તમારે શું બધા સમયે મજબુત જ રહેવું જોઈએ? શું તે શક્ય છે ખરું? મજબુત બનો – આવું આપણે નાનપણથી હજારો વખત સંભાળતા હોઈએ છીએ. જયારે એક બાળક તરીકે તમે ચાલતાં ચાલતાં પડી જાવ છો ત્યારે લોકો તમે રડો નહિ એટલાં માટે કહેતાં હોય છે કે મજબુત બનો. જયારે એક પુખ્ત વયે તમારી સાથે કોઈ અપ્રિય કે કષ્ટદાયી બનાવ બને ત્યારે, તમે રડો નહિ, માટે કહેવામાં આવતું હોય છે કે મજબુત બનો. કોઈ કાળજી કરનાર વ્યક્તિ તમારી દુર્દશા સમજતું હોય છે અને પોતાની સહાનુભૂતિ વડે તમારી અંદર તાકાત પેદા કરવાની કોશિશ કરે છે. જયારે એક નિર્બળ વ્યક્તિને તમારા પ્રત્યે કોઈ સહાનુભુતિ નથી હોતી, તે તમને તમે મજબુત નહિ બનીને એક નમાલા હોવાનું સાબિત કરો છો- એવું માનવા માટે પ્રેરે છે, એક નિર્બળ વ્યક્તિ ઈચ્છે છે કે તમે તમારી ચુનોતીઓને અવગણો, તે એવું ઈચ્છે છે કે તમે તમારા ડર અને ચિંતાઓને છુપાવી દો. શા માટે? કારણકે અંદરથી ક્યાંક તેઓ પોતે જ ડરતાં હોય છે, તેમને ડર હોય છે કે ક્યાંક તમને આવી હાલતમાં જોઇને પોતે જ નબળા ન બની જાય, એનાંથી કદાચ પોતે જ લાગણીની દ્રષ્ટિએ કેટલાં નિર્બળ છે તે છતું ન થઇ જાય.

જો કે હું એ વાતનો નકારતો નથી કે થોડા પ્રમાણમાં તાકાતવર હોવું જરૂરી હોય છે કે જેથી કરીને જીવન તમને ક્યારેક આઘાત આપે ત્યારે તમે ટકી શકો, પરંતુ સાથે સાથે હું એમ ચોક્કસપણે માનું છું કે તાકાત તમે જે છો તે, અને તમે જે અનુભવી રહ્યાં છો તે છુપાવવાથી નથી આવતી. એ તો તાકાતનો ખોટો ભ્રમ જ હોય છે. સાચી તાકાત તમારા પ્રામાણિક બની રહેવામાંથી આવતી હોય છે, તમારી સ્વીકૃતિ અને સમજણમાંથી આવતી હોય છે.

ચાલો હું તમને બ્રેની બ્રાઉનની એક સત્ય ઘટના I Thought It Was Just Me કહું:

લેખકની માતાનો એક નો એક ભાઈ એક અંધાધુંધ ગોળીબારમાં માર્યો જાય છે. તેની નાની પોતાનાં દીકરાના મૃત્યુંનો આઘાત સહન નથી કરી શકતી. શબ્દશ: રજુ કરું તો: “મારી નાની આજીવન દારૂ પીતી હતી માટે તેનામાં આવો આઘાત સહન કરવા માટે જરૂરી લાગણીનો સ્રોત નહોતો. અઠવાડિયાઓ સુધી તે પોતાનાં શેરીમાં રખડતી રહી, અને એકની એક વ્યક્તિઓને વારંવાર પૂછતી રહી કે તેમને ખબર છે તેનાં દીકરાનું મૃત્યું થયું છે.

