એક સમયે એક રાજા હોય છે. ખુબ જ અહંકારી અને ઘમંડી, તેને નવા વસ્ત્રો અને આભૂષણોનો ખુબ જ શોખ હોય છે. તેને એક વખત જાહેરાત કરી કે જે કોઈ પણ તેને અસામાન્ય વસ્ત્ર બનાવી આપશે તેને તે દસ લાખ સોનાનાં સિક્કા આપશે. ઘણાં વણકરો, દરજીઓ અને શૈલીકારો તેને મળવા માટે આવ્યા અને રાજાને અનેક જાતનાં વસ્ત્રો બતાવ્યાં – તેમનાં કેટલાંક વસ્ત્રોમાં તો હીરા અને કીમતી પત્થરો જડેલા હતાં તો ઘણાં વસ્ત્રોમાં સોનાનાં તાર હતાં, કેટલાંકની ભાત ખુબ જ સરસ હતી પરંતુ તેમ છતાં રાજા તો આ બધાયથી પ્રભાવિત થયા નહિ. ત્યારબાદ બે ઠગ કે જે પોતાની જાતને વણકર બતાવીને પોતે દુર રાજ્યમાંથી આવ્યા છે એમ જણાવીને પોતાની વસ્ત્ર સંબધી અલૌકિક કૌશલ્યતા વિષે ડીંગ મારવા લાગ્યા.
“અમે તમારા માટે એક ખુબ જ અદભુત અને અકલ્પનિય કહી શકાય તેવો પોષાક સિવી શકીએ છીએ કે જે અત્યાર સુધી દુનિયામાં કોઈની પણ પાસે હોય નહિ.” તેમને કહ્યું.
આ સાંભળીને રાજાનું ધ્યાન તેમનાં તરફ દોરાયું. “એવું તો તે પોષાકમાં શું ખાસ છે?”
“મહારાજા, જે પોતાનાં જીવનમાં હંમેશા સત્યવાદી અને તમને વફાદાર રહ્યાં હશે તેમને જ આ પોષાક દેખાશે. જે પણ અક્કલ વગરનાં અને પોતાનાં પદને લાયક નહિ હોય તેમને આ પોષાક દેખાશે નહિ.”
“વાહ! શું આ ખરેખર શક્ય છે?”
“હા, નામદાર, પરંતુ અમારી બે શરતો છે,” તેમને કહ્યું, “પ્રથમ, અમે એકલાં જ તે પોષાક એકાંતમાં સિવીશું અને બીજી, અમારે વીસ લાખ સોનાનાં સિક્કા જોઈએ કારણકે અમે અમારા જીવનકાળ દરમ્યાન આવો પોષાક ફક્ત એક જ વાર બનાવી શકીએ તેમ છીએ.”
“મંજુર છે!” રાજાએ ઉત્સાહપૂર્વક કહ્યું.
“અમારે ત્રણ અઠવાડિયા જોઇશે તે બનાવવા માટે.” અને તેમને રાજાની વિદાય લીધી.
“ત્રણ અઠવાડિયા પછી એક ઠાઠ જુલૂસનું આયોજન કરો” રાજાએ પોતાનાં દરબારીઓને કહ્યું, “હું મારી પ્રજા આ દુનિયાનો સૌથી મોંઘો અને અસામાન્ય પોષાક જુવે તેમ ઈચ્છું છું. આખા રાજ્યમાં જાહેરાત કરો કે જેથી કરીને દરેકજણ તે જોવા માટે હાજર રહે.”

બરાબર ત્રણ અઠવાડિયા પછી, પેલાં બે ઠગ રાજા સાથે સભામાં આવ્યા. તેમનાં હાથમાં સુંદર રેશમનાં કાપડમાંથી બનેલી એક થેલી હતી. રાજા તેમને પોતાનાં અંગત કક્ષમાં લઇ ગયા. તેમને નવો પોષાક પહેરવા માટે પોતાનાં કપડા કાઢ્યા. પેલાં બે ઠગે થેલીમાંથી અદ્રશ્ય આવરણ બહાર કાઢતાં હોય તેમ દેખાવ કર્યો અને જાણે રાજાને કપડા પહેરાવતા હોય તેવો ડોળ કર્યો. અર્ધા કલાક પછી, તેમને કહ્યું કે તેમનું કામ પૂરું થયું. રાજા તેમને પાછાં દરબારમાં લઈને આવ્યા અને ત્યાં તેમને પોતાનાં પોષાકની વિશેષતાઓ વિશે વાત કરી અને જોરથી બોલ્યા કે શું દરેક જણ તે જોઈ શકે છે. ઉપસ્થિત દરબારીઓએ રાજાનાં અને તેમને પહેરેલા પોષાકનાં ગુણગાન ગાયા. કોઈ મુર્ખ, અવિશ્વાસુ કે ગેરલાયક દેખાવા માંગતું નહોતું, માટે તે દરેક જણા પેલાં બે ઠગ વણકરો સાથે સહમત થયાં કે ખરેખર પોષાક અત્યંત પ્રભાવશાળી હતો અને તેમને ક્યારેય આવો પોષાક આ પહેલાં ક્યાંય જોયો નહોતો.

