એક વખત એક મુસાફર ખુબ જ ઉદાસ અને પરેશાન એવો પોતાની દુનિયામાં ખોવાયેલો એક જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. તેને પોતાનું આખું જીવન સંઘર્ષમય રહ્યું હોય તેવું લાગતું હતું. પોતે ગમે તેટલી મહેનત કેમ ન કરી હોય, પણ જીવનમાં તેને યાતનાઓ જ મળ્યે રાખી હતી. તેનાં મિત્રો, તેનાં સહકર્મચારીઓ, તેનાં ભાઈ-બહેનો, દરેકજણ આગળ પ્રગતિ કરી ગયા હતાં, જયારે પોતે જ્યાં હતો ત્યાં નો ત્યાં જ રહી ગયો હતો. તેને પોતાને એવું લાગી રહ્યું હતું કે બીજા બધા લોકો ભાગ્યશાળી હતાં જયારે પોતે ઢસરડા કરીને પરસેવો પાડવા માટે જ જન્મ્યો હતો.

તે પોતે જંગલ નાં એક જાદુઈ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો, પણ પોતે તેનાંથી બિલકુલ અજ્ઞાત હતો. એક વિશાળ વૃક્ષ, ખુબ જ ભવ્ય, અતિ સુંદર, જેને અવગણી ન શકાય તેવું, વચ્ચોવચ્ચ ઉભું હતું – જાણે કે તે ખુબ જ રસપ્રદ અને આવકારનારુ ન હોય! આ કલ્પતરુ – ઈચ્છાપૂર્તિ કરનારું વૃક્ષ હતું. તે પોતે વૃક્ષના મૂળ પાસે છાયાં નીચે બેઠો. તરત તેને તરસ લાગી. “કાશ એક પ્યાલો શીતળ જળ મળી જાય તો કેટલું સારું,” તેને વિચાર્યું. અને આ શું! એક શીતળ જળનો પ્યાલો હવામાં ઉત્પન્ન થઇને તેની સામે આવી ગયો!!

તે તો તરત તે ગટગટાવી ગયો, પણ હવે તેને ભૂખ પણ લાગી હતી. તેને ખોરાકનો હજી તો વિચાર માત્ર જ કર્યો હશે કે કે સામે એક શાનદાર ભોજનનો થાળ હાજર થઇ ગયો! તેને પોતાની જાતને એક ચુટલો ભરી જોયો એ ખાતરી કરવા માટે કે પોતે કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને! તેને એક આરામદાયક બિસ્તરનો વિચાર કર્યો અને તેની એ ઈચ્છા પણ પૂર્ણ થઇ ગયી. મુસાફરને ખબર પડી ગયી કે પોતાને તો હવે એક મોટું ઇનામ લાગી ગયું છે. અને પોતે જે વિચારે તે બધું હકીકતમાં થઇ રહ્યું હતું. તેને પોતે પોતાનાં માટે ઘર, નોકર-ચાકર, બગીચો, જમીન, સંપત્તિની ઈચ્છા કરી અને બધું જ તેની નજર સામે ઉપસ્થિત થવા લાગ્યું.

તેનાં મનમાં એ લાગવા માંડ્યું કે આખરે તો પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. કે, આ વૃક્ષ ખરેખર તેની ઈચ્છાની પૂર્તિ કરી રહ્યું હતું, કે પોતાનાં દરેક વિચારો ખરા સાબિત થઇ રહ્યા હતાં. તેને આ બધું ખોઈ બેસવાનો ડર સતાવવા લાગ્યો, અને હજી એ જ નકારાની માનસિકતામાં, તેને વિચાર્યું, “ના, આ સત્ય ન હોઈ શકે. હું આ બધાને લાયક નથી. હું એટલો બધો નસીબદાર હોઈ જ શકતો નથી. આ તો કોઈ સ્વપ્ન જ હોવું જોઈએ.”

અને આ શું! બધું જ ક્ષણભરમાં અદ્રશ્ય થઇ ગયું. તેને આજુબાજુ જોયું તો ઘનઘોર જંગલ માત્ર હતું. કેટલાંક કલાકો ક્યારનાય પસાર થઇ ગયા હતાં. અંધારું થઇ રહ્યું હતું; તેનાં મનમાં એક ડર લાગવા લાગ્યો. “હું આશા રાખું કે આજુબાજુમાં કોઈ સિંહ ન હોય, નહીતો મને જીવતો ખાઈ જશે,” તેને વિચાર્યું.

અને તરત ત્યાં એક સિંહ આવ્યો અને તેને ખાઈ ગયો.

આ બોધકથા દરેકજણની વાર્તા છે. આપણે બધા જંગલમાંથી પસાર થઇ રહ્યા છીએ અને એ વિચારતા હોઈએ છીએ કે જીવન શું હોઈ શકતું હતું અને શું હોવું જોઈતું હતું. આવું કરવામાં, આપણને એ વાતનો ખ્યાલ જ નથી રહેતો કે આપણી દુનિયા ખરેખર પહેલેથી જ કેટલી જાદુઈ છે.

તમે એક રહસ્યમય જીવન-વૃક્ષની નીચે આરામ કરી રહ્યા છો, કોઈ વખત તો તમને ખબર પણ નથી હોતી કે તે તમારી ઈચ્છાઓને પૂરી કરી રહ્યું હોય છે, કે તમારા પોતાનાં સ્વપ્નાંઓ સાચા પડી રહ્યાં હોય છે, કે બ્રહ્માંડ તમને સતત સાંભળી રહ્યું હોય છે. અને આ શ્રોતાની સુંદરતા એ છે કે તે બિલકુલ આલોચનામુક્ત થઇને સાંભળે છે. તે તમારી સારી અને ખરાબ ઈચ્છાની વચ્ચે કોઈ ભેદ નથી રાખતું. તમે કોઈ વાત પર લાંબો સમય વિચાર કર્યા કરો, તો તેનો બ્રહ્માંડમાં સ્વીકાર થઇ જાય છે અને કુદરતી શક્તિ તેનો તમારા જીવનમાં સાક્ષાત્કાર કરવામાં માટે કામે લાગી જાય છે.

