સૌથી મહત્વની વ્યક્તિ કોણ છે? સૌથી મહત્વનો સમય કયોં હોય છે? સૌથી મહત્વનું કર્મ કયું છે? એક વખત એક રાજા સવારનાં પહોરમાં પોતાનાં મનમાં આ ત્રણ સવાલો સાથે ઉઠ્યા. પોતાનાં રાજદરબારમાં રાજાએ પોતાનાં મંત્રીઓને તેમજ બીજા દરબારીઓને આ ત્રણ સવાલો પૂછ્યાં. કોઈએ કહ્યું રાજા એ સૌથી મહત્વની વ્યક્તિ છે, વ્યક્તિનાં પોતાનાં મૃત્યુંનો સમય એ સૌથી મહત્વનો સમય છે અને દાન એ સૌથી મહાન કર્મ છે. કોઈએ કહ્યું ભગવાન સૌથી મહત્વનાં વ્યક્તિ છે, તો કોઈએ કહ્યું ખેડૂત એ સૌથી મહત્વની વ્યક્તિ છે, તો વળી કોઈએ કહ્યું કે સૈનિક એ સૌથી મહત્વની વ્યક્તિ છે, વિગેરે.

રાજા આ જવાબોથી ખુશ થયા નહિ. આ ત્રણેય સવાલો પોતાની પ્રજાગણ સમક્ષ પણ મુકવામાં આવ્યા છતાં કોઈ પણ તેનો સંતોષકારક જવાબ આપી શક્યું નહિ. અંતે, પ્રધાનમંત્રીએ સુચન કર્યું કે રાજાએ એક પર્વતની ટોચે રહેતા એક સંતને આ સવાલોના જવાબ મેળવવા માટે મળવું જોઈએ. તરત જ તાબડતોબ બધી તૈયારીઓ થવા માંડી અને રાજા પોતાની ફોજ સાથે તે સંતને મળવા માટે રવાના થઇ ગયા. આ એક સીધું ચડાણ હતું અને થોડા કલાકોમાં જ રાજા તે યોગીની ગુફા સમક્ષ પહોંચી ગયા. એક વિનય સાથે રાજાએ પોતાની તલવાર બહાર મૂકી, અંદર પ્રવેશી તે યોગીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાનાં ત્રણ સવાલો તેમની સમક્ષ મૂક્યાં. જવાબમાં તે સાધુ રાજાને ગુફાની નજીકની ચટ્ટાન ઉપર લઇ ગયા કે જ્યાંથી રાજાને પોતાનું આખું રાજ્ય પોતાની નજર સમક્ષ પથરાયેલું દેખાતું હતું, રાજાને તે જોઈને પોતાનાં જીવન વિશે સારું મહેસુસ થયું ત્યાં સુધીમાં તો પાછળથી એક અવાજ આવ્યો “આ બાજુ જુઓ,”
જવાબમાં જેવા રાજા પાછળ ફર્યા કે તેમને જોયું કે તે સંત રાજાની જ તલવાર રાજાનાં હૃદયથી થોડીજ દુર તાકીને ઉભા હતાં.
“હે રાજા! સાધુએ કહ્યું, “હવે ખબર પડી સૌથી મહત્વની વ્યક્તિ, સૌથી મહત્વનો સમય અને સૌથી મહત્વનું કર્મ કયું છે?”
રાજા ચોંકી ઉઠ્યાં. તેમનું હૃદય એક ધબકારો ચુકી ગયું, એક શાંતિની લાગણી તેમનાં સમગ્ર અસ્તિત્વ ઉપર પથરાઈ ગયી, અને આંખોમાં એક ચમક આવી ગયી. રાજા પોતાનાં પ્રત્યુત્તરમાં પૂરી સહમતી સાથે તે સંતની સમક્ષ ઝુક્યાં. સંતે રાજાને તેમની તલવાર પાછી આપી. રાજાએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પોતાનાં મહેલ તરફ પાછાં વળ્યાં.
તેમનાં દરબારીઓએ બીજા દિવસે તેમને પૂછ્યું કે તેમને સંતોષકારક જવાબો મળ્યાં કે નહિ, અને જો મળ્યા હોય તો તેઓ પણ તે સાંભળવા માટે આતુર છે.
“હા,” રાજાએ કહ્યું. “સંતે તે ત્રણેય સવાલોના જવાબ તુરંતજ આપી દીધાં. જયારે હું મારા વિશાળ પથરાયેલા સામ્રાજ્ય તરફ તે ચટ્ટાન ઉપરથી જોઈ રહ્યો હતો, મને ભાન થયું કે કરવા જેવું કર્મ મારા માટે એ હતું કે હું મારા પ્રજાજનોને પ્રેમ કરવાનું ચાલુ રાખું, તેમની કાળજી કરું, અને તે ખરેખર સૌથી મહત્વનું કર્મ છે. હું રાજા મારી પ્રજાને લીધે છું, મને તેનું ભાન થઇ ગયું. અને ત્યારે જ તે સંત મારી તલવાર લઇને મારી સમક્ષ ઉપસ્થિત થયાં અને હું મૃત્યુંથી ફક્ત એક ક્ષણ જ દુર ઉભો હતો. મને ભાન થયું કે સૌથી મહત્વનો સમય હતો “વર્તમાન સમય”. તે સમયે મારા ભૂતકાળનો કોઈ અર્થ નહોતો અને મારું કોઈ ભવિષ્ય નહોતું. મારી પાસે ફક્ત એક આ વર્તમાન ક્ષણ જ હતી. અને મારી પાસે હંમેશાં આ વર્તમાન ક્ષણ જ કાયમ હશે.”
રાજા થોડીવાર માટે ચુપ થઇ ગયા અને ચિંતનમાં ખોવાઈ ગયા. એક આખી મિનીટ પસાર થઇ ગયી.
“અને મહારાજા,” પ્રધાને કહ્યું, “સૌથી મહત્વની વ્યક્તિ કોણ હોય છે?”
“તમે”
“હું?”
“હા, તમે. પણ તમે નહિ.”
“તમારું જ્ઞાન મારી સમજણ બહારનું છે, કૃપા કરી વિસ્તારપૂર્વક બતાવો.”
“સૌથી મહત્વની વ્યક્તિ તમે જયારે જેની સમક્ષ હોવ છો તે જ હોય છે,” રાજાએ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું. “માટે અત્યારે તમે સૌથી મહત્વની વ્યક્તિ છો.”

