાં ખરાબ રોગ કયો હશે, તમને શું લાગે છે? કદાચ જે મરણતોલ બીમારી હોય તે? કે પછી જે જીવતાં માણસને ધીમે-ધીમે મારી રહ્યો હોય તે? કદાચ એવો રોગ કે જે માણસની સક્રિયતાને ખોરવી નાખે તે હશે? કે પછી રોગ પછી તે ગમે તે હોય જે તમારી તંદુરસ્તીને મહત્તમપણે બગાડી નાંખી શકે તે? પરંતુ આજનાં સંદર્ભમાં મારે જે કહેવાનું છે તે આવો રોગ નથી.

અને, ના, હું સામાજિક માધ્યમોનાં ભયસ્થાનો વિશે પણ વાત નથી કરી રહ્યો, કે સંદેશ મોકલવાની ક્રિયા દ્વારા અતિશયપણે સંચાર માધ્યમોના વળગાડ વિશે પણ નથી કહી રહ્યો. હું લાંબો સમય ટીવી જોતા બેસી રહેવાની આદત, કે અતિશય ઇન્ટરનેટ સર્ફિંગ વિશે, કે વધુ પડતું ખા-ખા કરવા ઉપર, કે પોતાનાં પ્રત્યે વધુ પાડતા જાગૃત રહેવા વિશે પણ ઈશારો નથી કરી રહ્યો. ધુમ્રપાન વિશે નહિ, મદ્યપાન વિશે નહિ, અન્ય લોકોને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરતાં રહેવાની આદત વિશે પણ નહિ. આ તેમાંના એક પણ વિશે ની વાત નથી. આ બધું તો અસર ચોક્કસ કરતુ જ હોય છે અને આ એક ખોટી-બીમારીઓ તો છે જ પરંતુ હું જે કહેવા જઈ રહ્યો છું તેની સરખામણીમાં આ બધી બાબતો કશું જ નથી.

હૃદય રોગ, રક્તચાપ, મધુપ્રમેહ, કેન્સર, એઇડ્સ, તણાવ વિગેરે માણસના આરોગ્યને કોતરી ખાનાર બીમારીઓ છે, પરંતુ, મારી નજરમાં, એક બીજી બીમારી છે જે કદાચ, જો વધારે નહિ તો તેનાં જેટલી જ નુકશાનકારક છે. હકીકતમાં તે દરેક બીમારીની જનની જેવી છે. ખરેખર, તે તણાવ, વ્યગ્રતા, નકારાત્મકતા વિગેરેનું બીજ છે. તે માનવીય લાચારીના સ્રોત સમાન છે અને સૌથી ખરાબ બાબત તેનાં વિશે એ છે કે મોટાભાગનાં લોકો તેનાંથી પીડાઈ રહ્યા છે. અને એનાંથી ય કરુણ અને ખરાબ બાબત તો એ છે કે લોકોને તેનાં વિશે જાણતા પણ હોતાં નથી.

હું તેને અતિશય વધારે વિચાર કર્યા કરવાની બીમારી કહું છું.

હા, તે સત્ય છે. મોટાભાગનાં લોકો બહુ વધારે પડતા વિચાર કરતાં હોય છે, અને આ એક રોગ જ છે કારણ કે, લોકો આવું જાતે જાણી જોઇને પસંદ કરીને નથી કરતાં હોતા. તેઓ જાગૃતપણે આવા વિચારો નથી કરતાં હોતા. તેમનાં વિચારો તેમને આવા વિચારના પ્રવાહમાં તાણી જતાં હોય છે. કોઈ એવું નથી કહેતું હોતું કે હું ઈર્ષ્યા કે ગુસ્સો અનુભવું છું અને ચાલો મને આ લાગણીમાં રમવા દો. મોટાભાગનાં લોકો મૂળભૂત રીતે સારા હોય છે, પ્રામાણિકપણે પ્રેમાળ હોય છે, અને તેમને આવી લાગણીઓ અનુભવવી હોતી નથી. મોટાભાગના લોકોનું જીવન બરાબર ચાલતું હોય છે અને તે તેમનાં કાબુ બહાર હોય તેવાં પરિબળો વિશે ચિંતા કરવા માંગતા હોતા નથી. પરંતુ, તેમ છતાં તેઓ તેમ કરતાં હોય છે.

