લોકો હંમેશા જીવનમાં ઉતાર-ચડાવનો અનુભવ કરતાં હોય છે. જીવનની મુસાફરી દરમ્યાન આપણે જાત જાતનાં લોકોને મળતાં હોઈએ છીએ. જીવનમાં આપણે હંમેશા અમુક જ પ્રકારનાં લોકોને મળીએ, કે ફક્ત જેને આપણે પસંદ કે નાપસંદ કરતાં હોઈએ તેમને જ ફક્ત મળવાનું થાય તેવું બનતું હોતું નથી. અંતે તો આ કોઈ એક તરફી જતો રસ્તો તો છે નહિ. કોઈ પણ સમયે આ યાતાયાત બન્ને દિશામાં આપણી સાથે અને વિરુદ્ધ તરફે વહેતો જ હોય છે. કોઈ વખત કોઈ વ્યક્તિઓ કે કોઈ ઘટનાઓ તમને એટલી બધી તકલીફ આપી જતી હોય છે કે તમે તેમને તમારી યાદોમાંથી ભૂંસી નાખવા માંગતા હોવ છો. તમે તેમને માફ પણ કરી દીધાં હોય છે, તમે આગળ વધવા માંગતા હોવ છો, છતાં તમે તેમ કરી શકવા માટે અસમર્થ રહો છો. તેને હળવાશથી લો. તે બિલકુલ સહજ છે.

કોઈપણને યાદ કરવાં માટે બે શક્યતાઓ રહેલી છે: કાં તો તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો કાં તો તમે તેને નફરત કરો છો. અને તમે તેને ભૂલી જવા માંગતા હોવ તો તેનાં માટેના ફક્ત ત્રણ કારણ હોઈ શકે છે. પ્રથમ, તેમનો વિચાર માત્ર તમારી અંદર નકારાત્મક લાગણીઓ જન્માવે છે અને તમારું સંતુલન જતું રહે છે. બીજું, તમે હજી પણ તેમને પ્રેમ કરો છો, પણ તેઓ આગળ નીકળી ગયા હોય છે. ત્રીજું, તમારા તેમને પ્રેમ કરવા છતાં તે તમને બદલામાં પ્રેમ નથી કરતાં હોતાં. આમાંથી ગમે તે કિસ્સો હોય, દુ:ખ તો થાય જ છે. જો તેમની યાદ તમારી અંદર કોઈ હકારાત્મક કે નકારાત્મક લાગણીને જન્મ ન આપતી હોય તો, તે વ્યક્તિને ભૂલી જવાની જરૂર નથી પડતી. વાસ્તવમાં, જેને ભૂલી જવા માંગતા હોય તેને જો તમે પ્રેમ કે નફરત ન કરતાં હોવ તો તમે તેને આપોઆપ ભૂલી જશો. જયારે તેની યાદ તમારામાં કશું સારું કે ખરાબ નથી લગાડતું તેનો અર્થ છે કે તમે આગળ વધી ગયાં છો. પણ જયારે તમે તેમને ભૂલી જવા માંગતા હોવ ત્યારે શું કરવું? વાંચો આગળ.

