મહામુદ્રાનાં નવ સ્તરો મેં ગયા લેખમાં વર્ણવેલી ધ્યાનની નવ પરિસ્થિતિઓ સમાન જ છે. હું જેટલાં મહત્વકાંક્ષી યોગીઓને અને ગંભીર સાધકોને મળું છું તેટલી વાર મને એવું લાગ્યું છે ધ્યાન વિશેની ગેરસમજણો કેટલી મોટી છે. પણ મને સૌથી વધારે દુ:ખ એ વાતનું થતું હોય છે, કે મોટાભાગે તેમાં જે સાધક-ઈચ્છુક છે તેનો વાંક નથી હોતો. વાંક હોય છે શિક્ષકનો, ગુરુનો.

મોટાભાગે જે ઈચ્છુક હોય છે તેમને માર્ગદર્શન કરવા વાળા એવાં શિક્ષકો હોય છે કે જે કશું પ્રમાણ આપી શકતા હોતા નથી. આવા શિક્ષકો પોતે ક્યારેય ધ્યાનનાં ઊંડાણમાં ગયા હોતાં નથી અને ફક્ત પુસ્તકિયા જ્ઞાન ઉપર પ્રભુત્વ મેળવેલ હોય છે, અને હવે પોતાનાં આ ઉછીના જ્ઞાનના આધારે બીજા લોકોનું માર્ગદર્શન કરતાં હોય છે. આજે, હું ટૂંકમાં પ્રખર શાંતિના નવ સ્તરો ઉપર વાત કરીશ અને બે અઠવાડિયા પહેલાં આપણે જે પ્રશ્ન ઉઠાવ્યો હતો: “કે આખરે અંતિમ મુકામ પર પહોંચવા માટે કેટલાં મોટા પ્રયત્નની જરૂર પડે છે?” તેનો પણ જવાબ આપીશ.

જો તમે કાળજીપૂર્વક આજનાં આ લેખમાં બતાવેલા ઉપરોક્ત ચિત્રનો અભ્યાસ કરશો, તો તમને ત્રણ શિલ્પકૃતિઓ દેખાશે, એક સંન્યાસી, એક હાથી અને એક વાનર. વધુમાં, સંન્યાસીના હાથમાં એક ફંદો અને અંકુશ દેખાય છે. સંન્યાસી એ ધ્યાન કરવા માટે ઈચ્છુક સાધકનું પ્રતિનિધિત્વ છે કે જે ધ્યાનના એક વંટોળીયા માર્ગે ચાલી રહ્યો છે, જ્યાં ક્યારેય બે દિવસ એક સમાન નથી હોતા. કોઈ દિવસે તમને સારું ધ્યાન લાગી જાય અને બીજા દિવસે તેનાંથી એકદમ વિપરીત થતું હોય છે. હાથી છે તે મંદતાનું પ્રતિક છે અને વાનર છે તે ચંચળતાનું. ફંદો અને અંકુશ છે તે ધ્યાનમાં રહેલી સતર્કતા અને જાગૃતિના પ્રતીકો છે.

પ્રથમ સ્તરમાં, સાધક એક તોફાની સમુદ્રમાં ડગુમગુ થતી નાવ જેવો હોય છે. તેનો મન ઉપર બિલકુલ કાબુ હોતો નથી. આ સ્તરમાં તમારું ધ્યાન વિચારોનો પ્રવાહ તમને જ્યાં લઇ જાય ત્યાં જઈને અટકે છે. વાનર અને હાથી ધ્યાનનો સતત ભંગ કરે છે અને સાધક છે તે આ બન્નેને કાબુ કરવા માટે સતત સંઘર્ષ કરે છે.

બીજા સ્તરમાં, હાથી અને વાનર ઉપર એક સફેદ દાગ દેખાય છે. જે પ્રગતિ બતાવે છે. તેનો અર્થ છે કે સાધક હવે થોડા સમય માટે જયારે તેનું મન વિચારોથી વેગળું હોય ત્યારે ગુણવત્તા વાળું ધ્યાન કરી શકે છે. એક ધ્વજનો વિચાર કરો કે જે જયારે પવન ફૂંકાય ત્યારે ફરકતો હોય છે. જો પવન નહિ હોય તો તે ફરકશે પણ નહિ. એજ રીતે, મન આ સ્તરમાં થોડી વાર માટે સ્થિર હોય છે, પણ જેવો વિચારોનો પવન ફૂંકાવા લાગે કે તરત જ જાગૃતિની સ્થિરતામાં વમળો સર્જાવા લાગે છે.

ખંતીલો સાધક ત્રીજા સ્તરે પહોંચી શકે છે અને આ પોતાની રીતે એક મહત્વની પ્રગતિ કહી શકાય. હવે તેઓ ધ્યાનમાં આવતી મંદતાને ઓળખી શકે છે. ચિત્રમાં આ વાત હાથી પર મોટા સફેદ દાગથી અને તેને દોરડીનાં ફંદાથી બાંધીને બતાવ્યું છે. આ સ્તરમાં ચંચળતા અને ભટકતા વિચારો એ હજી પણ એક મોટી ચુનોતી હોય છે.

ચોથા અને પાંચમાં સ્તરમાં, જયારે સાધકે પોતાનાં મનની ચંચળતા અને મંદતાને નાથવાનો હજી માત્ર વધારે પ્રયત્ન કરેલો જ હોય છે કે ત્યાં વળી પાછી એક નવી જ ચુનોતી હાજર થઇ જાય છે. હવે તમને એક સસલું હાથી પર સવાર થયેલું જોવા મળે છે. આ શાંત અવસ્થાને દર્શાવે છે જે સાધકને એક પ્રકારની આળસ અને ઢીલાપણાનો અનુભવ કરાવડાવે છે. મોટાભાગે, ઘણાં સાધકો કે જેમને થોડી માત્રામાં પણ આવી શાંતિનો અનુભવ થયો હોય છે કે તે તરત તેને અંતિમ આનંદનું સ્તર ગણી લેવાની ભૂલ કરી લેતાં હોય છે.