જો તમારા પ્રયત્નોને પ્રામાણિક માની લઈએ, તો તમારી ઈચ્છાની તીવ્રતા અને તમારા વિચારોની શુદ્ધતા આ બે એવાં મુખ્ય પરિબળો છે કે જે નક્કી કરે છે તમારી ઈચ્છા કેટલી વહેલી પૂરી થશે. વિચારોની શુદ્ધતા દ્વારા હું કઈ નૈતિકતાની બાબતે વાત નથી કરી રહ્યો, હું તો ફક્ત તમે કેટલાં તમારી ઈચ્છા માટે એકનિષ્ઠ છો તેની વાત કરી રહ્યો છું. જો તમારા મનમાં એકીસાથે ઘણી બધી ઈચ્છાઓ ચાલી રહી હશે, તો એ ફક્ત નર્યો ઘોંઘાટ જ હશે. એક સમયે ફક્ત એક વસ્તુ.

સૌથી મહત્વની વાત એ છે કે જયારે તમે કોઈ બાબતમાં વિશ્વાસ નથી ધરાવતાં, ત્યારે બ્રહ્માંડ પણ તે બાબતમાં વિશ્વાસ નથી કરતુ. પરંતુ જો તમે તમારા ધ્યેય, સ્વપ્નાંઓમાં, ઈચ્છાઓમાં અને આશાઓમાં વિશ્વાસ રાખતા હશો તો બ્રહ્માંડ પણ તેમાં વિશ્વાસ રાખશે. વૈદિક ગ્રંથોમાં ભારે આગ્રહ સાથે આ વાત કહેલી છે અને તાર્કિક રીતે પુરવાર પણ કરેલું છે કે આપણે બિલકુલ બ્રહ્માંડની પ્રતિકૃતિ જેવાજ બન્યા છીએ. આપણે એક લઘુબ્રહ્માંડ છીએ અને બહાર છે તે એક ગુરુબ્રહ્માંડ. જે કઈ પણ તમે બહારના વિશ્વમાં હકીકત થાય એમ ઇચ્છતાં હોય તો સર્વપ્રથમ તમારે તેને તમારા આંતરિક વિશ્વમાં પ્રગટ કરવાનું શીખવું પડશે – અને તે પણ એક દ્રઢ વિશ્વાસ અને પૂરી પ્રામાણિકતા સાથે.

જો તમે ધૈર્યવાન, ખંતીલા, અને હકારાત્મક રહેવાનું પસંદ કરશો તો તમે મોટાભાગે દરેક વસ્તુને પ્રાપ્ત કરી શકશો. જો કે મારે તમને એક ચેતાવણી આપવી પડશે: જો તમે કોઈ વિશેષ વ્યક્તિને તમારા જીવનમાં કોઈ અમુક ચોક્કસ રીતે પ્રાપ્ત કરવા માટે ઇચ્છતાં હશો તો ત્યાં આગળ આ કુદરતનો નિયમ કામ નથી કરતો. દાખલા તરીકે જો તમારે પ્રેમ જોઈતો હશે, તો તે તમને મળશે, પણ એ જરૂરી નથી કે તે પ્રેમ તમે જે વ્યક્તિ તરફથી ઇચ્છતાં હો તેનાં તરફથી જ મળે. એવું કેમ? કારણકે તેઓ પણ પોતાની ઇચ્છાઓ અને વિચારોને બ્રહ્માંડમાં વહાવી રહ્યા હોય છે, અને જો તેમની ઇચ્છાઓ અને વિચારો વધારે તીવ્ર અને સાતત્યપૂર્ણ હશે, તો બ્રહ્માંડે તેને સૌથી પહેલાં સાંભળવા પડતાં હોય છે.

તમારા ડર, વિચારો, ઇચ્છાઓ, અપેક્ષાઓ, સ્વપ્નાઓ, અને આશાઓ – તે એક વિચારમાંથી ઉત્પન્ન થતાં હોય છે. અને તમે આમાંથી જેને પણ વળગી રહો છો તે અંતે પ્રગટ થતું હોય છે.

ક્યારેય એવું ના વિચારો કે તમે જીવનમાં સારી વસ્તુઓને મેળવવાને લાયક નથી, ક્યારેય એવું ના માનશો કે તમે કશું હાંસિલ નહિ કરી શકો, કારણકે, જો તમે એવું વિચારવા લાગશો, તો પછી તમે કુદરત માટે તમારો વિશ્વાસ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી છોડી રહ્યાં. તમારા સ્વપ્નાંઓને હકીકત થવા દો; તમારા ભયને બદલે તમારી આશાઓને એક મોકો આપો, તમારી દ્રઢ ધારણાઓને તમારી શંકાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા દો.

તમે ખુશ રહેવાને લાયક છો, તમે જીવનને જીવવાને લાયક છો, તમે અહી આ જાદુઈ માર્ગે ચાલવાને લાયક છો, તમે જીવનની ઉજવણી કરવાને લાયક છો. અને આ કોઈ પ્રેરણાદાયી વાક્ય નથી, પરંતુ મારી દ્રઢ માન્યતા છે. વાસ્તવમાં, આ સ્વામીની જીવન જીવવાની રીત છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email