મારી આજે આ વિષય ઉપર લખવાની કોઈ યોજના નહોતી, પરંતુ અસંખ્ય વાંચકોએ મને ઈ-મેઈલ કરીને જણાવ્યું કે તેઓ જો કોઈ તમને વળતો પ્રેમ ન કરે તો શું કરવાનું તેનાં ઉપર મારી હવે પછીની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તો લો આ રહી તે પોસ્ટ. હું તમને શરૂઆતમાં જ કહી દઉં કે જો કોઈને તમે પ્રેમ કરતાં હોવ અને તે તમને વળતો પ્રેમ ન કરતું હોય તો તમે ભાગ્યે જ કશું કરી શકો. સામેની વ્યક્તિ કદાચ બદલાઈ શકે, અને તે ફરીને પાછી તમારી પાસે આવે પણ ખરી, પરંતુ તે તમને તમે તેને જે રીતે પ્રેમ કરો છો તેવી જ રીતે તમને પ્રેમ નહિ કરે. મેં અનેક યુગલો એવાં જોયા છે અને હજારો (શબ્દશઃ) ઈ-મેઈલના જવાબ આપ્યા છે અને મને હજી કોઈ પણ એવું જોવા નથી મળ્યું. હા, એવું શક્ય છે કે બે વ્યક્તિઓ એકબીજા સાથે કટિબદ્ધતા કે કાળજીને કારણે એક મૈત્રીપૂર્ણ ઢંગથી સાથે રહેવાનું ચાલુ રાખે. હકીકતમાં, આવું સામાન્યતઃ બનતું પણ હોય છે, પરંતુ, પેલી ઉષ્મા ભરી લાગણીઓ કે જે પહેલાં તેમની વચ્ચે પ્રવર્તતી હતી તે હવે ભાગ્યેજ પાછી ફરતી હોય છે. લોકો શા માટે એક બીજાને પ્રેમ કરવાનું બંધ કરી દે છે અને તમને જો વળતો પાછો પ્રેમ ન મળતો હોય તો તમે શું કરી શકો? વાંચતા રહો આગળ.

એક યુવતી હોય છે જે એક યુવાનનાં ઊંડા પ્રેમમાં હોય છે. તે યુવાન એક ખુબ જ ગુસ્સા વાળો વ્યક્તિ હોય છે, પરંતુ તે ખાતરી આપે છે કે તે લગ્ન પછી બદલાઈ જશે. પેલી યુવતી તેને પ્રેમ કરતી હોય છે માટે તેનો વિશ્વાસ કરે છે, કારણકે તે એવું માનવા માટે ઇચ્છતી હોય છે કે તે બદલાઈ જ જશે. માટે, તેઓ બન્ને પરણી જાય છે. લગ્ન પછી પતિ અત્યંત અત્યાચારી બની જાય છે. પ્રથમ વર્ષે તો તે યુવતી પોતે વિશ્વાસ જ નથી કરી શકતી કે તેનો પતિ લગ્ન પહેલાં જે વચનો આપ્યા હતાં તેનાંથી બિલકુલ વિપરીત જ વર્તન કરતો હતો. બીજા વર્ષે તેને લાગ્યું કે પરિસ્થિતિમાં કઈક બદલાવ આવશે. ત્રીજા વર્ષે, તે પોતે બદલાવાની કોશિશ કરવા લાગી એવું વિચારીને કે તેનાંથી કદાચ તેનો પતિ પણ બદલાઈ જશે અને બન્ને જણા સુખી અને ખુશીભર્યું જીવન જીવી શકશે. ચોથા વર્ષે, તેને લાગવા માંડ્યું કે કશું બદલાશે નહિ અને ત્યારબાદ એક વર્ષ પછી, તેઓએ છૂટાછેડા લઇ લીધા.

