તમારા પ્રયાસો હોય કે યોજનાઓ કે પછી તમારા વિચારો હોય પ્રથમ ધારણા વિશે હંમેશાં કઈ સમજી ન શકાય એવું રહેલું હોય છે – તેમાં મોટાભાગે અન્તર્જ્ઞાનનો અવાજ હોય છે જેને એક છૂપી બુદ્ધિ કહી શકાય. અહી હું તમને જે કોઈ પણ લોકોને તમે મળો તેનાં વિષે પ્રથમ ધારણા બનાવી લો એવું નથી કહી રહ્યો. એવી ધારણાઓ તો હંમેશાં રૂઢિગત હોય છે અને મોટાભાગે તો એ સાચી પણ નથી હોતી. સામેની વ્યક્તિમાંથી શ્રેષ્ઠતા કે ખરાબીને કાઢવી એ મોટેભાગે આપણા હાથની વાત હોય છે. હા, તેનાંથી વિરુદ્ધ થવાના દાખલાઓ પણ અનેક છે. આજનું મારું વિષય વસ્તુ છે લોકો સિવાયની અન્ય વસ્તુઓ વિષેની આપણી પ્રથમ ધારણા વિશે. ચાલો હું નાનકડી વાર્તા સાથે શરૂઆત કરું:

એક ગામની બહાર, વનની નજીક, ચોખ્ખા પાણીનાં કુવાની પાસે, એક ચમકતું, આકર્ષિત, અને સ્વાદિષ્ટ લાલ બોરનું એક વૃક્ષ હતું. આ બોર જો કે ઝેરી અને નશીલા હતાં જે કોઈ પણ એને ખાય તે કેટલાંય કલાકો સુધી મૂર્છિત થઇ જતાં. નજીકનાં એક મોટા વૃક્ષની પાસેથી, એક કુખ્યાત લુટારાઓનું ટોળું ત્યાંથી પસાર થતાં અજાણ્યા મુસાફરો ઉપર સતત નજર રાખતું હતું. મોટા ભાગનાં વટેમાર્ગુઓ બોરનાં વૃક્ષ પાસે બોર ખાવા માટે ઉભા રહેતાં અને બોર ખાઈને બેભાન થઇ જતાં અને આ રીતે પેલાં લુટારાઓને લુંટવાની એક સરસ તક મળી જતી.

એક દીવસે, એક જુવાન વેપારીઓનું જૂથ કે જેનો વડો એક વૃદ્ધ અને હોશિયાર વેપારી હતો, તેઓને આ ગામમાંથી પ્રથમ વાર જ પસાર થવાનું થયું. તેઓ દરિયાપાર સફળતાપૂર્વક ધંધો કરી આજે પોતાનાં ઘર તરફ રવાના થઇ રહ્યાં હતાં. તેઓ બે જુથમાં સફર કરી રહ્યાં હતાં, એકબીજાથી અમુક મીટરના અંતરે. અત્યારે પ્રથમ જૂથ પેલાં વૃક્ષની નજીક આવ્યું હતું અને દુરથી તેમને કેટલાંક છોકરાઓ રમતાં હોય તેવો અવાજ સાંભળ્યો. દળે નક્કી કર્યું કે થોડી વાર માટે અહી આરામ કરવો. હકીકતમાં તો તેઓ પેલાં બોર ખાવા માટે ઉત્સુક હતાં. જો કે તેમનાં વડીલ નેતાએ તેમને તેમ કરતાં અટકાવ્યા. તેમને કહ્યું કે આ જગ્યા આરામ માટે પણ કોઈ સલામત નથી. તેમને એક યુવા વેપારીને આ સંદેશ પાછળ આવતાં જૂથને કહેવા માટે ત્યાં રોક્યો અને બીજા બધાને આગળ ચાલતાં રહેવા માટે જણાવ્યું.

