પ્રત્યેક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રતિભા લઈને જન્મ્યું હોય છે. જેને જે ક્ષેત્ર માટે લગની હોય તેમાં તેની પ્રતિભા દેખાતી હોય છે. મોટાભાગનાં લોકો માટે જો કે કમનસીબે આ પ્રતિભા છૂપી અને વણવપરાયેલી રહેતી હોય છે. જો તમને કશુક કરવાનું ખરેખર ખુબ જ ગમતું હોય તો તમે તેમાં આપોઆપ શ્રેષ્ઠ દેખાવ કરશો. જેમ જેમ તમે સફળ થતાં જાવ તેમ તેમ વધુ કરવાની અને વધારે સારું કરવાની પ્રેરણા પણ આપોઆપ વધતી જાય છે. તમે જે કઈ પણ કરવાને માટે જેટલો પણ પ્રયત્ન કરો છો તે ક્યારેય વિફળ જતો નથી. એક ક્ષેત્રમાં રહેલી કૌશલ્યતા તમને બીજા ક્ષેત્રમાં પણ ફાયદો કરી આપે છે, પછી ભલેને તે બન્ને ક્ષેત્રો જુદા જુદા કેમ નહોય.

જયારે પણ તમે તમારા જીવનમાંથી તમારે શું જોઈએ છે તેનાં વિશે સ્પષ્ટ હોવ છો, અને તેનાં માટે શિસ્તબદ્ધ રીતે કાર્યશીલ હોવ છો તો કુદરત તમારા માટે “યોગાનુયોગ” ની વ્યવસ્થા કરે છે, તે તમને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ મૂકી દે છે. મને એક વાર્તા યાદ આવી ગયી:

એક સમયે, એક મુસાફર વિરાટ રણમાં ભૂલો પડી ગયો. જો પોતાને ક્યારેય રસ્તો નહિ મળે તો શું થશે તેની કલ્પના કરતાં તે એકદમ ગભરાઈ જાય છે અને નજીકમાં કોઈ શહેર હોય તો તેની ભાળ મેળવવા માટે મરણતોલ પ્રયાસ કરવા લાગે છે. આખો દિવસ પસાર થઇ ગયો, એની પાસે જે કઈ પણ ખાવા-પીવાનું હતું તે પણ ખલાસ થઇ જવા માંડ્યું. સાંજ પડી અને એ ખુલ્લા આકાશ નીચે તે રેતીમાં સુતો. બીજા દિવસે તેને પોતાની મુસાફરી વગર ખોરાક-પાણીએ ફરી ચાલુ કરી. રણમાં સીધે સીધું ચાલી રહ્યો હતો પણ કોઈ અંત નજરે નહોતો ચડતો, ત્યારે તે ખુબ જ ગભરાઈ ગયો. તેનું મગજ બધી જાતનાં વિચારોથી ઘેરાઈ ગયું.

થોડીવારમાં જ સુરજ ઉંચે ચડી ગયો અને એકદમ તડકો થઇ ગયો. રણની આ આકરી ગરમી અને થાકના લીધે તેની ચાલ એકદમ ધીમી પડી ગયી. તે તરસ્યો થયો હતો, ભૂખ પણ લાગી હતી, તેનાં હોઠ સુકાઈ ગયા હતાં, મોઢું પણ સુષ્ક થઇ ગયું હતું અને શરીર થાકી ગયું હતું. બીજો દિવસ પસાર થઇ ગયો. હવે તે આશા, શક્તિ અને સમય ગુમાવી રહ્યો હતો. ત્યારે જ તેને જોયું કે થોડે દુર એક કેમ્પ જેવું કઈક દેખાતું હતું. તેનામાં અચાનક જ જોમ આવી ગયું હોય તેવું તેને લાગ્યું. તેની આંખોમાં ચમક આવી ગયી, જો કે તે ગભરાયેલો તો રહ્યો જ. અને તે ખરેખર કેમ્પ જ હતો. એક અસ્થાયી દુકાન. તેનું શરીર થાકેલું હતું છતાં પણ તેનાં આનંદની કોઈ સીમા ન રહી. તેને દુકાનદાર પાસે પાણી માંગ્યું. પેલાં માણસે કહ્યું કે તેની પાસે પાણી નથી પરંતુ તે કુફીયા (અરબી લોકો માથે જે વિટાળે છે તે) વેંચે છે. તેને તે કુફીયા વેંચવાનો પ્રયાસ કર્યો અને થોડું સસ્તું પણ આપવાની વાત કરી. “તને જરૂર પડશે” દુકાનદારે કહ્યું. આ મુસાફર તો પેલાં દુકાનદારના આવા ધૃષ્ટ અને અસંવેદનશીલ વર્તનને જોઇને ખુબ જ ગુસ્સે થઇ ગયો અને તેની સાથે ઊંચા અવાજે લડવા લાગ્યો કે એક ભૂખ અને તરસથી મરતા માણસને પાણીનું પૂછવાને બદલે તે તેને એક ટોપી ખરીદવા માટે દબાણ કરી રહ્યો છે.

