મેં અનેક વાર એક માં-બાપનાં દ્રષ્ટિકોણથી લખ્યું છે. એ મારા મગજમાં હતું જ કે હું એક બાળકનાં દ્રષ્ટિકોણથી પણ લખું, જેથી કરીને બીજી બાજુની પણ ખબર પડે. તો લો આ રહ્યો આ લેખ. સમાજ, સહકર્મચારી, શાળા, શિક્ષકો, જાહેરાતો અને ટેલીવિઝન કરતાં પણ જો વધારે બાળકનાં મનને કોઈ ઘાટ આપતું હશે તો તે છે ઘરનું વાતાવરણ. શારીરિક રીતે હુંફ આપનારું તો તે હોય છે જ પરંતુ ત્રણ મુખ્ય વાતો તેમાં વીશેષ છે:
૧. માં-બાપનો એકબીજા સાથે નો સંબધ.
૨. બાળક વિશેનો તેમનો મત
૩. માં-બાપનું સમગ્ર દુનિયા સાથેનું વર્તન.

માં-બાપ તે બાળકની દુનિયા સાથેની થતી સૌથી પ્રથમ ઓળખાણ છે. દરેક જણ પોતાનાં માં કે બાપ કે બન્નેને પોતાનાં આદર્શ માનીને શરૂઆત કરે છે. એક નાના બાળક માટે પોતાનાં માં-બાપ એ ભગવાનથી જરાય ઉતરતા નથી. જયારે તે પોતાનાં માં-બાપને લડતા અને દલીલો કરતાં જુવે છે ત્યારે તે મનમાં ખુબ જ મોટી ગડમથલ અનુભવે છે. અરે એક નાનું શિશુ કે જે શબ્દોને કે ભાષાને નથી સમજતું હોતું તે પણ વિના પ્રયત્ને અવાજનાં સ્વર તેમજ ચહેરાનાં હાવભાવ પરથી શું કહેવાઈ રહ્યું છે તેનો સાચો અર્થ જાણી લેતાં હોય છે. તમે ચહેરા ઉપર ભવા ચડાવો તો પણ તે કદાચ હસશે, પરંતુ સાથે સાથે તમે બુમ પણ પાડો તો તરત જ તમે તે શિશુની અંદર એક ડર પેદા કરો છો. તેઓ તરત સમજી જશે કે કશુંક છે જે આનંદદાયક નથી, કઈક છે કે જે બરાબર નથી.

જયારે બન્ને સાથી એકબીજા માટે બહુ ઓછો કે બિલકુલ સન્માનનો ભાવ નથી દાખવતાં હોતાં કે પછી કોઈ એક સાથી વધારે પડતું તાનાશાહી વાળું હોય ત્યારે તે બાળકનાં મનમાં એક વિનાશ ફેલાવી દે છે. પોતાનું આદર્શ પાત્ર અપેક્ષાઓ મુજબનું નથી ઉભરી રહ્યું તે વિચાર બાળકને અવાસ્તવિક લાગે છે અને તેનાંથી તેનાં મન પર બધું બરાબર કરી દેવાનો એક અસહ્ય બોજ ઉત્પન્ન થાય છે. પરંતુ, એ સરખું કરવું તેનાં હાથની વાત હોતી નથી કારણકે માતા-પિતાનાં સંબંધોની ગુણવત્તા પર એક બાળકના વર્તનની જો કઈ હોય તો પણ બહુ ઓછી અસર હોય છે.

માતા-પિતા બન્ને પોતાનાં વર્તનમાં ગમે તે કારણોસર જયારે સુવ્યવસ્થિત નથી હોતા ત્યારે તે ભલે સત્ય લાગે કે પછી અસંગત લાગે, પણ કોઈ એકજણ પોતાનાં બાળક તરફથી હુંફ કે લાગણીકીય આધારની ઈચ્છા રાખતાં થઇ જાય છે. તે કુદરતી છે; તમે જે નજીકની વ્યક્તિ હોય તેનાં તરફથી જ ટેકાની અપેક્ષા રાખતાં હોવ છો. પરિણામે જે પીડિત વાલી છે તે બાળક તરફ વધારે વળગેલું રહે છે. પરંતુ એક બાળક કે જે હજી મોટું થઇ રહ્યું હોય છે હજી આ બોજા માટે સક્ષમ નથી હોતું. કે તે એટલું અનુભવી પણ નથી હોતું કે સંબધોનાં તાણાવાણાને સમજી શકે. પોતાની માંને હંમેશા હુંફ આપતાં રહી તેને પોતાને એક પિતાનું પાત્ર ભજવવું પડતું હોય છે. અને તેનાંથી બાળકની પોતાની જાતને, આ દુનિયાને અને આવનાર સમયમાં બંધાતા પોતાનાં અંગત સંબધોને સમજવાની શક્તિને ખુબ મોટું નુકશાન થાય છે.

