સામનો કરવો અઘરો હોય છે. અને તે એટલાં માટે કે તેનાંથી મોટાભાગે એક કડવાશ જ આવી જતી હોય છે. તમે જે વ્યક્તિનો સામનો કરી રહ્યાં હોય તે કદાચ તમને ના પાડે, તમારી સાથે સહમત ન થાય, તમારો વિરોધ કરે, કાં તો જો એ પ્રામાણિક હોય તો, કદાચ માફી પણ માંગે, પણ તે ક્યારેય એક આનંદદાયક કે પ્રિય સંવાદ હોય તેવી તો કલ્પના પણ થઇ શકતી નથી. આ સામનો એક મેનેજર અને કામદાર વચ્ચેનો હોઈ શકે છે, બે ભાગીદાર વચ્ચે પણ હોઈ શકે છે, માં-બાપ અને સંતાન વચ્ચે હોઈ શકે છે, બે મિત્રો સાથે હોઈ શકે છે, બે ટુકડીઓ સાથે હોઈ શકે છે અરે બે સરકાર વચ્ચે પણ હોઈ શકે છે. કોઈ વાર અસહમતીનો સામનો હકારાત્મક અને સર્જનાત્મક રીતે કરવો એ જ એક માત્ર રસ્તો હોઈ શકે છે. સામનાને એક વાતચીતનાં પ્રકાર તરીકે જુઓ, એ એક એવી અનિચ્છનીય વસ્તુ છે કે જેનાંથી લોકો શરમ અનુભવે, ગ્લાની અનુભવે, છોભીલા પડી જતાં હોય તેવું લાગે, ગુસ્સે કરી દે કે પછી થઇ જવાય વિગેરે. તો ચાલો, હું તમને સામનો કરવાનાં ત્રણ સોનેરી રસ્તાઓ બતાવું:

ઉંચો અવાજ ન કરો

જો તમે કોઈ હકારાત્મક પરિણામ ઇચ્છતાં હોય તો બિલકુલ બરાડા ન પાડશો. આનાં ઉપર વિચાર કરો: આપણે એટલાં માટે સામનો કરી રહ્યાં હોઈએ છીએ કે આપણે ઇચ્છતાં હોઈએ છીએ કે તેઓ આપણને સાંભળે અને સ્વીકારે કે તેઓ બેજવાબદારી પૂર્વક વર્ત્યા છે અને તેનાંથી આપણને દુ:ખ પહોંચ્યું છે. તેઓ તમને સાંભળે તેનો એક માત્ર રસ્તો એ છે કે તમે ઊંચા અવાજે વાત ન કરો. શા માટે? માનવીય મન કુદરતીપણે જ આનંદદાયી વાર્તાલાપ માટે ખુલ્લું રહેતું હોય છે. જયારે તમે નીચા અવાજે વાત કરો છો ત્યારે તેઓ કદાચ તમારી જોડે અસહમત જરૂર થઇ શકે પરંતુ તેમનું મન તેમને તમને ચુપ કરી દેવા માટે મંજુરી નહિ આપે. વાર્તાલાપ અને દલીલ વચ્ચેનો મૂળભૂત અને પ્રાથમિક તફાવત એ તમારી અવાજની તીવ્રતા અને તેનાં સુર પર હોય છે. અસહમતી જો કે તે બન્નેમાં હોય છે, પરંતુ દલીલમાં બન્ને પક્ષો ફક્ત બોલતાં હોય છે, સાંભળતું કોઈ નથી હોતું. જયારે તમે કોઈની ઉપર ચિલ્લાઓ છો ત્યારે તેઓ એકદમ અંદરથી બંધ થઇ જાય છે અને પોતાનો સહકાર પાછો ખેંચી લેતાં હોય છે. તેમનું મનોવલણ વાતચીત પરથી હટીને કાં તો તે મુદ્દાને જ ટાળવા માંડે છે કે કાં તો પોતે પોતાનો બચાવ કરવામાં લાગી જાય છે. બીજી બાજુ, તમે જયારે સામાન્ય સ્વરે વાત કરો છો ત્યારે તમને કદાચ એવું લાગે કે તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યાં નથી પરંતુ તમારા શબ્દો સામે વાળાનાં મગજમાં પોતાનો રસ્તો કરી લેશે. તેનો અર્થ એવો જરૂરી નથી કે તેઓ પોતાનો રસ્તો બદલી નાંખશે.

