મને વારંવાર પૂછવામાં આવતું હોય છે કે દરેક પરિસ્થિતિમાં શું એકસમાન રહેવું શક્ય છે ખરું, જો હાં તો એનો કયો માર્ગ છે? ઘણાંબધા લોકોએ ધ્યાન, યોગ, થેરાપી, કાઉન્સેલિંગ, અને દુનિયામાં શક્ય હોય તે તમામ રસ્તાઓ અજમાવી જોયા છે, જો કે કોઈ મોટા પરિણામ મળી ગયા હોય તેવું નથી બન્યું. શા માટે એમ? ચાલો હું તમને એ મુદ્દાનાં મૂળમાં લઇ જઉં.

આપણી લાગણીઓ અને પ્રતિભાવોમાં એક પ્રકારની સ્વાભાવિક સહજતા હોય છે. તમે જેનાંથી માહિતગાર હોવ કે જેમાં કોઈ અચોક્કસતાને અવકાશ નથી, તેનાં માટે તમે કૃત્રિમ પ્રતિભાવ આપવાની યોજના બનાવી શકો. પરંતુ દરેક ઉભરતી ક્ષણમાં એક પ્રકારનું આશ્ચર્ય કે ચમત્કાર કે અચોક્કસતા તો રહેલાં જ હોય છે. આપણામાં ઉઠતી લાગણીઓ અને ભાવો તે આશ્ચર્ય પ્રત્યેનાં આપણા પ્રતિભાવો હોય છે. તમે તમારી લાગણીઓ માટે યોજનાઓ ન બનાવી શકો, જયારે તમને સારા કે માઠા સમાચાર જાણવા મળે ત્યારે તમારે ચોક્કસપણે અમુક રીતનું જ અનુભવવાનું છે તેવું તમે તમારી જાતને ન કહી શકો. તો પછી તે સહજ ઉઠતી લાગણીઓ અને ભાવો ક્યાંથી આવતાં હોય છે, આ પ્રતિક્રિયાઓ ક્યાંથી આવતી હોય છે?
આપણી લાગણીઓ અને ભાવો, ખાસ કરીને જે નકારાત્મક છે તે, ઉત્તેજના કે પ્રકોપનમાંથી ઉઠતાં હોય છે. ઉત્તેજના કે પ્રકોપનનું કેન્દ્રબિંદુ કદાચ બાહ્ય કે આંતરિક હોઈ શકે, પરંતુ અંતે તો જો કંઈપણ વસ્તુ કે કોઈપણ વ્યક્તિ તમને જો પ્રકોપિત ન કરી શકે તો તમે જોશો કે તમે ક્યારેય કોઈ અનિચ્છનીય વસ્તુ બોલશો નહિ કે કરશો નહિ. અન્ય લોકોનાં વાક્યો, તેમનું વર્તન, કે પછી તમારા મગજનો એક વિચાર માત્ર તમને ઉત્તેજિત કરી શકે છે.

એક આશ્રમમાં એક ગુરુ હોય છે અને તે એક ગળ્યું જડીબુટ્ટી વાળું પીણું પીવાનાં શોખીન હોય છે. તે પીણું ઘણી બધી જડીબુટ્ટીઓનું અને મધનું મિશ્રણ હોય છે. તે દ્રવ્ય બનાવતાં તેમને કલાકો થતાં. તેઓ તેનાં વિષે ખુબ જ રક્ષાત્મક રહેતાં અને તેને પોતાનાં ઓરડામાં જ પોતાની નજર હેઠળ રાખતાં. એક દિવસે તેમને બાજુનાં ગામમાં પ્રવચન આપવા માટે જવાનું થયું. તેમને આખો દિવસ જવાનું હતું અને તેમને સારી રીતે ખબર હતી કે તેમનો યુવાન શિષ્ય પ્રલોભન સામે ઝુકી જાય તેવો હતો. “આ શીશીમાં ખતરનાક ઝેર છે,” તેમને પેલાં શિષ્યને કહ્યું જે તેમની ગેરહાજરીમાં તેમનાં ઓરડાની સાફસુફી કરવાનો હતો. “તેને અડતો નહિ અને બીજા કોઈ પણને આ ઓરડામાં આવવા દેતો નહિ.”

