શું તમે સૂર્ય અને ચંદ્રના પ્રકાશમાં રહેલાં તફાવતને જાણો છો? સુરજનો તાપ અંધકારના કોઈ અસ્તિત્વને ટકવા દેતો નથી પરંતુ ચંદ્રનું સૌમ્ય તેજ અંધકારને બિલકુલ તોડ્યા કે મરોડ્યા વગર દુર કરે છે. ચંદ્ર આરામ આપનાર છે જયારે સૂર્ય અકળાવી મુકનાર. એજ રીતે, એક ગુરુ તમને તમે જેવા છો તેવાં રહેવા દેવા માટે મંજુરી આપે છે, એ તમે જેવા છો તેવાં સ્વીકારે છે, અને પ્રેમ, કાળજી, જ્ઞાન અને માર્ગદર્શનનાં કોમળ કિરણો અને પ્રકાશ સતત વેરતા રહે છે.

ગુરુ-શિષ્યનો સંબંધ બીજા સંબધો જેવો નથી હોતો કારણકે તે સામાન્યત: સંબધોમાં જોવા મળતા દરેક પ્રકારનાં લેણ-દેણથી મુક્ત હોય છે. તે એક અત્યંત ઘાઢ સંબધોમાંનો એક સંબધ હોય છે અને અતિ શુદ્ધ સંબધ હોય છે કારણ કે તે તેમાં કોઈ રહસ્યો નથી હોતા અને કોઈ છૂપી યોજનાઓ પણ નથી હોતી.તે તો એક બંધન હોય છે, એક અનુબંધન કે જે તમારામાં ઝડપી, ગહન અને એક કાયમી પરિવર્તન લાવી શકે તેવો હોય છે.

વર્તમાનકાળમાં જો કે, આ સંબધની પવિત્રતા પહેલાં જેવી હતી તેવી જ જળવાઈ રહી છે, તેમ છતાં એવાં કિસ્સાઓનો દુષ્કાળ નથી કે જેમાં ગુરુ-શિષ્ય બન્ને એકબીજાનાં વિશ્વાસ અને લાગણીઓને ભાંડતા હોય. મારા વ્યવસાયમાં, હું નિયમિત રીતે એવાં ઘણાં લોકોને મળતો હોવ છું જે ઢોંગી ગુરુનો શિકાર બન્યા હોય છે. જો કે ત્યાં ઘણાં ઢોંગી શિષ્યો પણ હોય છે – કે જેમને દીક્ષા તો મળી જતી હોય છે પણ તેઓ ક્યારેય ગુરુના ઉપદેશનું પાલન સમગ્રતાથી કરતાં હોતા નથી.

એટલું કહ્યા પછી, એવાં પણ અનેક લોકો હોય છે જે એમને જે કઈ પણ શીખવવામાં આવ્યું હોય છે તેને અનુસરતા હોય છે અને એનાં માટે સમય પણ આપતાં હોય છે, તેમ છતાંય તેમની શંકાઓ અને નકારાત્મક વલણો ચાલુ જ રહેતા હોય છે. તેઓ કોઈ પણ પ્રકારનો બદલાવ અનુભવતાં હોતા નથી. એવું કેમ? એવું તો તે શું ખોટું કરી રહ્યા હોય છે? જયારે કોઈ જિજ્ઞાસુમાં દક્ષતા અને પ્રામાણિકતા હોય છે અને જયારે તે પોતાનો અભ્યાસ પણ બરાબર કરી રહ્યા હોય છે તો પણ તે પોતાનાં આધ્યાત્મિક માર્ગે ચાલવામાં નિષ્ફળ રહે છે, જેમાં વાંક ખરેખર કોઈ શિષ્યનો નથી હોતો પરંતુ ગુરુનો પોતાનો હોય છે. સૌથી સામાન્ય ભૂલ તમે એ કરતાં હોવ છો કે તમે કોઈને પણ પોતાનાં ગુરુ તરીકે એટલાં માટે સ્વીકારી લેતાં હોવ છો કારણ કે તે ફક્ત કોઈ ગ્રંથ ઉપર સારું વ્યાખ્યાન કરી જાણતા હોય છે.

