આપણે કોઈક બીજાને ખુશ કરીએ છીએ ત્યારે આપણા મગજનો એ જ ભાગ સક્રિય થઇ જાય છે જે કે જયારે તે આપણે પોતાની ખુશી માટે કઈક કરતાં હોઈએ છીએ ત્યારે થતો હોય છે. આ કોઈ ફિલસુફી નથી પણ ન્યુરોસાયન્સ છે. મને તો જો કે તેની કોઈ નવાઈ નથી; આપવાનો આનંદ હું જાણતો હોય તેવાં અન્ય સર્વે આનંદથી ક્યાંય અધિક ગણો મોટો છે. પણ સૌથી પહેલી શરૂઆત આપણાથી કરવાની એવું કહેવાય છે. પોતાનાં ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું હોવું એ પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન ગણાય છે. મારા આ હોદ્દા પર મારે ઘણાં અને દરેક પ્રકારનાં લોકોને મળવાનું થાય છે. ઘણી વાર મેં યુગલોમાં એક વિચિત્ર વર્તનનું અવલોકન કર્યું છે. તે ચાર દીવાલોની બહાર લોકોની વચ્ચે તો મોજ મનાવે છે પરંતુ પોતાનાં ઘરમાં એકબીજાથી ખુબ જ ચીડાયેલા રહેતાં હોય છે. મેં જોયું છે કે જો તેમનાં સાથીનું નામ પણ તેમની આગળ લેવામાં આવે તો તેઓ એક સુક્ષ્મ રીતે ભવાં ચડાવતાં હોય છે. તેઓ મને કહેતાં હોય છે કે તેઓ સામેની વ્યક્તિને ખુશ રાખવાં માટે બધું કરી છૂટ્યાં છે અને હવે તેમને સામેવાળાની કઈ પડી નથી. આ –કઈ પડી નથી-ની નિશાની મોટાભાગનાં સંબધોનાં પતનની નિશાની છે. પહેલાં તો તેઓ બીજી વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન પણ કરતાં હતાં, હવે તેઓ આ પ્રયત્ન પણ છોડી દેવાં માંગે છે, જાણે કે સુકા ભેગું લીલું પણ બળી જાય એમ.

હું એ સ્વીકારું છું કે અમુક લોકોને ખુશ કરવા એ ખરેખર અઘરા હોય છે. ત્યાં પણ મારું અવલોકન એ રહ્યું છે કે: જયારે પણ તમે સામેની વ્યક્તિને ખુશ નથી રાખી શકતાં ત્યારે તમે ગમે તે કરો કે ગમે તેટલો સઘન પ્રયાસ કરો છતાં શક્યતા તો એ છે કે તમે હવે એમની સાથે રમતનાં મેદાનમાં છો જ નહિ. માનસિક રીતે તેઓએ તમને લાલ કાર્ડ પકડાવી દીધું હોય છે (અર્થાત તમને દુર રહેવાનું સુચન આપી દીધું હોય છે.) તેમને પોતાની ખુશીઓ તમારા તરફથી નહિ મેળવવાનું નક્કી કરી જ લીધું હોય છે. જો તમે તેમને એમ પૂછો કે તેઓ તમારાં તરફથી ખરેખર શું ઈચ્છા રાખે છે, તો તેઓ બિલકુલ વ્યાજબી વાત નહિ કરે, તમે એમને ક્યારેય ખુશ નહિ રાખી શકો, લાંબા સમય માટે તો નહિ જ. એ કિસ્સામાં, જો તમારી પાસે પસંદગી હોય તો, તમે તેમાંથી બહાર નીકળી ને આગળ વધી જાવ. અને જો તમારી પાસે કોઈ પસંદગી ન હોય તો – તમારી અંદર શાંતિભર્યું શરણું શોધી લો.

એક યુવાને પોતાની મનપસંદ યુવતી સાથે લગ્ન કર્યા. તે તેનાં માટે પાગલ હતો અને જયારે પેલી સ્ત્રી તેની સાથે લગ્ન કરવા માટે રાજી થઇ ગયી, ત્યારે તે પોતાનાં નસીબ પર વિશ્વાસ નહોતો કરી શકતો. સગાઇ પછી અને લગ્ન પહેલાં તે દરેક રાત્રે તેનાં વિચારો કરતો. તેને કોઈ શક નહોતો કે તેમનું લગ્નજીવન અત્યાર સુધીનાં લગ્નોમાં સૌથી પ્રેમાળ, કાર્યક્ષમ, અને ઉત્તમોત્તમ સાબિત થશે. તેની વાગ્દત્તાને પોતાનાં વિશે થોડો વધુ ઉંચો અભિપ્રાય હતો. (જયારે તમે એવું માનવા લાગો છો કે તમે તમારા સાથી કરતાં વધારે સારા અને કઈક વધારે શ્રેષ્ઠ છો – ત્યારે તમે સુખી લગ્નજીવનને ભૂલી જઈ શકો છો.) તેઓ ખુબ ધામધુમથી પરણ્યા. તેની પત્નીને સવારનાં નાસ્તામાં ઈંડા પસંદ હતાં. તો જયારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે પતિએ સવારમાં તેનાં માટે ગરમ પાણીમાં ઈંડા બનાવ્યાં.
“આ બરાબર નથી બન્યાં,” પત્નીએ અવજ્ઞા કરતાં કહ્યું.
પતિને થોડું ખોટું લાગ્યું કે પોતે પોતાની પત્નીને ખુશ ન કરી શક્યો. અને બીજા દિવસે સવારે થોડી વધુ મહેનત કરી.
“ઓહ, હું દરરોજ કઈ પાણીમાં બનાવેલાં ઈંડા ન ખાઉં.” અને તેને તે આજે ખાવાની ના પાડી દીધી.
પતિએ બીજી સવારે ઈંડા કાપીને શાક બનાવ્યું.
“ઠીક છે, પણ બહુ જાડા છે. ખાલી બાફેલા ઈંડા અને મીઠું તેમજ મરી હોત તો વધારે સારું લાગત.”
બીજી સવારે, પત્નીને પસંદગી મળે તે માટે તેને બે વાનગી બનાવી: એક ઈંડાનું શાક અને બીજું બાફેલા ઈંડા. અને આજે તો પોતે ચોક્કસ હતો કે આજે તો તેની પત્ની ખુશ થશે જ.
“અરે, આ શું છે? તે ખોટું ઈંડું બાફી નાંખ્યું,” પેલીએ ચીસ પાડીને કહ્યું.

