મને દર મહિનામાં બે થી ત્રણ હજાર ઈ-મેઈલ મળતાં હોય છે. આમાંના નેવું ટકા ઈ-મેઈલ એવાં લોકોનાં હોય છે જે એક યા બીજી રીતે કોઈને કોઈ વાતથી સંઘર્ષ કરતાં હોય છે. કેટલાંય તો આ યુદ્ધથી અને પ્રતિકારથી થાકી ગયાં હોય છે અને હવે શું કરવું તેનાં વિશે તેમને ખબર નથી, એવું તેઓ કહેતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં, તેઓ લખતાં હોય છે કે જિંદગી તેમનાં ઉપર ખુબ જ કઠોર પુરવાર થઇ છે અને આવું હંમેશા તેમની સાથે પહેલેથી જ થતું આવ્યું હોય છે.

હા, જીવન કઠોર હોઈ શકે છે, જીવન એક સંઘર્ષ હોઈ શકે છે. પણ તો શું એ બીજા માટે કઈ જુદું થોડું હોય છે? જેની પાસે પૈસા નથી તેને લાગે છે કે જેની પાસે પૈસા છે તેનું જીવન સરળ છે. જેની પાસે સંપત્તિ અને તણાવપૂર્ણ ધંધો છે તેને લાગે છે કે બીજા કે જેની પાસે સરળ નવ-થી-પાંચની નોકરી છે તેમની જિંદગી સરળ છે. જે તંદુરસ્ત છે તેને લાગે છે જે પૈસાદાર છે તે વધારે સારું જીવન જીવે છે, જે પૈસાદાર છે તેને લાગે છે, જે લોકો ખુશ છે તે વધારે સારું જીવન જીવે છે. અને તેમ છતાં એવાં પણ કેટલાંક છે કે જે તંદુરસ્ત, સંપત્તિવાન અને તમે જેની કલ્પના કરી શકો તેવી તમામ સુવિધા ધરાવતાં હોય, છતાંપણ તેઓ તણાવગ્રસ્ત છે, તેઓ હજુ પણ જીવન જીવવામાં સંઘર્ષનો અનુભવ કરે છે.

સત્ય તો એ છે કે જીવનનો અર્થ જ આ છે. દરેક જણ માટે. જ્યાં સુધી આપણે કઈક સિદ્ધ કરવાની કોશિશ કરતાં હોઈશું ત્યાં સુધી અવરોધોનો સામનો તો કરવો જ રહ્યો. કેટલાંક આ અવરોધોને ચુનોતી ગણે છે તો કેટલાંક આ અવરોધોને એક સંઘર્ષ તરીકે ગણે છે. લોકો જુદા-જુદા હોઈ શકે છે, વસ્તુઓ જુદી-જુદી હોઈ શકે છે, પરિસ્થિતિઓ કદાચ વધારે અનુકુળ હોઈ શકે છે, સંજોગો આનંદદાયી હોઈ શકે છે, પણ તેનો અર્થ એ નથી કે ચુનોતીઓ થોભી જશે. અવરોધો તો હંમેશાં રહેવાનાં જ અને મને એ ખબર છે કે જયારે લોકો સંઘર્ષ વિશે વાત કરે છે ત્યારે તેઓ મોટાભાગે તો આ ચુનોતીઓનાં સંદર્ભમાં જ વાત કરતાં હોય છે. અને, આપણે કોઈ એક પ્રશ્નને તક તરીકે જોઈએ કે અવરોધ તરીકે, એ ખરેખર તો આપણા દ્રષ્ટિકોણની વાત છે, એ આપણું માનસ કેવું છે તે બતાવે છે, તે એક વ્યક્તિગત પસંદગીની વાત છે. અહી તમારા માટે એક રસપ્રદ વાર્તા મોજુદ છે:

પોતાનાં ઘરની પાછળ આવેલા વાડામાં એક ઝાડ ઉપર એક માણસે પતંગિયાનો કોશેટો જોયો. તેને બીજા કેટલાંક દિવસો સુધી તેનું અવલોકન કર્યા કર્યું. એક દિવસે તેને તે કોશેટામાં એક બારીક કાણું જોયું અને તેમાં ચમકતી ઈયળ જોઈ. હજી તે અવિકસિત અવસ્થામાં હતી. તે માણસ આ ગંદા કોશેટામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી ઈયળને કલાકો સુધી જોયા કરતો. તે તેને સઘર્ષ કરતી જોયા કરતો, પરંતુ પસાર થતાં એક એક દિવસે તે થોડી થોડી બહાર આવતી જતી હતી, તેનાં શરીર ઉપર પાંખો ફૂટી રહી હતી. દિવસે દિવસે મોટી થતી જતી ઈયળ માટે હવે આ કોશેટો એકદમ સખ્ત સંકડામણભર્યો બનતો જતો હતો.

