આ એક એવો સવાલ છે કે જે મને સૌથી વધુ વખત પૂછાતો હોય છે: માફ કેવી રીતે કરવું? ઘણીવાર વાંચકો મને જણાવતા હોય છે કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય તો પણ તેઓ અંદરથી ઘવાતાં રહેતાં હોય છે. એ વિચાર કે એ વ્યક્તિનું દર્શન માત્ર લાગણી ભર્યું દર્દ ઉભું કરી દે છે. જો કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય છે તેમ છતાં તેનાં માટે પ્રેમની લાગણી થતી હોતી નથી. કે પહેલાની જેમ સારો વખત પાછો ફરે તેમ લાગતું નથી. અને મને ખબર છે આ દ્વારા તમે શું કહેવા માંગો છો.

માફી માટે એક ભળતો જ વિચાર પ્રચલિત છે – આપણે મોટાભાગે એવું માનીએ છીએ કે એક વાર આપણે જો કોઈને માફ કરી દઈએ તો આપણે તરત જ તેનાં પ્રત્યે પ્રેમ નો અનુભવ કરતાં થઇ જઈએ. હકીકતમાં એવું નથી હોતું. જયારે આપણે સામેની વ્યક્તિને માફ કરી દેવાનાં વિચાર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં તો આપણા હૃદયને ઠેંસ પહોંચી ગઈ હોય છે. જ્યાં સુધી આપણે એ ઠેંસથી થયેલાં નુકસાનમાંથી સાજા ન થઈએ ત્યાં સુધી સુસંવાદીતા અને શાંતિની સ્થાપના થઇ શકતી નથી. અને આ સાજા થવાનો સમયગાળો કોઈવાર એક મિનીટથી લઈને આખા જન્મારા સુધીનો હોઈ શકે છે. તે સંબધની ગુણવત્તા, આપણી આંતરિક શક્તિ અને ઉલ્લંઘનની તીવ્રતા ઉપર આધાર રાખે છે.

વધુમાં, માફીને પુનર્મેળ સમજવાની ભૂલ ન જ કરવી જોઈએ. તે બન્ને એક સમાન બાબતો નથી. જયારે તમે કોઈને માફ કરો છો ત્યારે તેનો અર્થ એવો નથી કે તમે તેમનાં આચરણ, વ્યવહાર કે કૃતિનો પણ સ્વીકાર કરો છો. તેનો સરળ અર્થ એટલો જ થાય છે કે તમે દયાળુ કે કાળજી કરનાર બનીને, સામેવાળાનાં કે તમારા પોતાનાં ભલા માટે થઇને, તેમનાં ભૂતકાળનાં કૃત્યોથી તમારી શાંતિનો ભંગ થવા દેવા નથી માંગતા. કોઈને તરત માફ કરી દેવાથી મળતી શાંતિ, જો સામેવાળી વ્યક્તિ પાછી એ જ ભૂલનું પુનરાવર્તન કરે કે તમારા માયાળુપણાની કદર ન કરે તો તરત ચાલી જતી હોય છે. માફીને એક ભેટ સ્વરૂપે જુઓ કે જે તમે તમને દુ:ખ પહોંચાડનારને આપતાં હોવ છો. જયારે સામેની વ્યક્તિ પોતાનાં વ્યવહારનાં પુનરાવર્તન દ્વારા તેની કદર નથી કરતુ હોતું, કે તેની ઓછી કિંમત આંકે છે ત્યારે ખરેખર તો તેમને તમારી ભેટનો સ્વીકાર નથી કર્યો હોતો. તમારી ભેટ તમને પાછી આપી દેવામાં આવી હોય છે અને હવે તે તમારી પાસે પડી હોય છે. તમે હતાં ત્યાં નાં ત્યાં પાછાં આવી જાવ છો – ઘવાયેલા, અપ્રસન્નચિત્ત, અને અશાંત.

સાચી માફી પુનર્મેળ સિવાય શક્ય નથી. અને, પુનર્મેળ એ સ્વીકાર કર્યા વગર નથી આવતો. જ્યાં સુધી સામેની વ્યક્તિ પોતાનાં કૃત્યોનો સ્વીકાર નથી કરતી ત્યાં સુધી તમે ખરેખર તો તેને માફ જ નથી કરી શકતા. જયારે તેઓ એવું નથી માનતાં હોતા કે તેમનાંથી કોઈ ભૂલ થઇ છે અથવાતો તમે તેનાંથી કેવું અને શું અનુભવો છો તેની તે દરકાર નથી કરતાં હોતા, ત્યારે તેવાં સંજોગોમાં, હું માફી માંગું છું તમને એ કહેવા બદલ, પણ ત્યાં માફ કરવું શક્ય જ નથી હોતું. સામેની વ્યક્તિ તરફથી પસ્તાવાની લાગણી સહીતની એક સ્વીકૃતિ અને માફી એ તેમને માફ કરવા માટે બિલકુલ અનિવાર્ય હોય છે. હા કોઈને સો વખત માફ કરવું શક્ય છે જો તે સો વખત આવીને પોતાની ભૂલનો સ્વીકાર કરીને માફી માંગતા હોય તો, પરંતુ જો તે તમારી માફી નહિ માંગતા હોય તો તેમને એક વખત પણ માફ કરવા અશક્ય છે. અને પ્રશ્નનું ખરું મૂળ પણ અહી આગળ જ છે: તમે તેને માફ કરવા માંગો છો અને તેનાં માટે કોઈ કડવી લાગણી નથી રાખવા માંગતા, પરંતુ, તમે તેમ નથી કરી શકતા કારણકે તેઓ એવું નહિ સ્વીકારે કે તેમને તમારી સાથે ખોટું કર્યું છે.