હુમલો ન કરો

યાદ રાખો કે કોઈ પણ સામનો કરવાનો તમારો હેતુ એ હોય છે કે સામેની વ્યક્તિ તમારા દ્રષ્ટિકોણને સમજે અને અમુક રીતે વર્તવાનું બંધ કરે. તમે તેમનાં પર હુમલો કરીને કે તેમને નીચા પાડીને એ ક્યારેય સિદ્ધ નહિ કરી શકો. તેમને તેમનો બચાવ કરવાનો મોકો આપો. તેમનાંથી ભૂલ થઇ છે એવી કલ્પના સાથે શરૂઆત કરો. અને આ નિયમનું ઉલ્લંઘન કર્યા વગર, તમે તમારું ધ્યાન એ બતાવવામાં રાખો કે તેમનાં વર્તનથી તમને કેટલું નુકશાન થઇ રહ્યું છે, તમારા એમની સાથેનાં સંબધને કેટલું નુકશાન પહોંચી રહ્યું છે, કાં તો એવો વર્તાવ કેવી રીતે તેમનાં પોતાનાં જ હિતમાં નથી; એમ કરવાથી તેઓ તમને સાંભળે એવી સંભાવના વધારે છે. પરંતુ જયારે આપણે સામેની વ્યક્તિ ઉપર તે આમ કર્યું ને તે તેમ કર્યું, તું આવો છે ને તેવો છે વિગેરે કહીને સીધો હુમલો જ બોલી દઈએ તો, આવું કરીને આપણે બન્નેની વચ્ચે એક મોટો અવરોધ ઉભો કરી દઈએ છીએ, અને હવે તેઓ આપણી વિરોધી બાજુ ઉપર ઉભા રહી જાય છે. હવે તેઓ રક્ષણાત્મક વલણને અપનાવતાં થઇ જાય છે અને પોતાનાં સ્વબચાવમાં તેઓ હવે વળતો હુમલો કરે છે. અને આ સમગ્ર પ્રક્રિયા આખા હેતુને મારી નાંખે છે, અંતર વધતું જાય છે, અને અંતે બન્ને લોકો વધારે ગુસ્સે થઇને રહી જાય છે.

પથચ્યુત ન થાવ

આ ત્રણેય રસ્તામાંથી સૌથી અઘરો રસ્તો છે. મોટાભાગે જયારે આપણે કોઈનો સામનો કરીએ છીએ ત્યારે તેઓ એ મુદ્દાને ટાળવાની કોશિશ કરે છે. કોઈપણ પ્રકારનો ખુલાસો, માફી કે પરિણામને ટાળવા માટેનું કુદરતી વલણ એ હોય છે કે જે ખરો મુદ્દો છે તેનાંથી અલગ થઇ જવું. જો બન્ને જણા આમાં ખેંચાઈ જાય તો સામનો કરવાનો અર્થ કે તેની સંવેદનશીલતાને ટકાવી રાખવી અશક્ય બની જાય છે. એ તુરંત જ એક ગરમા-ગરમી ભરેલી દલીલો અને અને હિંસક અસહમતીમાં બદલાઈ જાય છે. જયારે સામની વ્યક્તિ વિષય પરથી ભટકવાં માંડે ત્યારે ફક્ત તેને સાંભળો, તેને તેનો મુદ્દો પૂરો કરી લેવા દો અને ત્યારબાદ નમ્રતાથી તમારો જે મુખ્ય મુદ્દો હતો તેને જ ટકાવી રાખતાં આગળ વધો. કારણકે જો તમે પણ ભટકી જશો તો પછી તે એક અર્થહીન દલીલો માત્ર બની રહેશે કે જેમાં વાતો તો ઘણી બધી થશે પણ ઉકેલ એક પણ નહિ આવે. સર્વશ્રેષ્ઠ વાત તો એ છે કે આપણું ધ્યાન એક વાત પર રાખવું અને તેને મુદ્દાસર રાખવું. દાખલા તરીકે, જો તમારે કોઈને તે મોડા આવવા માટે વાત કરવી હોય તો ફક્ત વર્તમાન વિશે જ વાત કરો. એ હંમેશાં મોડા જ હોય છે, અને તેઓ બિલકુલ કાર્યશીલ કે સક્ષમ નથી વિગેરે કહીને ચાલુ ન કરો.

