“બિનશરતી પ્રેમ શું છે?” કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું. “હું કોઈને બિનશરતી પ્રેમ કેવી રીતે કરી શકું?” આ પોસ્ટમાં અને આવતી પોસ્ટમાં હું થોડું પ્રેમ વિશે અને હું તેને કઈ રીતે જોઉં છું તેનાં વિશે લખીશ. જો કે ભૂતકાળમાં મેં પ્રેમ ઉપર લખેલું છે તે તમે અહી વાંચી શકો છો, છતાં હું આ વિષય ઉપર થોડું વધારે વર્ણન કરીશ. “હું તને પ્રેમ કરું છું તેનો અર્થ પણ ખરેખર શું થાય છે?” મેં એક વાર થોડા લોકોનાં સમૂહને એ સવાલ પૂછ્યો. “એનો અર્થ આપણને એ વ્યક્તિ માટે લાગણી છે તેવો થાય,” એકે જવાબ આપ્યો. પણ લાગણી હોવાનો અર્થ શું થાય? હું બિનશરતી પ્રેમ કે ફક્ત પ્રેમ ઉપર કઈ લખું તે પહેલાં પ્રેમ અને આસક્તિ વચ્ચેનો ફરક સમજી લેવો મદદરૂપ રહેશે. અહી એક નાનકડી વાર્તા તમારા માટે:

એક શાંત પ્રકૃતિનો વ્યક્તિ, એક વાર પોતાનાં મિત્રો સાથે એક સ્થાનિક સ્થળે બેઠો હતો. એને થોડું ડ્રીંક કર્યા પછી, એ થોડો ખુલીને પોતાનાં મિત્રોને બોલવા માંડ્યો, “શું તમે મને પ્રેમ કરો છો?”
“અરે બિલકુલ કરીએ છીએ,” તેનાં મિત્રોએ કહ્યું, “માટે જ તો આજે આપણે સાથે બેઠા છીએ.”
“તો, તમને ખબર છે મારે શું જોઈએ છીએ?”
કોઈએ કઈ જવાબ આપ્યો નહિ.
“જો તમને ના ખબર હોય કે મને શું જોઈએ છીએ, તો તમે કેવી રીતે કહી શકો કે તમે મને પ્રેમ કરો છો?”

આ વાક્ય ઘણું બધું કહી જાય છે. પ્રેમ સામેની વ્યક્તિને તમારા મત મુજબ શું જોઈએ છીએ તે નહિ પણ તેને ખરેખર શેની જરૂરત છે તે સમજી લેવાની વાત છે. આ પ્રેમ અને આસક્તિ વચ્ચેનો મુખ્ય તફાવત છે. પ્રેમ સામેની વ્યક્તિની ખુશીમાં પોતાને પામવાનું નામ છે, જયારે આસક્તિ સામેની વ્યક્તિ આપણી પોતાની ઈચ્છા અને શરત મુજબનો હોવાને લીધે મળતી ખુશીનું નામ છે. આપણે જ્યાં સુધી કોઈકની ખરી જરૂરિયાત શું છે તે શોધી કાઢીને તેને તે આપવાની કોશિશ નથી કરતાં ત્યાં સુધી આપણે એમ ન કહી શકીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. આસક્તિ તમારા પ્રિય પંખી માટે સોનાનું પીંજરું ખરીદવા સમાન છે, તેને ઉત્તમ ખાવાનું આપવાનું પણ તે પંખીને પોતાની નજર સમક્ષ જ રાખવાનું નામ આસક્તિ છે, અને જયારે પ્રેમમાં તે પીંજરાનું દ્વાર ખોલી નાંખીને પંખીને મુક્ત કરવાનું નામ છે. માન્યું કે પ્રશ્ન ત્યારે ઉભો થાય કે જયારે પંખી એમ કહે કે મારે તારો ખોરાક ખાવો છે અને તારા પીંજરામાં આરામ કરવો છે પણ મારી ઈચ્છા અને અનુકુળતા મુજબ મારે મુક્તપણે વિહરવું પણ છે. વારુ, સંબંધોની દુનિયામાં તમારું સ્વાગત છે. વિચિત્ર લાગશે પણ હકીકત છે.

આસક્તિ એમ કહે છે કે તું મારો છે અને પ્રેમ એમ કહે છે કે હું તારો છું. પ્રેમ એ ફક્ત અને ફક્ત પોતાની વાત માટે નથી, એ શાંતિ વિશે, ખુશી વિશેની વાત છે. જયારે આસક્તિ એ માલિકીભાવનું બીજું નામ છે, અને ખાલી માલિકીભાવ જ નહી પણ ફક્ત ને ફક્ત પોતાની માલિકીપણાની વાત વિશે હોય છે. આસક્તિ એમ કહે છે મારી પાસે તારા તરફથી જે હોય તે બીજી કોઈ વ્યક્તિ પાસે ન હોવું જોઈએ. હું એવું કોઈ લેબલ નથી લગાવતો કે આ સાચું છે કે ખોટું, કે હું એમ પણ નથી સુચવી રહ્યો એક એક સંબધ, ખાસ કરીને વૈવાહિક સંબધ, ને કોઈ પરસ્પર સહમતીથી એક ઢાંચો ન હોવો જોઈએ, વાસ્તવમાં હોવો જ જોઈએ. હું ફક્ત એમ કહી રહ્યો છું કે આસક્તિમાં સૂચનાઓ અને નિયમો હોય છે જયારે પ્રેમમાં પ્રેરણા અને કાળજી હોય છે.
ચોક્કસ મેં તમને એક આદર્શ વ્યાખ્યા તો કહી દીધી પરંતુ આ કોઈ આદર્શ દુનિયા તો નથી જ. માટે, આપણી દુનિયામાં, પ્રેમ સામાન્ય રીતે એક દાવાથી વિશેષ બીજું કઈ નથી અને તેમાં પણ મોટાભાગે આસક્તિ, માલિકીભાવ અને ઇચ્છાઓ વણેલી હોય છે. પ્રેમ એમ કહે છે કે મારે તને દુ:ખ નથી પહોંચાડવું અને આસક્તિ એમ કહે છે મારે તને ગુમાવવો નથી. તફાવત જુઓ.

