દરેક ઉમ્મરનાં વાંચકો મને કંટાળા વિષે લખી જણાવતાં હોય છે. કેટલાંક જણા તેમનાં નિત્યક્રમથી કંટાળી જતાં હોય છે, તો કેટલાંક તેમનાં સાથીદારથી કંટાળી જતાં હોય છે તો કેટલાંક જણા તો વળી તેમની જિંદગીથી જ કંટાળી જતાં હોય છે. ખાસ કરીને માં-બાપ મને પૂછતાં હોય છે કે તેમને તેમનાં બાળકોને શું કહેવું જોઈએ જયારે તેઓ કંટાળાનું કારણ આગળ ધરીને અભ્યાસ નથી કરવા માંગતા હોતા. હું કંટાળાને મુખ્યત્વે બે પ્રકારોમાં વહેચું છું: આળસથી આવતો કંટાળો અને સક્રિયતામાંથી આવતો કંટાળો. બન્ને કિસ્સામાં તમારું મન કંટાળો જેમાંથી આવતો હોય તે વસ્તુથી તમને દુર ભગાડે છે. જયારે તમે કંટાળાનો અનુભવ કરો છો ત્યારે તમે તમારા મગજની એકાગ્રતા ગુમાવો છો, તે તમને કાં તો અધીરા બનાવે છે કાં તો તમને આળસુ બનાવે છે. મેં અનેક લોકોને જયારે તેઓ કંટાળી જતાં હોય છે ત્યારે તેમને વ્યાકુળ થતાં જોયા છે અને કેટલાંકનાં તો પગ પણ કાંપવા લાગે છે. આ કિસ્સામાં કંટાળો એક છૂપી રીતે હોય છે પણ બહુ સૂચક હોય છે. દાખલા તરીકે તમે જયારે કોઈ થ્રિલર મુવી કે રસપ્રદ પુસ્તક વાંચી રહ્યા હોવ છો ત્યારે તમારા પગ નથી કાંપતા.

મોટાભાગે જયારે કંટાળો કોઈ વસ્તુમાં રસ નહિ પડવાને લીધે જન્મતો હોય છે ત્યારે તે તમને ઊંઘ લાવી દે છે. તમારું મગજ ધીમું પડી જાય છે જાણે કે તે સુવાની તૈયારી ન કરી રહ્યું હોય. આ આળસથી આવતો કંટાળો છે. જયારે તમે સુવા જતાં હોય છે ત્યારે આવું જ તો બનતું હોય છે, તમારું મગજ ધીમે-ધીમે ધીમું પડતું જતું હોય છે. એક મગજ કે જે હજારો વિચારો કરતું હોય છે, અનેક લાગણીઓથી ભરાઈ ગયેલું હોય છે તેને ઠંડા પડવાની જરૂર હોય છે. તેમ છતાં પણ જયારે તમારું આસપાસનું વાતાવરણ તમને ઉત્તેજના આપવામાં નિષ્ફળ જાય ત્યારે તમે કંટાળો અનુભવો છો અને તમારા પગ કાંપવા માંડે છે. તે તમને વ્યગ્ર-અધીરા બનાવી દે છે. આ સક્રિયતામાંથી આવતો કંટાળો છે. એનો અર્થ એ થયો કે તમારું મગજ હજી સક્રિય છે અને તે બીજે ક્યાંક પરોવા માંગે છે, જ્યાં તેનાં માટે કઈક નવું હોય, જેમાં કઈક બીજા પ્રકારનું જુદું ઉત્તેજન હોય.

