ગતાંકથી ચાલુ રાખતાં, આજે ચાલો હું વજન ઉતારવામાં એક ખુબ જ મહત્વનાં દ્રષ્ટિકોણ ઉપર પ્રકાશ પાથરું. જો આજના મારા આ સંદેશને તમે બરાબર સમજી લેશો તો તમને સારી શારીરિક તંદુરસ્તી માટેનો એક નુતન દ્રષ્ટિકોણ જડી જશે. આપણું શરીર એક સાદું શારીરિક યંત્ર નથી પરંતુ એક ખુબ જ જટિલ યંત્ર છે કે જે આપણી માનસિક અવસ્થા અને આપણા મનમાં પોતાનાં સાથે તેમજ આજુબાજુનાં વાતાવરણ સાથે ચાલતાં પારસ્પરિક પ્રભાવથી સતત અસર પામતું હોય છે.

હું જાણું છું કે ઘણાં બધાં લોકોએ ઘણું બધું કરી જોયું છે જેમ કે ડાયેટિંગ, કસરત, પુરક આહાર, યોગ, ધ્યાન પરંતુ તેઓ વજન ઉતારવા માટે હજી સુધી સફળ રહ્યાં નથી. જે કઈ પણ વજન તેઓ ઉતારે તે તરત પાછું આવી જતું હોય છે જાણે કે કોઈ તે વજન કોઈ ખરાબ વસુલી કરનાર ન હોય. તેઓ ગમે તે ખાય પણ તેનાંથી વજન વધી જ જતું હોય છે. સૌથી ખરાબ તો ત્યારે થતું હોય છે કે જયારે તેઓ વધારે નથી ખાતા હોતા ત્યારે પણ વજન તો ઘટતું જ નથી ઉલટું વધતું જ રહે છે. એ સ્પષ્ટ છે કે તમે જેટલી કેલેરી અંદર લો તેનાંથી વધુ બાળો તેનાંથી કામ થતું નથી. વજન ઉતારવાની બાબતમાં તેનાંથી કઈક વિશેષ રહેલું છે. હું શારીરિક તંદુરસ્તીના દ્રષ્ટિકોણ ઉપર તો વિસ્તારપૂર્વક વાત કરીશ જ, પરંતુ મારું ધ્યાન આજે એનાંથી કઈ કેટલાય વધુ ઊંડા દ્રષ્ટિકોણ ઉપર કેન્દ્રિત છે, અને તે છે – આત્મ-ગૌરવ. તમને નવાઈ લાગશે આત્મ-ગૌરવને વજન ઉતારવાની સાથે શું લેવા-દેવા? સત્ય તો એ છે – મોટાભાગે બધી જ બાબતને આત્મ-ગૌરવ સાથે લેવા-દેવા હોય છે.

અસંખ્ય વાર મેં એવું અવલોકન કરેલું છે કે જયારે લોકો એક તકલીફ વાળા સંબંધમાં હોય, ખાસ કરીને એવાં કે જેમાં એક સાથીદાર બીજાને નક્કામાં હોવાનો અનુભવ કરાવતું હોય ત્યારે બીજું પાત્ર ખુબ જ ઝડપથી વજનમાં વધારો અનુભવે છે. જયારે આત્મ-ગૌરવ ઓછું હોય ત્યારે આપણું શારીરિક શરીર એક સૌથી ભોળું અને મુખ્યત્વે સૌથી વધુ પીડિત સાબિત થાય છે. કેટલાંક આવી પરિસ્થિતિમાં વધુ ડીપ્રેશનમાં જતાં રહેતાં હોય છે, તેઓ ડ્રગ્સ લેતાં થઇ જાય છે, સામાજિક રીતે વિમુખ થઇ જાય છે, અને મોટાભાગનાં આવા લોકો પોતાની જાતને ધિક્કારવા લાગે છે. તેઓ એવું માનતાં થઇ જાય છે કે તેમનામાં કઈક ખોટું છે, કે તેઓ તેમની પાસે જે છે તેને લાયક નથી અને પ્રેમ મેળવવાને તો બિલકુલ પાત્ર નથી. અને જેમ જેમ આ લાગણી વધુ ઊંડી થતી જાય તેમ તેમ તેઓ દીર્ઘકાલિન ચાલતી શારીરિક બીમારીઓમાં સપડાઈ જાય છે અને ખુબ જ ઝડપથી વજન વધારાને અનુભવે છે. જો કે મારી પાસે કોઈ રીસર્ચ નથી કે જેનાં આધારે આમ થાય છે તેમ કહી શકાય, તેમ છતાં મેં એવું વારંવાર અનુભવ્યું છે કે પુરુષ અને સ્ત્રીમાં, સ્ત્રીઓમાં ઓછા સ્વાભિમાનને કારણે વજન વધારો ખુબ જ આસાનીથી થઇ જાય છે. એવું લાગે છે કે જાણે તેમનું શરીર લાગણીનાં કારણે કોઈ પણ બદલાવમાં બહુ જલ્દી પ્રતિક્રિયા આપતું હોય છે.