બધું બરાબર ચાલી રહ્યું હોય છે, લોકો ખુશ હોય છે, જીવન સારું લાગતું હોય છે અને ફક્ત એક નકારાત્મક વિચાર, ભૂતકાળની એક ખરાબ યાદ મનમાં આવી જાય છે અને હજી તેમને ખબર પણ પડે તે પહેલાં તો તેમને તેનાંથી ખરાબ પણ લાગવા માંડે છે, પોતે નકારાત્મક, ગ્લાનીપૂર્ણ, કડવા કે નારાજ પણ થઇ જાય છે. એક શાંત અને એક બેચેન વ્યક્તિ વચ્ચેનો તફાવત ફક્ત તેમની તેમનાં વિચારોને પકડવાની અને પસંદ કરવાની આવડત ઉપર રહેલો છે. અતિશય વધુ પાડતા વિચારો કરવાનો અર્થ ફક્ત નકારાત્મક કે હકારાત્મક વિચારો કર્યે રાખવા એવો નથી, પરંતુ મગજમાં સતત ચાલતો રહેતો સંવાદ છે. મોટાભાગના લોકો ભટકતા અને નક્કામાં એવાં વિચારોમાં સાશ્વતપણે ડૂબેલાં રહેતા હોય છે. મગજ સતત બોલ્યા કરે છે અને તેઓ સતત સાંભળ્યા કરે છે.

બુદ્ધ અને બુધ્ધુમાં રહેલો ભેદ એ છે કે બુદ્ધ જે છે તેમણે એ જાણી લીધું હોય છે કે એક વિચારમાં એની પોતાની કોઈ તાકાત, કોઈ મૂળભૂત કિંમત, કે કોઈ સાર રહેલો હોતો નથી. જયારે એક અજ્ઞાની મન હોય છે તે વિચારની સાથે પોતાની જાતને જોડતું છે અને પછી તે જોડાણની જોડે પીડા પણ આવતી હોય છે. દાખલા તરીકે, એક વિચાર કે – હું નક્કામો છું – ગમે ત્યાંથી મગજમાં આવે છે, અને એને પડતો મુકવાને બદલે તમે તેનાં પર ચિંતન શરુ કરો છો, તમે તમારી જાતને તે વિચાર સાથે જોડો છો. તરત જ આ વિચારને ગતિ મળવાની શરુ થાય છે અને તે તમને એની પોતાની મુસાફરીમાં ખેંચીને ચાલવા માંડે છે. તમે તે વિચારમાં વિશ્વાસ કરવાનું શરુ કરો છો, અને હજુ તો થોડી વાર થાય એ પહેલાં તો તમે જે વિચારતા હોવ છો તે મુજબ અનુભવવાનું પણ ચાલુ કરી દો છો, અને પછી એક દિવસે, જયારે તમે અરીસામાં જુઓ છો ત્યારે તમને અંદર એક નક્કામી વ્યક્તિનાં દર્શન પણ થવા લાગે છે. આ મગજની એક યુક્તિ હોય છે.

જયારે લોકો પોતાનો મત તમારી સમક્ષ વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ ફક્ત તેમનાં પોતાનાં વિચારોને જ રજુ કરી રહ્યાં હોય છે, અને તેમનો પણ પોતાનાં વિચારો ઉપર બહુ થોડો જ કાબુ ચાલતો હોય છે. લોકોનાં મતથી તમારી શાંતિનું હનન ન થવા દેશો. અને આ વાત મને આજનાં વિષય વસ્તુના સાર ઉપર લઇ જાય છે અને તે છે: વિચારવાની કલા.

