કેટલાંક સવાલોનો કોઈ જવાબ નથી હોતો, હકીકતમાં જો કે ઘણાં બધાં સવાલોનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો. એક દિવસ, એક યુવાન ફિઝીશ્યન આશ્રમમાં આવી હતી, ચાલો તેને અનુ નામથી બોલાવીએ. તે પોતાનાં કાર્યાલયની પરિસ્થિતિને લઈને થોડી તણાવગ્રસ્ત હતી. એક સ્વાયત સંસ્થામાં એક ડોક્ટર તરીકે આર્મીમાં કામ કરતી વખતે અનુને નકલી દવાઓ વહેંચવી પડતી હતી. તેનાં દર્દીઓ આર્મીના માણસો હતાં – કે જે લોકો દેશનું સરંક્ષણ કરતાં હતાં. અને તેમને નકલી દવાઓ આપવામાં આવતી હતી? કોઇપણ દેશનું અધ:પતન આનાંથી વિશેષ બીજું શું હોઈ શકે? વારું હું કોઈ નૈતિકતાનો નિર્ણાયક નથી, કે નથી રાજનીતિનો લેખક, એનાં બદલે હું તો આધ્યાત્મિક મત આ બાબતમાં આપીશ.

“તે આ બાબત તારા ઉપરી અધિકારીઓને કરી છે? મેં કહ્યું.
“હા, સ્વામી,” અનુએ કહ્યું, “તેમને મને એમ કહ્યું કે મારે ચિંતા કરવાની જરૂર નથી. ‘આવું તો ચાલ્યા કરે’ તેમને કહ્યું. પરંતુ મારું અંત:કરણ મને આવું ચલાવી લેવાની મંજુરી આપતું નથી. હું મારા દર્દીઓને નકલી દવાઓ આપું છું અને મને ખબર છે કે તેનાંથી તેઓ સાજા થવાનાં નથી. મારે આ નોકરી છોડી દેવી છે પણ મારા ઘરનાં હું એ ચાલુ રાખું એમ ઈચ્છે છે કેમ કે આ સરકારી નોકરી છે કે જેમાં પેન્શન સહીત ઘણાં આકર્ષક ફાયદાઓ છે.”
“ખાલી છોડી દઈશ નહિ,” મેં કહ્યું, “એનાં કરતાં તો આની સામે અવાજ ઉઠાવ. જો તું છોડી દઈશ, તો આ પ્રશ્ન તો ચાલુ જ રહેશે.”
“પરંતુ, મેં તો તમને માત્ર આ એક જ પ્રશ્ન વિશે વાત કરી છે,” અનુએ કહ્યું. “તેઓ તો પેથોલોજીની લેબોરેટરીમાંથી પણ કમીશન અને રૂશ્વત લે છે જ્યાં સામાન્ય રીતે દર્દીને ટેસ્ટ માટે મોકલવામાં આવતાં હોય છે. દરેકજણ ભ્રષ્ટ છે. જો હું આ કમાન્ડીંગ ઓફિસરને જણાવું, તો કોને ખબર મારે શેમાં શેમાંથી પસાર થવું પડે? વધુમાં, મારા બીજા ડોક્ટર મિત્રો કે જે બીજી સંસ્થાઓમાં કામ કરી રહ્યાં છે તે મને કહેતાં હોય છે કે હું બહુ વધારે પડતી પંડિતાઈ કરી રહી છું, કે હું જરા વધારે પડતી સંવેદનશીલ છું. આવું તો તેમનાં કાર્યાલયોમાં પણ સામાન્ય રીતે ચાલતું હોય છે.”
“કમીશન લેવું તે કદાચ એક દુષ્ટાચરણ છે. પરંતુ નકલી દવાઓ આપવી તે તો એક સરાસર ગુનો છે. તે એક નૈતિક તેમજ કાનૂની ગુનો છે. તે એક માનવતાની વિરુદ્ધ થતો ગુનો છે. મૌન એ કઈ કાયમ સોનેરી નથી હોતું, અનુ. મૌનથી તો ગુનેગારોને વધારે ઉત્તેજન મળે છે. જો તું શાંતિ રાખીશ, તો તું પણ આ ખોટા કામમાં એક સહાયક બની જઈશ.”
“પરંતુ, જો હું આ વાતની ફરિયાદ પણ કરું, સ્વામી, તો તે લોકો મારી સાથે કઈ ખરાબ પણ કરી શકે, કોને ખબર, મને કદાચ કાઢી પણ મુકવામાં આવે અને એમના તરફથી જે ચાલી રહ્યું છે તે પાછુ હતું તેમનું તેમ ચાલવા માંડે. ઓહ, હું એટલી બધી મૂંઝવણમાં છું કે શું કરું. કાશ, મારું કુટુંબ મારી દુવિધા સમજતું હોત, એનાંથી મને ખુબ જ રાહત અનુભવાત.”