એક દિવસે, મારા મામાની અંતિમ વિધિ પત્યાં બાદ, મારી માં એકદમ તૂટી ગઈ. મેં તેને એક કે બે વાર પહેલાં રડતાં જોયેલી, પણ મેં તેને આ રીતે રડતાં પહેલાં ક્યારેય નહોતી જોઈ. મારી બહેન અને હું એકદમ ડરી ગયા હતાં અને અમે પણ રડતાં હતાં, પરંતુ અમારા રુદનનું કારણ અમારી માતાને આ રીતે રડતા જોવાનું હતું. અંતે મેં તેને કહ્યું ‘અમને ખબર નથી પડતી કે શું કરીએ કેમ કે અમે આ પહેલાં તને આટલી નબળી પડી જતાં ક્યારેય જોઈ નથી’. તેને અમારી સામે જોયું અને પ્રેમાળ પરંતુ મજબુત સ્વરે બોલી, ‘હું નિર્બળ નથી. તમે કલ્પના પણ ન કરી શકો એટલી મજબુત છું. હું ફક્ત અત્યારે અતિસંવેદનશીલ બની ગઈ છું. જો હું નિર્બળ હોત, તો હું મરી ગઈ હોત.’

હવે જયારે કોઈ તમને મજબુત બનવા કહે કે પછી કોઈ એમ કહે કે તમે નિર્બળ છો, કે પછી તમે પોતે અંદરથી નિર્બળતાનો અનુભવ કરી રહ્યાં હોવ તો ત્યારે ઉપરોક્ત વાર્તાને યાદ કરી લેજો. જો તમને આઘાત લાગ્યો હશે કે તમને જો ઈજા પહોંચી હશે તો ઘાવ તો પડવાનો જ છે. જો તમે તમને પડેલા ઉજરડો જલ્દી રૂજાય એમ ઇચ્છતાં હોવ તો તમારે તેની કાળજી લેવી પડશે. જયારે ઘાવ તાજો હોય છે ત્યારે તેમાં ઇન્ફેકશન કે વધારે બગાડ થવાની સંભાવના હોય છે. તેને કહેવાય છે અતિસંવેદનશીલતા. તે એક સ્થિતિ હોય છે, એક અસ્થાઈ અવસ્થા. જયારે તમે આઘાત અનુભવો છો ત્યારે તમે એક પ્રકારની અસહાયતાનો અનુભવ પણ કરો છો, ત્યારે તમે તમારી સામાન્ય અવસ્થામાં નથી હોતા, અને આ અવસ્થામાં તમે અતિસંવેદનશીલ હોવ છો. તેનો અર્થ એ નથી કે તમે એક નિર્બળ વ્યક્તિ છો, તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમે સાજા થઇ રહ્યાં છો, તેનો અર્થ એ છે કે તમે એક માનવ છો, તેનો અર્થ એટલો જ છે કે તમે બિલકુલ સામાન્ય છો.

નિર્બળતા ત્યારે કહેવાય જયારે બીજા તમને જેવા કહેતાં હોય ત્યારે તમે પણ તમને એવાં જ માનવા લાગો, જયારે તમે સ્વ-દયા ખાવા લાગો છો, જયારે તમે જ તમારો દરજ્જો થોડો નીચે ઉતારો છો, જયારે તમે પોતે એવું માનવા લાગો છો કે તમે કોઈ બીજાનાં માપદંડ મુજબ બંધબેસતા નથી અને માટે તમે નક્કામાં છો. ખાલી તમે તે માપદંડમાં બંધબેસતા નથી તેનો અર્થ તમે નક્કામાં છો તેવો નથી. ફક્ત જયારે તમે સામેની વ્યક્તિને ઇચ્છતાં હોવ છો અને તે તમને બદલામાં એટલાં પ્રમાણમાં નથી ઈચ્છતી હોતી, તેનો અર્થ એ નથી કે તમારે તમારી જાતને બદલી નાખવાની જેથી કરીને તે તમને ઈચ્છવા લાગે, તેનો અર્થ એમ પણ નથી કે તમે તેને લાયક નથી. એનો અર્થ ફક્ત એટલો જ થાય કે અહી જે મેળ છે તે બરાબર નથી. સાત નંબરનાં જૂતા છ નંબરના પગ માટે લાયક નથી એવું નથી હોતું, એ ફક્ત માપના નથી એટલું જ. જેમ બંધબેસતા ન હોવું તેઓ અર્થ લાયક ન હોવું તેવો નથી તેવી રીતે જ અતિસંવેદનશીલ હોવું તેનો અર્થ નિર્બળ હોવું તેવો નથી. કોઈને પણ તમારી ઉપર તમારી કિંમતનું લેબલ લગાવવાની છૂટ ન આપો.