“મને પાસ્તા પ્રત્યે નફરત છે. હવે પછી મને ક્યારેય પાસ્તા દેખાવા ન જોઈએ,” એક પતિએ પોતાની પત્નીને કહ્યું.
“હું તને ક્યારે સમજી શકીશ?” તેની પત્નીએ ચિલ્લાતા કહ્યું. “સોમવારે તને પાસ્તા ગમ્યા, મંગળવારે તો તને પાસ્તા ઉપર પ્રેમ આવી ગયો હતો, બુધવારે તે પાસ્તા ખાધા હતાં, ગુરુવારે તને ખુબ ભાવ્યાં હતાં, શુક્રવારે પણ તે ખાધા, અને અચાનક શનિવારે, તું મને એમ કહે છે કે તને પાસ્તા પ્રત્યે નફરત છે. તારા પર તો વિશ્વાસ જ આવે તેમ નથી.”

જો તમે એમ ઇચ્છતાં હોવ કે તમારો પ્રેમ ખીલે, તેમાંની તાજગી હંમેશા જીવંત રહે તો સમજી લો કે સ્વતંત્રતા હંમેશા તાજગીને બળતણ પૂરું પાડે છે. પ્રેમ એ સમજવાનું નામ છે જયારે આસક્તિ એ દબાવનું નામ છે. એક સ્વતંત્રતા આપે છે જયારે બીજું પકડી રાખે છે. પ્રેમમાં પડવું એ એક તુરંત થતી વાત છે, પણ તેને પારોપાર જોવો એ ધીમી, સતત, કાળજીપૂર્વક અને નાજુકાઈથી થતી પ્રક્રિયા છે. પ્રેમમાં પડવું એ થોડું સહેલું છે, કોઈને દુનિયાની બીજી કોઈ પણ ચીજ કરતાં પ્રાપ્ત કરવું એ કોઈ અસામાન્ય કહી શકાય એવું નથી. આખરે તો તમે એમને મેળવવા માંગો છો કારણકે “તમને” તે ગમતાં હોય છે, અને માટે, તમારે તેમને મેળવવા હોય છે, માટે તમે સામેની વ્યક્તિ તમને ઈચ્છે એનાં માટે તમે સખત કોશિશ કરો છો. અને જયારે તેમ ન થાય ત્યારે તમે તે વ્યક્તિને પકડી રાખો છો એવી આશાએ કે કોઈ એક દિવસે તે પણ તમને જેમ તમે તેમને જેટલી તીવ્રતાથી ઈચ્છો છો તેમ ઈચ્છવાની શરૂઆત કરશે. આ આસક્તિ છે. કદાચ થોડું દુઃખ લાગે તેવું છે પણ જો તે તમને અત્યારે જ નથી ઇચ્છતાં તો પછી તે તમને પાછળથી પણ નહિ ઈચ્છે.

તમને એવી ઈચ્છા હોય છે કે કોઈ અન્ય તમને પ્રેમ કરે કારણકે તમે તમને ખુદને પ્રેમ કરવાનું હજી શીખ્યા નથી, તમે હજી તમારી અંદર એ અગ્નિ પ્રજ્વલિત કર્યો નથી, તમે તમારી જાતને ઘણાં બધા લોકોને સોંપવાની કોશીસ કરી જોઈ છે, પણ તેનાંથી કામ થયું નથી. એ એટલાં માટે નથી થયું કારણકે તમે તમારી જાતને, ખુદ પોતાને પ્રથમ નથી સોંપતા. તમે તમારું પોતાનું જીવન નથી જીવતાં, તમે તમારા ઉપર ધ્યાન આપતાં જ નથી, પરંતુ તમે કોઈ અન્યનાં જીવનનો ભાગ બની જીવી રહ્યા છો, બીજાનાં ધ્યાનનું કેન્દ્ર બનવાં માટે જીવી રહ્યા છો. વાસ્તવમાં તમે આનાથી વધારે સારા જીવનને લાયક હોવ છો.

આસક્તિ રહિત પ્રેમ કરવો એ શા માટે એટલું અઘરું છે? કારણકે તમે પ્રેમને એક સ્વતંત્ર લાગણી તરીકે જુવો છો. સત્ય તો એ છે કે, પ્રેમ બીજું બધું જ છે પણ સ્વતંત્ર નથી હોતો. બીજી પોસ્ટમાં હું પ્રેમના ચાર આધારસ્થંભ વિશે લખીશ અને જયારે તમે કોઈને પ્રેમ કરતાં હોવ પણ તે તમને વળતો પ્રેમ ન કરતુ હોય તો શું કરવું તેનાં વિશે પણ લખીશ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email