ગતાંકના વિષય ઉપર આગળ વધતા, આજે હું તમારી સાથે સુખી અને સફળ લોકોના એક ખુબ જ મહત્વનાં લક્ષણ ઉપરનાં મારા વિચારોને રજુ કરીશ. એ સૌથી નાનો સમચ્છેદ છે. જો તમે મહાન શોધકોના, શ્રીમંત લોકોનાં, સૌથી પ્રભાવશાળી નેતાના, કે અનોખા કલાકારોના જીવનનો અભ્યાસ કરશો તો તમને જણાશે કે તે દરેકની અંદર આ ગુણ હોય છે જ. હકીકતમાં, જયારે હું આ લખી રહ્યો છું ત્યારે મારા મનમાં એક નહિ પરંતુ આવા બે ગુણો ધ્યાનમાં આવે છે. આજે હું તેમાંનો સૌથી મહત્વનો ગુણ જે છે તેનાં ઉપર પ્રકાશ પાથરીશ.

દરેક સુખી માણસ અને દરેક સફળ માણસની અંદર એક વ્યક્તિગત હેતુ માટેની એક સમજ અચૂકપણે રહેલી હોય છે, એક જાતનું ઝનુન કે ધૂન જેવું તેમનાંમાં હોય છે. આજુબાજુ નજર કરો અને તમે સમજી શકશો હું શું કહેવા માંગું છું. મોટાભાગે તો એ કોઈ મહાન આયોજન પણ નથી હોતું કે કોઈ ઉચ્ચ હેતુ પણ નથી હોતો, એ ફક્ત એવું કઈક હોય છે કે જે તેમને કરવું ગમતું હોય છે. તે કદાચ ગરીબોને જમાડવું હોઈ શકે છે કાં તો આકાશના તારાઓનો પીછો કરવાનું હોઈ શકે, આઈસ હોકી કાં તો પર્વતારોહણ, કે પછી સોફ્ટવેર પ્રોગ્રામિંગ હોઈ શકે છે, કે પછી પુસ્તક લખવું, નૃત્ય કે ચિત્રો બનાવવા, સોકરની રમત હોય કે પછી સિલાઈ કામ હોય ગમે તે હોઈ શકે છે. એવું કઈક તેમનામાં હોય છે કે જેનાં માટે તેમનામાં એક ધૂન સવાર હોય છે.

તેમનો જીવનહેતુ તેમને વ્યસ્ત રાખે છે, રોકાયેલા રાખે છે. તેમનું ઝનુન તેમની અભિલાષા તેમને પોતાની જાત પ્રત્યેની જરૂરત અનુભવડાવે છે, પોતાની કઈક કીમત હોય તેવું, એક અર્થપૂર્ણતા, અને એક પ્રકારનો સંતોષ તેમને લાગતો હોય છે. અને જયારે તમે અંદરથી સંપૂર્ણતાનો અનુભવ કરી રહ્યાં હોય ત્યારે બાહ્ય વાતાવરણ બહુ મહત્વ નથી રહેતું. તમારી આંતરિક શાંતિ અને આનંદનું ઝરણું નિર્વિઘ્ને આગળ ધપતું રહેતું હોય છે એટલાં માટે નહિ કે તમે એવું માંનો છો કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરી લેશો, પરંતુ એટલાં માટે કે તમારી પાસે હવે એક પ્રતીક્ષા હોય છે જે તમે કશાકના માટે કરી રહ્યા હોવ છો. અને આ વાત મને માનવ સ્વભાવના એક અતિ મહત્વના મુદ્દા તરફ દોરી જાય છે:

દરેકજણ કશાકની પ્રતીક્ષા કરતાં હોય છે. એક સુખી સંબધની અંદર, બન્ને સાથીદારો એકબીજાને ક્યારે મળે તેની પ્રતીક્ષા કરતાં હોય છે, એક ખુશ કામદાર પોતાનાં પ્રમોશનની પ્રતીક્ષા કરતો/કરતી હોય છે, એક લેખક પોતાનાં પુસ્તકની પ્રત ક્યારે છપાઈને બહાર આવે તેની પ્રતીક્ષા કરતો હોય છે, એક રમતવીર સ્પર્ધાની પ્રતીક્ષા કરતો હોય છે વિગેરે. જયારે કોઈની પાસે પ્રતીક્ષા કરવાની નથી હોતી ત્યારે જીવન શુષ્ક, નક્કામું અને કંટાળાજનક લાગવા માંડે છે. માટે જ, દાખલા તરીકે લોકો જયારે એક સંબધમાં વિશ્વાસઘાતનો અનુભવ કરે છે ત્યારે તેઓ હજી તેમાંથી અંશત: સાજા થયા હોય છે કે તરત જ બીજી વ્યક્તિની શોધ કરવા લાગી જતાં હોય છે. કારણકે તેમને હવે કોઈ બીજાની પ્રતીક્ષા હોય છે. એટલાં માટે જ, ઘણાં લોકો, કે જેમના જીવનમાં સમય પસાર કરવા માટે કશું કરવાનું કે જીવનમાં કોઈ હેતુ નથી હોતો તેવાં લોકો નિવૃત્તિ પછી બેચેની અને નિરર્થકપણાનો અનુભવ કરે છે કેમ કે હવે તેમની પાસે કોઈ નિત્યક્રમ નથી રહ્યો હોતો કે જેની તેમને પ્રતીક્ષા કરવાની હોય. જયારે તમને તમારો હેતુ મળી જાય, ત્યારે આ ખાલીપાની લાગણી તમને ડરાવતી બંધ થઇ જાય છે. તે જાણે એક અસીમ વ્યક્તિગત સ્વતંત્રતા મળી ગયી હોય તેવું લાગે છે.

