પંદર વર્ષ પહેલાં, હું ઓસ્ટ્રેલિયામાં એક મલ્ટી-બિલિયન ડોલર મીડિયા કંપનીની ટેકનોલોજી ટીમનો લીડર હતો. મેં હમણાં હમણાં જ આ નવી જવાબદારી લીધી હતી અને નવા સોફ્ટવેરમાં અમુક પ્રશ્ન હતો જેનાંથી તેનો ઉપયોગ કરનારાઓ ઉપર અને અમારી કંપનીની રકમ ઉપર અસર પડતી હતી. ટેકનોલોજી લીડરના નાતે આ મુદ્દાનો ઉકેલ લાવવાની જવાબદારી મારી બનતી હતી. અમે ઘણાં તકનીકી તજજ્ઞોને બીજી કંપનીઓમાંથી બોલાવી જોયા પણ કોઈ આ પ્રશ્નનાં કારણ તરફ અંગુલીનીર્દેશ ન કરી શક્યું. અઠવાડિયાઓ પસાર થઇ ગયા અને આ દિશામાં અમારી કોઈ પ્રગતી નહોતી થઇ. એક સમયે, વિચારમગ્ન અને આત્મ-વિશ્લેષણ કરતો હું મધ્યરાત્રીએ ઘેર પહોંચ્યો. હું બાથરૂમમાં સ્નાન કરવા ગયો અને મને અચાનક પ્રભુપ્રકાશ થયો હોય એવું લાગ્યું. મને અચાનક લાગ્યું કે આ ક્ષતિને હું સુલઝાવી શકું છું. મને તરત કાર્યાલયે જવાનું મન થયું થોડું સુઈને હું તરત જ કામ પર જવા નીકળ્યો.કામ પર, સવારની વહેલી પહોરે એકદમ નીરવ શાંતિ હતી. મેં મારું કમ્પ્યુટર ચાલુ કર્યું, અને જે ફિક્સ હતો તે રન કર્યો અને આહ, તેનાંથી તો કામ થઇ ગયું. હું અમારી જે વર્ઝન કંટ્રોલ સિસ્ટમ હતી તેને અવગણીને, સ્ટેજીંગ સર્વર (કે જ્યાં અમે અમારો સોફ્ટવેર દુનિયા ભરમાં પ્રાપ્ય કરતાં પહેલાં તેનાં માટેની બીઝનેસ માટેની મંજુરી લેવા માટે મુકતા) ઉપર સુપર યુઝર તરીકે લોગ-ઇન થયો. અને મેં વર્તમાન ડિરેક્ટરીને ક્લીન-અપ કરવા માટે એક કમાંડ ઇસ્યુ કર્યો કે જેથી કરીને હું નવો કોડ ત્યાં કોપી કરી શકું. હું ખુબ જ ખુશ હતો એવી કલ્પના કરીને કે સવારમાં એક્ઝીક્યુટીવ ટીમ જયારે કામ પર આવશે ત્યારે કેટલી ખુશ થશે એ જાણીને કે જે પ્રશ્ન હતો તે સુલઝાઈ ગયો છે. એક સરળ ફિક્સ કામ કરી ગયો જ્યાં હજારો ડોલર ખર્ચો કર્યા પછી પણ કઈ થઇ શક્યું નહોતું.હવે અહી એક નાનકડો પ્રશ્ન હતો; જયારે મેં સર્વર ઉપર જે કમાંડ ચાલુ કર્યો ત્યાર બાદ મને મારી ભૂલની અનુભૂતિ થઇ. મેં એક એવો કમાંડ આપ્યો હતો કે જે મૂળ ફાઈલથી લઈને બધું જ ડિલીટ કરતુ હતું (સીસ્ટમ ફાઈલ સહીત બધું જ). તેને તો અસરકારક રીતે આખું સર્વર ફોર્મેટ કરી દીધું. જરા કલ્પના કરો કે તમારો ઈરાદો ફક્ત તમારા ઓરડાની લાઈટ બંધ કરવાનો હોય અને તેમ કરવા જતાં તમે તમારા આખા શહેરની વીજળી ગુલ કરી બેશો તો કેવું લાગે. મેં જે કર્યું હતું તે તો તેનાંથી પણ ક્યાંય વધારે ખરાબ હતું – મેં તો આખું વીજળી મથક જ ઉડાડી દીધું હતું.