વ્યક્તિગત રીતે, હું નથી માનતો કે કંટાળો આવવો એમાં કશું ખોટું હોય. જો કંટાળાથી હજી પણ પરેશાન કે ગુસ્સે થવાનું હોત તો આપણે હજી પણ પાષણ યુગમાં જ હોત. આપણી ઉત્ક્રાંતિ અને વિકાસમાં કંટાળાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. કેટલીક મહાન શોધો કઈ કોઈ જરૂરિયાતને લીધે નથી થઇ, તે તો એટલાં માટે થઇ કે કોઈ એક જણ કંટાળી ગયું હતું અને તેને કઈક નવીનતા જોઈતી હતી. જો જરૂરિયાત એ શોધોની માતા છે તો કંટાળો તેનો પિતા હોવો જોઈએ. કારણકે કંટાળો સંશોધન માટેની જરૂરિયાતને પ્રેરે છે. જયારે તમે કંટાળાને લીધે ઊંઘ આવતી અનુભવો તો તેનો અર્થ એ કે તમારે તમારા મનને ઉત્તેજિત-પ્રોત્સાહિત કરવાની અને તેને બીજું કઈક કે જેમાં તમને રસ પડે એવું શોધી કાઢવાની જરૂર છે. તેમ છતાં જો તમે કઈક એવું કાર્ય કરી રહ્યા હોય કે જેમાં તમને કંટાળો લાવવો પોષાય તેમ ન હોય તો તેને હળવાશથી લો. તમારા મનને થોડું તાજું અને સ્ફૂર્તિદાયક કરી તમારા વિષયને પાછો હાથમાં લો. જેમ કે ધ્યાન, કે જેમાં દરેક લોકોની એક મર્યાદા હોય છે. કેટલાંક શરૂઆતની દસ મિનીટમાં જ કંટાળાનો અનુભવ કરતાં હોય છે, તો કેટલાંક ત્રીસ મિનીટ સુધી નથી કંટાળતા હોતા. સજાગ પ્રયત્નોથી તમે તમારી કંટાળવાની મર્યાદામાં વધારો કરી શકો છો!
કંટાળાનો અર્થ એ છે કે તમે કોઈ બુદ્ધિ વગરનું પ્રાણી નથી, તેનો અર્થ એ છે કે તમે ભાગ્યશાળી છો કે તમને બુદ્ધિશક્તિ અને વિચારશક્તિ મળ્યાં છે. જો કે જે કંટાળાથી વ્યગ્ર થઇ જતાં હોય તેમનાં માટે એ સાચું છે. કંટાળો અને વ્યગ્રતા એક બીજા સાથે ગૂંથાયેલાં હોય છે: વ્યગ્રતા કંટાળાને પોષે છે અને કંટાળો વધુ વ્યગ્રતા જન્માવે છે. કંટાળા માટે બે રસપ્રદ વાત છે જે તમારે જાણવી જોઈએ. ચાલો હું એક દંતકથા વડે તેને વિસ્તારપૂર્વક સમજાવું.

ધ્યાનની સાધના કરવા માટે કટિબદ્ધ પરંતુ હજી ક્યાંય નહિ પહોંચી શકેલાં એક શિષ્યે તેનાં ગુરુને મળીને કહ્યું, “હું ખરેખર કંટાળો અને વ્યગ્રતા અનુભવું છું. હું ધ્યાન કરી શકવા માટે સક્ષમ નથી.”
“ચિંતા ન કર, કશી પ્રતિક્રિયા ન આપીશ. તે જતું રહેશે. તારા સંકલ્પને ઢીલો ન પાડીશ. કઠીન પરિશ્રમથી અંત સુધી મંડ્યો રહે.” ગુરુએ જવાબ આપ્યો.
થોડાક અઠવાડિયા પછી તે ખુબ જ ઉત્સાહી જણાયો અને બોલ્યો, “અરે, આ તો મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય છે. ધ્યાન આટલું સરસ ક્યારેય નહોતું થતું.”
“બહુ ઉંચે ન ઉડીશ, કશી પ્રતિક્રિયા ન આપીશ. આ પણ જતું રહેશે. તારા માર્ગેથી નજર ન હટાવતો. કઠીન પરિશ્રમથી અંત સુધી મંડ્યો રહે.” ગુરુએ જવાબ આપ્યો.

સ્પષ્ટ રૂપે આ કઈ ફક્ત ધ્યાન માટે જ સત્ય નથી પરંતુ બીજા ઘણાં બધા દ્રષ્ટિકોણ માટે પણ એટલું જ સત્ય છે. લોકો પોતાનાં સંબધોમાં, નોકરીમાં, પોતાની જિંદગીથી વિગેરે ઘણી બધી વસ્તુઓથી કંટાળી જતાં હોય છે. કંટાળા વિશે પ્રથમ વાત તમારે એ જાણી લેવાની છે કે કંટાળો એ ચક્રીય અને અસ્થાઈ હોય છે. જયારે તમે કશાથી કંટાળી જાવ ત્યારે તમે ભાગી ન જાવ, સ્વીકૃતિ અને સંકલ્પ સાથેની એક સજાગતાની પ્રેક્ટીસ કરો, અને તમે થોડા સમયમાં જ કંટાળાથી ઉપર ઉઠી જશો. જે જગ્યા એ લાગણીથી અને ભક્તિથી જોડાયેલાં હશો ત્યાં કંટાળો બહુ ઓછો કે નહીવત આવશે. એક માં પોતાનાં બાળકથી ભાગ્યે જ કંટાળી જાય છે પરંતુ એક અધીરું બાળક પોતાની માતાથી બહુ જલ્દી કંટાળી જાય છે. અંતે તો એ તમારી પ્રાથમિકતા ઉપર આધારિત છે.

