મારાં ગયા સપ્તાહનાં લેખ દુભાઈ જવું એ રૂઝાવા કરતાં સરળ છે-ની ઉપર ટીકા કરતાં ઈ-મેઈલથી મારું ઈનબોક્સ છલકાઈ ગયું છે. મોટાભાગનાં વાંચકોએ જણાવ્યું છે કે દુ:ખમાંથી બહાર કેવી રીતે આવવું તેનાં વિશે મારા વિચારો તેમને જાણવા છે. તો કેટલાંક વાંચકોનાં મત જુદા પડતાં હતાં, તેમનું માનવું હતું કે તેમને નથી લાગતું દુભાવાની લાગણીને કોઈ દિવસ ટાળી શકાય. કોઈ એક વાંચકે લખી જણાવ્યું હતું કે:

“ તમને નથી લાગતું કે પોતાની પ્રિય વ્યક્તિનાં વર્તાવથી આપણી લાગણીને દુભાતા રોકવી એ બોલવા કરતાં કરવું બહુ અઘરું છે એનાં જેવું છે? શું તમારે તેમનાંથી પણ આઘું થઇ જવાનું? નિર્લિપ્તતા કે વૈરાગ્ય એ કોઈ માનવીય ગુણ નથી. તે એક દૈવી ગુણ છે અને તે દરેક વ્યક્તિમાં નથી લાવી શકાતો. નહિતર તો આપણે બધાં સૌથી સુખી હોત. અને તમે શું વિચારો છો કે અનુભવો છો એ દરેકને જણાવતાં રહેશો તો તમે હંમેશાં તમારી લાગણીને દુભાતી પામશો. અને મને એવું લાગે છે કે જો તમે તે વ્યક્તિને પ્રેમ કરતાં હશો અને જો તમે તેની સાથે લાગણીથી બહુ વધારે પડતાં જોડાયેલાં હશો, તો પછી તમે ગમે તેટલો પ્રયત્ન તેમને બદલવાનો કે માફ કરવાનો કે પછી ભૂલી જવાનો કે તેમની જિંદગીમાંથી ચાલ્યાં જવાનો કરશો તમારાથી તે જતું નહિ થાય…દુ:ખ વારે વારે પાછું આવતું હોય એવું જણાશે..”

એ બાબતમાં કોઈ શંકા નથી કે નિર્લિપ્તતા કે વૈરાગ્ય એ એક અસામાન્ય ગુણ છે, અને તે દૈવી ગુણ પણ છે જ. બિલકુલ સહમત છું. પણ તેટલાં માત્રથી કઈ તે ગુણને પડતો મુકવા જેવો નથી. તેમાં પણ કોઈ શંકા નથી કે તમારી લાગણી દુભાશે, પણ તેનો અર્થ એ નથી કે તમે તેમાંથી બહાર ન આવી શકો. આપણે ખરેખર આપણા સુખની ચાવી આપણા જ હાથમાં પકડીને બેઠા છીએ. સવાલ છે શું તમે તમારી જાતને સુધારવા માટે તૈયાર છો? જો હા, તો તમારે તમારી ઉપર કાર્ય કરવું પડશે. આપણે આપણી અંદર, આપણી મનોવૃત્તિમાં, આપણી જીવનશૈલીમાં, અને આપણા વલણમાં બદલાવ લાવ્યા વગર એવી અપેક્ષા રાખતાં ન બેસી શકીએ કે બધું આપોઆપ બદલાઈ જશે.

સવાલ હજી પણ એ રહે છે: દુભાવાની લાગણીમાંથી બહાર કેવી રીતે આવવું? હું આ પ્રશ્નનો જવાબ બે લેખમાં આપીશ. આજનાં લેખમાં ચાલો હું એક સુંદર વાર્તાથી શરૂઆત કરું:

એક વખત, એક યુવાન હોય છે. તે એક યુવતીને ખુબ જ ઊંડાણ પૂર્વક પ્રેમ કરતો હતો. તે બધો સમય તેનાં જ વિશે સ્વપ્ના જોતો હતો. તે તેને ફૂલ મોકલતો, ભેટ મોકલતો, સારી સારી વાત કરતો, અને પોતાનો પ્રેમ વ્યક્ત કરતો. પેલી યુવતી ભેટ, ફૂલ, ચોકલેટ અને એ બધું સ્વીકારતી, પણ બદલામાં ફક્ત તે આભાર જ વ્યક્ત કરતી તેનાંથી વધુ બીજું વળતું કશું આપતી નહિ. પેલાં યુવાને તેમ છતાં પણ આશા ગુમાવી નહિ અને તે વિચારતો કે એક દિવસ તેનો પ્રેમ તેને જરૂરથી જીતી લેશે અને એક દિવસ તે પીગળી જશે અને વળતો પ્રત્યુત્તર જરૂરથી આપશે. તેને લાગતું કે તે યુવતી તેને ચોક્કસ પ્રેમ કરે છે, પરંતુ ફક્ત તે હજી પ્રેમને અભિવ્યક્ત નથી કરી રહી. આમને આમ થોડા સમય ચાલ્યું. કશું બદલાયું નહિ જોકે.

