ગતાંકથી ચાલુ કરતાં, આજની પોસ્ટમાં હું તમારી સાથે પ્રેમના ચાર આધારસ્થંભ, ચાર સંઘટક વિશે વાત કરીશ. જો હું શું કહેવા માંગું છું તે સમજી શકશો તો હું તમને વચન આપું છું કે જેટલી વારમાં તમે આ પોસ્ટ વાંચવાની પૂરી કરશો ત્યાં સુધીમાં પ્રેમ વિશે તમને એક નુતન દ્રષ્ટિકોણ જડી જશે. પ્રેમ શું છે? ફક્ત કોઈનાં માટે લાગણી હોવી કે સામેની વ્યક્તિની ખુબ જ તિવ્રતાથી તૃષ્ણા રાખવી તે હંમેશાં પ્રેમ નથી હોતો. એક ક્ષણ માટે પ્રેમને કોઈ વસ્તુ તરીકે માની લો, એક એવી હસ્તિ કે જે ચાર તત્વોથી બનેલી છે. તમે આ ચારને એક સાથે લઇ આવો અને પ્રેમ આપોઆપ ચમત્કારિક રીતે ત્યાં પ્રગટ થઇ જશે. આ ચાર મુખ્ય તત્વોની ગેરહાજરીમાં તમે જેનો પણ અનુભવ કરો છો તે ફક્ત એક પ્રબળ આકર્ષણ જ હોઈ શકે છે, તે કદાચ પ્રેમાંધતા, આસક્તિ કે બીજું કઈ પણ હોઈ શકે છે પણ પ્રેમ નથી હોઈ શકતો. ચાલો તમને એક વાર્તા કહું:

એક માણસ સાંજે પોતાનાં ઘેર પોતાનાં બાળકોને જોવા માટે આવે છે, બાળકો હજુ નિશાળના ગણવેશમાં જ ઉઘાડા પગે શેરીમાં રમી રહ્યાં હોય છે. તે જેવો પોતાનાં ઘરમાં પ્રવેશે છે કે તેની નજર બાળકોનાં દફતર, મોજા, અને બુટ મુખ્ય ઓરડામાં પડેલાં હોય છે તેનાં ઉપર જાય છે. હજી થોડો આગળ જાય છે કે તેની નજરે ગંદુ ડાયનીંગ ટેબલ પડે છે જેનાં ઉપર માખણ અને જામ ઢોળાયેલાં હોય છે, ગંદી થાળીઓ પડેલી હોય છે, બ્રેડના ટુકડાંઓ આમ તેમ પડેલાં હોય છે. તેની જમણી બાજુએ એઠી થાળીઓનો ઢગલો પડેલો હોય છે. રાતનું જમવાનું બનાવેલું હોતું નથી, અને આખું રસોડું અસ્ત-વ્યસ્ત હોય છે. થોડી વિસ્મયતા અને કુતુહલતા સાથે તે તેનાં બેડરૂમમાં પ્રવેશે છે અને જુએ છે કે પલંગ પણ અસ્ત-વ્યસ્ત હોય છે, તેનો સવારનો ભીનો ટુવાલ હજુ પથારી પર જ પડેલો હોય છે, અને તેની પત્ની, હજી પોતાનાં નાઈટ ડ્રેસમાં પથારીમાં પડી પડી કોઈ પુસ્તક વાંચી રહી હોય છે.
“શું થયું છે?” તેને આશ્ચર્ય પામતાં પૂછ્યું, “ઘરમાં કોઈ ભૂતે આંટો માર્યો હોય એવું લાગે છે.”
“અરે, તે,” પત્નીએ ઠંડો જવાબ આપતાં કહ્યું. “તમને તો ખબર છે ને કે તમે રોજ મને કહેતાં હોવ છો કે આખો દિવસ હું ઘરમાં બેઠી બેઠી શું કરું છું? વારુ, હું જે કઈ પણ રોજ કરતી હોવ છું તે ખાલી આજે મેં નથી કર્યું.”