ખુબ જ વ્યથિત અને એક ચોંટ ખાધેલી તે યુવતીએ નક્કી કર્યું કે તે ફરી ક્યારેય લગ્ન નહિ કરે. પરંતુ, થોડા વર્ષો પછી, તે બીજા યુવક સાથે પરણી ગયી. આ વખતે, તે યુવક ખુબ જ પ્રેમાળ હતો, થોડો કઈક વધારે પડતો જ. પ્રથમ યુવાનની સરખામણીમાં તે તેનો એકદમ વિરુદ્ધ હતો પણ અધિકતમ વિરુદ્ધ હતો. કોઈ અજ્ઞાત કહી શકાય તેવાં ધાર્મિક કારણો આગળ ધરીને તે તેની સાથે સુવાનું ટાળતો. કોઈ ધાર્મિક સંસ્થાનાં સભ્યોનાં માધ્યમથી તેઓ બન્ને એકબીજાને મળ્યાં હતાં માટે તે યુવતીએ તેનો વિશ્વાસ કર્યો. એવું વિચારીને કે આખરે તે તેનું ધ્યાન તો રાખે છે અને અત્યાચારી તો નથી આમ તે યુવતીએ ગાઢ પ્રણયથી મુક્ત એવાં આ લગ્ન-જીવનને સ્વીકારી લીધું. વીસ વર્ષ પછી, અચાનક એકદમ જ, એક દિવસે તે યુવાન તૂટી ગયો અને કહ્યું, “હું દિલગીર છું, પરંતુ આપણી સગાઇ પછી તરત જ હું કોઈ બીજી યુવતીનાં પ્રેમમાં પડ્યો અને અમારો પ્રેમ સંબધ હંમેશાં ચાલતો જ રહ્યો.”
પેલી યુવતી એકદમ ફિક્કી પડી ગયી. તેની આખી દુનિયા ભુંસાઈ ગઈ.
“તું તેને કેટલાં વર્ષથી મળતો હતો?”
“૧૭ વર્ષથી.”
“તો તું મને હવે શા માટે આ બધું કહી રહ્યો છે?” તેને કહ્યું.
“હું આ વાત હવે વધુ વખત મારી અંદર રાખી શકું તેમ નથી.”
“તો, હવે તું શું ઈચ્છે છે?”
“મારે, છૂટાછેડા નથી જોઈતાં,” યુવકે કહ્યું.
“આ એકદમ હાસ્યાસ્પદ છે! તે મને ૧૭ વર્ષથી છેતરી!!” યુવતીએ કહ્યું. “તે પેલીને શા માટે છોડી દીધી?”
“અમારું બન્નેનું તૂટી ગયું કારણકે તે ઈચ્છતી હતી કે હું તને છોડી દઉં અને હું તેમ નહોતો કરી શકતો. તો એ બીજા કોઈકને પરણી ગયી.”
“પણ આપણી પાસે છેલ્લાં વીસ વર્ષમાં સાથે વહેંચી શકાય તેવું કશું હતું જ નહિ.”
“હા, પણ હું તારી કાળજી કરું છું,” યુવકે કહ્યું.
“આ એકદમ ગાંડા જેવી વાત છે. એટલાં માટે તું મને સ્પર્શ પણ નહોતો કરતો કારણ કે તું પેલીને પ્રેમ કરતો હતો? સાચું બોલ.”
યુવક ચુપ રહ્યો.
“કાશ તે એવું ન કર્યું હોત,” યુવતીએ કહ્યું. “તે મારી જિંદગી તબાહ કરી નાંખી. આટલાં વર્ષો સુધી હું એવું વિચારતી રહી કે હું તારા માટે એટલી સારી ને લાયક નથી. મને તો ખબર જ નહિ કે તું તો કોઈ બીજી યુવતીનાં પ્રેમમાં હશે. હું તને આ માટે ક્યારેય માફ નહિ કરી શકું.”

