એક સમયે, એક ક્રોધિત વ્યક્તિ રહેતો હતો. તે બે દશકાઓથી પરિણીત હતો છતાં તે પોતાની આદતનુંસાર પોતાની પત્ની સાથે ઝઘડતો રહેતો. તેને ઘણી વાર ગુસ્સાનાં બેકાબુ હુમલાઓ આવતાં. જયારે ગુસ્સે થતો ત્યારે તે એવી વાતો કહેતો કે કરતો કે પાછળથી તેનાં માટે પસ્તાવો થાય. તે નજીવી બાબતો માટે ગુસ્સે થઇ જતો. આને લીધે તે પોતાની જાતને ધિક્કારતો અને પોતે ગમે તેટલાં પ્રયત્નો કેમ ન કરે, પરંતુ તે પોતાની આ આદતને તોડી શકતો નહોતો.

એક દિવસે તે પોતાનાં ગુરુને મળ્યો અને કહ્યું: “હું ખરેખર બિમાર હોય એવું લાગે છે અને આમ દરેક વખતે ગુસ્સે થઇ થઇને તો હું થાકી ગયો છું. નહિ જેવી બાબતો પણ મને નારાજ કરી દે છે અને મારી અંદરનો શેતાન કોઈ પણ જાતની ચેતવણી વગર બહાર આવી જાય છે. હું આવો શાસ્વતપણે ગુસ્સે અને નારાજ કેમ રહું છું?”
કારણકે તું અંદરથી ઘવાયેલો છું,” ગુરુએ કહ્યું.
“પણ મારે મારું કુટુંબ છે, અને હું મારી પત્નીને ખુબ પ્રેમ પણ કરું છું. હું જયારે ગુસ્સે થાઉં ત્યારે તે મારાથી નારાજ પણ નથી થતી. માટે મને નથી લાગતું કે હું કઈ અંદરથી ઘવાયેલો હોવ.”
“તું હજી પણ તારા જૂના ઘાવોનું દર્દ અનુભવી રહ્યો છે. આ જે કઈ તે બાળપણ કે તારી નવયુવાનીમાં કોઈ ખરાબ અનુભવ કર્યો હોય તેનો પશ્ચપ્રભાવ છે.”
“તો શું હું આટલાં બધા વર્ષોમાં તેમાંથી સાજો નથી થયો?”
“તું ફક્ત સાજો નથી થયો એટલું જ નહી પરંતુ તે દર્દ અને પીડાએ તને નબળો પણ પાડી દીધો છે. પરિણામે, પરિસ્થિતિ ગમે તેટલી સુખદ કે દુ:ખદ કેમ ન હોય, કોઈ પણ ન ગમતો વિચાર કે લાગણી તારી અંદર ક્રોધ નિર્માણ કરી મુકે છે. ગુસ્સાના જે હુમલાઓ આવે છે તે તું અંદરથી ઘવાયેલો અને નિર્બળ બની ચુકેલો છે તેની નિશાની છે.”
“પણ મને તો કોઈ મોટો પ્રસંગ ઘટી ગયાનું પણ યાદ નથી, ફક્ત નાના નાના પ્રસંગો યાદ છે. મારા દુરના આવા નાના પ્રસંગો કેવી રીતે હજી પણ મને ઘવાયેલો, નિર્બળ અને ક્રોધિત રાખી શકે?”
ગુરુએ પોતાનું પાણીનું કમંડળ તેને પકડવા માટે આપ્યું અને સૂચના આપતાં કહ્યું કે તેને આ કમંડળ પોતાનો હાથ સીધો રાખીને પકડી રાખવાનું છે.
“શું આ ભારે છે?”
“અરે, બિલકુલ નહિ”
એક મિનીટ પસાર થઇ ગયી અને ગુરુએ તે જ સવાલ પાછો કર્યો.
“હવે, તે થોડું ભારે લાગી રહ્યું છે,” પેલાં શિષ્યે કહ્યું.
“હું ન કહું ત્યાં સુધી એમનો એમ ઉભો રહે.”
“મારો હાથ દુઃખી રહ્યો છે અને હવે મારાથી આ એક ક્ષણ પણ ઊંચકી નહિ શકાય,” તેને પાંચ મિનીટ પછી કહ્યું.
ગુરુએ પાણીનું કમંડળ પાછું લઇ લેતાં કહ્યું, “જોયું, પાણીનું કમંડળ કેટલું વજનદાર છે તેનું મહત્વ નથી પરંતુ તું તેને કેટલો સમય ઊંચકી રાખે છે તે મહત્વનું છે. જેટલો વધારે સમય તું તેને ઊંચકી રાખે તેટલું જ તે વધુ ભારે લાગે છે. ધીમેધીમે તું નબળો ને નબળો થતો જાય છે અને એક સમય એવો આવે છે કે હવે તારાથી તે અસહ્ય થઇ જાય છે”

પરિસ્થિતિની ગંભીરતા ચોક્કસપણે અસર કરે છે, પણ સૌથી વધારે જો કઈ અસર કરતુ હોય તો તે છે આપણે કેટલાં સમય સુધી તેને ઊંચકીને ફરીએ છીએ. હું અનેકવાર એવાં લોકોને મળતો હોવ છું કે જેઓ પોતે પચાસ, સાંઠ કે સિત્તેરના હોય, જેઓ દશકાઓથી પરણિત હોય, તો પણ તેઓ ત્રીસ વર્ષ પહેલાં બનેલી ઘટનોઓને લઈને ફરિયાદ કરતાં રહેતા હોય છે જાણે કે તે ઘટના હજી હમણાં ત્રીસ મિનીટ પહેલાં જ ન બની હોય. તેમાં એકાદ નજીવી બાબત જેવી કે પોતાનાં લગ્ન સમયે પોતાને સારી રીતે સારું જમણ નહોતું પીરસવામાં આવ્યું ત્યાંથી લઇને કઈક ખરેખર ગંભીર બાબતનો પણ સમાવેશ થઇ શકે છે.