હું એમ નથી કહી રહ્યો આપણે સ્વ-સુધાર માટે કામ ન કરવું જોઈએ, હું એવી ભલામણ પણ નથી કરી રહ્યો કે આપણે આપણી ખામીઓ અને મર્યાદાઓને અવગણવી જોઈએ, હું ફક્ત એટલું કહી રહ્યો છું કે તમારે તમારી જાતને કોઈ બીજાનાં ખોટા માપકાંટા ઉપર તોલાવવાની જરૂર નથી. જો તમે એવું માનતાં હોવ કે તમારે તમારા કોઈ પાસા ઉપર કામ કરવાની જરૂર છે, તો ચોક્કસ આગળ વધો, પણ તમે જો ખરેખર એવું ઇચ્છતાં હોય તો જ. જીવન કોઈ યુદ્ધ નથી, તમે કોઈ બોક્સિંગ રીંગમાં નથી કે જ્યાં તમે તમારા હરીફને પરાસ્ત ન કરી દો કે પછી સમય પૂરો ન થઇ જાય ત્યાં સુધી તમારે તમારી તાકાત બતાવવા માટે સતત લડતા રહેવાનું છે. કોઈ વખત, હકીકતમાં તો મોટાભાગે, એક ડગલું પાછું પડી જવું, રડી લેવું, તમે જે છો તે બની રહેવું, તમારી જાતને અભિવ્યક્ત કરવું એ બધું બિલકુલ બરાબર હોય છે. તમારી લાગણીઓને પ્રદર્શિત કરવાથી તમે નિર્બળ નથી થઇ જવાનાં; ઉલટું એ તો એમ દર્શાવે છે કે તમે કેટલાં ઈમાનદાર છો. તમારા જીવનનો ફક્ત એક ભાગ તૂટી જાય તેનો અર્થ એ કદાપિ નથી થતો કે તમે નિર્બળ છો કે લાયક નથી, તેનો અર્થ એવો પણ જરૂરી નથી કે વાંક તમારો છે. એ કદાચ એવાં સમય જેવી વાત છે જયારે તમે એક દિવસ તડકા વાળા દિવસે છત્રી લીધા વગર બહાર નીકળ્યા અને ત્યારે જ સાંબેલાની ધારે વરસાદ તૂટી પડ્યો.

જો તમે તમારી જાત ને કોઈ એક ભેટ આપી શકતાં હોવ, જો તમે તમારી જાતને બદલવા માટે કોઈ એક જ નિયમ લેવા માટે માંગતા હોવ, તો તે એ હોઈ શકે: ક્યારેય કોઈ તમને તમારી શું કિંમત છે તે ન કહી જવું જોઈએ, તમે તમારી જાતને કઈ રીતે જુવો છો તે ક્યારેય બીજાને નિર્ધારિત ન કરવા દો. હવે પછી ક્યારેય કોઈ તમારી લાગણીને અવગણે અને તમને મજબુત બનવાં કહે, ત્યારે મહેરબાની કરીને સમજી લેશો કે તે વ્યક્તિ તમારી લાગણીઓ વહેંચવા માટે યોગ્ય પાત્ર નથી. એનાં કરતાં તો અરીસા સાથે વાત કરી લેવી વધારે સારું. કાં તો પછી તમારી ટેલીફોન કંપનીના કસ્ટમર કેર ને ફોન કરી તમને થોડી મીનીટો સાંભળી લેવાં માટે વિનંતિ કરવી વધારે સારુ. તમે કંપનીના આટલાં વર્ષો સુધી એક વફાદાર ગ્રાહક રહ્યાં છો અને માટે તે ઓછાનામે તમારા દુ:ખની વાત પાંચ મિનીટ ફક્ત સાંભળી લે. વારુ, હું મજાક કરું છું, વર્ષનો અંત એક મજાકથી કરવો કઈ ખોટું નથી એવું હું માનું છું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email