જયારે મેં આ વાર્તા થોડા સમય પહેલાં જાણી, ત્યારે મને થયું કે આ જવાબો દરેકજણ યાદ રાખે તો કેટલું સારું, તેમનાં જીવનનાં મોટાભાગનાં દ્રષ્ટિકોણ આપોઆપ બદલાઈ જશે. તમે હાલમાં જેની સાથે છો તે જ સૌથી મહત્વની વ્યક્તિ છે. જયારે તમે તમારું સમગ્ર ધ્યાન તે વ્યક્તિને આપો છો ત્યારે તમે તેનાં આત્મ-ગૌરવને વધારો છો. તમે તેમને તે પોતે મહત્વનાં છે તેનો અનુભવ કરાવો છો, તેમને એવું લાગે છે કે તેમની કોઈ કાળજી કરી રહ્યું હોય, તેમને કોઈ માન આપી રહ્યું હોય. બાકીની બીજી બધી હકારાત્મક લાગણીઓ આપોઆપ ફૂટવા માંડે છે. અને નિ:શંકપણે “વર્તમાન ક્ષણ” જ સૌથી મહત્વનો સમય છે. આ જ એક ક્ષણ છે જેમાં આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ તેમ હોઈએ છીએ. ટુંકસારમાં કહેવાનું હોય તો, વર્તમાન ક્ષણ તરફ તમારું ધ્યાન આપવું – આ જ જાગૃતતાનો સિદ્ધાંત છે. પ્રેમ કરવા માટે, કાળજી કરવા માટે સક્ષમ હોવું તે સૌથી મહત્વનું કર્મ છે, તમારી જાત માટે, અન્ય લોકો માટે, તમારા સમય માટે, તમારા જીવન માટે આ એક સૌથી મહત્વની અને કરવા યોગ્ય વસ્તુ છે. તમે જયારે તમારી જાત સાથે હોવ ત્યારે તમે જેવા છો તેવાં બની રહો, તમારી જાતને પ્રેમ કરો; જયારે તમે બીજાની સાથે હોવ, ત્યારે તમે તમારું અખંડિત ધ્યાન તેમનાં તરફ આપો. તમે થોડામાં ઘણું બધું કરી શકશો.

અને, સૌથી મહત્વની લાગણી કઈ હોય છે? શું સફળતાની હોય છે? શું દરેક વાત તમારા કાબુમાં છે એ લાગણી? પ્રેમમાં હોવાની લાગણી? કોઈ તમને પ્રેમ કરતુ હોય તે લાગણી? તમે મહત્વનાં છો તે તેવું અનુભવવું તે? ના, મારી દુનિયામાં તો નહિ. સૌથી મહત્વની લાગણી, મારા મત મુજબ, સંતોષની લાગણી છે. સંતોષી હોવું તે સૌથી મહત્વની લાગણી છે. જયારે તમે સંતોષી હોવ છો ત્યારે તમે અંદરથી મજબુત બનો છો, તમે શાંતિ અનુભવો છો, તમે પ્રેમ અને દયાથી છલકાઈ ઉઠો છો, તમે શાંતિથી ઊંઘી શકો છો, તમે ખુશી સાથે ઉઠો છો, બધો જ સંઘર્ષ અદ્રશ્ય થઇ જાય છે અને બધું બરાબર લાગે છે. શેક્સપીયરે કહ્યું છે:

And this our life, exempt from public haunt,
Finds tongues in trees, books in the running brooks,
Sermons in stones, and good in everything.

જયારે તમે તમારી જાત સાથે હોવ છો, ત્યારે તમે પોતે જ સૌથી મહત્વની વ્યક્તિ હોવ છો, તમારા વિચારો અને શક્તિ ભૂતકાળ વિશે અર્થહિન ફરિયાદો કરવામાં ન ખર્ચો. નકારાત્મક વિચારોએ ક્યારેય કોઈને હકારાત્મકતા તરફ ધકેલ્યા નથી. ચાલો જાવ! તમે જેની પણ સાથે હોવ તેની સાથે રહીને તેની કાળજી કરવાનું સૌથી મહત્વનું કર્મ કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email