માણસની સૌથી મૂળભૂત ઈચ્છા કઈ હોય છે, એ ઈચ્છા કે જે માનવવાદ અને માનવતાના કેન્દ્રમાં હોય છે, એક એવી મૂળભૂત માનવીય ઈચ્છા, કે જે તમારી દુનિયાને બનાવી કે બગાડી શકે છે, એક એવી લાગણી કે જે તમને અમુલ્ય હોવાની કે નક્કામાં હોવાની અનુભૂતિમાં જે તફાવત રહેલો છે તે બતાવે છે?

ઘણાં વર્ષોથી મોટી સંખ્યામાં લોકો સાથેનો મારો જે સંપર્ક અને અવલોકન છે તેનાં આધારે હું એ સમજ્યો છું કે દરેક પ્રતિભાવોની અંદર અને દરેક લાગણીની ઉપર એક એવી ઈચ્છા રહેલી છે કે જે પ્રાથમિક છે, કારણાત્મક છે અને આણ્વીક છે, કે જેનું હજી વધારે વિભાજન કરવું શક્ય નથી – તે છે તમને કોઈ પ્રેમ કરે છે તેની લાગણી. તમને કોઈ વળતો પ્રેમ કરે તેની ઈચ્છા, તમને વ્હાલ કરે, તમારી કદર કરે, તમને ઓળખે, તમને સ્વીકારે. એવી ઈચ્છા કે જ્યાં તમને એવું લાગે કે તમે ક્યાંક કોઈનાં છો, અને આ લાગણી સૌથી પ્રબળ હોય છે. લોકો છુટા પડી જતાં હોય છે, તેઓ મોટા થઇ જતાં હોય છે, અરે તે કદાચ જેને એક વખત ખુબ જ પ્રેમ કરતાં હોય તેને હવે નફરત પણ કરતાં થઇ ગયા હોય એવું પણ બનતું હોય છે, અને આવું એટલાં માટે બનતું હોય છે કે તેમને હવે લાગતું હોય છે કે શરૂઆતમાં સામેની વ્યક્તિનાં જીવનમાં પોતે જેટલી જરૂરિયાત વાળા હતાં હવે તેટલાં રહ્યાં નથી. જયારે કોઈ તમને અવગણવા માંડે ત્યારે તે સૌથી વધુ દુઃખ આપતું હોય છે. અવગણવાનો અર્થ ખાલી એ જ નથી કે કોઈ તમને ફક્ત ટાળી રહ્યું છે, એ તો ખાલી અવગણવાનો એક પ્રકાર માત્ર છે. જયારે તમને તમે પોતે જે હોય તેનાં તરીકે સ્વીકારવામાં ન આવે, જયારે તમારા પ્રયત્નો માટે તમારી કદર કરવામાં ન આવે, તમે જે હોય તેનાં માટે તમને જો પ્રેમ કરવામાં ન આવે, તો તે પણ અવગણવું જ છે. અને તે તકલીફ આપતું હોય છે. ચાલો હું તમને એક સત્ય ઘટના કહું કે જે મને મારા વકીલે ૧૩ વર્ષ પહેલાં કહી હતી.

આ ઘટના ૧૯૮૫માં ઘટી હતી. એક ૭૦ વર્ષનાં વૃદ્ધ વ્યક્તિ સર્બિયાથી ઓસ્ટ્રેલીયા આવ્યાં હતાં. ચાલો આપણે અહી તેમને પીટર કહીને બોલાવીએ. તેમનાં ત્રણ પુત્રો ઓસ્ટ્રેલીયામાં પહેલીથી જ રહેતા હતાં, તેઓ ત્યાં અનેક દસકાઓથી રહેતાં હતાં. તેઓએ પોતાનાં પિતાને ફેમીલી વિઝા હેઠળ બોલાવ્યા હતાં. પીટર પોતે વિધુર હતાં. સર્બિયામાં હવે તેમનાં માટે કોઈ હતું નહિ. તેમને અત્યંત સંઘર્ષ ભર્યું જીવન વિતાવ્યું હતું, તેઓ હંમેશા પોતે એકલપણું મહેસુસ કરતાં હતાં અને પોતાનાં પુત્રો જોડે રહેવાની હંમેશાં ખેવના રાખતાં હતાં. આ એક સંગઠિત કુટુંબ હતું અને તેમણે ત્યાં કાયમી થવા માટે ૬ વર્ષ રાહ જોઈ.