જો તમને માન્યામાં ન આવતું હોય તો તમારી આજુ બાજુ એક નજર કરો. એક ઝીણવટભરી તપાસ કરશો તો તમને એક ચિત્ર બનતું દેખાશે. ઘણાં લોકો કે જેઓ અપરિણીત હતાં ત્યારે પાતળા હતાં પણ જેવાં તેઓ એક અત્યાચારી સંબધમાં પ્રવેશે છે કે તરત જ તેમનાંમાં વજન વધી ગયેલું જણાય છે. મહેરબાની કરીને એની નોંધ લેજો કે અત્યાચારી સંબધ એટલે હંમેશા શારીરિક અત્યાચારની જ વાત નથી હોતી. મોટાભાગે તો લાગણીનાં સ્તરે જે અત્યાચાર થતો હોય છે તે જ સૌથી વધારે સામાન્ય અને સૌથી વધુ નુકશાનકર્તા હોય છે. જયારે તમારા સાથીદાર તમારી સરખામણી સતત કોઈ બીજા સાથે કરતાં હોય છે, જયારે તમે મોટાભાગે જે કઈ પણ કરો તેનું હંમેશા કોઈને કોઈ ટીકા સાથે સ્વાગત થતું હોય કે જયારે તમે અભિવ્યક્તિ કે કોઈ કાર્ય સ્વાતંત્ર્યની વાત કરો તો તેને કોઈ ઉત્તેજન ન મળતું હોય કે જયારે તમારા સાથીદારનું વર્તન અસ્થિર હોય ત્યારે તમે ધીમે ધીમે પણ ચોક્કસપણે ઓછા આત્મ-ગૌરવનાં એક કાયમી દર્દી બની જતાં હોવ છો. આત્મ-ગૌરવના અભાવમાં અસલામતી કુદરતી પણે જ ઉપર ઉઠતી હોય છે, અને ગુસ્સો કે પ્રતિક્રિયા સ્વરૂપે એક નકારાત્મક લાગણી મનની સપાટી ઉપર આવી જતી હોય છે. હવે કોઈ રસ્તો નથી રહેતો કારણકે જો તમે તેને અભિવ્યક્ત કરશો તો તેનાંથી તણાવ ઉત્પન્ન થશે અને જો તમે તેને દબાવી રાખશો તો તે તમારા શારીરિક શરીર ઉપર આંતક ફેલાવી દેશે. કોઈપણ માર્ગ લો તમારી મનની શાંતિ લુંટાઈને જ રહેવાની.

આવું ધંધાદારી સંબધોમાં હંમેશા થતું હોય છે. જો કે ખાટ્ટા થઇ ગયેલાં ધંધાદારી સંબધની અસર અંગત સંબધ જેટલી મોટી નથી હોતી. કેમ? તમે વિચારો: ધંધાદારી સંબધની સરખામણીમાં અંગત સંબધમાં લાગણીઓનું રોકાણ ક્યાંય વધારે હોય છે. અને આ રોકાણ જેટલું મોટું હશે તેટલી જ મોટી તમારા શરીર, મન અને આત્મા ઉપર તેની અસર રહેવાની. જયારે આત્મ-ગૌરવનું પ્રમાણ નીચું રહેશે ત્યારે તેની નીચે હું-સારો/સારી-નથી આ લાગણી કાયમ રહેતી હોય છે, એક શરમની છુપી લાગણી. જો તમને આવો અનુભવ થઇ રહ્યો હોય તો મહેરબાની કરીને સમજી લેજો કે કોઈ તમારી સંવેદનશીલતા સાથે રમત રમ્યું છે અને તેને તમારી અંદર આ લાગણી પેદા કરી છે કારણકે આપમેળે પોતાનાં ઉપર શરમ અનુભવવી શક્ય જ નથી (હું આ વિષય ઉપર આવતાં થોડા અઠવાડિયાઓમાં લખીશ).