એક દિવસે, પેલી યુવતીએ તેને જણાવ્યું કે તે આ શહેર છોડીને બીજે જઈ રહી છે. યુવાને તેને નહિ જવા માટે ખુબ આજીજી કરી. પરંતુ તે યુવતીએ કહ્યું તેને વધુ મહત્વની અમુક બાબતો કરવાની છે.
“શા માટે, તો પછી પ્રેમનું શું? શું તે મહત્વનો નથી? શું તું મને પ્રેમ નથી કરતી?” યુવાને પૂછ્યું.
“પ્રેમ? પ્રેમનું શું? મેં તો કોઈ દિવસ તને પ્રેમ નથી કર્યો,” યુવતીએ કહ્યું.

પેલો યુવાન ઉભો થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. તેનાં કુટુંબીજનો અને મિત્રોને તેની ચિંતા થવા લાગી. તેમને પાક્કી ખાતરી હતી કે તે યુવાન અંદરથી તૂટી ગયો હતો, પરંતુ યુવાનનાં ચહેરા ઉપર કે તેનાં નિત્યક્રમમાં દુ:ખની એકમાત્ર નિશાની પણ નહોતી દેખાતી. તો વળી કેટલાકે વિચાર્યું કે તે ખરેખર ખુબ દુ:ખમાં છે અને તેમ છતાં પોતાની લાગણીને અંદર દબાવી રાખીને જાણે કશું નથી થયું તેમ ફરી રહ્યો છે. આમને આમ થોડા દિવસો પસાર થયાં અને તે તો એકદમ સામાન્ય જીવન જીવવા લાગ્યો. એક દિવસે તેનાં મિત્રોએ તેને પૂછી જ લીધું.
“તું ખરેખર ખુબ દુ:ખ અને હૃદયભંગનું દર્દ સહન કરી રહ્યો હોઈશ કેમ? અમને ખબર છે તને દુ:ખ લાગ્યું છે,” તેમને કહ્યું.
“દુ:ખ? બિલકુલ નહિ. હું તો પહેલાં કરતાં પણ વધારે ખુશ છું.”
“એવું કેવી રીતે બની શકે? તું તેને અપાર પ્રેમ કરતો હતો, જયારે તે યુવતીએ તો તને બિલકુલ અસંવેદનશીલતાથી બસ કહી દીધું કે તેને તો તને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો.”
“જુઓ,” યુવાને કહ્યું, “મેં એવી વ્યક્તિને ગુમાવી દીધી છે કે જેણે મને ક્યારેય પ્રેમ નથી કર્યો, પરંતુ તેને તો એવી વ્યક્તિને ગુમાવી છે કે જે તેને ખુબ જ ઊંડાણપૂર્વક ચાહતી હતી. તો બોલો, ખરેખર આમાં કોણે ખોટ ખાધી છે?”

ઉપરોક્ત વાર્તા આપણને એક દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. અને, અંતે બધું તમારા દ્રષ્ટિકોણ તમારા મત ઉપર જ આધાર રાખતું હોય છે કે આપણને જીવન જે કઈ આપે તેને આપણે કઈ રીતે લેતાં હોઈએ છીએ, જિંદગી આપણને જે બતાવવા માંગતી હોય છે તેને આપણે કઈ રીતે જોતા હોઈએ છીએ. અને આપણને કોઈને તે યુવતી કેવી છે તેના વિશે નિર્ણય કરવાનો કોઈ હક નથી. કોને ખબર તેની પાસે કોઈ બીજું જ કારણ હોય ના પાડવાનું કે જે તે પોતે કહેવા ન માંગતી હોય? ખરેખર તો હૃદયને લગતી બાબતો કોઈનાં ઉપર જોર જબરદસ્તીથી લાદી શકાતી નથી કે સંપૂર્ણપણે સમજી શકાતી હોતી નથી. વધુમાં મારું કેન્દ્રબિંદુ ઉપરોક્ત વાર્તામાંનો યુવાન છે કે જેને વધારે દુ:ખ થયું હોવાનું બધા માનતાં હોઈ શકે છે.