રાજાએ પેલાં બે ઠગને ગાડું ભરીને સોનાનાં સિક્કા આપી વિદાય કર્યા અને પછી શાહી જુલૂસ માટે નીકળ્યા. બહાર પ્રજા પણ દરબારીઓની જેમ રાજાને એકદમ નગ્ન જોઇને હતપ્રભ થઇ ગઈ પરંતુ તેમને એક હરફ ઉચ્ચારવાની હિંમત ન કરી. ટોળામાં જો કે એક નાનો છોકરો હતો, એટલો નાનો કે તે પોતે કુટનીતિજ્ઞ બની શકે નહિ, તેને જોરથી બુમ પડી, “પણ પોષાક ક્યાં છે? રાજા તો બિલકુલ નાગો છે. તેને કશું પહેર્યું નથી!”

બીજા લોકોમાં પણ થોડો આત્મવિશ્વાસ આવ્યો અને તેમને ગણગણવાનું ચાલુ કર્યું. બહુ વિલંબ કર્યા વિના, દરેક જણ જોરજોરથી સાચું કહેવા લાગ્યા. રાજાને સચ્ચાઈનું ભાન થઇ ગયું પરંતુ તેમ છતાં તેમને ચાલવાનું ચાલુ રાખ્યું કેમ કે પોતે પોતાની ભૂલ સ્વીકારીને મુર્ખ દેખાવા માંગતા નહોતા.

હેન્સ ક્રિસ્ટીઅન એન્ડરસને આ સુંદર વાર્તામાં દુનિયાનું સૌથી મોટું સત્ય દર્શાવ્યું છે, અને એ છે, જો તમારે આ સમાજમાં ઉપયુક્ત રહેવું હોય તો તે તમારી પાસે જુઠ્ઠું બોલવાની અપેક્ષા રાખે છે. સમાજના ધોરણો સાથે બંધ બેસતા રહેવાનાં નામે તમારી પાસે કુટનીતિજ્ઞ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે. અને કુટનીતિજ્ઞ બનાવામાં તમારી પાસે ફક્ત વ્યવહારચાતુર્યતાની જ અપેક્ષા નથી હોતી પરંતુ મોટાભાગે તો તેમાં ચતુરતાથી, સ્વાદિષ્ટ લાગે તેવી રીતે અને સાંભળનારને મીઠું લાગે તેવી રીતે સત્યને રજુ કરવામાં આવતું હોય છે. જો કોઈ પરિચિત વ્યક્તિ તમને ફોન કરીને મળવા માટે કહે અને જો તમને જવાનું મન ન હોય તો તમારી પાસે કોઈ બહાનાની અપેક્ષા રાખવામાં આવે છે. તમને “મને તમને મળવાની કોઈ ઈચ્છા નથી.” તેમ કહેવાની છૂટ નથી. નમ્રતા દેખાડવાનાં નામે અસત્ય બોલવાનું આવશ્યક બની જાય છે. તમારે કઈક આવું બોલવું પડશે, “અરે, મને તો ખુબ જ ગમશે તમને મળવાનું, પરંતુ આજે મારે બીજે ક્યાંક જવાનું છે.” વિગેરે. રમુજ પમાડે એવી વાત એ છે કે સામી વાળી વ્યક્તિને ખબર હોય છે કે તમે સાચું નથી બોલી રહ્યા તેમ છતાં તે ખરા સત્યના બદલે તમારા આ જવાબથી ખુશ થાય છે.

અબ રહીમ મુશ્કિલ પરી, ગરેહી દોઉં કામા. સાંચે સે તો જગ નાહી, જૂઠે મિલે ના રામા

સુફી સંત રહીમ કહે છે અરે શું વિડંબના આવી પડી છે, સત્યથી તો જગતને ગુમાવવું પડે છે અને અસત્યથી હું ભગવાનને ગુમાવી દઉં છું!