જયારે હું તણાવગ્રસ્ત અને દુ:ખી લોકોને એક પ્રશ્ન કરું છું કે તેમને પોતાનાં જીવનમાં તેમને કઈ કરવાનું ગમતું હોય તેવું કશુંય છે ખરું, અને તેઓ જવાબ આપતાં હોય છે કે તેવું કઈ તેમનાં જીવનમાં નથી. અને હું ગમે તે સુચન તેમને કેમ ન આપું તેઓ બસ તેમનું ડોકું જ ધુણાવતા રહે છે. હું ખરેખર આવા લોકોને કોઈ મદદ કરી શકતો નથી કારણકે તેમણે પોતાનાં અસ્તિત્વને કોઈ કિંમત આપી જ નથી હોતી. કોઈ માણસ પોતે એક નિશ્ચિત હેતુ કે ધૂન લઈને જન્મતું હોતું નથી. પણ જે લોકો સુખી જીવન જીવવા માટે કટિબદ્ધ છે તે પોતાનો હેતુ કે ઝનુનને શોધી કાઢવા માટે, તેને વિકસિત કરવા માટે અને તેનું રક્ષણ કરવા માટે પોતે જાગૃતપણે પ્રયત્ન કરતાં હોય છે. ઘણાં લોકો કુકિંગ ક્લાસમાં જોડતા હોય છે તો કેટલાંક સાલસા (નૃત્યનો એક પ્રકાર) શીખવા માટે જતાં હોય છે, તો કેટલાંક ધ્યાન કરવાનાં ક્લાસ કરતાં હોય છે તો ઘણાં પર્વતારોહણ કરવા માટે જતાં હોય છે.

જયારે તમે કોઈ એક પ્રવૃત્તિ હાથમાં લો છો ત્યારે તમને એ ખબર પડે છે કે આ એ કામ નથી જે તમારે કરવું હતું, અને તેમ થાય તો કશો વાંધો પણ નથી, પરતું, જ્યાં સુધી તમે કશું કરશો નહિ ત્યાં સુધી ખરેખર તો તમને તેની ખબર પણ નથી પડવાની. જયારે તમે તમારો હેતુ શોધી કાઢો છો, અને તમે તેને વળગી રહો છો ત્યારે અંતે એક ખુબ જ મોટો ચમત્કાર થાય છે: તે હવે એક પ્રવૃત્તિ નથી રહેતી પરંતુ એક માનસિક અવસ્થા બની જાય છે, એક આનંદની લાગણી અને માનસિકતા બની જાય છે. દાખલા તરીકે એક સરેરાશ દ્રષ્ટા અને જેને રમતાં નથી આવડતું એવી વ્યક્તિ માટે ચેસ રમતી બે વ્યક્તિઓ તણાવપૂર્ણ, અને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયી હોય તેવું જણાય છે. તેઓ સ્મિત નથી આપી રહ્યા, તેઓ હસી પણ નથી રહ્યા, અરે કેમ તેઓ હાલતાં પણ નથી. પરંતુ, સત્ય તો એ છે, કે તે બન્ને જણા ચાલતાં રહેલાં આ મગજનાં યુદ્ધનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યા હોય છે, તેઓ આ પરમ આનંદની ચરમસીમાનો અનુભવ કરી રહ્યા હોય છે. અને તેઓ દુનિયાની કોઈ પણ ચીજ માટે તેની અદલાબદલી નહિ કરે. એક કલાકાર, બાસ્કેટબોલનો ખેલાડી, એક યોગી, એક સંગીતકાર, તે દરેકજણ આ જ પ્રકારે એક જુદા જુદા આનંદનો અનુભવ કરતાં હોય છે.