જયારે તમે તે વ્યક્તિનો વિચાર મનમાં કરી રહ્યાં હોવ ત્યારે સૌ પ્રથમ એક સ્વગત સંવાદ કરો. એ વાતનો સ્વીકાર કરો કે તમને તેમની ખોટ સાલી રહી છે અને તમને દુ:ખ થઇ રહ્યું છે. તમારી જાત સાથે વાત કરો. તેનું થોડી થોડી વારે પુનરાવર્તન કરો અને જુઓ કે તમારું મન તે વ્યક્તિ વિશેનો વિચાર કેવી રીતે વહેતો કરે છે. જો તમારે તેમને ભૂલવા હોય તો તેમની યાદને વહેતી કરવી ખુબ અનિવાર્ય છે. થોડા સમય પહેલાં, મેં ધ્યાન દરમ્યાન તમારા મનને અનિચ્છીત વિચારોથી કેવી રીતે દુર લઇ જવું તેનાં વિશે એક પોસ્ટ લખી હતી. એ સિદ્ધાંતનો અમલ કરો. તમારી જાતને સમય આપો અને જયારે જયારે પણ તે વ્યક્તિ કે ઘટનાનો વિચાર ઉઠે, ધીરે અને ખુબ જ હળવાશથી તમારા મનને બીજે ક્યાંક એકાગ્ર કરો. તમારી જાતને વચન આપો કે જયારે પણ તમને એમનો વિચાર આવે ત્યારે તમે તેને તમારી શાંતિ નહિ હણવા દો. અને તમારી શાંતિનું રક્ષણ કરવાનો રસ્તો છે તમારે તમારા ધ્યાનને બીજે ક્યાંક કેન્દ્રિત કરવું. આ હું જાણતો હોય એવી એક ખુબ જ શક્તિશાળી રીત છે. જયારે તમે જેને પ્રેમ કરતાં હોય તે તમને છોડીને જતું રહે, ત્યારે તમારા જીવનમાં એક ખાલીપો સર્જાતો હોય છે, તમારા હૃદયમાં એક છિદ્ર જાણે કે બની જતું હોય છે. અને તમે તે ગર્તામાં ધકેલાતાં જતાં હોવ છો. તમારે તે મોટા થતાં જતાં છિદ્રને ગમે તેમ કરીને પુરાવાની કોશિશ કરવી જરૂરી હોય છે. તે સહેલું નથી પણ તે કરી શકાય તેમ હોય છે. જયારે પણ તેમની યાદ તમારા હૃદયનો દરવાજો ખટખટાવે ત્યારે તમારું ધ્યાન બીજે દોરો. જો તમે તમારું ધ્યાન એ સમયે બીજે દોરી શકશો તો ધીમેધીમે તેની છાપ આછી થતી જશે, તેમની યાદોની તીવ્રતાનો નાશ થવાની શરૂઆત થશે.

એક વખત બે બાળકોને ચાંદીનાં પંદર સિક્કા ભરેલી પોટલી મળી. એકે તે જોઈ અને બીજાએ તે ઉઠાવી. બન્ને જણા તેનાં ઉપર પોતાનો માલિકીભાવ દર્શાવવાં લાગ્યા. તેનાંથી તેમની વચ્ચે દલીલોની શરૂઆત થઇ અને અંતે તેમને ડાહ્યા ગણતાં એવાં મુલ્લા નસરુદ્દીનને પોતાની દુવિધા
જણાવી.
“વારુ….તો તમે ઈચ્છો છો કે હું આ દુવિધાનો ઉકેલ લાવું?”
“હા,” બન્ને જણાએ એકીસાથે કહ્યું.
“સારું, હું આ સિક્કાઓ તમારી બેઉ વચ્ચે વહેચીશ. પણ મને પહેલાં એ કહો તમે મને કઈ રીતે ન્યાય કરવાનું ઈચ્છો છો ભગવાનની જેમ કે માણસની જેમ?”
“મહેરબાની કરીને ભગવાનની જેમ ન્યાય કરો.”
મુલ્લાએ સિક્કા ગણ્યા અને એકને બાર સિક્કા આપ્યાં અને બીજાને ત્રણ. તેઓ બન્ને ત્યાં વિચારમુદ્રામાં ઉભા રહ્યાં, મુલ્લાએ સીધું જ કહી દીધું, “ભગવાન આવી રીતે જ વર્તે છે.”

જીવન અન્યાયી હોઈ શકે છે. જયારે પણ કોઈને ભૂલવાની કોશિશ કરી રહ્યાં હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું બૌદ્ધિક પૃથ્થકરણ કરવાનું ટાળો કે આવું તમારી સાથે કેમ થયું કે તેઓ આવું તમારી સાથે કેવી રીતે કરી શકે વિગેરે. જો તમે ચીરવાનું ચાલુ કરશો તો તમે ફક્ત ને ફક્ત તેમાં જ ઊંડા ઉતરશો. કોઈ પણ પ્રકારનું ગહન ચિંતન તમને વધારે તણાવગ્રસ્ત બનાવશે, તે તમને યાદોનાં પટમાં પાછા ખેંચી જશે – અને એ મૂળ વસ્તુને જ અહી આપણે ટાળવાની વાત કરી રહ્યાં છીએ. આ બાબતમાં મારા પર વિશ્વાસ રાખો. તમારું ધ્યાન સીધું બીજે જ વાળી દો.