તેઓ બન્ને તરત જ એકબીજાથી અલગ થઇ ગયાં અને અંતે છૂટાછેડા લઇ લીધા. આ એક સત્યઘટના છે જે મેં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ વાપર્યા વગર તમારી સમક્ષ રજુ કરી છે. આ પ્રકારની ઘટના સામાન્ય નથી હોતી પરંતુ તેમ છતાં તે મેં અહી ટાંકી છે કારણ કે જયારે સામેની વ્યક્તિએ તમારો કોઈ ખ્યાલ જ નથી કર્યો ત્યારે તમે વાસ્તવમાં કશું જ નથી કરી શકતા કે જેથી કરીને તે તમને પ્રેમ કરતી થાય. તેનો અર્થ એ નથી કે સંબધોમાં સુસંવાદીતતા ફરી જાગૃત ન કરી શકાય, પરંતુ, જયારે નુકશાન જ એટલું બધું થઇ ગયું હોય અથવા તો પછી જો સામેની વ્યક્તિ જ તે સંબધ માટે કશું કરવા તૈયાર ન હોય, ત્યારે બહુ થોડી જ આશા બચતી હોય છે. જયારે સફરજન તૂટી પડે ત્યારે તમે શું કરી શકો? તમે તેને ફરી પાછુ કઈ ચોટાડી ન શકો.
જયારે તમે વિચારી શકો તે બધું જ કરી છૂટ્યા હોવ, અને જયારે તમે તમારો સૌથી ઉત્તમોત્તમ પ્રયત્ન કરી લીધો હોય અને તેમ છતાં જો તમને વળતો પ્રેમ ન જ મળતો હોય, તો ત્યારે તમારી સમક્ષ ત્રણ વિકલ્પો છે.

૧. તમારી જાતને બદલો

જો તમારી પાસે કોઈ પસંદગી જ ન હોય, જો આર્થિક, કૌટુંબિક કે પછી કોઈ અન્ય કારણસર જો તમારે તે વ્યક્તિની સાથે રહેવું પડે તેમ જ હોય, અને તે સંબધમાં તમને વળતો પ્રેમ ન મળતો હોય તો, વારુ તો પછી તમે પ્રેમની અપેક્ષા રાખવાનું બંધ કરી દો જેથી કરીને તમે શાંતિથી રહી શકો. જો તમે તેમાંથી મુક્ત ન થઇ શકતા હોય તો તમે આખરે આગળ વધતાં જાવ. માનસિક રીતે. આ કદાચ સરળ ન હોઈ શકે, પરંતુ આ એક વ્યવહારુ અને વ્યાજબી વિકલ્પ છે.

૨. સામેની વ્યક્તિને બદલો

હકીકતમાં, આ કોઈ વિકલ્પ પણ નથી, કારણકે સામેની વ્યક્તિની જો પોતાની ઈચ્છા જ ન હોય તો તમે તેને બદલી શકતા નથી. જો કે મેં અહી આ વિકલ્પ કોઈ કારણોસર મુકેલ છે. બ્રેન બ્રાઉનને ટાંકતા કહું તો, “તમે સામેની વ્યક્તિને શરમમાં મૂકીને કે તેને નીચા પાડીને તેમનું વર્તન બદલી નથી શકતા.” જો તમે સામેની વ્યક્તિમાં કોઈ બદલાવ ઇચ્છતાં હોય તો તમે તેને ગૌરવહીન કરીને તે ક્યારેય નથી કરી શકવાના. જયારે તેઓ તમારી સાથેનાં સંબંધમાં તમારી અપેક્ષાપૂર્તિ નથી કરતાં હોતા, ત્યારે તમે તેનાં વિશે સતત ફરિયાદ કરતાં રહીને ક્યારેય તમારી અપેક્ષાઓને
પૂરી નહી કરાવી શકો.

૩. વ્યક્તિ બદલી નાંખો.