તમે બીજા પાસેથી સૂચનો લઇ શકો છો, પણ અંતે તો, તમારે ખુદને જ તમારું પોતાનું સ્થાન, ઝનુન, અને હેતુ શોધી કાઢવા માટે પ્રયત્ન કરવો પડશે. જો તમે ખરેખર તમે શેના સમર્થન માટે ઉભા છો તે શોધવા માટે ગંભીર હોવ તો તમારે તેનાં માટે કામ કરવું પડશે. બીજા તમને તે નહિ આપી શકે. તેઓ તમારા માટે તે કામ ન કરી શકે. તે ફક્ત કહી શકે, અને તે પણ મોટાભાગે તો ખોટું જ.

આખું ગામ મુલ્લા નસરુદ્દીનનાં અપરંપરાંગત વિચારોની વિરુદ્ધ હોય છે. અંતે તેમને પાંચ ડાહ્યા લોકોના પંચ સમક્ષ હાજર કરવામાં આવ્યા. પંચનો આગ્રહ હતો કે ગ્રંથોમાં લખેલા શબ્દો અંતિમ માનવા જોઈએ અને મુલ્લાએ પોતાનું અર્થઘટન લોકોને ન કહેવું જોઈએ, જે અગાઉનાં સંતોએ કહ્યું છે તે જ અનુસરવું જોઈએ.
“મહામહિમ, હું જરૂર તેમનો ચુકાદો સ્વીકારી લઈશ જો આ પાંચ ડાહ્યાઓ મને એક સરળ સવાલનો જવાબ આપે તો”
રાજાએ માથું હલાવ્યું.
“રોટી એટલે શું?” મુલ્લાએ પૂછ્યું. “પાંચેય જણા જો મને તેનો જવાબ આપી શકે તો તેમની ખુબ મહેરબાની થશે”
“તે એક ખોરાકનો પ્રકાર છે,” એકે કહ્યું.
“તે એક લોઠ, પાણી અને યીસ્ટનું મિશ્રણ છે,” બીજાએ કહ્યું.
“રોટી એ ભગવાનના આશીર્વાદ છે”
“તે એક માનવજીવનની મૂળભૂત જરૂરિયાત છે.”
“તેનાં ઘણાં અર્થ હોઈ શકે છે,” પાંચમાંએ જવાબ આપતાં કહ્યું. “તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી.”
“નામદાર,” મુલ્લા બોલ્યા, “આ પાંચ વિદ્વાનો એક રોટી જેવી સરળ વસ્તુ માટે પણ એકબીજા સાથે સહમત નથી થઇ શકતા, તો પછી તેઓ મને ગ્રંથોનો અર્થ કહેવા વાળા કોણ?”

તમે તમારા જીવનનાં જવાબો બીજા પાસેથી મેળવવાની આશા ન રાખી શકો. તમે જો તેની છ વ્યક્તિઓની સાથે ચર્ચા કરશો તો તેઓ તમને સાત વાતો કહેશે. હું એવું નથી કહી રહ્યો કે તેઓ તમને મદદ નથી કરવા માંગતા કે પછી તેઓ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તમે તેમનાં સૂચનો જરૂર લઇ શકો, પરંતુ, અંતે તો, એક વ્યક્તિગત હેતુ તમારે જાતે શોધવાનો રહે છે. તે તમારી અંગત બાબત છે, એક નીજી બાબત. એ ફક્ત તમારો પોતાનો ધંધો છે.

જો હું તમને પૂછું, કે તમે શેના સમર્થન માટે ઉભા છો? તો તમે શું કહેશો? તમે ખરેખર કોના સમર્થનમાં છો? એવી એક બાબત કઈ છે જેના માટે તમે જીવી રહ્યાં છો, કે જેનાં વગર તમારા જીવનની કોઈ કીમત નથી? અને તમે જેનાં માટે જીવી રહ્યા હોવ તે ખરેખર તો કોઈ વ્યક્તિ નથી હોઈ શકતી કારણકે જો તમારો હેતુ એ ફક્ત બીજી કોઈ વ્યક્તિ હશે, તો જયારે તે બદલાઈ જશે કે તમારાથી દુર થઇ જશે, ત્યારે તમારું આખું જીવન પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઇ જશે. તમારો હેતુ એ વ્યક્તિ કરતાં પણ મહાન હોવો જોઈએ, આદર્શ રીતે તો તે તમારાથી પણ મોટો હોવો જોઈએ. અને ત્યારે તમે પોતાને સ્વતંત્ર, મુલ્યવાન અને અર્થપૂર્ણ અનુભવશો. ત્યારે તમે પોતાને જીવનથી ભરેલાં જીવંત પામશો, ખરેખર.

તો તમે શેના સમર્થનમાં ઉભા છો? જાવ, શોધી કાઢો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email