આપણે શા માટે દુભાઈ જવાની લાગણીમાંથી બહાર આવવા માંગતા હોઈએ છીએ? એ જે કઈ બન્યું છે તે ભૂતકાળની બાબત છે ખરું કે નહિ? એ તો જતું રહ્યું, પૂરું થઇ ગયું. પરંતુ સત્ય એ છે કે તે હજી પણ પરેશાન કરતું હોય છે. અને આપણને જેનાંથી પરેશાની અનુભવાતી હોય તે તમામ બાબતોથી આપણે દુર થઇ જવા ઇચ્છતાં હોઈએ છીએ. આ આપણો મૂળભૂત સ્વભાવ હોય છે. જો ભૂતકાળની કોઈ પણ યાદ તમને પરેશાન ન કરતી હોય તો તે તમને દુ:ખ પણ નહિ પહોંચાડે. તે તમને દુ:ખ આપે છે કારણકે તે તમને પરેશાન કરતી હોય છે. જો તમે તે વિચારો અને લાગણીના લીધે થતી પરેશાનીથી ઉપર ઉઠી શકો તો તમે દુ:ખથી પણ ઉપર ઉઠી શકશો. ચાલો તમને એક નાની વાર્તા કહું:

એકવાર એક માણસ બજારની લટાર મારવા નીકળ્યો હોય છે. તે સોનીની દુકાન પાસે આવ્યો અને તેને સોનાનાં ઘરેણાં પ્રદર્શનમાં મુકેલા હતાં તે જોયા. તેને બાજુમાં પડેલો એક પત્થર હાથમાં લીધો અને એક જોરથી ઘા કરીને બારીનો કાચ તોડી નાંખ્યો. હજી બીજા લોકો કઈ વિચારે તે પહેલાં તો તે ઘરેણાં લઈને ઉતાવળે ભાગી નીકળ્યો. પરંતુ સલામતી રક્ષકોએ તેને પળવારમાં ઝડપી લીધો અને અદાલતમાં ન્યાયાધીશ સામે તેને ઉભો રાખ્યો.
“મને નવાઈ લાગે છે,” ન્યાયાધીશે કહ્યું. “તે ધોળા દિવસે ભરબજારમાં લુંટ કરવાની કોશીશ કરી છે. તું શું ધારતો હતો?”
“એ સોનું હતું, જજ સાહેબ,” ચોરે કહ્યું. “હું મારી જાતને રોકી જ ન શક્યો. હું એટલો આંધળો થઇ ગયો કે હું કશું જોઈ જ નહોતો શકતો. મને દુકાનનો માલિક કે સલામતી રક્ષકો કોઈ દેખાયા જ નહિ. મેં આજુબાજુ રહેલાં લોકોને પણ ન જોયા ને. મેં ખાલી જોયું તો સોનું જ જોયું.”

મેં ખાલી જોયું તો સોનું જ જોયું. જે કઈ પણ છે તે આ ધ્યાનમાં શું લીધું એ જ છે, વધુ સ્પષ્ટતાથી કહેવું હોય તો ધ્યાન આપવાની કલા ઉપર જ બધું આધારિત છે. તમે કઈ અનુભવો એ પહેલાં તમારું મગજ તેનાં વિશે વિચારી લેતું હોય છે. તે તમને પાછું તે યાદ તરફ, તે વ્યક્તિ તરફ, તે પ્રસંગ તરફ લઇ જતું હોય છે અને પછી પ્રતિક્રિયાની હારમાળા અંદર શરુ થઇ જતી હોય છે. પાછું મન ચારે કોર વધુ આ પ્રકારની યાદોથી ભરાઈ જતું હોય છે અને તમે તેનાં વિશે હજી જાગૃત થાવ તે પહેલાં તો આવી યાદોમાં ઉમેરો થઇ-થઇ ને તમારી મનોદશા બિલકુલ બદલાઈ ચુકી હોય છે. તમે થોડી ક્ષણો પહેલાં બિલકુલ બરાબર હતાં પરંતુ હવે તમારો આખો દિવસ ખરાબ થઇ ગયો હોય છે કેમ કે એ વિચારોએ હવે લાગણીનું સ્વરૂપ લઇ લીધું હોય છે અને આ લાગણીઓ હવે તમારી ઉપર બરાબરની છવાઈ ગઈ હોય છે. આવું થઇ તો પલભરમાં જતું હોય છે પણ તે કોઈપણનું માનસિક સંતુલન ગુમાવી દેવા માટે પુરતું હોય છે. કારણકે, વિચારોની શક્તિ તેની ગતિ જેટલી જ શક્તિશાળી હોય છે.