હરરોજ, આપણા જીવનની દરેક ક્ષણ આપણને એક નુતન અનુભવ કરાવતી હોય છે. તે તદ્દન અશક્ય વાત છે કે તે બધા અનુભવો ફક્ત આનંદદાયી જ હોય, કારણકે આપણે જે અનુભવતા હોઈએ છીએ તેનો આધાર આપણે અંદરથી કેવી લાગણી અનુભવી રહ્યાં છીએ તેનાં ઉપર આધારિત હોય છે નહિ કે બાહ્ય પરિસ્થિતિની નક્કરતા ઉપર. આપણી પ્રિય વ્યક્તિઓ સાથે સહમતી સાધી શકાય તેવો સંવાદ જરૂર શક્ય છે. એવો સમય આવશે જ કે જેમાં સામેની વ્યક્તિ કદાચ ભૂલ કરશે કાં તમે કદાચ ભૂલ કરશો, જયારે તેઓ તમને સમજી ન શકે અને કાં તો તમે તેમને ન સમજી શકો. તેનો અર્થ એ નથી કે તે સંબધ હવે કાર્યક્ષમ નથી કે તેમાં કોઈ અનુકુળતા નથી રહી. કોઈવખત, તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમે તે પાણીનું કમંડળ કઈ લાંબા સમયથી જ પકડીને બેસી રહ્યા છો.

આવા સમયે, એ તમારા જ ભલા માટે છે કે તમે તેને જતું કરવાનો પ્રયત્ન કરો એ પહેલાં કે આ નજીવી બાબતોનાં નાના પથ્થર નકારાત્મકતા અને ઉપેક્ષાનાં મહાકાય પર્વત બની જાય. જો આપણે પકડી જ રાખીશું, તો તે ભારે ને ભારે થતાં જશે, અને, એક વખત જો તે ભાર અસહ્ય થઇ જશે તો તે આપણને અત્યંત નિર્બળ અને અતિસંવેદનશીલ બનાવી મુકશે. આ ઘવાયેલ અને અતિસંવેદનશીલ સ્થિતિમાં આપણને તૂટી જતાં એક મિનીટથી પણ વધારે સમય નથી લાગતો. જેવી રીતે એક ટાંકણી ફુગ્ગાને અડકતા જ તેને ફોડી નાખે છે તેમ.

હું અહી એમ નથી કહી રહ્યો કે તમે કોઈ અપમાનજનક વર્તનને સહન કરતાં જાવ. હું એ સૂચવું છું કે, પ્રસંગ ગમે તેટલો નાનો કે મોટો કેમ ન હોય, જો તમે હજી પણ સામેની વ્યક્તિને વર્ષો પહેલાં શું બન્યું હતું તેનાં માટે જવાબદાર ગણીને ચાલતાં રહેશો તો તમે તમને બન્નેને એક મોટો અન્યાય કરી રહ્યા છો. તે બિલકુલ અનિવાર્ય નથી. તે હવે ભૂતકાળ બની ગયું છે. વધુમાં, જો આપણે જતું ન કરીએ તો આપણે માનસિક રીતે સ્વસ્થચિત્ત પણ નહિ રહી શકીએ. આઈનસ્ટાઇને એક વખત કહ્યું હતું, “જીવન એ એક સાઈકલ ચલાવવા જેવું છે. તમારે સમતોલન જાળવી રાખવા માટે થઇને પણ આગળ વધતાં રહેવું પડશે.”

આપણી આજુબાજુની દુનિયા ચાલતી રહેવાની છે. આપણે ભૂતકાળને ભૂંસી નહિ શકીએ, આપણે બીજાને બદલી પણ નહિ શકીએ જ્યાં સુધી તેમને પોતાને અંદરથી એવી પ્રબળ ઈચ્છા ન હોય, આપણે ભવિષ્યમાં પણ નહિ જઈ શકીએ, આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરીને ભૂલી શકતા નથી, પરંતુ આપણે જતું કરી શકવા માટે સમર્થ છીએ, આપણે આપણી જાતને ખાલી કરી શકીએ. ચાલો હું તમારી સાથે એક સુંદર બૌદ્ધ ધર્મનું સ્તોત્ર વહેંચું:

Let me a pure white lotus be
Unfolding in Samsara’s stream,
Let all the gloom of misery
Be gathered in my lotus dream;
Let each dew drop that studded lie
On each white radiant fold,
Reflect the mercy of the law
That turns death’s bliss to gold.

Let every wave that tumbles down,
Their curled slim of wrath, repair
To lotus roots of dusky brown,
In my compassion’s bounty share;
Let every sparks of vengeance rowed
Round lotus stalks entwine.
And greed and lies transformed by love
In lotus heart enshrine.

When each life drop has sped away
Across my pure white lily door
When I have drained all sorrow may
I speed to deck that lustless floor.
Let every petal softly fold,
In summer’s golden shine
Retreat to claim the splendid prize
Nirvana’s joy last Mine!

તમારા માટે જે ખરેખર મહત્વનું હોય તે જ તમારી અંદર પકડી રાખો, કારણકે તમે જે અંદર રાખો છો તે જ તમને આકાર આપશે. આપણે જે પકડી રાખ્યું છે તેને જ આપણું સર્જન કર્યું છે, આપણે જે છીએ તે આપણને તેને જ બનાવ્યાં છે. તો બોલો તમે શેનાં બનેલાં છો?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email