સમય જતાં, આવું બાળક પોતાની કારકિર્દીમાં સફળ હશે, તે કદાચ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ જીતી લાવે, તે કદાચ એક નિપુણ વૈજ્ઞાનિક પણ બને, પરંતુ તેની વ્યવહારિક સંબધ બાંધવાની ક્ષમતા ખુબ મોટા પાયે બગડી જતી હોય છે. એવું કેમ? ઘણાં બધા કારણોમાંનું એક મુખ્ય કારણ એ છે કે તે પોતાનાં સાથી માટે પણ માં-બાપનું પાત્ર ભજવતા થઇ જાય છે. આવા સંબધોમાં કોઈ સમાનતા નથી હોતી અને માટે કાં તો આ સંબધ તૂટી જાય છે કાં તો નિષ્ફળતા પામે છે. મહેરબાની કરીને આ ફરીથી વાંચો: જયારે એક સાથી બીજાને સમકક્ષ ગણીને વર્તન નથી કરતું પણ માલિકી કે કાબુ રાખવાની કોશિશ કરે છે ત્યારે આ સંબધમાંની નિકટતા કે હું કોઈનો/કોઈની છું ની ભાવના અળગી થઇ જાય છે. એક બાળક કે જેનાં માતા કે પિતામાંથી કોઈ એક જયારે વધારે પડતું તાનાશાહી વાળું હોય ત્યારે તે બાળક મોટાભાગે તેનાં પોતાનાં જીવનમાં પોતાનાં અંગત સંબધમાં એક અસંતુષ્ટિનો અનુભવ કરે છે.

એક બાળક પોતાનાં માં-બાપ ઉપર બધી રીતે આધારિત હોય છે. સો ટકા. ચાર થી આઠ વર્ષનાં બાળકો જે ચિત્રો દોરે છે તેમાં હંમેશા મોટાભાગે તેમનાં માં-બાપ હોય જ છે. તેઓ પોતાનાં માતા-પિતા વગરની દુનિયાની કલ્પના પણ નથી કરી શકતા હોતા. એક બાળક માટે પોતાનાં માં-બાપનું ધ્યાન, ટેકો, પ્રેમ અને કાળજી અત્યંત આવશ્યક છે તેનાં માટે કોઈ ભાવતાલ ન થઇ શકે. બાળકોનું અસ્તિત્વ અને તેમનો વિકાસ તેનાં ઉપર આધારિત હોય છે. માં-બાપનો શબ્દ તેમનાં માટે અંતિમ હોય છે. માટે, જયારે માં-બાપ પોતાનાં બાળક વિશે પોતાનો મત આપે છે ત્યારે બાળક સૌ પ્રથમ તો તેને સત્ય જ માની લેતું હોય છે. માં-બાપ પોતાનાં બાળકને જે લેબલ આપતાં હોય છે તેમાંના મોટાભાગનાં બાળકો તે લેબલને પોતાની આખી જિંદગી સુધી લઇ જતાં હોય છે. આમ એક સક્ષમ મનની એક સુંદર જિંદગી એક સંઘર્ષમાં રૂપાંતર પામે છે કારણકે તેઓ પોતાનાં માં-બાપની આંખમાં સારા નહોતાં.

અધુરૂ, નક્કામું, અશિસ્ત, બગડેલ, બેફીકર વિગેરે લેબલ જયારે લગાડવામાં આવે ત્યારે એક બાળક કાં તો બિલકુલ બિન્દાસ થઇ જાય છે કાં તો પછી હંમેશાં પોતાને એક ધ્યાન કે અનુમોદન મળે તેની શોધ કર્યા કરતું હોય છે. આ બન્નેમાં એક નિમ્ન આત્મ-ગૌરવનાં દર્શન થાય છે, અને બન્ને પ્રકારમાં તેઓ એક નકારાત્મક જીવન પસાર કરે છે. પોતાનાં કામમાં તેઓ સફળ થાય છે કારણકે તેઓ પોતાનાં પ્રદર્શનમાં કે બઢતીમાં A+ મેળવવા માટે કઠોર પ્રયત્ન કરી જાણતા હોય છે, પણ આ પર્યાપ્તતા અને ધ્યાન ખેંચવાની જરૂરિયાત તેમનાં પોતાનાં અંગત સંબધો ઉપર એક દોષારોપણાત્મક અસર કરે છે. હું ઘણીવાર એવાં લોકોને મળતો હોવ છું કે જેઓ હજી પણ એક પુખ્ત શરીરમાં રહેતાં બાળક જેવાં હોય છે. તેઓ હંમેશાં પોતાને ધ્યાન કે અનુમોદન મળે કે પોતાની પીઠ કોઈ થાબડે તેવી અપેક્ષા રાખતાં હોય છે.

