આપણી દુનિયા કોઈ વખત અત્યધિક તીવ્ર બની શકે છે. આપણે તેને થોડી વધારે પડતી જટિલ બનાવી દીધી છે, કઈક વધારે પડતી તેજ. બધું જ જાણે કે કાલે જ પતાવી દેવાનું હતું. જાણે કે દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ પુરતાં નથી, આપણે કાર્યક્ષમતાને કલાકો, મીનીટો અને સેકન્ડમાં માપવા લાગ્યા છીએ. આવું શા માટે હોવું જોઈએ? તેનાંથી તો આપણા તણાવમાં ઓર વધારો થાય છે અને તણાવથી આપણી શારીરિક અને ભાવનાત્મક તંદુરસ્તીને અસર થતી હોય છે. એવી કોઈ સ્વીચ ઉપલબ્ધ નથી કે જેનાં વડે આ દુનિયાને અચાનક જ બદલી શકાય. વાસ્તવમાં એવું કોઈ બટન પણ નથી કે જેને તમે દબાવો અને તમારામાં એક બદલાવ તુરંત આવી જાય. હા, પણ તમે તમારી જિંદગી, તમારી મુસાફરી, તમારી પ્રાથમિકતાઓ ઉપર ચિંતન કરી તમે તમારી ગતિ નક્કી કરી શકો. એક એવી ગતિ જે તમારા માટે સુવીધાપૂર્ણ હોય, જે તમને શ્વાસ લેવાની જગ્યા આપતી હોય. એવું કહેવાય છે કે એક વખત પોર્શ ઓટોમોબાઇલનાં ચીફ એન્જીનીયર તે કંપનીના સી. ઈ.ઓ. ડૉ. ફેરી પોર્શને અતિ ઉત્સાહપૂર્વક મળવા ગયાં, અને કહ્યું તેમને દુનિયાની સૌથી ઉત્તમ કારની ડીઝાઇન કરી છે.
“એમ કેવી રીતે?” ડૉ.પોર્શે કહ્યું.
“કારણકે, તેમાં દુનિયાને ખબર હોય તેવું સૌથી ઝડપી એક્સેલરેશન છે.”
“તેનાંથી તે કઈ ઉત્તમ કાર નથી બની જતી. મારી પાસે ત્યારે પાછાં આવજો જયારે તમારી કાર જેટલી ઝડપથી ભાગી શકે છે તેટલી જ ઝડપથી ઉભી પણ રહેતી હોય. ઝડપભેર ભાગવું સારું
છે, પણ તેનાંથી પણ ઝડપે ઉભું રહેવું તેનાંથી પણ વધુ સારું છે.”

આ કોઈ પણ માટે માર્ગદર્શન કરી શકે એવો સિદ્ધાંત છે: શું હું બરાબર ઝડપે જઈ રહ્યો છું? મારે જયારે થોભી જવું હોય ત્યારે હું તેમ કરી શકું તેમ છું? હું ઝડપથી તો જઈ શકું છું પણ શું હું ઝડપભેર જવા માંગું છું ખરો? જ્યાં સુધી તમે તમારી ગતિ સાથે આરામદાયક રીતે રહી શકો છો ત્યાં સુધી દુનિયા ભલે ને તેની ઝડપે જતી હોય. આ તો જયારે આપણે આપણી ગતિની બીજા લોકો સાથે તુલના કરવા લાગીએ છીએ ત્યારે આપણે આપણો રસ્તો જ ખોઈ બેસીએ છીએ. પણ શું તમે જો દુનિયાની સાથે તાલ નહિ મિલાવો તો તમે ફેંકાઈ નહિ જાવ? ના, કારણકે તેઓ પણ તેમની ગતિની તુલના તમારી સાથે કરવામાં જ પડ્યાં હોય છે. ધીમા પડવાનો અર્થ હું એવો નથી કરતો કે તમે શિસ્તબદ્ધતા અને મહત્વકાંક્ષાને ત્યાજી દો, કે પછી એવું પણ નથી કહેતો કે તમે એક વિરામ લઇને દુનિયાની મુસાફરીએ નીકળી પડો (જો તમે જવા માંગતા હોય તો જુદી વાત છે). ના, પગ ઉપર પગ ટેકવીને આરામથી બેસી જાવ તે પણ ધીમા થવાનાં અર્થમાં નથી. પરંતુ તમે શું મેળવવા માંગો છો અને તે તમારા માટે તે કેમ મહત્વનું છે તેનાં પ્રત્યે જાગૃત હોવાથી તમે સાચી પસંદગીઓ કરી શકો છો, અને તેનો અર્થ થાય ધીમા પડવું, તેનો અર્થ થાય કે તમે વર્તમાનમાં જીવી રહ્યાં છો – જે હકીકતમાં તણાવમુક્તિ માટે ખુબ જ જરૂરી છે.