કોઈ પણ વસ્તુ વિશે વિચાર કર્યા પહેલાં તેનાં માટે સારું કે ખરાબ અનુભવવું શક્ય નથી. દુભાઈ જવું એ એક લાગણી છે, એક અનુભવ છે. જો તમે આવું તમારી સાથે શા માટે થયું, તેને તમારી સાથે આવું કેમ કર્યું, કે એ તમારી સાથે આવું કેવી રીતે કરી શકે વિગેરે વિચારો કરીને તેનું પૃથ્થકરણ કરવાનું છોડી દો તો તમે દુભાઈ જવાની લાગણીમાંથી બહાર આવી શકો. આપણે કોઈ એક વિચાર ઉપર વિચાર કર્યા કરીને તેમાંથી કઈ બહાર ન આવી શકીએ. ભૂતકાળનું વિશ્લેષણ કર્યા કરવાથી કઈ તેમાંથી બહાર નહિ આવી શકાય. કોઈ વખત બીજી કોઈ સારી વ્યક્તિ આવે અને તમને સારા કરે તેવું બનતું હોય છે. તે તમને તેનાં પ્રેમથી સારા કરતું હોય છે, તે તમને એમનાં અસ્તિત્વનો એક ભાગ બનાવીને તમને સારા કરતું હોય છે. પણ ફક્ત એ જ એકમાત્ર કારણ નથી હોતું. તમને તમે સાજા થઇ ગયા હોય એવું લાગે છે કારણકે તે વ્યક્તિ તમને વર્તમાનમાં ખેંચી લાવતાં હોય છે. તમારું ધ્યાન ભૂતકાળમાંથી વર્તમાન તરફ ફંટાઈ જતું હોય છે.

અંતે બધું ધ્યાન ઉપર આવી જતું હોય છે. જો તમે તમારા વર્તમાન તરફ ધ્યાન આપશો તો ભૂતકાળનાં વિચારો તમને હેરાન નહિ કરી શકે. આપણું મન આપણે જે સતત વિચારો ઉપર ધ્યાન આપ્યા કરતાં હોઈએ છીએ તેનાં ઉપર જ બનતું હોય છે. મન જે વિચારોની ગાડી અંદર ચાલ્યા કરતી હોય છે તેને સંબધીત બીજી માહિતીઓને પુન: યાદ કર્યા કરવાનું ચાલુ જ રાખે છે. Mihaly Csikszentmihalyi (ઉચ્ચાર: મીહાય ચીકસેન્ટમીહાયી)નું શ્રેષ્ઠ સશોધન કાર્ય તેમના પુસ્તક Flow માંથી ટાંકીએ તો:

માહિતી આપણી જાગૃતતામાં એટલાં માટે પ્રવેશતી હોય છે કેમકે આપણે તેનાં ઉપર ધ્યાન આપવાનો ઈરાદો રાખતાં હોઈએ છીએ કાં તો પછી આપણી જૈવિક અને સામાજિક સૂચનાઓ મુજબ ધ્યાન આપવાની જે ટેવ છે તેનાં લીધે તેમ થતું હોય છે. દાખલા તરીકે હાઇવે ઉપર ગાડી લઇને જતાં હોઈએ છીએ ત્યારે આપણે બીજી હજારો ગાડીઓને આપણે પસાર કરતાં હોઈએ છીએ અને આપણે તેમનાં તરફ ધ્યાન પણ આપતાં હોતા નથી. તેમનાં કલર તેમનો આકાર એક ક્ષણનાં ચોથા ભાગ માટે આપણી અંદર નોંધાય છે ખરો પણ તરત જ ભુલાઈ જાય છે. પણ કોઈ વાર પ્રસંગોપાત આપણે કોઈ વાહનની નોંધ લેતાં હોઈએ છીએ ખરા, કદાચ કારણકે તે બે લેન વચ્ચે આવ-જા કરતું હોય છે, કે પછી તે એકદમ ધીમું ચાલતું હોય છે, કાં તો પછી તે એકદમ વિચિત્ર દેખાવનું હોય છે. વિચિત્ર દેખાવની ગાડી આપણા જાગૃત ધ્યાનનાં ક્ષેત્રમાં પ્રવેશે છે અને આપણે તેનાંથી જાગૃત થઇ જતાં હોઈએ છીએ…

એ ધ્યાન હોય છે કે જે હજારો માહિતીમાંથી જે સુસંગત માહિતી હોય છે તેને પકડી પાડતું હોય છે. અને તમારી યાદમાંથી યોગ્ય સંદર્ભ શોધી કાઢી, પ્રસંગનું મૂલ્યાંકન કરીને પછી યોગ્ય કરવા જેવી વસ્તુ કરવા માટેનો નિર્ણય લેવા માટે ધ્યાન આપવાની જરૂર પડતી હોય છે.