તમારા ગુરુ તમારા માટે ઉચિત હોવા જોઈએ, તે પોતે જે શીખવતા હોય તેનું પાલન કરતાં હોવા જોઈએ, તેમનું જ્ઞાન તમને સ્વીકાર્ય હોવું જોઈએ. જો એવું ન હોય, તો તમને જવાબદાર ન ગણો, જેની સાથે તમે સહમત નથી તેમ છતાં એવું કરવા માટે તમારા ઉપર દબાણ ન કરશો. જે કોઈ તમારા સવાલો ઉપર પ્રતિબંધ લાવી દેતા હોય અને જે તમને એક મુર્ખ હોવાનો અનુભવ કરાવડાવતા હોય તેમને ક્યારેય તમારા ગુરુ તરીકે ન સ્વીકારો. જો તમને પોતાને એમની હાજરીમાં પોતે ક્ષુલ્લક હોવાનો અનુભવ થતો હોય, તો તમે કોઈ ગુરુની સામે નથી હોતા કારણકે ખરા ગુરુની હાજરીમાં તમને એવું લાગતું હોય છે તમે પોતે કઈક મહત્વના છો, કઈક સાર્થક છો, અને તમને કોઈ પ્રેમ કરી રહ્યું છે. તમે એક શાંતિ અને આનંદનો અનુભવ કરો છો. બધું જ બરાબર લાગવા માંડે છે, જીવન કિંમતી લાગવા માંડે છે. જયારે પણ તમને કોઈની હાજરીમાં આવો અનુભવ થાય તો, રજ માત્ર પણ શંકા રાખ્યા વગર જાણી લેજો કે તમે એક ખરા ગુરુની એકદમ નજીક ઉભા છો.

તમારે ગુરુની શોધ માટે નીકળવું પડતું નથી. જયારે તમે તમારો અભ્યાસ પૂરી પ્રામાણિકતા સાથે કરી રહ્યા હોવ, જયારે તમે તમારા માર્ગે પૂરી પ્રામાણિકતા સાથે ચાલી રહ્યા હોવ છો, ત્યારે પ્રકૃતિ પાસે તમારા માટે સાચા ગુરુને પ્રગટ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. જો તમને ગુરુની હાજરીમાં ગ્લાની, ગુસ્સો, પસ્તાવો કે બેચેનીનો અનુભવ થાય તો તેનાં ફક્ત બે જ અર્થ થાય છે: એક, કાં તો ગુરુ છે તે ઢોંગી છે, અથવા તો બીજું, તમે એમનાં માટે હજી તૈયાર નથી.

સૌથી પ્રથમ, તો તમારા ગુરુ માટે પરાણે પૂજ્ય ભાવ અનુભવવાનું તમારા ઉપર બિલકુલ દબાણ ન કરો. સમર્પણ કે સ્વીકારને ક્યારેય લાદી શકાતા નથી; કાં તો તમે તે અનુભવો છો કાં તો નથી અનુભવતા, કાં તો તમે તેને તૃટક તૃટક અનુભવો છો. જે પણ રીતે હોય, તે એકદમ બરાબર બાબત છે. જયારે તે પૂજ્ય ભાવ અંદરથી નથી આવતો ત્યારે તમારી જાતને થોડો સમય આપો કાં તો પછી તમારા માટે બીજા ગુરુ શોધો. શ્રદ્ધાને અંધ હોવાની જરૂર નથી.

એક ઉજળા રવિવારે, એક પ્રવચન પત્યાં પછી, શ્રોતાગણમાંથી ઘણાં બધા લોકો તે ગુરુને પોતાની શંકાના નિવારણ માટે કાં તો તેમને અભિનંદન આપવા માટે મળવા માટે જાય છે. એક માણસ ગુરુનો આભાર માને છે અને કહે છે, “આ પ્રવચન માટે તમારો ખુબ આભાર. પ્રથમ તો મને મનમાં ફક્ત શંકા માત્ર હતી પરંતુ હવે હું પૂરી દ્રઢતા સાથે કહી શકું છું કે તમે આઇન્સ્ટાઇન કરતાં પણ વધુ હોશિયાર છો.” ગુરુ પોતે ગૌરવપૂર્ણ સ્મિત કરતાં પોતાની આ સૌથી મહત્વની પ્રશંસા બદલ તેનો આભાર માન્યો.