જયારે તમે જાગૃતપણે જીવો છો, ત્યારે કુદરતી રીતે જ તમે વર્તમાન ક્ષણમાં જીવો છો. વર્તમાનમાં જીવવું એ જ આંતરિક શાંતિ માટેનો આધાર છે. અને ખરેખર તેમ હોય છે. મને એક વાર્તા યાદ આવી:

એક નાના ગામડામાં એક સુખી ઘર હતું. તે ઘરનો માણસ કોઈ પૈસાદાર વેપારી કે જમીનદાર નહોતો પરંતુ એક સામાન્ય લુહાર હતો કે જેનાં જીવનમાં એક સામાન્ય ગૃહસ્થનાં જીવનમાં હોય તે બધી જ સમસ્યાઓ હતી. તેનાં પાડોશીઓને જો કે એક વાતની નવાઈ હતી કે તેનાં ઘરમાંથી ક્યારેય કોઈ દલીલ કરવાનો અવાજ પણ આવતો નહોતો. એ ઘરે આવતો, અને ઘરનાં આંગણામાં આવેલાં વૃક્ષની ડાળી પકડીને પ્રાર્થના કરતો અને પછી થોડી ક્ષણો બાદ તેનો તેનાં બાળકો સાથે રમવાનો અને હસવાનો અવાજ સંભળાતો. તે ભલેને ગમે તેટલો તણાવગ્રસ્ત દેખાતો હોય પરંતુ જયારે પણ તે પેલાં વૃક્ષની ડાળીને પકડતો ત્યારે તે પાછો ઉર્જાથી ભરાઈ જતો જાણે કે તે કોઈ બીજો જ માણસ ન હોય. ઘણાં પાડોશીઓએ તેવું જ વૃક્ષ પોતાનાં આંગણામાં પણ વાવી જોયું અને તેની નકલ પણ કરવા લાગ્યા પણ તેમનાં સંજોગો જરાય બદલાયાં નહિ. એક દિવસ તેમનાથી હવે સહન થયું નહિ.
“તું ઘરે આવ્યા પછી કાયમ ખુશ કેવી રીતે હોય છે?” તેમને પૂછ્યું. “અમે તને ક્યારેય એક દલીલ પણ કરતાં સાંભળ્યો નથી, તું તો પૂરતા પૈસા પણ નથી કમાતો. છતાં તું જેવો પેલાં ઝાડને સ્પર્શ કરે છે કે તરત ખુશ અને ઉર્જાવાન બની જાય છે. મહેરબાની કરીને અમને પણ તે વૃક્ષનું રહસ્ય કહે.”
તે ભારે અવાજથી હસ્યો. “વૃક્ષમાં કોઈ રહસ્ય નથી,” તેને કહ્યું. “જુવો, મારા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં, હું એક ડાળી પકડીને તેનાં ઉપર મારો થેલો લટકાવું છું, મારા રોજિંદા પ્રશ્નોનો એક કાલ્પનિક થેલો. હું ક્યારેય એ ભૂલતો નથી કે હું આખો દિવસ બહાર હતો કે જેથી હું મારા ઘરમાં ખુશ રહી શકું. મેં નક્કી કર્યું છે કે મારા બાહ્ય પ્રશ્નોને મારા ઘરમાં ન પ્રવેશવા દેવા. માટે દરરોજ સાંજે, હું મારો થેલો બહાર લટકાવીને મારા ઘરમાં હળવો અને પ્રસન્નચિત્તે પ્રવેશું છું. પરંતુ, ત્યાં વાત પૂરી નથી થઇ જતી, દરરોજ સવારે હું મારો થેલો મારી સાથે મારી દુકાને લઇ જવું છું.”
“તું એવું શા માટે કરે છે?”
“વારુ, મારે એ પ્રશ્નો સાથે કામ તો લેવું જ પડે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે દરરોજ સવારે એ થેલો મને થોડો ઓછો ભારે લાગે છે. મોટાભાગનાં પ્રશ્નો રાતના અંધારામાં અદ્રશ્ય થઇ જતાં હોય છે.”