આનાથી હાર્ડવેર ટીમને ચાર દિવસ લાગ્યા સર્વરને પુન:સ્થાપિત કરતાં, કેમ કે, પાછું ટેપમાં લીધેલ બેક-અપમાં પણ પાછો કોઈ પ્રશ્ન હતો. હું ખુબ જ લજ્જિત હતો. મારી ભૂલને વ્યાજબી સાબિત કરવાનાં મારી પાસે ઘણાં બધા બહાના હતાં – અપૂરતી ઊંઘ, કામનું દબાણ, હાસ્યાસ્પદ લાગે તેટલાં કામ કરવાનાં કલાકો, મૂળ પ્રશ્નમાં રહેલી રહસ્યમય એવી ખામી, નેટવર્કિંગ ટીમની કમીઓ વિગેરે, પરંતુ તે બિલકુલ બહાનાઓ જ હતાં. મેં એમાંથી એક પણ આગળ ન  ધર્યું. મેં ફક્ત દરેક સ્ટેકહોલ્ડરની માફી માંગી. કારણ કે, સત્ય તો એ જ હતું, કે મેં એક આર્થિક રીતે બહુ મોટી કહેવાય એવી ભૂલ કરી હતી. સદનસીબે, બધું જ અંતે સારું થઇ ગયું. બે મહિના પછી, મને એક ખુબ ઉંચો પગાર વધારો મળ્યો; અને જેમાનું એક કારણ તેમને મને કહ્યું હતું તે એ હતું કે “કરેલી ભૂલનો સ્વીકાર કરવાની હિંમત, તેને સરખી કરવાની તેમજ તેમાંથી કઈક શીખવાનું વલણ”

ભૂલ થઇ જવી એ બિલકુલ માનવસ્વભાવ છે; આપણે બધા જ ભૂલો કરતાં હોઈએ છીએ. પરંતુ તે જો કે તેનું પુનરાવર્તન કરવા માટેનું કોઈ વ્યાજબી કારણ નથી બની જતું. અને આપણને આપણી ભૂલનું ભાન થયું છે તે બતાવવા માટેના આપણી પાસે ફક્ત બે જ રસ્તાઓ છે: પ્રથમ તો એ કે તેનું પુનરાવર્તન નહિ થવા દઈને, અને બીજું છે પ્રામાણિકપણે તે ભૂલ બદલ માફી માંગીને. જે બીજો મુદ્દો છે તે મારો આજનો મુખ્ય વિષય છે, કે, માફી કેવી રીતે માંગવી? સાચી રીતે માફી કેમ માંગવી? એ નથી તો કોઈ કલા કે નથી કોઈ કુશળતા. એ ફક્ત કુદરતી અને સચ્ચાઈપૂર્ણ હોવા વિષેની વાત છે. જયારે આપણે ખરેખર આપણે કરેલા કાર્ય વિષે પસ્તાતા હોઈએ ત્યારે સાચા શબ્દો આપોઆપ બહાર આવી જતાં હોય છે અને માફી માંગવાનું સરળ બની જતું હોય છે.

માફી વિશ્વાસનું પુન:સ્થાપન કરે છે. એવું કહીને કે મારાથી એકવાર તમારે નીચા જોવું પડે એવું કામ થઇ ગયું છે, પણ તમે મારા ઉપર વિશ્વાસ રાખી શકો છો કે હું તમને ફરી વાર આવી પરિસ્થિતિમાં નહિ મૂકું. જયારે આપણાથી ભૂલ થાય છે ત્યારે તેનાંથી સામે વાળા માણસનો વિશ્વાસ હલી જાય છે. મોટી મોટી હકારાત્મક લાગણીઓ ફક્તને ફક્ત વિશ્વાસ ઉપર ટકેલી હોય છે. દાખલા તરીકે, જયારે તમે કોઈને પ્રેમ કરતાં હોવ છો, ત્યારે તમે તે વ્યક્તિ તમને જેવી લાગતી હોય તેનાં આધારે કે પછી તે વ્યક્તિ પોતાને જેવા બતાવતી હોય તેનાં આધારે તેનાં ઉપર વિશ્વાસ કરતાં હોવ છો. પણ, જયારે તેઓનું વર્તન તેનાંથી વિરુદ્ધનું હોય ત્યારે તમારા વિશ્વાસનો ઘાત થાય છે. અને આ ધોખો તમને દુઃખ આપે છે અને તમને દર્દનો અનુભવ થાય છે અને તેનાંથી તમારા બીજી વ્યક્તિ માટેના પ્રેમ અને લાગણી ઉપર પણ અસર થતી હોય છે.