છઠ્ઠા સ્તરમાં, સાધક વાનર અને હાથી બન્નેને દોરી જતો હોય એવું દર્શાવે છે, પરંતુ બન્ને પ્રાણી હજી સંપૂર્ણપણે સફેદ રંગના નથી થયા. એનો અર્થ સાધકે તેમને મોટાભાગે તો કાબુમાં મેળવી લીધા છે, તે તેમને હવે દોરી પણ શકે છે, તેમ છતાં, હજી ત્યાં આતુરતા અને ભાવશૂન્યતાની લાગણી રહેલી હોય છે જે સાધકનું ધ્યાનભંગ કરી શકે છે.

સાતમાં સ્તરમાં હાથી સંપૂર્ણપણે સફેદ છે અને વાનર સાધકનાં પગ પાસે બેસી રહે છે. તે દર્શાવે છે કે સાધકે હવે ધ્યાનની કલાને બરાબર હસ્તગત કરી લીધી છે. તે સ્પષ્ટ જાગૃતિની અવસ્થાનો અનુભવ કરે છે પરંતુ વાનરની હાજરી બતાવે છે કે સાધકને હજી પણ આતુરતા અને બેચેનીની લાગણીનો અનુભવ થવાની શક્યતા છે. એક શાંત સરોવરની કલ્પના કરો કે જેમાં એકાદ નાનકડો કંકર પણ વમળો પેદા કરી શકે છે.

આઠમાં સ્તરમાં, હવે વાનર નથી. ચંચળતા હવે બિલકુલ અદ્રશ્ય થઇ ગયી હોય છે સાધક માટે આ એક સતત આનંદનું સ્તર તેને નિરંતર શાંતિની અવસ્થામાં રાખે છે. પણ, કોઈવાર, આ આનંદના સ્તરમાં, જાગૃતિની સ્પષ્ટતા ખરાબ રીતે અસર પણ કરી શકે છે. નશાની અસર હેઠળ હોય એવી વ્યક્તિની કલ્પના તમે કરી શકો છો. આ સ્તરે, હજી સાધક આનંદની અવસ્થાથી ઉપર કેમ ઉઠવું તે શીખ્યો હોતો નથી.

નવમાં સ્તરમાં, સાધક સફેદ હાથી સાથે નીચે બેસેલો છે. આનંદ હવે તેનો સૌથી નજીકનો સાથી બની ગયો હોય છે અને હવે તે આનંદ દુન્વયી કોઈ પણ પ્રવૃત્તિ સાથે ખલેલરૂપ નથી બનતો. દરેક પ્રકારનાં માનસિક અને લાગણીકીય સંઘર્ષો બંધ થઇ જાય છે, વિચારોનું યુદ્ધ બંધ થઇ જાય છે અને હવે ધ્યાન કરવામાં સાધકને કોઈ પ્રયત્નની જરૂર પડતી હોતી નથી. સાધક પોતે જ એક ધ્યાન બની જાય છે.

તેનાંથી ઉપરનાં સ્તરોમાં હવે સાધક હાથી પર સવાર છે. તે અસ્તિત્વનું એક બીજું પરિમાણ બતાવે છે. સાધક હવે આનંદમાં સ્થિત એવો શાસ્વતપણે શાંત રહે છે. આંતરિક કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કે તણાવ અહી બિલકુલ અદ્રશ્ય થઇ જાય છે. સાધક હવે ધ્યાનની પણ પેલે પાર પહોંચી ગયો હોય છે. બુદ્ધે એકવખત કહ્યું હતું, “જે એક વસ્તુની હકીકત જાણે છે તે બધી જ વસ્તુઓની હકીકત જાણી લે છે.” આ વાત હવે આ સ્તરમાં રહેલાં સાધકને લાગુ પડે છે.

શું કોઈપણ આ સ્તરે પહોંચી શકે ખરું? હા, જરૂર. તેનાં માટે શું જરૂરી છે? ઈચ્છા, ખંત, અને સમય; અમર ઈચ્છા, લગાતાર નિષ્ઠુરપણે ચાલતી ખંત અને ઘણો જ બધો સમય. ચાલો હું તમને એક વિસ્તૃત માર્ગદર્શન આપું: દરેક સ્તરને પાર કરવા માટે ૧૫૦૦ કલાકના ગુણવત્તા વાળા ધ્યાનની જરૂર પડે છે.

એક શિસ્ત અને ગુણવત્તાપૂર્ણ પ્રયત્નોથી તમે તે ગાળો ૧૨૦૦ કલાક સુધીનો કરી શકો છો અને એક સાચી દીક્ષા અને માર્ગદર્શનથી તમે તેને હજી થોડો નીચે દરેક સ્તર માટે ૮૦૦ કલાક સુધીનો લાવી શકો છો.

તો તમને કોણ દીક્ષા અને માર્ગદર્શન આપી શકે? ટેબલની સામેની બાજુ પર બેઠેલ વ્યક્તિ ફક્ત પ્રખર વકતા જ નથી કે પછી કોઈ નીમ હકીમ કે કપટી નથી પરંતુ એક પ્રામાણિક સાધક છે તે કેવી રીતે ખબર પડે? ફરી કોઈ વખત જોઈશું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email