જો તમે મહાન ચિત્રકારો, સંગીતકારો, વિજ્ઞાનીઓ, શોધકો, લેખકો, કવિઓનાં જીવનને તપાસશો તો તમને જણાશે કે તેમને વારંવાર દુનિયાને તેમનાં એક પછી એક કામથી આશ્ચર્યચકિત કરી દીધી છે. તેઓ એવું એટલાં માટે કરી શક્યાં હોય છે કારણકે તેઓ એક પ્રકારે, સર્જનાત્મક વિચાર કરી શકતા હોય છે. આ એક એવી વાત છે કે જે તમે શીખી શકો છો, કોઈ પણ શીખી શકે છે. તમે હકારાત્મક વિચારો, આનંદપૂર્ણ વિચારો, પ્રોત્સાહક વિચારો કરી શકો છો, અને તેનાં માટે તમારે વિચારવાની કલાને પારંગત કરવી પડશે, અને તેને જ બીજા શબ્દોમાં કહેવું હોય તો ધ્યાન કરવાની કલા એમ કહી શકાય.

આજનાં યુગની વંધ્યત્વની સારવાર લઇને, એક ૭૨ વર્ષની સ્ત્રી પોતે સગર્ભા બની. નવ મહિના પછી, તેને એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. આ વૃદ્ધ યુગલ અત્યંત ખુશી સાથે પોતાનાં ઘરે પાછાં ગયા અને તેમનાં સગા-સંબધીઓ તેમને મળવા માટે આવવા લાગ્યા.

“અમે ખુબ જ ઉત્સુક છીએ,” તેની પિતરાઈ બહેને કહ્યું. “શું અમે બાળકીને જોઈ શકીએ?”
“હ્મ્મ્મ…થોડી રાહ જોઈએ”. પેલી માં બનેલી સ્ત્રીએ કહ્યું. “ત્યાં સુધીમાં હું બધા માટે ચા બનાવું છું.”
બધાએ ચા-નાસ્તો કર્યો, ખાસ્સો એક કલાક પસાર થઇ ગયો અને દરેકજણ નવી જન્મેલી બાળકીને જોવા માટે આતુર બની ગયા હતાં.
“શું હવે અમે બાળકીને જોઈ શકીએ?”
“હમણાં નહિ,” બાળકીની માંએ કહ્યું.

મહેમાનોમાં કુતુહલતા વધવા લાગી. બીજી દસ મિનીટ રાહ જોયા પછી, તેમને ફરી બાળકીને જોવાનો આગ્રહ કર્યો પણ તેમને એનો એજ જવાબ મળ્યો.

તેઓ અધીરા બની ગયા, અને પૂછ્યું, “વારુ, તો પછી અમે ક્યારે બાળકીને જોઈ શકીએ?”
“ફક્ત જયારે બાળકી રડશેને ત્યારે જ.”
“અરે બાળકીને રડવા સાથે શું લેવા-દેવા? એ રડે નહિ ત્યાં સુધી અમારે શા માટે રાહ જોવાની?”
“કારણકે,” પેલી માં બનેલી સ્ત્રીએ કહ્યું, “મેં એને ક્યાં મૂકી છે એ મને યાદ નથી.”

બાળકીને જોવા માટે તમારે તે રડે નહિ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, તમારે ફક્ત એટલી જાગૃતિ રાખવાની છે કે તમે તેને ક્યાં મૂકી છે. એવી જ રીતે, તમારા મગજની સંભાળ રાખવા માટે તમારે તે વ્યથિત થઇ જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, પરંતુ તમારે ફક્ત જાગૃત રહેવાની જરૂર છે. બાળકને શાંત કરવા માટે આપણે એ જાણવું જરૂરી હોય છે કે તે શા માટે રડી રહ્યું છે, અને એવી જ રીતે, આપણા મનને શાંત કરવા માટે આપણે લાગણીઓના મૂળ સ્રોત સુધી જવું પડે, અને તે છે વિચારો. વિચારોથી જ મન બનતું હોય છે.

આવતાં અઠવાડિયે, હું વિચારની રચના ઉપર લખીશ. જયારે તમે વિચારના સ્વભાવ વિશે સમજી લેશો ત્યારે તમે વધારે સારી રીતે ધ્યાન કરી શકશો, અને ધ્યાન એ અતિશય વધુ પડતા વિચાર કરવાનાં રોગની રશી છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email