આપણી સ્વ-મહત્તાની સમજણમાં અન્ય વ્યક્તિના યોગદાનનાં મુલ્યને ઓછું આંકવું કે કદાચ સાવ અવગણી નાંખવું ય સહેલું હોય છે. તમે જે કામ કરતાં હોવ તે કદાચ જુદા પ્રકારનું હોઈ શકે છે, તે કદાચ અઘરું પણ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એવો કદાપી નથી થતો કે તે વધારે મહત્વનું બની જાય છે. પ્રેમ એ દુનિયાને બીજાની નજરે જોવાની વાત છે. આ વાત મને પ્રેમનાં ચાર ઘટકોને વર્ણવવા તરફ દોરી જાય છે. તે આ મુજબ છે:

સન્માન

જયારે બે જણા એકસાથે રહેતાં હોય છે, ત્યારે થોડો કઠીન સમય કે જેમાં તમારે એકબીજાના મતભેદનો, અસહમતીનો, અને એવાં બધાંનો સામનો કરવાનો આવતો હોય છે. પણ, એ સમયે, તમે જો સામે વાળી વ્યક્તિ પ્રત્યે સન્માનપૂર્વક વર્તવાનું પસંદ કરો અને તેનાં તરફ કોઈ કટાક્ષ કે તિરસ્કાર ન કરો તો તમારો સંબધ અકબંધ રહેશે. કદાચ તમે સહમત ન પણ થતાં હોવ તો પણ તેમનું સન્માન કરો. તેમ કરવું બધી રીતે યોગ્ય વાત છે. દરેક વખતે તમે ગુસ્સા ભર્યા શબ્દો ફેંકો છો, દરેક વખતે જયારે તમે સામે વાળાને અને તેનાં યોગદાનને નાનું સમજો છો, તેની મજાક ઉડાવો છો, ત્યારે ત્યારે પ્રેમ-પુષ્પ ઉપર એક પ્રબળ મુષ્ટિ પ્રહાર થતો હોય છે. એક બીજા સાથે અસહમત થવું સામાન્ય છે, અરે કોઈ કોઈ વખત દલીલો થવી પણ સામાન્ય બાબત છે, પણ એક બીજા સામે બરાડા પાડવા કે ઊંચા અવાજે બોલીને સામે વાળાને નીચું પાડી દેવું તે ક્યારેય બરાબર વાત નથી. તમારા ખુદના ભલા માટે એકબીજાનું સન્માન કરો. જયારે કોઈનાં આત્મ-સન્માન ઉપર આક્રમણ થાય છે, તે તરત જ, ભલેને પછી તે અસ્થાયી સ્વરૂપે હોય, પણ તે ભૂલી જાય છે કે તમે તેનાં માટે શું ભલું કર્યું છે. શા માટે? કારણ કે આત્મ-ગૌરવ, આત્મ-સન્માન કે અહમ્ તે આત્મ-સુરક્ષા સાથે જોડાયેલું હોય છે કે જે એક મૂળભૂત માનવીય દ્રષ્ટિકોણ છે. સન્માન કરવાનો અર્થ ફક્ત સામે વાળાને માન આપવા પુરતો જ મર્યાદિત નથી પરંતુ તેનો અર્થ તેમની કિંમત કરવી એવો પણ થાય છે. તેમની માન્યતાઓ કદાચ તમારી માન્યતાઓ કરતાં જુદી હોઈ શકે છે, તેમની વિચારસરણી, કાર્યપદ્ધતિ કદાચ જુદી હોઈ શકે છે. તમારાં માટે એ જરૂરી નથી કે તેની સાથે સહમત થવું જોઈએ, પરંતુ જો તમે તેમની સાથે પ્રેમ ટકાવી રાખવા માંગતા હોવ તો, તમારે તેમનું સન્માન તો કરવું જ જોઈએ.