પ્રેમ અને નફરત બન્ને તમને બંધનમાં બાંધે છે. તમે કોઈ પણને પ્રેમ અથવા તો નફરત કરવાનું ચાલુ રાખીને ભૂલી શકો નહિ. જો તમે તેમને ભૂલી જવા માંગતા હોવ તો તમારે તેમનાં પ્રત્યે તટસ્થ બનવું જ પડે. તમે ત્યારે જ તટસ્થ બની શકો જયારે તમે પ્રેમ અને નફરતનાં દ્વૈતમાંથી ઉપર ઉઠી જાવ. પ્રેમ અને નફરત બન્ને તમારા હૃદયને સ્પર્શે છે, જે કઈ પણ આપણા હૃદયને સ્પર્શ કરે છે તે આપણા મન પર એક છાપ છોડે છે. અને આ છાપોથી જ યાદોનો ભંડાર ભરાતો જતો હોય છે. આ જ કારણોસર વૈદિક વિચારધારા અને અન્ય આધ્યાત્મિક ગ્રંથો માનવને હંમેશા સમતા દાખવવાનો ઉપદેશ આપે છે. સમતામાં રહેવું એ તટસ્થ રહેવાથી એક ડગલું ઉપર છે. કારણકે સમતામાં રહેવાનો અર્થ છે દયા અને સમાનુભૂતિ સાથે તટસ્થ રહેવું.

જો કોઈ પણ સાથે તમારી યાદોની સંખ્યા બહુ મોટી હોય, તેટલું જ તેને ભૂલીને આગળ વધવું અઘરું છે. કારણકે યાદો એ સમયની કટિબદ્ધતા દર્શાવે છે. યાદોની સંખ્યા તમે તે વ્યક્તિ સાથે જેટલો સમય રોક્યો હોય છે તેનાં પ્રમાણમાં હોય છે. તે રોકાણ કેટલું મોટું કે નાનું છે તે જો કોઈ લખવા બેસે તો વ્યક્તિ-વ્યક્તિએ તે અલગ હશે. તમે કોઈ વ્યક્તિને ફક્ત તેનાં વિશે વિચાર નહિ કરવાની કોશિશ કરીને તમારા મનમાંથી ભૂંસી ન શકો.

એક સારો સવાલ એ હોઈ શકે: તમારે કોઈને માફ કરવા માટે તેમને ભૂલવા જરૂરી છે કે પછી તમારે તેમને ભૂલવા માટે પ્રથમ માફ જ કરવા પડતાં હોય છે? વારુ, જો તમને કોઈ પ્રત્યે નકારાત્મક લાગણી હોય: તો તમારે પ્રથમ માફ કરવાં જરૂરી છે જેથી કરીને તમે તેમને ભૂલી શકો. જ્યાં સુધી તમે તેમને માફ નથી કરી દેતા, તમે તેમનાં માટે સમતા નથી દાખવી શકતા, અને જ્યાં સુધી તમે સમતા નથી દાખવી શકતા, ત્યાં સુધી તમે તટસ્થ નથી બની શકતા, અને તટસ્થતા વગર ભૂલવાનું શક્ય નથી હોતું. ફક્ત જે માફ કરી શકાતું હોય છે તે જ ભૂલી શકાતું હોય છે. યાદ રહે, માફી અને પુનર્મેળ તે બન્ને સમાનર્થી નથી; તેનાં વિશે ફરી કોઈ વાર.

તમારી જાતને પ્રેમ કરો. તમારી જાતની કદર કરો. પરિણામ સ્વરૂપ જે કોઈ પણ તમને પ્રેમ કે તમારી કદર નથી કરતુ તેની તમને ખોટ નહિ સાલે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email