તમને ખબર છે કે આ લગ્નજીવન કઈ તરફ જઈ રહ્યું છે. સામેની વ્યક્તિને ખુશ કરવાનો સહેલાંમાં સહેલો રસ્તો તમને કહું? ના, એ ફૂલ નથી, વસ્તુ નથી, ભેટ-સોગાદ પણ નહિ; તે કદાચ એક ભાગ ભજવતા હશે, પણ તેનાંથી પણ કઈક અધિક વીશેષ. સામેની વ્યક્તિને ખુશ કરવાનો સરળમાં સરળ માર્ગ છે તેની કદર કરો. જયારે તમે સામેની વ્યક્તિને એવું અનુભવડાવો કે તમને ખબર છે કે તે કેટલી મહેનત કરે છે, કે તમે તેની કદર કરો છો કે તે તમારા માટે અને આ સંબંધ માટે કેટલું બધું કરે છે. આ વાત તરત જ તેનાં આત્મ-સન્માન અને વિશ્વાસમાં વધારો કરે છે. જયારે તમે કદર કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમને પણ તેમાંથી ફાયદો મળે છે. કેવી રીતે? તમે તેમનાં પ્રયત્નને હવે ખરેખર જોવા લાગો છો. તમને લાગે છે કે ચાલો સાથે મળીને જોઈએ, આ કોઈ સરળ દુનિયા તો છે નહિ. જયારે તમે સામેની વ્યક્તિને કહો છો કે આ બધું કરવા બદલ આભાર, કે આજે તે ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે, કે મને ખબર છે કે તું ખુબ જ મહેનત કરે છે, કે હું કલ્પના કરી શકું છું કે દિવસના અંતે તને કેટલો થાક લાગતો હશે, વિગેરે, આવા દરેક ઉચ્ચારો તમને એકબીજાની વધુ નજીક લાવે છે, તે સંબધને વધુ મજબુત બનાવે છે, અને સંબંધમાં પ્રેમ અને સમજણને ઉછેરે છે.

એક વખત, એક સ્ત્રી કે જે એક સારી રસોયણ હતી તેને પૂછવામાં આવ્યું કે તેનાં પતિને તો તેનાં હાથની રસોઈ ખુબ જ ભાવતી હશે, અને તે સામાન્ય રીતે રોજ બનતા વ્યંજનોનો સ્વાદ ઉઠાવતાં શું કહેતો હોય છે?
“તે ફક્ત ત્યારે જ બોલતો હોય છે જયારે રસોઈમાં કઈક ખૂટતું હોય છે, કે પછી જયારે તેને પસંદ નથી આવતી હોતી,” સ્ત્રીએ કહ્યું.
“તો જયારે તે ચુપચાપ ખાતો હોય છે, ત્યારે મને ખબર હોય છે કે સ્વાદનો રસ લઇ રહ્યો છે.”
“શરૂઆતમાં તો હું તેને પૂછતી કે તેને મારી રસોઈ ભાવે છે કે કેમ, પણ તેનાંથી તે ગુસ્સે થઇ જતો માટે મેં પૂછવાનું છોડી દીધું.” તેને ઉમેર્યું.

બહુ દુ:ખદાયી કહેવાય, પણ આ કોઈ ટુચકો નથી. મેં એક સાચો પ્રસંગ અહી ટાંક્યો છે. એક વેઈટર કે જેને આપણે ઓળખતાં પણ નથી, તેને આપણે હસીને કહેતાં હોઈએ છીએ કે વાનગી ખુબ સારી બની હતી, આપણે તેને ટીપ પણ આપીએ છીએ, કદર પણ કરીએ છીએ, પરંતુ જે તમારી સૌથી નજીક છે ત્યાં તો બધી શાલીનતા અને વિનયને ત્યાજી દેવાતાં હોય છે. જોઈ આ વિષમતા?

જયારે તમે કદર કરવાનું શોધી કાઢો છો, ત્યારે નવીનતા ક્યારેય મુરઝાતી નથી. અને જયારે કઈક નવું રહેતું હોય છે, ત્યાં તમે ક્યારેય કંટાળી જતાં નથી. અને જયારે તમે કંટાળી નથી જતાં, ત્યારે તમે તેને હળવાશથી પણ નથી લેતાં. અને જયારે તમે સામે વાળી વ્યક્તિને હળવાશથી નથી લેતાં ત્યારે તમારો સંબંધ ક્યારેય ક્ષીણ થતો નથી. હા, ક્યારેય નથી થતો. એ હંમેશા ખીલતો અને સુંગધ ફેલાવતો રહે છે. કદર એ કૃતજ્ઞતાનું કર્મ છે.

કૃતજ્ઞ બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email