ફરી એકવાર, તમારા મનમાં યાદ રાખો કે સામનો કરવાનો હેતુ છે સામે વાળી વ્યક્તિને પોતાનાં અમુક પ્રકારના વર્તન કે જેને તમે માન્યતા નથી આપતાં તેનાં પ્રત્યે જાગૃત કરવાનો. તેમને નીચા પાડવાનો કે તેમની નિંદા કરવાનો બિલકુલ નહિ. માટે, તમે કેવા શબ્દો, સ્વર, હાવભાવ અને સમય પસંદ કરો છો તે અંતિમ પરિણામ ઉપર બહુ મોટી અસર કરે છે. વારુ, જો તમારે કોઈને એક જ મુદ્દા પર બે-ત્રણ વખતથી વધુ વાર જો સામનો કરવાનું થતું હોય તો તેઓ પોતાનું વલણ કે વર્તન બદલશે તેવી આશા તેમાં નહિવત્ હોય છે. કારણકે કે જે ડાહ્યાં અને પ્રામાણિક છે તેમનાં માટે તો એક છુપો સંકેત જ પુરતો હોય છે. જો સામેની વ્યક્તિને જ સારું નહિ બનવું હોય તો કોઈપણ પ્રકારનો વાર્તાલાપ કે સામનો, જો કદાચ થાય તોયે, કોઈ પરિણામ નહિ આપે.

એક મિત્ર મુલ્લા નસરુદ્દીનને તેમનું ગધેડું થોડા કલાક માટે ઉછીનું લેવા માટે મળે છે.
“પણ મારી પાસે મારું ગધેડું છે જ નહિ. તે તો કાલે રાત્રે જ ભાગી ગયું”, મુલ્લાએ કહ્યું. “અને, મને તેની કોઈ ભાળ મળી નથી.”
તેમનાં મિત્રે તેમની તરફ શંકાની દ્રષ્ટીએ જોયું. મુલ્લાએ હકારાત્મક અને શાંત હાવભાવ જાળવી રાખ્યા.
ત્યારે જ ગધેડાએ જોર જોરથી ભુકવાનું ચાલુ કર્યું.
“મુલ્લા! મને તમારા ગધેડાનો અવાજ તમારા જ ઘરમાં સંભળાઈ રહ્યો છે. તમે ખોટું બોલ્યા! મને તો એમ હતું કે આપણે બે મિત્રો છીએ.”
“બિલકુલ! અને તમને ગધેડાનાં ભુકવાનાં અવાજ પર તમારા મિત્રનાં શબ્દો કરતાં વધુ વિશ્વાસ છે?”

જિંદગી રંગીન છે કારણકે તેમાં વિવિધ રંગો છે; બધા રંગો સફેદ નથી હોઈ શકતાં, કે બધા લાલ કે કાળા નથી હોઈ શકતાં; બધા જ સંવાદો કઈ આનંદદાયક કે ઈચ્છનિય નથી હોઈ શકતાં. સંબધોની સફળતા – પછી તે વ્યાવસાયિક હોય કે અંગત – તમારી મતભેદોને સંભાળવાની કાબેલિયત ઉપર અને અપ્રિય સંવાદને તમે કેટલી સારી રીતે કરી શકો છો તેનાં પર મોટો આધાર રાખે છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email