આ દુનિયામાં ટકી રહેવા માટે, સમૃદ્ધ થવા માટે અને આજીવન શાલીનતા પૂર્વક રહેવા માટે, આપણને દુનિયાનું અને આધ્યાત્મિકતાનું એમ બન્ને પ્રકારનાં ડહાપણની થોડી-થોડી જરૂર પડતી હોય છે. ફક્ત દુનિયાનું ડહાપણ તમને ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ માટે મદદરૂપ થઇ શકે પરંતુ તેનાંથી કઈ જીવનમાં શાંતિ અને આનંદ મળશે જ તેની નિશ્ચિતતા નથી. અને ફક્ત આધ્યાત્મિક જ્ઞાન હોવાથી તમને સાચા-ખોટાનું, નૈતિક-અનૈતિકતાનું ભાન પડશે પરંતુ તેનાંથી કઈ ભૌતિક જીવનમાં આરામદાયકતા મળશે તેની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તમને મારો દ્રષ્ટિકોણ સમજાવવા માટે મને ડહાપણને બે વર્ગોમાં વહેચવા દો: આધ્યાત્મિક ડહાપણ અને દુનિયાદારીનું ડહાપણ. આ પોસ્ટમાં હું આ બન્ને ડહાપણનો સાર એક એક વાક્યમાં જ કહી દઈશ. આ બે ચરમ અનુભૂતિઓ છે, એક અતિસુંદર માર્ગદર્શનકારી સિદ્ધાંતો છે. તો તે કયા છે?
મેં એક વખત જોસેફ તેલુશ્કીનની એક યહૂદી દંતકથા વાંચી હતી. જે આ પ્રમાણે છે:

નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રાઈડમેન ઈઝરાઈલના વડાપ્રધાન સ્વ. મેનાકેમ બીગીનનાં સલાહકાર તરીકે સેવા આપતાં હતાં. તેમને એક વખત ક્નેસેટ (ઈઝરાઈલની સંસદસભા)માં ભાષણ આપ્યું હતું. જેવું તેમનું ભાષણ સમાપ્ત થયું કે તરત જ એક સંસદસભ્ય તેમની પાસે આવ્યો અને કહ્યું “તાલ્મંદ (ઇઝરાઈલી સંત ચરિત્રનો સંગ્રહ)માં, હિલેલે, યહૂદી ધર્મને એક વાક્યનાં સારમાં કીધો છે: “જે તમને પસંદ ન હોય તેવો કોઈ વ્યવહાર તમારા પાડોશી સાથે ન કરો: આજ આખું તોરાહ(હિબ્રુ શાસ્ત્રનાં પ્રથમ ત્રણ વિભાગો કે જેમાંથી બાઈબલનાં પાંચ પુસ્તકોનો એક સમૂહ બને છે તે) છે. અને બાકી બધી ટીપ્પણી છે.”
તમે શું એક વાક્યમાં આખા અર્થશાસ્ત્રને કહી શકો?
“હા” ફ્રાઈડમેને જવાબ આપ્યો. “મફત જમણ જેવી કોઈ વસ્તુ હોતી નથી – there is no such thing as a free lunch.”

કેટલો વિનોદી જવાબ છે! જો કે આધ્યાત્મિક અને દુનિયાદારીના ડહાપણને બે વાક્યમાં ઉત્તમ રીતે કહેવાનો કદાચ કોઈ માર્ગ નથી. દરેક ધર્મનો સાર, તેનાં આધ્યાત્મિકતાનાં હાર્દનાં સંદર્ભમાં જોઈએ તો, એ ક્રિયાકાંડોની સમજ હોવી કે શાસ્ત્રોનો ઉચ્ચાર કરી જાણવો એમાં નથી; પરંતુ એવી અનુભૂતિ કે બીજા માનવ અને દરેક જીવ માટે કાળજી કરવી એ આપણી ફરજ છે – તેમાં છે. તમે કદાચ રાજકીય રીતે, આર્થિક રીતે, લાગણીની રીતે કે બૌદ્ધિક રીતે સ્વતંત્ર હોઈ શકો છો, તેમ છતાં અંતે તો તમે એક મહાન વ્યવસ્થાનાં એક ભાગ જ બનીને રહો છો, કુદરતનાં સંગઠનમાં એક સુક્ષ્મ તત્વ, એક અત્યંત નાનો પૂરજો.

આપણા દરેક કર્મોનું અપ્રત્યક્ષ પરિણામ હોય છે કે જેની અસર આપણા ઉપર તેમજ આપણી આજુબાજુનાં લોકો ઉપર થતી હોય છે. ફક્ત આપણા માટે જ જીવવું એ પુરતું નથી અને તેમ કરવાથી એક અસંતોષ પણ કાયમ રહે છે. હકીકતમાં તો પોતાનાં માટે જ જીવવું તે એક અસભ્ય જીવન છે. જો તમે ઈશ્વરમાં માનતાં હોવ, કોઈ પણ ઈશ્વર, જો તમે પરમાનંદનો અનુભવ કરવા માંગતા હોવ, જો તમે તમારા ધર્મને જાણવા માંગતા હોવ, જો તમને આત્મસાક્ષાત્કાર લાભદાયી લાગતું હોય, તો મહેરબાની કરીને જાણી લેશો કે ધ્યાન, ભક્તિ, જ્ઞાન એ તો ઉપાય માત્ર છે, ફક્ત સાધનો છે. સૌથી મોટો સાક્ષાત્કાર તો એ સમજણ છે કે ઈશ્વરનાં સર્જનની સેવા કરીને તમે ખુદ ઈશ્વરની સેવા કરો છો. અને જો તમે ઈશ્વરમાં ન માનતાં હોવ તો, તમે તેને બીજી રીતે એમ રજુ કરી શકો કે: અન્યની સેવા કરીને તમે તમારી પોતાની જ સેવા કરી રહ્યાં છો. અન્યો સાથે એવો વ્યવહાર કદાપી ન કરો કે જે તમારી સાથે થાય તેવું તમે ક્યારેય ઇચ્છતાં ન હોવ, અથવા તો, તમે તમારી સાથે જે વ્યવહાર કરવામાં આવે તે પસંદ હોય તેવો જ વ્યવહાર બીજા સાથે કરો. આ અધ્યાત્મનો એકમાત્ર મોટો સિદ્ધાંત છે, એક અંતિમ અંત:દ્રષ્ટિ.