જયારે તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તેમનાં ત્રણે પુત્રો તેમને લેવા માટે એરપોર્ટ ગયા. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ થોડા સમય પછી તેમનાં પુત્રોને લાગવા માંડ્યું કે તેઓ પોતાનાં પિતાને રાખવાની કે ખવડાવવાની તસ્દી લેવા માંગતા નહોતા. પીટરને તો ફક્ત રહેવા માટે મકાનમાં એક થોડી જગ્યા, પોતાનાં પુત્રોનાં હૃદયમાં એક સ્થાન અને એક સમયનું ભોજન ફક્ત એટલું જ જોઈતું હતું, પરંતુ પુત્રોને તો હવે તેઓ એક બોજ લાગવા માંડ્યા હતાં. તેમને પીટરને અવગણવાનું ચાલુ કરી દીધું. પછીના બે વર્ષોમાં તો પીટરને પોતે જાણે કોઈ અનિચ્છનીય વ્યક્તિ ન હોય તેવું કે જેને પ્રેમ કરવાની કોઈ જરૂર નથી તેવું લાગવા માંડ્યું, અરે પોતાનાં પુત્રો તેમને હવે નફરત પણ કરવા માંડ્યા હતાં. પીટરને અંગ્રેજી તો આવડતું નહોતું, માટે સ્ટ્રીટ પર કે કોઈ બગીચામાં કોઈની સાથે વાતચીત પણ કરી શકાય તેમ નહોતું.

જો કે પીટરે તો કઈક વિચિત્ર જ વર્તન અપનાવ્યું, તે પોતે પેડેસ્ટ્રીઅન ક્રોસિંગની બાજુમાં ઉભા રહેવા લાગ્યો અને ટ્રાફિક આવે તેની રાહ જોવા લાગ્યો. જેવી ગાડીઓ નજીક આવે કે તરત પોતે રસ્તો ક્રોસ કરવા લાગતો, અને તેને તેમ કરતો જોઈ તરત ટ્રાફિક અટકી જતો. સામાન્ય રીતે કોઈ પણ ગાડીને ત્યાં ઉભા રહેવામાં વાંધો નહોતો કારણ કે આખરે તો આ એક પેડેસ્ટ્રીઅન ક્રોસિંગ હતું. પરંતુ આ કિસ્સામાં જો કે પીટર તો આવું દરરોજ અને તે પણ આખો દિવસ કરવા માંડ્યો હતો. તે રસ્તાની બીજી બાજુએ જતો રહેતો અને વધારે ગાડીઓની રાહ જોતો અને પાછો રસ્તો ઓળંગતો. તેનાં આવા વર્તનથી ખુબ જ અસુવિધા ઉભી થતી. અંતે, પોલીસે તેને તેની ગેરવર્તણુંક માટે અને ટ્રાફિક રોકી દેવા માટે ટીકીટ આપી. પીટરે તો ટીકીટને પણ અવગણી નાંખી. પછી તો આવી અનેક ટીકીટ મળતા તેને કોર્ટમાં હાજર થવું પડ્યું.

“આ એક અસામાન્ય કેસ છે,” જજે કહ્યું, “તમારી મેડીકલ હિસ્ટ્રી બતાવે છે કે તમે બિલકુલ સાજા છો તેમ છતાં તમે એક વિચાર્યા વગરનું તેમજ ખતરનાક કહી શકાય તેવું વર્તન રસ્તા પર કરો છો. તમે પોતે દોષી પણ કબુલો છો. હું કશું સમજી નથી શકતો. તમારે પોતાનાં બચાવ માટે કઈ કહેવાનું છે?”
“માણસ,” પીટરે કહ્યું, “મને હું માણસ હોવાનો અહેસાસ થતો હતો.”
“માણસ? કોર્ટ પાસે ઉખાણા સુલઝાવવાનો કોઈ સમય નથી. સ્પષ્ટપણે કહો.”
પોતાનાં પુત્રની મદદ વડે, કે જે ભાષાંતર કરી જજને જણાવતો હતો, પીટરે કહ્યું.: “જજ સાહેબ, મને કોઈ પ્રેમ કરતુ હોય તેવું લાગતું હતું. જયારે અંતે મને કોઈ એક માણસ સમજીને જોતું હતું ત્યારે મને ખુબ જ સારું લાગતું હતું. મારા માટે કોઈ ઉભું રહી જાય એ જોઈ મને ખુબ જ આનંદ થતો હતો. મને એવું લાગતું હતું કે હું કોઈ જંગલી ઘાસ નથી કે જેને ક્યારે ઉપાડી નાંખવામાં આવે તેની જ રાહ જોવાઈ રહી હોય, મને તો એવું લાગતું હતું કે હું કોઈ ખેડૂતનો પાક છું કે જેને લણવાની રાહ ઉત્સાહપૂર્વક જોવાઈ રહી હોય. જયારે ગાડીઓ મારા માટે એક શાનપૂર્વક અને માનપૂર્વક ઉભી રહેતી ત્યારે મને મારી આખી જિંદગી જે માન ખોવાનો અનુભવ થયો હતો તે સરભર થઇ જતો હોય તેવું લાગતું હતું. મારી કઈ કિંમત હોય તેવું લાગતું હતું. મને એ લાભકર લાગતું હતું. હું જાણું છું કે મેં એક ખુબ જ મોટી મુશ્કેલી ઉભી કરી છે, અને મને તેનો અફસોસ છે. અને હું વચન આપું છું કે હું આવી ભૂલ ફરીથી નહિ કરું.”
જજે ખુબ જ ઉષ્માથી પણ અડીગતાથી કહ્યું, “ઓસ્ટ્રેલીયા એ એક સ્વતંત્ર દેશ છે કે જેની જમીન પર દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જોવામાં આવે છે. તમને તમારા વર્તન માટે સાવધાન રહેવાનું જણાવવામાં આવે છે જેથી અન્ય લોકો પણ આ વિશેષાધિકારનો આનંદ ઉઠાવી શકે. મારી કોર્ટ તમને માફી આપે છે. અને આ કેસ અહી જ ખારીજ કરવામાં આવે છે.”