બીજું દળ તે વૃક્ષની નજીક આવ્યું અને પેલાં બોરને જોઇને તેમનો પ્રથમ પ્રતિભાવ બિલકુલ માનવીય હતો. પેલો યુવાન સંદેશવાહક વેપારી તેમની રાહ જ જોઈ રહ્યો હતો અને તેને આ દળને તેમનાં નેતાનો સંદેશ આપ્યો. પરંતુ આ દળે તો વિચાર કર્યો અને નક્કી કર્યું કે તેમનો વડો વધારે પડતો શંકાશીલ થઇ રહ્યો હતો. તેમને તો ત્યાં થોભવાનો નિર્ણય જ કર્યો, થોડી વાર હળવા થઇ આરામ કરવાનું નક્કી કર્યું. પોતાનાં નેતાની સલાહ અવગણીને તેમને તો પેલાં વૃક્ષને બરાબરનું હલાવ્યું અને અસંખ્ય બોરા નીચે ખર્યા. તેમને તો તે બોર હોંશેહોંશે ખાવા લાગ્યા અને હજી તો કઈ સમજે તે પહેલાં તો તેઓ ત્યાં બેભાન અવસ્થામાં ઢળી પડ્યા. આ દરમ્યાન પ્રથમ દળને ગામની અંદર એક જગ્યા મળી અને તેમને ત્યાં થોડી વાર વિસામો ખાવાનું નક્કી કર્યું. પેલાં વૃદ્ધ નેતાને હવે પાછળ આવતાં દળની ચિંતા થવા લાગી કે હજી સુધી તેઓ કેમ આવ્યા નહિ. અત્યંત ખરાબ ઘટના ઘટવાના ડર સાથે, તેઓ એકદમ ઝડપથી ત્યાં પેલાં વૃક્ષ આગળ પહોંચ્યા અને જોયું કે તેમનાં સાથીદારો લુંટાઈ ગયાં હતાં. તેમનાં ગળામાંની સોનાની ચેઈન, વીંટી, પૈસાની કોથળીઓ, તેમનાં ઘોડા અરે તેમની પાઘડીઓ અને કોટ, બધું જ જતું રહ્યું હતું.
ગામમાંથી તાત્કાલિક એક ડોક્ટરને બોલાવ્યો અને તેમને ભાનમાં લાવ્યાં.
“તમને કેવી રીતે ખબર પડી ગઈ,” એક યુવા વેપારીએ નેતાને પૂછ્યું, “કે આ સ્થળ એક અસલામત જગ્યા છે?”
“અહી તાજા પાણીનો એક કુવો છે. અહીંથી નાના બાળકોના રમવાનો અવાજ કાને સંભળાઈ રહ્યો છે. વસ્તીવાળું ગામ નજીકમાં છે. તો પછી આવાં જાહેર સ્થળ ઉપર એક વૃક્ષ માટે ફળથી લદાયેલું રહેવું અશક્ય છે. આ બધી નિશાનીઓ સ્પષ્ટપણે બતાવે છે કે આ બોર ખાવા યોગ્ય નથી,” વૃદ્ધ નેતાએ કહ્યું. “જુવો, ક્યારેય કોઈક વસ્તુ માન્યામાં ન આવે એટલી બધી સારી લાગતી હોય, ત્યારે સામાન્ય રીતે તે માનવા યોગ્ય નથી હોતી. મને જિંદગીએ આ શિખવાડ્યું છે.”

સહજજ્ઞાનનો અવાજ ટુંકો અને ધીમો હોય છે. જયારે પણ તમને કોઈ સોદો, કોઈ પ્રસ્તાવ, કોઈ વિચાર, કોઈ સંસ્થા, કે કોઈ ભેટ માન્યામાં ન આવે એટલી સાચી લાગતી હોય, ત્યારે તે સમયે તમારા સહજજ્ઞાનને અનુસરો. આ જ અંતર્નાદ છે. અંત:સ્ફૂરણા છે. જો તમે અંત:સ્ફૂરણાની આ કેડીને અનુસરો તો તમે આજ તારણ ઉપર પહોંચશો તેવી શક્યતા છે. હું તમને શાસ્વતપણે શંકાશીલ બનવાનું નથી કહી રહ્યો, પણ સાથે સાથે તમારે તમારા અંતર્નાદને પણ સાંભળવાનું શીખવું જોઈએ.

જયારે તમે ગહન ચિંતન કરતાં હશો ત્યારે બીજા લોકો તમને કંટાળાજનક, પંડિતાઈ કરવા વાળા, શંકાશીલ, વધુ પડતાં સાવચેત, બંધિયાર અને આવા અનેક બીજા સંબોધનો કરશે. તે એક માનવ સહજ લાગણી છે કે તેઓ પોતે જે વિચારને સત્ય માને છે તેમાં તમે પણ વિશ્વાસ કરો તેવું તેઓ ઇચ્છતાં હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ સાચા છે કે પછી ખરેખર સારી રીતે માહિતગાર પણ છે. જયારે પણ કશુક અવાસ્તવિક લાગે ત્યારે તે કદાચ અવાસ્તવિક જ નહિ પરંતુ અસત્ય પણ હોય છે. કોઈ પણ માર્ગ કે જેનાં ઉપર ચાલવું સર્વથા યોગ્ય હોય તે ક્યારેય શોર્ટકટની સવલત આપતો હોતો નથી. જેવી રીતે તમે કોઈ નવી ભાષા કે નવું કૌશલ્ય શીખતાં હોવ છો, તેમ તમે તમારા અન્તર્જ્ઞાનનાં અવાજને સાંભળવાનું પણ શીખી શકો છો. તે ફક્ત એક જ વાર બોલતું હોય છે, ખુબ જ ધીમેથી અને તે એકદમ સહજ હોય છે.

તમારી જાત ઉપર વિશ્વાસ કરતાં શીખો. હકીકતમાં, તમે એક જ એવાં હોવ છો કે જેનાં ઉપર તમે વિશ્વાસ કરી શકો. તમે જ તમારા એક મોટા શુભ-ચિંતક હોવ છો, તમારી જાત સાથે કામ લેતી વખતે તમારી પાસે ક્યારેય કોઈ ગુપ્ત ઉદ્દેશ્ય નથી હોતાં. તમે અન્તર્જ્ઞાનની વિશેષતાથી તમારા માટે પૈસો પણ બનાવી શકો છો અને તમારી જાતને મુક્ત પણ કરી શકો છો. તમારી અંત:સ્ફૂરણા તમારી અંદર રહેલો એક સૌથી મોટો સ્રોત છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email