પછીના થોડા દિવસો સુધી તેમને આ શબ્દો ઉપર વિચાર કર્યો અને પોતે ખુબ જ વ્યગ્ર થઇ ગયા. ખરેખર પેલાં વ્યક્તિનો આ કહેવાનો શું અર્થ હતો? તેમને લાગ્યું. તે પોતાની નોંધપોથી જોવા લાગ્યા કે પોતે તે દિવસે એવી તો શું ગહન વાતો કરી હતી કે કોઈને પોતે આઇન્સ્ટાઇન કરતા પણ વધુ હોંશિયાર લાગ્યા હોય. જયારે તેમને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેમને તે જિજ્ઞાસુને જ ફરી પૂછી જોવાનું નક્કી કર્યું.

બીજા રવિવારે તેમને તે જ વ્યક્તિને શ્રોતાઓમાં બેઠેલો જોયો. તેમને તે વ્યક્તિને પૂછ્યું કે શું તેને યાદ છે તેને પોતે તેમને ગયા અઠવાડિયે શું કહ્યું હતું. “બિલકુલ યાદ છે મને,” પેલાં એ કહ્યું.
“હું આઇન્સ્ટાઇન કરતાં પણ વધારે હોંશિયાર છું એવું કહેવા પાછળનો તારો ખરો અર્થ શું હતો?”
“વારુ, હે પૂજ્ય,” પેલાં માણસે જવાબ આપ્યો, “એવું કહેવાય છે કે આઇન્સ્ટાઇન એટલો હોંશિયાર હતો કે સમગ્ર દુનિયામાં ફક્ત દસ માણસો જ તેને સમજી શક્યાં હતાં. પરંતુ તમને તો કોઈ સમજી શકતું નથી.”

જો તમારા ગુરુ ખુબ જ રહસ્યમય હોય તો તેમને પોતાને જ એ ખબર નથી હોતી કે પોતે શું બોલી રહ્યા છે. સત્ય હંમેશા ખૂબ જ સરળ હોય છે, ફક્ત જુઠ જ જટિલ હોય છે. જો તમે મહાન ગુરુઓનું, મહાન સાક્ષાત્કારીઓનું જીવન ચકાસશો તો તમને જણાશે કે તેમને એટલી સરળ ભાષામાં ઉપદેશ આપેલો હોય છે કે તેને એક નાનું બાળક પણ સમજી શકે. આવી સરળતા ફક્ત અનુભવમાંથી, સચ્ચાઈમાંથી જ આવતી હોય છે.

જયારે ગુરુઓ તમારા માટે કોઈ સાર્થક વાત ન કરી રહ્યા હોય, તો શક્ય છે કે તેઓ બિલકુલ અર્થપૂર્ણ વાત નથી કરી રહ્યા. તેનો અર્થ એ નથી કે તમારે ગુરુ સાથે સહમત કે અસહમત થઇ જવું, પરંતુ, ઓછાનામે, તેમનાં શબ્દો તમારી સમજણની સીમાની અંદર હોવા જોઈએ.

અને, જયારે તમને કોઈ ખરા ગુરુ મળી જતાં હોય છે કે જે પોતાનાં ઉપદેશને પોતે જીવતાં હોય, ત્યારે તેમની હાજરી તમારા હૃદયની આરપાર ઉતરી જતી હોય છે, તેમનો ઉપદેશ તમને સમગ્રપણે બદલી નાખે છે, તેમનાં શબ્દો તમને દિવ્ય હોવાનો અનુભવ કરાવે છે. આવા ગુરુને પકડી રાખજો, આવા ગુરુની હાજરી, એક એક વિતતી રહેતી ક્ષણમાં, તમને હંમેશા વધુને વધુ ઉંચે ઉઠાવતી રહેતી હોય છે. પછી તમે તમારા પોતાનાં જ વિચારોમાં તમારી પોતાની જ મહાનતાને, સુંદરતાને, અને ભવ્યતાને અનુભવો છો. અને ત્યારબાદ ચોક્ખા થયેલાં પૂનમનાં ચંદ્રની જેમ તમે મૃદુતાથી ચમકો છો; અને ગુરુ-શિષ્ય બન્ને એકબીજાનાં સમપૂરક જેવા રહીને સહ-અસ્તિત્વ ધરાવે છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email