કાળજી

પ્રેમ-કોયડાનો બીજો ભાગ છે કાળજી. જયારે પ્રેમ કાર્યાન્વિત થાય છે ત્યારે કાળજીનું સ્વરૂપ ધારણ કરે છે. તમે કોઈને દિવસમાં બે વાર તેમને પ્રેમ કરો છો એમ કહી શકો પણ જયારે તેમને તમારી જરૂર હોય અને તમે ત્યાં ન હોવ, તો એવો પ્રેમ શું કામનો? જો તે બિમાર હોય અને તમે તેમને દવા પણ ન આપો, જો તે થોડા ભયભીત કે વ્યાકુળ હોય અને તમે તેમને શાંત પાડવાની કોઈ કોશિશ પણ ન કરો, જો તમે તેમને તેમનાં પોતાનાં માટે સારી અનુભૂતિ ન કરાવડાવો, જો તમે તેને સાંત્વના કે આલિંગન પણ ન આપી શકતા હોવ, તો એવો પ્રેમ શું કામનો? શબ્દોમાં કાળજી બતાવવી મહત્વની છે પરંતુ તમારા કાર્યોમાં કાળજી બતાવવી તે એનાંથી ક્યાંય વધુ મહત્વની બાબત છે. ખાલી બીલ ચૂકવી દેવામાં એ નથી આવી જતું પરંતુ તે સામેની વ્યક્તિને માટે બદલામાં બનતું બધું કરવાની વાત છે. કાળજી પૂર્વક બોલાયેલો હર એક શબ્દ, કાળજી માટેનો હર એક ભાવ પ્રેમને સ્ફુરે છે. તમે જે વસ્તુને પ્રેમ કરતાં હોવ તેનાં માટે તમે શું કરતાં હોવ છો, પછી ભલે તે તમારી ગાડી હોય, કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોય, કે કોઈ સામગ્રી હોય? તમે તેની કાળજી લો છો, બરાબર? માટે, તમે જો કોઈને ખરેખર પ્રેમ કરતાં હોવ તો તમે શું કરશો? આ ગણિત તમે જાતે ગણી લેજો.

દયા

મેં એકવાર વાંચેલું, “Nobody is perfect. And, I’m Nobody!” અને આ રીતે ઘણાં લોકો જીવન જીવતાં હોય છે. તેઓ જાણતા હોય છે તેઓ સંપૂર્ણ નથી તેમ છતાં તેઓ તેવું માનતાં હોય છે અને તેવું વર્તન કરતાં હોય છે જાણે તેમનાં મોઢામાંથી નીકળેલો એક-એક શબ્દ બ્રહ્મવાક્ય છે. દયા એ સામેની વ્યક્તિ પ્રત્યે, તેની ભૂલો પ્રત્યે માયાળુ બનવાનું નામ છે. તેમજ તમારી સંપૂર્ણતા અને સર્વોત્કૃષ્ટતાની માન્યતાની કેદમાં તેમને બંદીવાન નહિ બનાવવાની બાબતનું નામ છે. કોઈવાર તમે તેમની સાથે સહમત ન હોવ, કે જયારે તમે તેમનાં દ્રષ્ટિકોણને સમજી ન શકતા હોવ, ત્યારે શું તમે દયાના દ્રષ્ટિકોણથી તમે શું જતું ન કરી શકો? આપણા પોતાનાં જ વિચારો, કાર્યો અને લાગણીઓને જ વ્યાજબી ઠેરવ્યા કરવાથી આપણે આપણી પોતાની ભૂલો પ્રત્યે જ દયાવાન બની જતાં હોઈએ છીએ. પણ દયા તો સામે વાળા પ્રત્યે દાખવીએ તો પ્રેમને રુજાવતી હોય છે. મને દુ:ખ થયું છે પણ હું જતું કરીશ એવું માફી બોલતી હોય છે. હું દિલગીર છું કે તારે આવું કઈ પણ કરવું પડે છે, તું વધુ સારાને લાયક છે, એવું દયા કહે છે. માફી સહાનુભુતિ જન્માવે છે જયારે દયા સમાનુભુતિ. અને પ્રેમ? પ્રેમ તે બન્નેને એકસાથે સિવી લે છે.

