થોડા અઠવાડિયા પહેલાં મેં વજન ઉતારવા વિષે લખ્યું હતું. તેમાં વિશેષત: તમારા ખોરાકને સારી રીતે ચાવીને ખાવાથી વજન કેવી રીતે ઉતારી શકાય તેનાં વિષે લખ્યું હતું. કેટલાકે તે વાંચીને પોતાની શંકાશીલતાને વ્યક્ત કરી હતી, પરંતુ ઘણાં લોકોએ મને છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં લખી જણાવ્યું છે કે તેમને ખરેખર ચાવીને ખાવાથી તેમનાં વજનમાં ઉતારો થતો નોંધ્યો છે. તેમાંના દરેકે આ સરળ પદ્ધતિથી કામ થતું જોઇને અચંબો પામ્યા છે. તેઓ પહેલાં ચાર અઠવાડીયામાં જ ચાર થી દસ પાઉન્ડ વજન ઉતારી શક્યાં છે.

સૌથી નોંધ લેવા જેવી વાત એ છે કે એક વાંચક કે જે પોતે ફિઝીશ્યન છે અને આશ્રમનાં નિયમિત મુલાકાતી છે તેમને તો પોતાનાં દર્દીઓને પણ આ ભલામણ ચાલુ કરી દીધી હતી. તેમને પોતાનાં દર્દીઓ ઉપર છેલ્લાં છ અઠવાડિયાથી અવલોકન કર્યું છે અને તે આશ્ચર્યચકિત થઇ ગયા છે એ જાણીને, કે તેમનાં સાહીઠ ટકા દર્દીઓ સરેરાશ છ પાઉન્ડ જેટલું વજન ઉતારી શક્યાં છે ફક્ત તેમનો ખોરાક સારી રીતે ચાવીને ખાવા માત્રથી જ. મેં તેમને કહ્યું કે બાકીના ચાલીસ ટકા દર્દીઓ પોતાનું વજન ઉતારી નથી શક્યાં તેમને ચોક્કસ આ સૂચનાનું પાલન બરાબર કર્યું નથી. કારણકે: જેનું વજન વધારે પડતું હોય તેનાં માટે એ અશક્ય વાત છે કે પોતાનો ખોરાક બરાબર ચાવીને ખાવાથી તેમનાં વજનમાં ઉતારો ન થાય. પછી ભલે એ થોડા પાઉન્ડનો જ કેમ ન હોય પણ પરિણામ વગરની આ વાત હોય જ ન શકે.

જે વાંચકોએ વજનમાં ઉતારો થતો અનુભવ્યો છે તેઓ મને સતત વિનંતિ કરી રહ્યા હતાં કે મારે આ વિષય ઉપર વધારે લખવું જોઈએ. માટે ચાલો હું આજે તમારી સાથે બે મહત્વની સલાહ આપું. ફરી કહું છું કે આનાથી માત્ર તમારા વજનનો ઉતારો જ નહિ થાય પરંતુ સારું સ્વાસ્થ્ય બનાવવામાં પણ તે મદદરૂપ થશે. અને પાછું આ પણ એટલું સરળ છે કે માન્યામાં જ નહિ આવે પરંતુ તેનું પરિણામ તમારી પોતાની નજરે જો જોવું હોય તો તેનો અમલ કરવો પડશે.

ઊંઘવાના ચાર કલાક પહેલાં ભોજન કરો

ભોજન માટેનો આદર્શ સમય ઊંઘવાના ચાર કલાક પહેલાનો હોય છે. હંમેશાં ભૂખ્યા પેટે સુવું એ ઉત્તમ વાત છે. જો તમને ભૂખ્યા પેટે ઊંઘ ન આવતી હોય તો તમે હળવો પૌષ્ટિક નાસ્તો લઇ શકો છો, જેમ કે એક સફરજન કે કોઈ પણ તાજું ફળ, તે પણ ઊંઘવાના એક કલાક પહેલાં. આયુર્વેદીક ગ્રંથ સુર્યાસ્ત બાદ કઈ પણ પ્રકારનું ભારે ભોજન કરવાની વિરુદ્ધમાં છે. અને, તેનાં માટેનું એક સારું કારણ પણ તેમાં છે. જેમ જેમ રાત્રી થતી જાય છે તેમ તેમ તમારાં શરીરની ચયાપચયની ક્રિયા મંદ પડતી જાય છે. વધુમાં, જયારે તમે સુતા પહેલાં જ ભોજન કરો છો, ત્યારે તમારું પિત્તાશય ઇન્સ્યુલીનનો ખુબ જ વધુ માત્રામાં સ્ત્રાવ કરે છે. અને, ઇન્સ્યુલીનનો એક વિચિત્ર ગુણધર્મ છે: તમે ભલેને કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન ગમે તે ખાવ, ઇન્સ્યુલીન બધાને ચરબીમાં રૂપાંતરિત કરે છે. મોડા ખાવાથી કે પછી સુતા પહેલાં તરત જ ખાવાથી તમારા શરીરની ચરબીમાં વધારો જ માત્ર થાય છે પછી ભલેને તમે ચરબી વાળો આહાર કેમ ન ખાતા હોય.