જયારે બાળકો પોતાનાં માં-બાપને એકબીજા સાથે જુઠ્ઠું બોલતા જુવે છે, જયારે તે તેમને એક ચોક્કસ રીતે જીવન જીવતાં જુવે છે, ત્યારે તે એમનાં માટે પણ એક સત્ય બની જાય છે. એક બાળક માટે પોતાનાં માં-બાપ અપૂર્ણ છે તેની કલ્પના કરવી અઘરી હોય છે. આવું ભાન તેમને બહુ મોડું થતું હોય છે અને જયારે થતું હોય છે, ત્યારે પણ સૌ પ્રથમ તો તેઓ આવું વિચારવા માટે ગ્લાની અનુભવે છે, કારણ કે તેમને લાગે છે કે આમ વિચારીને તેઓ પોતાનાં માં-બાપ ઉપર વિશ્વાસ નથી કરી રહ્યાં કે પછી પોતે કૃતઘ્ની બની રહ્યાં છે. ખાસ કરીને જયારે કોઈ બાળક મોટું થઇને એક વિફળ સંબધમાંથી પસાર થયું હોય અને હવે તે પોતાનાં માં-બાપની પાસે પાછું હુંફ અને ટેકા માટે આવતું હોય છે ત્યારે તો ખાસ. આવું એટલાં માટે બને છે કેમ કે મગજ આપોઆપ પોતાનાં માં-બાપ સાથે ગાળેલી ખુશીની પળોને ફરી યાદ કરે છે. પણ, કમનસીબે માં-બાપ તો બિલકુલ બદલાયા હોતા નથી. માટે, હવે, તેઓ ફરી પેલાં લેબલોનો ઉપયોગ કરે છે ત્યારે તે બાળકમાં પોતાનામાં કઈક ખૂટે છેની ભાવનાને વધુ દ્રઢ બનાવે છે. અને તે, બદલામાં, હવે તેમને ફરીથી એક બીજા નિષ્ફળ સંબધ માટે કે એક જીવનને જ નિષ્ફળ કરવા માટે તૈયાર કરે છે.

એ મારે નથી કહેવાનું કે માં-બાપ આવું એટલાં માટે કરે છે કારણ કે તેમને વધારે સારાની ખબર નથી હોતી કે પછી કોઈ બીજું કારણ હોય છે. એ તો માં-બાપે જાતે વિચારવાનું છે. મારે મારા પીઢ વાંચકોને કે જેમને એક તકલીફભર્યું બાળપણ વિતાવ્યું છે તેમને એટલું જ કહેવાનું છે કે તમારો કોઈ વાંક નથી. જયારે તમારા માતા-પિતા તકરાર કે દલીલો કરતાં હતાં, જયારે તેઓ એકબીજા સાથે ફરિયાદ કે ઝઘડો કરી રહ્યા હતાં, ત્યારે એમાં તમારો કોઈ વાંક નહોતો. જયારે તમે તેમની વચ્ચે બધું બરાબર નહોતા કરી શકતા, જયારે તમે તેમને હુંફ નહોતા આપી શકતા, જયારે તમે તેમનાં પ્રચંડ ક્રોધના લક્ષ્ય બની જતાં હતાં, ત્યારે તમારો તેમાં કોઈ ભાગ નહોતો.

તેમની અપરીપક્ક્વતા એ ક્યારેય તમારા ઉપરનું દોષારોપણ નહોતું, તેમને તો તેમનાં પોતાનાં જ પ્રશ્નો હતાં; તે તમારા વિશે નહોતા. તમે કારણ નહોતા પણ શિકાર હતાં. એવું કશું નહોતું કે જે તમે તેમનાં સંબધને સરખો કરવા માટે, કે બચાવવા માટે કે તેમનાં પ્રશ્નો ઉકેલવા માટે કરી શક્યાં હોત.

એ બહુ ભયાનક બાબત હતી કે જેનાં માટે તમે કારણભૂત નહોતા તેમ છતાં તમારે તેમાંથી પસાર થવું પડ્યું. મહેરબાની કરીને તમારી જાતને તેનાં માટે જવાબદાર ન ગણો. અને તમે જો કોઈ ભૂલ કરી પણ હોય તો તે ભૂતકાળમાં હતી. તેને ભૂલી જાવ. તમારા ભૂતકાળને ખંખેરી નાંખો. પ્રયત્ન તો કરો. તમારી જાતને મુક્ત કરો.

આપણામાંના દરેકજણને અર્થપૂર્ણ જીવન જીવવાનો હક છે. જાવ, તમારી જાતને શોધો; તમારા ભૂતકાળમાં નહિ તમારા વર્તમાનમાં.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email