તમે શા માટે બહાર જાવ છો અને કામ કરો છો? જેથી કરીને તમે તમારા ઘરમાં આરામથી અને શાંતિથી રહી શકો, બરાબર? ચાલો માન્યું કે કોઈ વાર ઘરમાં પણ જીવન થોડું જટિલ થઇ જાય, તેમ છતાં પણ તમે તમારા બહારનાં પ્રશ્નોને બહાર રાખી શકો છો. વર્તમાનમાં રહેવું તે આ છે. મોટાભાગનાં કિસ્સાઓમાં શું વધારે મેળવી લેવાની ઈચ્છા, વધારે ફેલાવવાની ઈચ્છા, અને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા આપણે જે બહાર જોઈએ છીએ તેનાંથી પ્રભાવિત નથી થતી હોતી? વધુમાં, એ મહત્વકાંક્ષાઓ અને ઇચ્છાઓ તમને તમારું ભોજન, તમારો સમય, તમારા પ્રિયજનો સાથે માણવા નથી દેતાં. જયારે તમે તમારા સાથી સાથે એક ગુણવત્તાભર્યો સમય પસાર કરવા માંગતા હોવ છો ત્યારે તમે તમારા કામ વિશે અને તમારે શું કરવાનું હતું, તમે શું કરી શક્યા હોત તેનાં વિશે વિચારવામાં એ સમય પસાર કરો છો. અને જયારે કામ પર હોવ છો, ત્યારે તમે સૌથી શ્રેષ્ઠ દેખાવ કરવા માંગો છો કે જેથી કરીને તમે તમારી સાથે અને તમારા કુટુંબ સાથે સૌથી વધારે સારી રીતે રહી શકો, પરંતુ જયારે એ સમય આવતો હોય છે, ત્યારે તમે કામ વિશેનાં વિચારો કરીને તે સુંદર ક્ષણોને બગાડી નાંખો છો.

પણ શું તમે આમાંથી બહાર નીકળી શકો તેમ છો? હા, જરૂર. તમારી પ્રાથમિકતાઓને લખી કાઢો અને તેને નિયમિત પણે જોતા રહો. લોકો તમને ભાવનાત્મક સ્તરે નિચોવી નાંખશે, કામ પર તણાવ ખુબ વધારે રહેશે, તમે ટીવી પર ખરાબ સમાચાર સાંભળતા રહેશો, દુનિયાનો બગાડ સાશ્વત લાગશે, મોંઘવારી ક્યારેય ઘટશે નહિ, પરંતુ, આ બધામાં, જો તમે શાંતિપૂર્ણ રહેવાં માંગતા હોવ, તો તમારે તમારી જાત પ્રત્યે અને તમારા વિચારો પ્રત્યે ધ્યાન આપવું પડશે. તમારા રહેઠાણમાં, તમારા જીવનમાં, તમારા મનમાં એક ખૂણો એવો હોવો જોઈએ જ્યાં તમે કોને પ્રવેશવા દેવા અને કોને નહિ તેનાં માટે સખ્ત હોવા જોઈએ. તમારી જાતનું રક્ષણ કરો. આ એક કલા છે. તણાવ એ કોઈ લાગણી નથી પરંતુ એક પ્રતિકાર છે. એ તમે કોઈ પણ પ્રશ્ન સાથે કામ લેવા માટે શેને પસંદ કરો છો તે બતાવે છે.

ફક્ત ખાલી આપણી જોડે કઈક છે તેનો અર્થ એ નથી કે તેને હંમેશાં ઊંચકીને ફરતા રહેવું. આપણા બિસ્તરાં ક્યારે નીચે મૂકી દેવા તે શીખો. જે તમને ઊંડું દુઃખ આપતું હોય તેને નીચે મૂકી દો. આપણને તણાવ થતો નથી હોતો, આપણે તેને પસંદ કરતાં હોઈએ છીએ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email