પીટરનો પુત્ર પોતાનાં બાપને આવું બોલતાં સાંભળીને રડી પડે છે. તેઓ બન્ને કોર્ટની બહારની પસ્તાળમાં એકબીજાને ભેટી પડે છે અને હૃદયમાં એકબીજા માટે લાગણી અનુભવીને રડે છે. તેને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ મળતા જ પેન્શન મળવાનું ચાલુ થઇ જાય છે અને તે ઓસ્ટ્રેલિયામાં જ પોતાનાં છેલ્લાં શ્વાસ સુધી રહે છે. અને આ રીતે આ સત્ય ઘટનાનો સુખદ અંત આવે છે.

જો કે દરેક દીકરાઓ આ વાતને સમજી શકતા હોતાં નથી, તો કેટલાંક થોડું મોડું સમજે છે, દરેક પીટરને આવી મુક્તિ મળતી નથી હોતી, અને દરેક અંત કઈ આવા સુખદ હોતા નથી. વધુમાં, અંત કેવો હોય તેનું આખરે તો શું મહત્વ છે? કોઈને દફનાવ્યા કે બાળ્યા, તમારા ગયા પછી તમને કોઈ યાદ કરે છે કે ભૂલી ગયું તેની પરવા આખરે કોને હોય છે? આ મુસાફરી છે કે જે મહત્વની છે. કારણ કે, તમારી મુસાફરીની પ્રકૃતિ અને ગુણવત્તા તમારા ઉપર અને તમારી આજુબાજુના લોકો ઉપર સીધી અસર પાડે છે. આ પોસ્ટ કોઈ દીકરા અને પિતાઓ વિશેની નથી, તે તો માનવ હોવા વિશેની છે.

કોઈ બીજા આપણને પ્રેમ કરે તે કોઈ વિશેષાધિકાર નથી પરંતુ એક મૂળભૂત માનવ જરૂરિયાત છે. એક પ્રાથમિક જરૂરિયાત. કમનસીબે, આપણી આજની દુનિયામાં, મોટાભાગનાં લોકો પ્રેમથી વંચિત છે. પ્રેમની તલાશ કરતાં રહેવું કે કોઈના તરફથી પ્રેમ મળે તેની કાયમ ઈચ્છા રાખવી તે એક અર્થહીન કવાયત છે. માટે જો કોઈ તમને પ્રેમ ન કરતુ હોય, તો તમે પોતે પોતાની જાતને પ્રેમ કરવાનું શીખી જાવ. પોતાની જાતને નિ:સ્વાર્થપણે પ્રેમ કરતા થવું – અને એ સ્તરે પહોંચતા થોડી વાર લાગતી હોય છે. ત્યાં સુધી તમારો પ્રેમ બીજા લોકોને આપતાં રહો, એવાં લોકોને કે જેમને તમારો આ પ્રેમ જોઈતો હોય. અને ત્યારબાદ એક દિવસે તમે તમારી જાતને શાંત અને બદલાવના પ્રકાશ તરફ તાકી રહેલાં પામશો. તમારું હૃદય ઉષ્મા અને પ્રેમથી છલકાઈને જયારે બધાં જ દર્દ અને તકલીફોને દુર કરી નાંખશે ત્યારે તમે તમારી જાતને એક ઊંડા આનંદના મહાસાગરમાં પામશો. જયારે તમે એક દયાળુ અભિગમ રાખીને ભગવાનના સર્જનની સેવા કરવાનું ચાલુ કરશો તો દિવ્યસંરક્ષણ તમારા જીવનમાં જેની ખોટ છે તેને પુરવાની વ્યવસ્થા આપોઆપ કરશે. ખોટ – કે જેને તમે પોતે તમારા માટે વ્યાખ્યાયિત કરી હોય તે નહિ, પણ તમને જેની જરૂર હોય તે.

જાવ! તમારો પ્રેમ પ્રગટ કરો. કોઈને તે કેટલું ખાસ છે તે અનુભવડાવો. કારણ કે કોઈ તમને પ્રેમ કરતુ હોય તેની અનુભૂતિ શું છે તે તમને ત્યાં સુધી નહિ સમજાય જ્યાં સુધી તમે કોઈને એ અનુભૂતિ નહિ આપો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email