ઘણીવાર, મોટાભાગનાં લોકો આ વિકલ્પ લેતાં હોય છે ફક્ત એક વધુ અન્ય અસંતુષ્ટ સંબધમાં પ્રવેશવા માટે. જયારે તમે એવું નક્કી કરો છો કે હાલમાં જે વ્યક્તિ છે તે બરાબર નથી અને તમારે કોઈ બીજા જોડે જ સંબધ બનાવવો પડશે તે પહેલાં ખાતરી કરી લે જો કે તમે આ સંબધ ટકાવી રાખવા માટે તમારાથી બનતું બધું જ હકીકતમાં અને પ્રામાણિકતાથી કરી છૂટ્યા છો. પરંતુ જો તમે સંબધમાં કોઈ અત્યાચારનો અનુભવ કરી રહ્યા હોય તો મહેરબાની કરીને તમારી જાતને કોઈ દોષ ન આપશો. સંબધમાં અત્યાચારને કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી ન શકાય. એવા કિસ્સામાં, તમારું રક્ષણ કરો અને તે સંબધમાંથી બહાર નીકળી જાવ.

“મને કોઈ ઉકેલ નથી મળી રહ્યો,” એક યુવાન પોતાનાં મિત્રને પોતાની પત્ની વિષે ફરિયાદ કરતાં કહે છે. “મને ખબર નથી પડતી કે મારે શું કરવું”
“કેમ, શું પ્રશ્ન છે?”
“તેની યાદદાસ્ત દુનિયામાં સૌથી ખરાબમાં ખરાબ છે.”
“તો, તે બધું ભૂલી જાય છે?”
“અરે હું એવી આશા રાખું,” પેલાં યુવાને કહ્યું. “તે બધું જ યાદ રાખે છે, યાર.”

કોઈ વાર તમે ભૂલી જવા માટે તૈયાર છો કે નહિ તેનાં ઉપર આધાર રાખતો હોય છે, તમે અવગણવા માટે તૈયાર છો કે નહિ તેનાં ઉપર, કોઈ વાર એટલાની જ જરૂર પડતી હોય છે. લીયો ટોલ્સટોયે “એના કરેનીના” નામની રશિયન નવલકથામાં લખ્યું છે: “સુખી કુટુંબો એક જેવા હોય છે જયારે દરેક દુઃખી કુટુંબ એની પોતાની આગવી રીતે દુઃખી હોય છે.”

જીવન એ મોટાભાગે સંબધો વિશે હોય છે ધંધાદારી, વ્યક્તિગત, અને પારસ્પરિક. પ્રથમ સંબધ તમારો તમારી જાત જોડેનો હોય છે. તેનું સન્માન કરો અને તેની કિંમત કરો. તમારી જાત ઉપર અત્યાચાર ન કરો. ઉચ્ચ આત્મ-ગૌરવ વાળી વ્યક્તિઓમાં એક સામાન્ય લક્ષણ હોય છે: તેઓ પોતાની જાતની કિંમત કરે છે, તેમને શું આપવાનું છે તેની કિંમત કરે છે, અને તેઓ પોતાને પ્રેમને લાયક ગણે છે. તેઓ પ્રેમમાં માને છે. દયા અને કાળજી તેમનાં કુદરતી શૃંગાર છે. નિ:શંકપણે એવાં પણ લોકો અસ્તિત્વ ધરાવે છે કે જેમનામાં કોઈ સહાનુભુતિ કે દયા નથી, તેઓ પણ પોતે પ્રેમને લાયક હોવાનો દાવો કરતાં હોય છે. ફર્ક ફક્ત એટલો છે કે તેઓ એવું પોતાનાં અહમ્ થી કરતાં હોય છે નહિ કે આત્મ-ગૌરવથી.

જાવ! તમારા વિચારો, તમારા સમય અને તમારા જીવન વડે કઈક કરવા જેવું હોય તેવું કાર્ય કરો. મનની શાંતિ એ કોઈ આશીર્વાદ નથી પરંતુ એક કટિબદ્ધતા છે, એક પસંદગી છે. તે કાળજીપૂર્વક પસંદ કરો. જો તમે ખુશ રહેવા માટે કટિબદ્ધ થશો, તો કોઈ તમને રોકી નહિ શકે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email