કદર

પ્રેમનું ચોથું અને અંતિમ ઘટક છે કદર. વ્યક્તિ પાંચ વર્ષની હોય કે પંચાણું વર્ષની કદર એ સામે વાળી વ્યક્તિને હંમેશા પોતે મહત્વની છે તેમ અનુભવડાવે છે, તે તેમને એવું અનુભવડાવે છે કે કોઈ તેમને પ્રેમ કરે છે, તેઓ મહત્વનાં છે. કોઈપણ વ્યક્તિ નાખુશ થવાનું જાતે પસંદ કરતી હોતી નથી. જયારે પણ તમે બીજી વ્યક્તિમાં કઈ પણ સારું જુવો, તો તેને અભિવ્યક્ત કરો, તેની કદર કરો, અને તેમને આપોઆપ વધારે સારું કરવાનું મન થશે. તમારે આ કામ કૃત્રિમ રીતે નથી કરવાનું, તમારે ફક્ત તેમની હકારાત્મક બાજુ તરફ જોવાનું છે. દરેક જણ થોડી કદર સાથે તેમ કરી શકે છે. સંબંધમાં, બે વ્યક્તિઓ, પ્રતિદિન અનેક એવી વસ્તુઓ કરતાં હોય છે કે જેની કદર કરી શકાય પરંતુ ઉપર બતાવેલા ત્રણ ઘટકોની ગેરહાજરીમાં સામેની વ્યક્તિ શું સારું કરી રહી છે તે બાબતમાં આપણે બિલકુલ બેખબર બની રહેતા હોઈએ છીએ.

ચૌદ વર્ષનાં લગ્નજીવન પછી, પતિએ ડાયવોર્સ માટે અરજી કરી.
“તું શેના આધારે ડાયવોર્સ ઈચ્છે છે?” મેજીસ્ટ્રેટે પૂછ્યું.
“યોર ઓનર, મારી પત્નીમાં બિલકુલ ટેબલ-મેનર્સ નથી. તે જયારે સામાજિક જમણ માટે ગઈ હોય ત્યારે પોતાની અસહમતી ડાયનીંગ ટેબલ ઉપર વ્યક્ત કરે છે.”
“તમે બન્ને ચૌદ વર્ષ સુધી એકબીજા સાથે હતાં, અને અચાનક ટેબલ મેનર્સ આજે એક મુદ્દો બનીને ઉભો રહ્યો?”
“હા, યોર ઓનર, કારણ કે હજી ગયા મહીને જ મેં મેનર્સ અને એટીકેટ ઉપર એક પુસ્તક વાંચ્યું. પુસ્તક વાંચ્યા પછી મેં અવલોકન કર્યું કે તેનામાં એક પણ સારી ટેવ નથી.”

જેમ જેમ આપણે મોટા થઈએ છીએ અને નવા નવા દ્રષ્ટિકોણ મેળવતા જઈએ છીએ, તેમ તેમ આપણી પ્રાથમિકતાઓ પણ બદલાતી જતી હોય છે, તેમ ઘણી વાર આપણે સામેની વ્યક્તિ પણ બદલાય તેવું ઇચ્છતાં હોઈએ છીએ. અને સામેની વ્યક્તિ પણ જો કે તેનાં પોતાનાં નવા પાઠ ભણવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હોય છે. ફક્ત હવે તમે થોડું વધુ જાણો છો કે થોડું જુદું જાણો છો તેનો અર્થ એવો નથી કે સામેની વ્યક્તિ તમારા પ્રેમ માટે લાયક કે બરાબર નથી. તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો.