આ માણસને ચોક્ખું દેખાઈ રહ્યું હતું કે બિચારી ઈયળને કેટલો સંઘર્ષ કરવો પડતો હતો, અને તેને આ બની રહેલાં પતંગિયાને મદદ કરવાનું નક્કી કરી લીધું. તેને કોશેટો ચીરી નાંખ્યો અને તેમાંથી પતંગિયું સરળતાથી બહાર આવી ગયું. પણ સીધું જમીન પર પટકાયું. તેનું શરીર સોજી ગયું અને પાંખો કરમાવા લાગી. પેલો માણસ ત્યાં રાહ જોતો બેસી ગયો કે ક્યારે પતંગિયું ઉડતું થાય, પણ તે પતંગિયું ક્યારેય ઉડ્યું નહિ. તે પોતાનું ભરખમ શરીર લઈને લાચારીપૂર્વક આમ-તેમ થોડું ચાલ્યું બસ એટલું જ. તેની પાંખો પુરેપુરી વિકસી નહોતી અને માટે તે ઉડી જ નહોતું શકતું. વધારે સમય ન બચી શક્યું, અને તે મરી ગયું. પેલાં માણસે જે સંઘર્ષ જોયો હતો તે કુદરતની પતંગિયાને તેનાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બનાવવાની પોતાની એક આગવી રીત હતી.

આપણો સંઘર્ષ આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે. હું એમ નથી કહેતો કે દરેક સંઘર્ષ સારો હોય છે, પણ હું પૂછું છું કે શું તે ખરેખર સંઘર્ષ છે કે કેમ? એક બોડી-બિલ્ડર પોતાનું શરીર કેવી રીતે બનાવે છે? જો તે ખરેખર પોતાનાં સ્નાયુઓને મોટા અને સરસ રીતે ઘડવા માંગતો હોય તો તેને એક પ્રતિકારત્મકતાની સખત તાલીમ લેવી પડતી હોય છે. તે વજન ઊંચકવાની તાલીમને એક સંઘર્ષ તરીકે કાં તો એક લાભપ્રદ કાર્ય તરીકે જોઈ શકે છે. તેની માનસિકતા તેનાં દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે. અને, સૌથી મહત્વની વાત, પરિણામ, જે પાછું તેની માનસિકતા ઉપર નિર્ભર કરે છે.

આપણું કુદરત ચુનોતીઓ ઉપર વિકસેલું છે. અને તે તમને તમારી ક્ષમતા મુજબ ખેંચતું જ રહેશે. તમે તે ચુનોતીઓનાં પરિમાણને ઓછી નથી કરી શકવાના. જો તમારી પાસે કઈક આપવાનું હશે તો તે કુદરત ખેંચી જ લેશે. આપણે બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ નથી ફક્ત કુદરતની વિશાળ યોજનામાં એક બારીક શિલ્પકૃતિ છીએ. પરંતુ હા, તમે આ ચુનોતીઓની તીવ્રતા, વારંવારતા અને સંખ્યાને ઘટાડી શકો તેમ હોવ છો. કેવી રીતે? તમારા જીવનને સરળ બનાવી દો. તેમાંથી અવ્યવસ્થિતતાને દુર કરી દો. એક વાર જેવા તમે તમને લાગુ પડતી તમામ બાબતોને સરળ બનાવવાની શરૂઆત કરશો ત્યાર તમે ફરી ક્યારેય કોઈ સંઘર્ષને કોઈ તકલીફ તરીકે નહિ જુઓ. હું એમ પણ નથી કહી રહ્યો કે તો તમે દરેક ચુનોતીઓને એક તક તરીકે જોવાનું ચાલુ કરી દેશો. પરંતુ તમે તેનાંથી ડરીને રોકાઈ નહિ જાવ.

જીવન એ કદાચ સીધો રસ્તો હોઈ શકે છે, પરંતુ તે ભાગ્યે જ સપાટ હશે. કેટલાંક પટ, કે જેનાં પ્રકાર કદાચ મખમલી હોઈ શકે, પરંતુ સરેરાશ રીતે તેમાં ઉતાર-ચડાવ તો તમને જીવંત રાખવા માટે આવતાં જ રહેવાનાં. આ સવારીનો આનંદ ઉઠાવો. કલ્પના કરો કે તમે રસ્તાની એક બાજુએ ઉભા રહ્યા છો અને જીવનની ક્ષણો હાઇ-વે ઉપર પસાર થતાં ટ્રાફિકની જેમ ઝડપભેર પસાર થઇ રહી છે. જીવન કોઈનાં માટે ઉભું નથી રહેતું, તે કોઈ પણ ફરિયાદ કે નમ્રતાને સાંભળવા માટે થોભતું નથી. આપણી પૃથ્વી કે પછી બીજા ગ્રહો પોતાનું પરિભ્રમણ, એક ક્ષણ માટે પણ, થોભાવતા નથી, નહિતર તેમનું અસ્તિત્વ જ ખતમ થઇ જાય. આ જટિલ, એકબીજા પર આધારિત અને વિસ્મયકરી કુદરત ક્યારેય થંભતું નથી. જીવનને થોભી જવાનું પાલવે જ નહિ. જો તમારે આ જીવનને માણવું હોય, તો તમારે તેની સાથે તોલ-મોલ કરવાનું શીખવું જ પડશે.

આ જીવન વાસ્તવિક અને ક્ષણિક છે, જાણે કે ફીણમાંના પરપોટા, તેને પ્રેમ કરો, તેને જીવો એ પહેલાં કે તે ફૂટી જાય.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email