આ મેં પહેલાં પણ કહ્યું હતું અને પાછું પણ કહું છું: જયારે ભૂતકાળનાં વિચારો વિના આમંત્રણે આવી જતાં હોય ત્યારે સહજતાથી અને ખુબ જ હળવેથી તમારું ધ્યાન બીજે કશે લઇ જાવ, જે કઈ આનંદદાયક હોય તેનાં તરફ, તમારા સ્વપ્ન તરફ, તમારા વર્તમાન તરફ. આ દુઃખમાંથી બહાર આવવાની એક મૂળભૂત યૌગિક પદ્ધતિ છે. નકારાત્મક વિચારોને પકડશો નહિ, તમારી ભૂતકાળની યાદો ઉપર કોઈ પ્રતિક્રિયા આપશો નહિ. સમજો કે તે વિચારો માત્ર છે, અને તેની કોઈ મૂળ કીમત હોતી નથી. ત્રણ પગ વાળા હાથીની વાર્તા યાદ છે ને?

જયારે તમે વર્તમાનમાં જીવતાં હોવ છો, જયારે તમારો વર્તમાન સારો અને મુલ્યવાન હોય છે, જયારે તમારી આજ તમારી ગઈકાલ કરતાં વધારે સુંદર હોય છે ત્યારે તમે સંતોષની લાગણી આપોઆપ અનુભવશો. અને ત્યારે તમે ભૂતકાળમાં રહેશો પણ નહિ અને ભૂતકાળ વિશે વિચારશો પણ નહિ. અને, જયારે તમે તેનાં વિશે વિચારતા જ નથી, ત્યારે ભૂતકાળની યાદો તમારી અંદર ઉઠશે પણ નહિ અને તમને હેરાન પણ નહિ કરે. આપણે વિચારની પસંદગી કરી શકતા નથી. એ કોઈપણ દિશામાંથી આવીને આપણી ઉપર હુમલો કરશે. પરતું, અભ્યાસથી આપણે તેને પસંદ કરી શકીશું, જે કઈ વિચાર સ્ફુરે ત્યારે તેનાં ઉપર જો આપણે ધ્યાન આપીશું તો. આપણી ગઈકાલને બદલવાનો કોઈ રસ્તો છે જ નહિ. અને આ હકીકત છે. આપણે તેમ છતાં આપણી આજને ચોક્કસ બદલી શકીએ છીએ. તે આપણા ભૂતકાળને તો નહિ બદલી શકે પરંતુ તેને કમજોર અને મહત્વહીન જરૂર બનાવી દેશે.

જો તમે મને પૂછો કે કરવા જેવું કામ શું હોય છે, તો હું કહીશ કે વર્તમાનને સુંદર બનાવવો તે, વર્તમાનને સુંદર બનાવી તમે તમારા ભવિષ્યને એક શ્રેષ્ઠ ભેટ આપી શકો છો. અને સુંદર વર્તમાન જ તમારા ભૂતકાળ ઉપર લગાવવા માટેનો એક સાંત્વનાદાયક બામ છે. એવું કહેવાય છે કે Present is a present. તે એક ભેટ છે.

વર્તમાન ખુબ જ તીવ્ર ગતિથી ભૂતકાળમાં રૂપાંતર પામી જતો હોય છે. ક્ષણે ક્ષણે. દરેક પસાર થતી ક્ષણ ઈમારતની એક એક ઈંટ જેવી છે; તમારા સ્વપ્નાંની ઈમારત, તમારા ભવિષ્યની ઈમારત એમાંથી બનતી હોય છે. અને સદ્દનશીબે તે આપણી પહોંચની અંદર હોય છે. તેને હાથમાંથી સરકી ન જવા દેશો. જે મહત્વનું હોય તેનાં ઉપર જ ધ્યાન આપો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email