મોટાભાગે જયારે પણ લોકો એમ કહેતાં હોય છે શું તમે મને પ્રેમ કરો છો, ત્યારે ખરેખર તેમનો અર્થ એ હોય છે કે “શું તમે મને ઈચ્છો છો? શું તમને મારી દુનિયામાં કોઈ પણ અન્ય વ્યક્તિ કે વસ્તુ કરતાં વધારે જરૂર છે?” અને ત્યારબાદ તેની પાછળ ધારણા એ આવતી હોય છે કે “તો માટે જો તું મને ઈચ્છતો/ઇચ્છતી હોય તો મને ખાતરી છે કે તું મને ખુશ રાખવાં માટે, મારી કાળજી કરવા માટે શક્ય હોય તે બધું જ કરીશ. અને તે પણ હંમેશાં.” ઘણી બધી વાર, એવી લાગણીને આપણે પ્રેમ ગણી લેવાની ગેરસમજણ કરી લેતાં હોઈએ છીએ, એવી લાગણી કે જેમાં સામેની વ્યક્તિની ખુબ જ તિવ્રતાથી ખેવના કરવામાં આવતી હોય કે પછી એવી ઈચ્છા કે સામે વાળી વ્યક્તિ પોતાની ખુબ જ તિવ્રતાથી ખેવના રાખે. એ કદાચ પ્રેમનો એક પ્રકાર હશે પરંતુ તે ક્યારેય ટકાઉ નથી હોતો. સત્ય તો એ છે કે, વાસ્તવિક જીવનમાં, આ પ્રકારનો પ્રેમ ફક્ત ટુંકા સમય માટે થતો હોય છે, અને ત્યારબાદ લોકો સંબધમાં પ્રવેશતાં હોય છે. એક વાર જયારે સાથે રહેવાનું, પ્રેમ કરવાનું અને એકબીજાને જોવાનું જયારે નિત્યક્રમ બની જાય છે ત્યારે તેઓ ઉપર કહેલાં એક કે ચારેય ઘટકોને અવગણવાનું ચાલુ કરી દે છે. અને જેવું એવું બને છે કે તરત પ્રેમ સુકાવા લાગે છે અને લાંબો સમય ટકતો નથી.

સાશ્વત પ્રેમ હંમેશાં બે-તરફી હોય છે. તમે કોઈને બદનસીબે કે પછી તેનાં ઉપર ઉપકાર કરીને પ્રેમ ન કરી શકો, તે લાંબો ટકશે પણ નહિ. શરૂઆતમાં, પ્રેમ એક પ્રબળ લાગણી હોય છે પછી એક પ્રબળ ઈચ્છા. ત્યારબાદ, તે એક કાર્ય હોય છે, સમાગમનું નહિ પરંતુ પ્રેમ કરવાનું કાર્ય, અને તેમાં થોડા પ્રયત્નની બન્ને તરફથી જરૂર હોય છે.

હવે પછી ફરી ક્યારેય તમે કોઈને પ્રેમ કરો છો તેમ કહો, ત્યારે તમારી જાતને પુછજો શું તમે તેમનું સન્માન કરો છો, તેમની કાળજી કરો છો, શું તમે તેમનાં તરફી દયાળુ અને તેમની કદર કરનાર છો. હા? તો હવે તમારી જાતને પૂછો કે શું તમારી ક્રિયાઓમાં પણ તે દેખાય છે ખરું. હા? તો આ પ્રેમ છે. અને શું તમે તેમને ઈચ્છો પણ છો? હા? મોટું બોનસ. મિત્રતા, આનંદ, અન્યોન્યતા, એક શાંતિ અને સલામતીની ભાવના પ્રેમાળ વાતાવરણમાં આપોઆપ આવી જતી હોય છે. પ્રેમમાં બધું વધતું જતું હોય છે.

અને જો તે વ્યક્તિ તમને વળતો પ્રેમ ન કરતી હોય તો શું? બીજા કોઈક દિવસે જોઈશું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email