મોટાભાગનાં લોકો જીવનને નહિ પણ જુઠને જીવતાં હોય છે, એક ખુલ્લમખુલ્લા જુઠને. જો કે ક્રુરતાભર્યા સત્યવાદી બધા સમય માટે બનવું શક્ય કદાચ ન હોય, તો પણ એક સત્યભર્યુ જીવન જીવવું તો સંભવ છે જ. સંપૂર્ણત: શક્ય છે. જો તમે ધ્યાન આપશો તો તમને જણાશે અડધો અડધ જુઠની તો આપણને જરૂર જ નથી હોતી. જયારે જયારે પણ તમે જુઠ્ઠું બોલો છો ત્યારે તમે તમારી જાત ઉપર એક છુપો બોજ લાદો છો. મેં મારા જીવનમાં જુઠ નહિ બોલવાના મુદ્દાને ખુબ મોટું મહત્વ આપ્યું છે. જો કે મારા વ્હાલા, એ માટે મારે મોંઘી કિંમત પણ ચૂકવવી પડતી હોય છે, કેમ કે ઘણી બધી વાર મારું સત્ય કેટલાંકને પસંદ નથી આવતું હોતું, તેમ છતાં હું તો માનું છું કે અસત્યથી ઉત્સાહિત જીવન કરતાં સત્યથી મરોડેલું જીવન ક્યાંય વધારે સારું હોય છે. અને હું આ કિંમત ચુકવવા માટે તૈયાર છું. શું એ મહત્વનું છે કે હજારો, લાખો કે પછી કોઈ એક પણ વ્યક્તિ મને ઓળખે કે મને પસંદ કરે કે નાપસંદ કરે? ના, બિલકુલ નહિ. મારું જીવન બીજા લોકો મારા વિષે શું માને છે તેનાંથી અસરગ્રસ્ત નથી ને તમારું જીવન પણ નથી, જો તમે હું શું કહેવા માંગું છું એ સમજતા હશો તો. આ દુનિયા એક ભાગદોડ છે. લોકો ઉન્મત થઇ જાય છે. જયારે તમે બહાર નથી નીકળતાં તો તમે જો સ્વીકારો તો ધક્કા ખાવ છો અને અસ્વીકારો તો તમને કચડી નાંખવામાં આવતાં હોય છે. શાંતિ આવા ટોળામાંથી બહાર નીકળી જવાથી મળતી હોય છે, એક ડગલું બહાર નીકળી જવામાં. અને આ છે આત્મસાક્ષાત્કાર. મોટાભાગે અર્થહીન વાર્તાલાપોમાં, બિનઉપયોગી ગપ્પા મારવામાં, લોકો આપોઆપ જુઠું બોલવા લાગતાં હોય છે. કેટલાંક લોકો જુઠ્ઠું બોલતાં હોય છે તો કેટલાંક જુઠને જીવતાં હોય છે, કેટલાંકતો પોતાનાં જુઠમાં વિશ્વાસ પણ ધરાવતાં હોય છે; આ લોકો ભૌતિક રીતે ખુબ શ્રીમંત હોઈ પણ શકે છે, સામાજિક પ્રતિષ્ઠા પણ ધરાવતાં હોઈ શકે છે, બૌદ્ધિક રીતે ખીલેલાં પણ હોઈ શકે છે, પરંતુ મોટાભાગે તો તેઓ અસલામતી અને બેચેની જ અનુભવતા હોય છે. વારુ, હું આશા રાખું છું કે તમે નૈતિકતાને સત્ય સાથે નથી ભેળવી રહ્યાં. સત્ય એ નૈતિક કે અનૈતિક નથી. સત્ય એ ફક્ત સત્ય હોય છે. નૈતિકતા કે અનૈતિકતા એ સત્ય વિષેનું તમારું પોતાનું અર્થઘટન માત્ર હોય છે. સત્યને જીવવું એટલે તમારા આચરણ તેમજ ઈરાદાઓને સ્વીકારવા અને સત્ય ઉચ્ચારવું એટલે તમે તેને જે રીતે સમજતા હોય તે રીતે બોલવા. જો તમારા આચરણ અને તમારા ઉચ્ચારણમાં કોઈ વિરોધાભાસ નથી તો તમે સત્યનો અમલ કરી રહ્યા છો. અને જો તમારા વિચાર, આચાર અને ઉચ્ચારોમાં એક તાલમેલ હોય તો તમે સત્યને જીવી રહ્યા છો.

દયા અને પ્રેમ પછી સત્ય જ એક એવી વસ્તુ છે જને હું જાણું છું કે તેને અપનાવનારને શક્તિ અને શાંતિ અર્પે છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email