પેલાં દુકાનદારે ઉત્તર દિશા તરફ આંગળી તાકતાં કહ્યું, “અહિથી પાંચ માઈલ દુર એક શરાઈ (ધર્મશાળા) છે.” અને પાછો પોતાનાં ધંધામાં લાગી ગયો. પેલો મુસાફર તો કોઈ પણ રીતે ખુબ જ મુશ્કેલી સાથે પાંચ માઈલ ચાલીને પેલાં માણસે કહ્યું હતું તેમ તે જગ્યાએ પહોંચી ગયો. “તમે અહી ખાવાનું પણ આપો છો?” મુસાફરે દરવાનને પૂછ્યું.
“હા.”
“માલિકનો ખુબ ખુબ આભાર!” મુસાફરનાં આનંદનો કોઈ પાર ન રહ્યો, “હજી મારે મરવાનો સમય નથી થયો.”
પરંતુ એ જેવો અંદર જવા લાગ્યો કે તરત તે દરવાને તેને અટકાવ્યો.
“શું વાંધો છે? મારી પાસે પૈસા છે!”
“હું માફી માંગું છું પરંતુ કુફીયા વગર હું તમને અંદર જવા દઈ શકું નહિ. અહીંથી પાંચ માઈલ દુર એક દુકાનદાર છે. તમે તેની પાસેથી ખરીદીને પાછાં આવી શકો છો.”

તમને ખબર પડી હું અહી શું કહેવા માંગું છું? તમારા માર્ગમાં ઘણી વાર, કુદરત આપણને સંકેત આપતું હોય છે, તે આપણા માટે વસ્તુઓની વ્યવસ્થા કરતું હોય છે પરંતુ માણસ હંમેશા પોતાની જ અપેક્ષાઓથી, ખોટી માન્યતાઓથી, અને ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓથી આંધળો થઇ ગયો હોય છે. તમને ધ્યેયની ખબર હોય છે, તમને માર્ગની પણ ખબર હોય શકે છે, તમને કદાચ વચ્ચે આવતાં મુકામોની પણ ખબર હોઈ શકે છે. તેમ છતાં આ એક સંપૂર્ણ ચિત્ર નથી. તમે રસ્તામાં અન્ય લોકોને પણ મળવાના હોવ છો ભલે ને તમારો માર્ગ ગમે તેટલો અસામાન્ય કેમ ન હોય. તમે તેમને તમારા વિરોધી કે મિત્ર માની શકો છો. તે કદાચ એવી વસ્તુ વેંચતા હોઈ શકે છે જેની તમને જરૂર ન હોય, તે તમને એવું કઈક આપતાં હોઈ શકે છે જે તમને ગમતું ન હોય, સત્ય એ છે કે તે કોઈ કારણ વગર તમારા જીવનમાં નથી હોતા, કુદરતે ખુબ જ યોજનાપૂર્વક તેમને ત્યાં રાખેલાં હોય છે.

કુદરત શાંતિથી શીખવે છે. તે આપણા જેવી ભાષા નથી બોલતું. જો તમે ધ્યાન આપશો તો દરેક સંકેતનો કઈક અર્થ જણાશે. જયારે તમે અંદરથી વધુ શાંત હશો તો તમને વધારે સારી રીતે સંભળાશે. કુદરત પાસે તમારા માટે જે જ્ઞાન અને અંત:દ્રષ્ટિ છે તેનાંથી તમે ચકાચૌંધ થઇ જશો – ફક્ત જો તમે ઉભા રહીને સાંભળશો તો! કુદરતને સાંભળવાની શરૂઆત તમારી પોતાની જાતને સાંભળવાથી થાય છે. અંદર ઘણો ઘોંઘાટ રહેલો હોય છે. જો તમે સ્થગિત થઇને, ચિંતન કરો તો આંતરિક કોલાહલ ધીમે ધીમે શાંત થઇ જશે, અને નકારાત્મકતા અને નિરાશાવાદનો પવન ફૂંકાતો બંધ થઇ જશે. અને તમારો અસલ સ્વભાવ એકદમ પ્રકાશિત થઇને ચમકવા લાગશે, તમને એક અંત:દ્રષ્ટિ, આંતરિક શક્તિ, અને સ્પષ્ટતા મળશે. અને તમે કુદરતને સમજવાની શરૂઆત કરશો.

તમારી જાતને સાંભળો, મુક્ત બનો, નિર્ભય બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email