ભિખ્ખુઓ, આ બે જણ મુર્ખ છે, કયા બે? એક તો એ કે જે પોતાનાં ઉલ્લંઘનને ઉલ્લંઘન તરીકે નથી જોતો, અને બીજો એ કે જેણે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધેલો છે છતાં તેને યોગ્ય રીતે માફ નથી કરતો. આ બે મુર્ખ છે.

આ બે જણા ડાહ્યા હોય છે. કયા બે? એક તો એ કે જે પોતાનાં ઉલ્લંઘનને ઉલ્લંઘન તરીકે જુવે છે, અને બીજો એ કે જેણે પોતાનાં ઉલ્લંઘનને સ્વીકાર્યું છે તેને યોગ્ય રીતે માફ કરી દે છે. આ બે જણા ડાહ્યા છે.
(ધનીસ્સારો ભીખ્ખુનો અનુવાદ. બાલ-પંડિત સૂત્ર)

મૂળ વાત એ છે કે જેણે પોતાની ગેરવર્તણૂકને સ્વીકારી છે તેને યોગ્ય માફી આપવી. ભૂલના સ્વીકાર વગર માફી નથી મળતી. અને શરતી અથવા તો અધૂરો સ્વીકાર એ સ્વીકાર નથી પરંતુ એક દંભ દેખાવ માત્ર જ છે, ફક્ત પોતાનાં મુદ્દાને યોગ્ય ઠરાવવાની વાત, એક દેખાડો. દાખલા તરીકે, જો કોઈ પોતાની ભૂલનો સ્વીકાર કરે પણ તરત પોતે જે કર્યું તે શા માટે કર્યું એ કહેવા માંડે કે તે ફક્ત ખાલી એક તેમનો જ વાંક નહોતો એવું સાબિત કરવા માંડે ત્યારે તેનો અર્થ તેઓ હજુ પણ માફી માંગવાનો કોઈ ઈરાદો ધરાવતાં હોતા નથી. અંદરથી તે હજુ પોતાનાં ઉલ્લંઘનને યોગ્ય જ માને છે. આવી પરિસ્થિતિમાં સાચી માફી શક્ય હોતી જ નથી. એવું કહેવાય છે કે, એક પ્રાણહીન ક્ષમા યાચના એક વધુ અપમાન છે. ભૂલનો સંપૂર્ણ સ્વીકાર અને તેની જવાબદારી લેવી તેમજ તેનું ફરીથી પુનરાવર્તન નહિ કરવા માટે પ્રતિજ્ઞા લેવી તે સૌથી વધારે સારું અને ઘણું વધારે અસરકારક હોય છે.

માફ કરવું અને જતું કરવું આ બન્ને વાત સમાન નથી, કારણકે, માફી ત્યારે જ શક્ય છે કે જયારે સામેની વ્યક્તિ પણ આ પ્રક્રિયામાં ભાગ લે. રોડ પરના બે અકસ્માતની કલ્પના કરો. એક પ્રસંગમાં અપરાધી ગાડીમાંથી બહાર આવી, સોરી કહી ને ઇન્સ્યોરન્સની વિગતોની આપ-લે કરે છે કે જેથી કરીને તમે ઇન્સ્યોરન્સની રકમ માટે અરજી કરી શકો. બીજા પ્રસંગમાં, કોઈ તમારી સાથે ભટકાડીને ભાગી જાય છે. તે ઉભા પણ નથી રહેતા અને પોતાની ગતિ વધારીને ભાગી જાય છે. જયારે સામે વાળા તરફથી માફીની પ્રક્રિયામાં કોઈ સહયોગ નથી હોતો, ત્યારે તમે સાચી રીતે માફ નથી કરી શકતા કે તેમાં કોઈ સામંજસ્ય પણ નથી સધાતું. તમે, મોટાભાગે, કદાચ અનિચ્છાપૂર્વક તેનો સ્વીકાર કરી લેતાં હોવ છો કે તમારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. કોઈવાર, તમને એવું લાગે કે તમે માફી આપવા માટે સક્ષમ નથી અને પછી તમને માઠું પણ લાગી શકે કે તમારું હૃદય વિશાળ નથી. પણ સત્ય તો એ હોય શકે છે કે તમે તમારા સોનેરી હૃદય સાથે તમારી માફીની ભેટને દયા, પ્રેમ અને કાળજીનાં કાગળથી વીંટાળીને ખુબ જ ધીરજપૂર્વક ઉભા રહીને આતુરતાથી રાહ જોતા હોવ છો, પરંતુ તેને સ્વીકારવા માટે સામેની વ્યક્તિ ઉપસ્થિત રહેવામાં નિષ્ફળ રહેતી હોય છે.

જો તમે સામેના કિનારે ઉભા હોવ, જો તમે કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય કે તમને ઊંડેઊંડે અંદરથી એવું લાગતું હોય કે તમે સામેની વ્યક્તિ સાથે અન્યાય કર્યો છે, તો તમે તેની બિનશરતી અને પ્રામાણિક ક્ષમા માંગો. તમને યોગ્ય કર્યાનો અનુભવ થશે અને તેઓ અંદરથી રૂઝાયા હોય તેવું અનુભવશે. માફી માંગવી એ માફ કરવાની ઈચ્છા કરતાં ક્યાંય વધુ ગહન હોય છે.

જો સામેની વ્યક્તિ હવે તમારા જીવનમાં ન રહી હોય તો શું? તો શું માફ કરવાનો કોઈ રસ્તો નથી રહેતો? હા, જરૂર રહે છે; પણ એનાં વિષે ફરી કોઈ વાર. અને, તે વખતે, માફીનાં કૃત્ય અને માફીની લાગણી વચ્ચેનાં તફાવતને હું વિસ્તારપૂર્વક પૂર્વક વર્ણવીશ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email