તેની દુવિધા એ હતી કે જો તે આ બાબત જાહેર કરી દે તો પણ શું આ કઈ બદલાશે ખરું, અને તો પછી શું એવું જોખમ લેવા જેવું ખરું? મેં અનુને તેનાં પોતાનાં સિદ્ધાંતો એક કાગળ ઉપર લખવા માટે કહ્યું, કે એને કઈ કઈ બાબતો માટે ખડે પગે ઉભા રહેવું જોઈએ અને પોતાની જિંદગી તે મુજબ જીવવી જોઈએ. તેની પરિસ્થિતિ જટિલ હતી, તેનાં સવાલો જે હતાં તે બિલકુલ ઉચિત હતાં. તેને પોતાને પસંદ કરવાનું હતું કે શું તેણે પોતાનાં અંત:કરણ ઉપર આ બોજ લઈને પણ નોકરી ચાલુ રાખવી જોઈએ એવી આશા એ કે એક દિવસ એવો આવશે કે પોતાને આ બાબત વિશે ખરાબ લાગવાનું બંધ થઇ જશે, કે, પછી આ બધું ઉઘાડું પાડી દેવું અને પછી તેનું જે પરિણામ આવે તેનાં માટે તૈયાર રહેવું કે જેમાં સસ્પેન્ડ થવાથી લઈને પોતાની સાથે અકલ્પનિય બાબત પણ બની શકવાની શક્યતા છે. અને આ દરમ્યાન નિર્દોષ લોકોને તો સહન કરવું જ રહ્યું.

હું નથી માનતો કે નૈતિકતા એ કોઈ સુનિશ્ચિત બાબત હોય, પણ જયારે તમે ખુદ તમારા પોતાનાં સિદ્ધાંતોને મરોડો છો ત્યારે તમે તમારી જાત પર અનૈતિકતાનો બોજ મુકો છો. તમે તમારી જાતથી ભાગી નહિ શકો. જો તમે ફરીથી તેનું પુનરાવર્તન નહી કરવાનાં હોવ તો જ તમે કદાચ તમારી જાતને તે બદલ માફ કરી શકો. હું હંમેશાં દરેકજણને તેનાં પોતાનાં સિદ્ધાંતોને, સૌથી મોટા ત્રણ સિદ્ધાંતોને, લખી કાઢવા માટે કહેતો હોવ છું. તેનાંથી મારે શેનાંમાટે ઉભા રહેવાનું છે તેનાં વિશે મદદ મળતી હોય છે. તેનાંથી નિર્ણય લેવામાં થોડી સરળતા રહેતી હોય છે.

મુલ્લા નસરુદ્દીન એક સ્થાનિક અદાલતના ન્યાયાધીશ હતાં. અરજદારે પોતાનો કેસ રજુ કર્યો અને મુલ્લાએ એક નાના વિરામની જાહેરાત કરી. વિરામમાંથી આવ્યા બાદ મુલ્લાએ તરત જ ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી દીધો.
“પણ તમે તો હજી અમારી વાત સાંભળી પણ નથી” પ્રતિવાદી વકીલે કહ્યું
“ચુપ રહો,” મુલ્લા બોલ્યા. “મેં અરજદારની વાત સાંભળીને જ નિર્ણય લઇ લીધો છે. હવે તમારી વાત સાંભળીને હું મારી મૂંઝવણમાં ફક્ત ઉમેરો જ કરીશ.”

સત્ય તો એ છે કે જીવન તમને મુંઝવતું રહેવાનું. તમારે પસંદગીઓ તો કરવી જ પડશે, નિર્ણયો તો લેવા જ પડશે. તમારે તમારું મન મક્કમ કરવું જ પડશે. તેનાંથી વિમુખ થવામાં કોઈ ડહાપણ નથી. જેણે ચાલતી આવતી પરંપરાને ચુનોતી આપી છે, જેણે ખોટા દબાણને સહેવાની તૈયારી નથી દાખવી, જેણે સામે પડવાની તૈયારી બતાવી છે તેનાંથી ઈતિહાસની ઘટનાઓમાં બદલાવ આવ્યો છે નહિ કે ચુપ રહીને બેસી રહેનારાઓથી. જ્યાં સુધી આપણે ખુદ તેનાં ઉપર કાર્ય નથી કરતાં ત્યાં સુધી કશું જ બદલાતું નથી.

એક ઉમદા જીવનને તેનાં પોતાનાં હિસ્સાના તણાવ અને ચુનોતીઓ રહેવાનાં જ, પરંતુ તે જીવન આંતરિક શાંતિથી અને અસામાન્ય શક્તિ ભરપુર રહેવાનું. તેમાં અવસાદને કોઈ સ્થાન જ નથી. જીવનમાં હંમેશા કોઈ ને કોઈ મુશ્કેલીઓ આવતી રહેવાની. અને કોઈ વાર તો તમે હવે નિર્ણય લેવામાં પણ વિલંબ કરી શકો તેમ નહી હોવ, જયારે તમારે કોઈ એક બાજુ ને પસંદ કરવી જ રહી. એ સમયે જો તમે મૂંઝવણ અનુભવતાં હોય તો એક શાંત સ્થળ શોધો અને તમારા માટે જીવનમાં શું મહત્વનું છે તે એક કાગળ ઉપર લખી કાઢો. ત્યારબાદ, એવો વિકલ્પ પસંદ કરો કે જે તમારા સિદ્ધાંતોને અને તમારી પ્રાથમિકતાઓને ટેકો આપતું હોય. અવરોધો એક સુખદાયક ચુનોતીઓ બની જશે, અને તેનું અનુધાવન (શોધ) એ એક સંતોષકારક મુસાફરી બની જશે, અને તમારા જીવનને ત્યારે એક નવો અર્થ મળશે.

જયારે તમે કારણને તમારા કરતાં મોટું ગણો છો, ત્યારે સમગ્ર બ્રહ્માંડ પોતાનું આવ્હાન કરીને તમારા ચરણે આવી પડે છે, તમારી મદદે. આ કુદરતનો એક અવિવાદાસ્પદ નિયમ છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email