હવે દુનિયાદારીનું ડહાપણ એક વાક્યમાં: મફત જમણ જેવી કોઈ વસ્તુ હોતી નથી. દરેક વસ્તુની કોઈ એક કિંમત હોય છે. દરેક વસ્તુની એક ખર્ચ કિંમત હોય છે. લોકો, સંબધો, સંગઠનો સ્વાર્થનાં તાંતણે હોય છે. એનો અર્થ એ નથી કે દરેકજણ સ્વાર્થી છે. એ તો જેમ જૈવિક જરૂરિયાતો છે તેમ દરેકજણને પોતાની લાગણીકીય જરૂરિયાતો પણ હોય છે. જેવી રીતે જયારે તમારી જરૂરિયાતોની કે અપેક્ષાઓની પૂર્તિનાં અંતે તમે જેમ ખુશ થાવ છો તેમ અન્ય લોકો પણ થાય છે. દરેક તલાશમાં કઈક ખર્ચ થાય છે. કાં તો પૈસાનો, સમયનો, શક્તિનો, તંદુરસ્તીનો, કે આમાંનાં કઈ પણનો, કે બધું જ. જ્યાં સુધી તમે તમારી મહત્વકાંક્ષાઓ માટે આ જાગૃતતા સાથે કામ કરો છો, અને જ્યાં સુધી તમે જે કિંમત ચુકવતા હોય તે સમજતા હોવ, અને તમે એ કિંમત ચુકવવા માટે ઈચ્છુક હોવ, ત્યાં સુધી બધું બરાબર છો. કિંમત એ પરિણામનું બીજું નામ છે. જો તમે તમારી પસંદગીનાં પરિણામોને સ્વીકારવા તૈયાર હોવ, તો તમે શું કરી રહ્યાં છો તેની તમને ખબર છે. દરેક વસ્તુ કિંમત સાથે આવતી હોય છે તેનો અર્થ એ પણ નથી કે દરેક વસ્તુને કિંમત હોય છે, અમુક વસ્તુઓ અમુલ્ય પણ હોય છે. એ તફાવતને ઓળખો.

એક દંપતી પ્રવાસ દરમ્યાન એક નયનરમ્ય સ્થળે ઉભા રહ્યા. તે એક ઉચ્ચ સ્થળે આવેલું દ્રશ્ય હતું જ્યાંથી પર્વતીય મેદાન નજરે પડતું હતું. પતિને ઊંચાઈથી થોડો ડર લાગતો હતો જયારે પત્ની થોડી નિર્ભય હતી. તે તો ધાર તરફ જઈ રહી હતી જયારે પતિ તેને બહુ આગળ જવાની ના પડી રહ્યો હતો.
“જો તું ધાર સુધી જઈને જોવા માટે એટલી જ ઉત્સુક હોય અને જો રહી જ ન શકતી હોય તો”, પતિએ કહ્યું “સેન્ડવીચ મને આપી દે.”

આ રમુજ પમાડે એવું અને માન્યામાં ન આવે તેવું પણ સત્ય તો એ છે કે આપણને તેની અનુભૂતિ પણ થાય તે પહેલાં ઘણીવાર આપણી આજુબાજુના લોકો પોતાનાં પ્રિયજનોનાં બદલે સેન્ડવીચને જ વધારે પસંદ કરતાં હોય છે. અને આ સેન્ડવીચ કદાચ ઇચ્છાઓ, વસ્તુઓ, મહત્વકાંક્ષાઓ, પૈસો, અને એવું જ કઇક બધું હોય છે. ફરી એકવાર, આ બધું પસંદગીઓ ઉપર હોય છે, અને દરેક પસંદગીઓ જે આપણે કરીએ છીએ તેનાં પરિણામો પણ પાછળ આવતાં જ હોય છે. જેવી રીતે જેમ મફત જમણ નથી હોતું તેમ મફત પસંદગીઓ પણ નથી હોતી. જો કે મફત પસંદગી નથી હોતી એનો અર્થ મારો એવો નથી કે સ્વેચ્છા કે સ્વતંત્ર સંકલ્પ જેવું કશું નથી હોતું. એનાં વિશે ફરી કોઈ વાર.

તમે જે કઈ પણ પ્રાપ્ત કરવા માંગતા હોય તેની એક ચોક્કસ કિંમત હોય છે. તો કાળજીપૂર્વક ખરીદી કરજો. સજાગપણે, અને પૂરી હોશિયારી સાથે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email