તો ઉપરોક્ત વાર્તામાંથી શું શીખવા જેવું છે, તમે કદાચ પૂછશો? તો તે છે: તમારી જાતને એક શિકાર કે પીડિત વ્યક્તિ તરીકે જોવાનું બંધ કરો. મને ખબર છે કે તમને આ નહિ ગમે પરંતુ આ જ સત્ય છે. તમે જો એક શોષિત સંબધમાં બંધાયેલાં હોવ અને જો તમે પીડાનો શિકાર થયા હોવ, તો તે વાત જુદી છે, તેમાં હું સહમત છું કે તમે પરિસ્થિતિનાં શિકાર છો. પરંતુ એક સામાન્ય સંબધમાં, જયારે તમે સામેની વ્યક્તિને ખરેખર શું જોઈએ છીએ તેનાં વિશે તમે અજ્ઞાન રહેવાનું પસંદ કરતાં હોવ અને તમને શું ગમે છે તેનાં ઉપર જ જો તમારું ધ્યાન રહેતું હોય, તો તમે જાતે જ આપોઆપ તમારાં માટે એક મોટી નિરાશા ઉભી કરો છો.

અને એટલું જ નહિ જોકે. લાંબા સમય પહેલાં મેં કર્મોનાં હિસાબ ઉપર એક લેખ લખ્યો હતો. કુદરત એક કલ્યાણમય અને એકીકૃત રીતે વર્તે છે. જયારે તમને દુ:ખ લાગતું હોય ત્યારે તમે એક ગહન વિચાર એ પણ કરી લેજો કે શું તમે પણ કોઈકને દુ:ખ નથી લગાડી રહ્યાંને? તેઓ કદાચ તમારા ભાઈ-બહેન, મિત્રો, કુટુંબીજનો, સાસરી પક્ષ વાળાઓ, સહકર્મચારીઓ, કે બીજું કોઈપણ હોઈ શકે છે. જયારે આપણે કોઈને દુ:ખ લગાડતા હોઈએ છીએ ત્યારે એનો અર્થ એ નથી કે તે વ્યક્તિ પણ આપણને વળતું દુ:ખ લગાડશે. તેનો સરળ અર્થ એ છે કે કુદરતના નિર્મળ નિયમો મુજબ, તે કદાચ કોઈક બીજી વ્યક્તિને તમારું પાર્સલ તમને પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

હું પુન: એ યાદ અપાવી દઉં કે આ લેખ એક બિન-શોષિત સંબધમાં અનુભવાતાં દુ:ખની વાત વિશે છે. પીડિત કે શોષિત સંબંધ તો કુદરતમાં એક અસંગતિ છે. તેની સાથે જુદી રીતે હિસાબ કરવામાં આવે છે. હું એ પણ માનું છું કે જે કોઈને દુભાવાની લાગણીનો અનુભવ થયો છે તેમનાં માટે આ કોઈ પ્રેરણાદાયી લેખ નથી પરંતુ હું આશા રાખું કે તમને કશુક વિચારવા જેવું આ લેખમાં મળ્યું હશે.

ટુંકમાં, આપણે એ ચકાસવાનું છે કે શું આપણે આપણી બીજા પ્રત્યેની અપેક્ષાઓમાં વ્યાજબી છીએ ખરા, અને, શું આપણે આપણી પસંદગીઓનાં પરિણામ માટે જવાબદારી લઈએ છીએ, અને આપણે કોઈ બીજાને, આ સર્જનમાં રહેલી કોઇપણ વ્યક્તિને, દુભાવી તો નથી રહ્યાંને,

ઉપરોક્ત બાબતો ઉપર વિચાર કરો અને એ મુજબ વર્તો, અને હું તમને વચન આપું છું કે તમે પોતે જ તમારા એક શક્તિશાળી આંતરિક રૂપાંતરના સાક્ષી બની જશો. તમારું મન જાણે કે એક શાંત સમુદ્ર બની જશે, જાણે એક ભૂરું આકાશ, એક મંદ હવાની લહેરખી, એક સ્થિર પ્રવાહ.

હવે પછીનાં લેખમાં, હું તમને દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું તેનાં વિશે એક થોડો ઓછો ફિલસુફી દ્રષ્ટિકોણ આપીશ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email