તમારી ચયાપચયની ક્રિયા સાંજ થતાં મંદ પડતી જાય, અને જયારે તમે રાત્રીનાં મોડેથી જમતા હોય, ત્યારે ન પચેલો ખોરાક તમારા પેટમાં પડ્યો પડ્યો ટોક્સીન (વિષજીવ) ઉત્પન્ન કરે છે. જે તમારા શરીરની અંદરના વાતાવરણમાં તીવ્ર અમ્લતા (એસીડીટી) ઉત્પન્ન કરે છે. અને આ એસીડ વાળું શરીર બહુ વ્હેલું ઘરડું થઇ જાય છે અને વારે વારે માંદુ પણ પડી જાય છે. આવું શરીર દરેક પ્રકારનાં રોગો માટેનું ઘર બની રહે છે.

તમારા જમવાનાં સમયની દસ મિનીટ પહેલાં પાણી પીવો.

જમ્યા બાદ તુરંત પાણી પીવાનું ટાળવું જોઈએ કારણકે તેમ કરવાથી પાચક રસ (અંત:સ્ત્રાવ) મંદ પડી જાય છે અને પરિણામે શરીર માટે ખોરાકને પચાવવો અઘરો પડે છે. મેડીકલની ભાષામાં કહેવાનું હોય તો, પાણી પીધા બાદ ૩૦ મિનીટ બાદ કેલેરી બળવાનો દર વધુ હોય છે. આયુર્વેદ પણ કહે છે કે જમવાના સમયની ૩૦ મિનીટ પહેલાં પાણી પીવું એ ઉત્તમ છે, જમતાં જમતાં માત્ર થોડી માત્રામાં પાણી પીવું અને જમ્યાં બાદ ફક્ત એક કપથી વધુ પાણી ન પીવું.

વધુમાં, શુદ્ધ અને ચોક્ખું પાણી પીવાનું ખુબ મહત્વ છે. તમે ગમે ત્યાં રહેતાં હોવ, નળનું પાણી, પછી ભલેને તે ગમે તેટલું ચોક્ખું કેમ ન હોય, પણ તે ભાગ્યે જ પીવા યોગ્ય હોય છે. તે ખુબ વધારે પડતું ક્લોરીનયુક્ત હોય છે, અને માટે તે ઓક્સીડાઈઝ થયેલું હોય છે. તમારા પેટ માટે કોમળ પાણી જ શ્રેષ્ઠ છે. તેનાંથી પાચન માટે જે મદદ મળે છે તે બીજા કોઈ પદાર્થથી નથી મળતી. શુદ્ધ પાણી, અથવા તો ચોક્ખું કરેલું પાણી, કોઈ પણ પ્રકારના રસાયણો વગરનું પાણી પીવા માટે શ્રેષ્ઠ છે. જો તમે તમારા ઘર માટે એક વોટર પ્યુરીફાયર ખરીદવાનું પસંદ કરતાં હોય તો જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્ય હોય તે ખરીદો. તે એક એવું રોકાણ છે કે જે તમને અનેકગણું થઇને પાછું મળશે.

વજન ઉતારવાની અસંખ્ય રીતો છે, પણ તેમાંની મોટાભાગની પદ્ધતિઓથી ઉતરેલું વજન પાછું ચડી જતું હોય છે. વજન ઉતારવાની જે કુદરતી રીત છે તે હંમેશા સદાબહાર હોય છે. તમારા ખોરાકને ખુબ ચાવીને ખાવ, ભૂખ્યા પેટે સુવો અને જમતાં પહેલાં પાણી પીવો આ ત્રણ એવાં સરળ રસ્તા છે. વધુ કોઈ વાર પછી.

તમે શું, કેવી રીતે અને કેટલું ખાવ અને પીવો છો તેનાં પ્રત્યે જાગૃત રહો. જાગૃતપણે ખાવ, જાગૃતપણે જીવો, જાગૃતપણે બોલો. જાગૃત જીવન એક શાંત જીવન છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email