જો તમે ભૂલોનું પુનરાવર્તન કરવાની જ યોજનાઓ બનાવતાં હોવ તો તમારી માફી ક્યારેય પ્રામાણિક નહી હોય. એક ફૂટલાં ઘડાનો વિચાર કરો. જો તમે કાળજી વાળા અને ધૈર્યવાન હશો તો તમે તે ઘડાને એક વાર સમો કરી પણ દેશો પણ ફરી એકવાર તેને ભાંગશો તો હવે તેને સરખું કરવાનું કામ ખુબ જ અઘરું થઇ જવાનું, લગભગ અશક્ય. એજ રીતે, જયારે તમે કોઈનો વિશ્વાસભંગ કરતાં હોવ છો ત્યારે એ કદાચ તમને એકવાર માફ કરી શકે પણ જો તમે તેનું પુનરાવર્તન કરો તો હવે તમે વ્યાજબીપણે એવી અપેક્ષા ન રાખી શકો કે તેઓ તેને ભૂલી જાય અને પાછળ મૂકી દે. માટે, માફી જો અપ્રમાણિક હશે તો તે અર્થહીન છે. તો પ્રામાણિક માફી એટલે શું, તમે કદાચ પૂછશો.?

પ્રામાણિક માફી ત્યારે જ કહી શકાય જયારે તમે તમારા વાંકને ફરીથી દોહરાવા નહિ દેવા માટે જો કટિબદ્ધ હશો તો, જયારે તમે કોઈ પણ પ્રકારનું બહાનું નહિ કાઢો, કે તે ભૂલને ઉચિત ઠરાવવાનો પ્રયાસ નહિ કરો, જયારે તમે તમારા કર્મની સંપૂર્ણપણે જવાબદારી લેતાં હશો અને તમે આમ એક પશ્ચાતાપની લાગણી સાથે જો કરતાં હશો તો. પસ્તાવાની લાગણી વગરની માફી એક અર્થહીન કવાયત છે. હકીકતમાં તો, એનાંથી સામે વાળી વ્યક્તિને વધારે તકલીફ કે દુ:ખ થતું હોય છે. ઘણીવાર લોકો કહેતાં હોય છે કે, “હું માફી માંગું છું, પણ મને એવું લાગ્યું અને તેવું લાગ્યું…”, અથવા તો , “હું માફી માંગું છું પણ મારું આવું કરવાનું કારણ આ હતું કે પેલું હતું…”. અથવા તો, “જો મારા આમ કરવાથી તમને તકલીફ થઇ હોય તો હું તમારી માફી માંગું છું.” આ કોઈ માફી નથી પરંતુ બહાનાઓ છે.

“જો” અને “પરંતુ” જેવા શબ્દોને સાચ્ચી માફીમાં કોઈ અવકાશ નથી. તમે આમ શા માટે કર્યું તેવું પણ કહેવું બરાબર નથી. શ્રેષ્ઠ માફી તો એ છે કે એ સમજવું, અનુભવવું, સંપૂર્ણપણે સ્વીકારવું અને બિનશરતીપણે એ સ્વીકારવું કે આપણી ભૂલથી સામેની વ્યક્તિને દુ:ખ થયું છે. તમારી માફીમાં કારણનો ઉમેરો કરીને કે તેને ઉચિત ઠરાવવાનો પ્રયાસ કરીને પ્રદુષિત ન કરશો, તમે ખરેખર અંદરથી માફીનો કોઈ ઈરાદો ન હોય અને છતાં માફી માંગતા હોય તો એમ કરીને માફીને બરબાદ પણ ન કરશો. તેનાંથી સામે વાળાને ઉલટાનું વધારે દુ:ખ જ થશે. તમે તમારી પસંદગી કાં તો માફી ઉપર ઉતારો કે પછી બહાના ઉપર, બન્ને ઉપર એકસાથે નહિ.

એક સાચ્ચી માફીમાં તમે એકદમ ચોક્ખા બહાર આવો છો અને તમારા વાંકની માલિકીનો સ્વીકાર કરો છો. પણ સામેની વ્યક્તિ જો કે તમારી માફીનો જ સ્વીકાર ન કરે તો શું? તેનાં વિષે ફરી કોઈ વાર જોઈશું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email