તો પછી આનો ઉપાય શું છે, તમે પૂછશો? વારુ, આવા સંબધમાંથી બહાર નીકળી જાવ. અને જો તમે તેમ ન કરી શકતાં હોવ તો તમારા સાથીદારને એ બાબતની જાણ કરી દો કે કેવા પ્રકારનું વર્તન કે વ્યવહાર અસ્વીકાર્ય છે. જો તમે એમ કરી શકો તેમ ન હોવ તો પછી આપણે તમારી જાતના મુલ્યને, તમારી શક્તિઓને, અને તેમાં તમારા વિશ્વાસને ફરીથી શોધવા માટેનો કોઈ રસ્તો કરવો પડશે. બે સરળ રસ્તાઓ છે અને તમે તે બન્ને માર્ગે ચાલી શકો તેમ હોવ તો તમે તેમ પણ કરી શકો છો. પ્રથમ, તમને જે કરવાનું ખુબ જ ગમતું હોય તેમાં લાગી જાવ. તમારા માટે જે મહત્વનું હોય તેનાં માટે રોજ થોડો થોડો સમય આપો. તમારે તમારી સ્વતંત્રતાનો ફરી દાવો કરવા માટે કોઈ એક માર્ગ શોધવો જ પડશે, તમારે તમારા અસ્તિત્વની સમજણ પાછી મેળવવી પડશે. બીજો રસ્તો વધારે શક્તિશાળી છે. આ રહ્યો તે:

સ્વ-હકારાત્મક ધ્યાન કરો. તમે જેમાં પણ નિપુણ હોય તેનાં વિશે લખવા માંડો. તમને તમારામાંથી તમને જે ગમતું હોય તેની યાદી બનાવો, તમે તમારા શરીરને કેવું જોવા ઈચ્છો છો તે લખો (સ્વપ્ન જોવા માટે ડરવાની જરૂર નથી). એક આરામદાયક આસનમાં બેસો, થોડા ઊંડા શ્વાસ લો, અને તમે જે કઈ પણ તમારા વિશે લખ્યું તેને મનમાં યાદ કરો. ફરી યાદી લખો અને તેમાં હજી બીજી બાબતોનો ઉમેરો કરવો હોય તો છૂટ છે પરંતુ રોજ સુતા પહેલાં તેનાં ઉપર થોડું ધ્યાન કરો. તમને છ અઠવાડિયાની અંદર જ પરિણામ જોવા મળશે. તમે તમારી સ્વ-હકારાત્મકતામાં કેટલો વિશ્વાસ કરો છો તેની અસર પરિણામ ઉપર દેખાશે. ફક્ત વજન ઉતારવાની બાબત જ નહિ, એ તમને તમારા મન પર લાગણીઓનો ભાર ઉતારવામાં પણ મદદરૂપ થશે, તમે એકદમ હળવા અને મુક્ત અનુભવશો.

તમારી જાતની કદર કરો અને તમારી જાતને પ્રેમ કરો; તેનાં માટે એક દ્રઢ આત્મ-વિશ્વાસ અને થોડા આત્મ-સ્વીકારની જરૂર હોય છે.

જેવી તમે તમારી ખોવાયેલી સુંદરતાને પાછી મેળવશો કે તમે તમારી જાત સાથે વધુ આરામદાયક અનુભવશો. તમે તમારી જાતને પ્રેમ અને વ્હાલને લાયક ગણશો. અને તેની સાથે તમારા આત્મ-ગૌરવને એક ખુબ જ મોટું પ્રોત્સાહન મળશે, પરિણામે, તે તમને ચોક્કસ વજન ઉતારવામાં મદદરૂપ થશે. પરિણામ સ્વરૂપે તમારી બાહ્ય સુંદરતા પણ જલ્દી અને આપોઆપ પાછી આવશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email