કંટાળા વિશેની બીજી વાત તમારે એ જાણી લેવાની છે કે: તમે કંટાળવાનું જાતે પસંદ કરો છો. હા, એ સત્ય છે. જયારે તમે તમારા વ્યગ્ર અને અધીરા થઇ ગયેલાં મનને આધીન થઇ જાવ છો ત્યારે તમે વ્યાકુળ બની જાવ છે અને કંટાળી જાવ છો. અને જયારે તમારું આળસુ મન તમારા પર હાવી થઇ જાય છે ત્યારે તમને ઊંઘ આવવા માંડે છે અને તમે કંટાળી જાવ છો. બસ આ આટલી સરળ વાત છે. જયારે તમે કંટાળાને સારી રીતે લો છો ત્યારે તમારું મન પ્રતિશોધ કરવાનું બંધ કરી દે છે. તેમાં એક જાગૃતતાની જરૂર પડે છે, કે તમે જાગૃત છો કે તમને કંટાળો આવી રહ્યો છે, તમે તમારા પોતાનાં માટે સાક્ષી બનો છો. સ્વીકૃતિ અને સજાગતા તમને આળસથી આવતા કંટાળામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બને છે. જાગૃતતા અને હળવાશ તમને વ્યગ્રતામાંથી આવતા કંટાળામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બને છે.

કોઈ વખત કંટાળો આવે તો તેમાં કઈ વાંધો નહિ. તેને સ્વીકારી લો. તેની સાથે હળવાશથી રહો. જો તમારે તેનાંથી ઉપર ઉઠવાની ઈચ્છા હોય, તો એક જાગૃતતાથી તેનાં માટે પ્રયત્ન કરો. હિમાલયમાં મારી મહિનાઓની એકાંત સાધનામાં, કે જ્યાં કોઈ વીજળી નહોતી, કોઈ બીજું વાત કરવા માટે નહોતું, પુસ્તકોના ઢગલા નહોતા, સંગીત નહોતું, કોઈ પક્ષી પણ નહોતું, ફક્ત બરફ અને સફેદ બરફ ચોતરફ, ત્યાં પણ મેં મારી જાતને કંટાળવા નથી દીધી. હું તો ધ્યાન કરતો. જયારે ધ્યાનથી થાકી જઉં ત્યારે ચિંતન કરતો. જયારે ચિંતન કરતાં થાકી જતો ત્યારે પાછો ધ્યાન કરતો. જયારે તમે એક શિસ્તથી કટિબદ્ધ હોવ છો ત્યારે કંટાળો તમને અડી પણ નથી શકતો, કારણ કે કંટાળો મોટાભાગે એક બહાનું હોય છે અને ભાગ્યે જ તે કોઈ એક કારણ હોય છે. એક કંટાળેલું મન રાક્ષસનું કારખાનું હોય છે. મહાન બ્રિટીશ તત્વચિંતક બરટ્રાન્ડ રસેલના શબ્દોમાં: કંટાળો એ નીતિવાદી વ્યક્તિ માટે એક અગત્યનો પ્રશ્ન છે, કારણ કે માનવજાતના અડધા પાપો તેનાં ડરને લીધે થતાં હોય છે.

જયારે તમે કંટાળાના મોજાને પાર કરી જશો ત્યારે તમે તમારી જાતને આનંદના મહાસાગરમાં પામશો. તમારી બુદ્ધિ તીક્ષ્ણ બનશે અને તે તમારા અસ્તિત્વની સપાટીની ઉપર ઉઠશે અને તમને એક અંત:દર્શન પ્રદાન કરશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email