યુવાન સાધુને બધી ખબર હતી. તેને આખો દિવસ પ્રતિકાર કર્યો પરંતુ અંતે તેનું પ્રલોભન જીતી ગયું. એક બુંદ ચાખી લેવાની લાલચે, તેને શીશી ખોલી. એક જંગલી અને અસાધારણ સુગંધે તેની ધ્રાણેન્દ્રીયને ઉત્તેજિત કરી દીધી. એ પહેલા તેને કઈ ખબર પડે તેને અડધી શીશીતો ગટગટાવી દીધી. પછી તો તેને બહુ જ ચિંતા થવા લાગી, અને આમાંથી માર્ગ કાઢવો જરૂરી હતો. તેને તે દ્રવ્ય થોડું વધારે પી લીધું, થોડું તેનાં ઝભ્ભા પર છાંટ્યા, થોડા ટીપાં જમીન ઉપર ઢોળ્યાં અને શીશીના ટુકડે ટુકડા કરીને જમીન પર ફેંકી દીધાં. હવે તે ત્યાં જ પોતાનાં ગુરુની રાહ જોતો બેસી રહ્યો. ચિંતા અને આતુરતામાં ઘણાં કલાકો વિતી ગયા.
“શું થયું?” જેવા ગુરુ પાછા આવ્યા કે તેમને આ શિષ્યને જોતા જ પૂછ્યું.
“હું તમારો ગુનેગાર છું, ગુરુદેવ,” તેને જવાબ આપ્યો, “હું તમારો ઓરડો સાફ કરતો હતો અને આ શીશી મારા હાથમાંથી છટકી ગઈ. હું કઈ કરી શકું તે પહેલાં, તે તૂટી ગઈ. હું તો બેબાકળો થઇ ગયો કે મારાથી આ શું થઇ ગયું. મને લાગ્યું કે મારે તો મરી જવું જોઈએ, હું તે ઝેર જેટલું પીવાય તેટલું પી ગયો. મેં તેને થોડું મારા ઉપર પણ છાંટી જોયું કે જેથી તેની જંગલી સુગંધથી હું મરી જઉં. ઘણાં કલાકો વિતી ગયા તેમ છતાં પણ હું હજી મર્યો નથી.”

તમારા પ્રકોપન કે ઉત્તેજનાનાં તળિયે એક પ્રલોભન-એક લાલચ બેઠેલી હોય છે. એ જાણે કે એક ખંજવાળવાનું મન થઇ જાય તેવી હોય છે, તે અતિ પ્રબળ હોય છે કે તેનો પ્રતિરોધ નથી થઇ શકતો. અને પ્રલોભન શું છે? તે એક વિચાર હોય છે કે જે આપણને એક આશ્ચર્યમાં એક નવાઈમાં ઝડપી લે છે. ત્યારપછી જે વિચારો, ચિંતન, અને કાર્યો થઇ જાય છે તે તો તેની અસર માત્રથી થતાં તેનાં પરિણામ સ્વરૂપ જ હોય છે.

એ જાણવું બહુ મહત્વનું છે કે તમારો તમારી લાગણીઓ ઉપર કોઈ સીધો કાબુ નથી હોતો, તમે સારું કે ખરાબ અનુભવવાનું કઈ જાતે પસંદ ન કરી શકો. તેમ છતાં તમે ખરાબ લાગણીને તમારી અંદર થોડી ક્ષણોથી વધુ નહી ટકવા દેવા માટે તમારી જાતને તાલીમ જરૂર આપી શકો. તમે તે લાગણીનાં મૂળ સુધી પહોંચો – તમારા મનમાં – અને ત્યારબાદ તેને બિલકુલ બીજી તરફ વાળી દો. જયારે પણ તમે અમુક ભાવ કે લાગણીને અનુભવતાં હોવ છો ત્યારે તમારી કોઈ ટેવ તમારા ઉપર હાવી થઇ જાય છે, એ સમયે તમારી જાતને પૂછો: શું હું ઉત્તેજિત થઇ રહ્યો છું? અને પછી તમારી જાતને જવાબ આપો: મને ખબર છે કે હું ઉત્તેજિત થઇ રહ્યો છું. આનાથી એક સ્વગત સંવાદ થશે. અને તે તમારી જાગૃતતામાં વધારો કરશે.

ઉત્તેજના એ એક ટુંકી લાકડી વડે એક ઝેરી સર્પને ચીડવવા જેવું છે. જેવું તમને ભાન થાય કે આ તો ખોટું થયું પણ ત્યાં સુધીમાં તો તેને તેનાં તીક્ષ્ણ દાંત વડે તમને બેસાડી દીધાં હોય છે. તમે ચપળ છો, કાળજી લેનાર છો, પણ કોઈ વખત તમે ઊંઘતા ઝડપાઈ જતાં હોવ છો અને તમે તેને સમજો તે પહેલાં તો તેની સહજતા એ તમને નુકશાન પહોચાડી દીધું હોય છે. તમે હલી જાવ છો અને તમારી નકારાત્મકતાએ તમને હરાવી દીધાં હોય છે.

તમે જયારે બીજાને વફાદાર નથી રહેતા ત્યારે તમે પ્રકોપિત થઇ જાવ છો. તમે જયારે તમારી જાતને વફાદાર નથી રહેતા ત્યારે પણ તમે તેટલાં જ પ્રકોપિત થઇ જાવ છો. અને આવું હંમેશા તમે નકારાત્મક કે ખરાબ હોવાનાં બોજા હેઠળ જ નથી થતું. કોઈ કોઈ વાર તો તમે ખુબ જ સારા બનવાનો, ખુબ જ મીઠા બનવાનો, ખુબ જ સહયોગી બનવાનો પ્રયત્ન કરતાં હોવ છો. જયારે તમે તમારી પોતાની જરૂરિયાતોને અવગણીને આમ કરતાં હોવ છો ત્યારે તમે ખુબ જ નિરાશા-હતાશા અનુભવો છો, તમે છુપી રીતે અંદરથી ઉત્તેજના અનુભવો છો. આવું પ્રકોપન તમને ગુસ્સામાં જેમ નિરાશા આવતી હોય છે તેવી જ નિરાશા સાથે ન કરવાનું કરવા માટે તુરંત પ્રેરિત કરી દે છે.

તમારી જાતને ઓળખો કે જેથી તમે તેને મુક્તિ અપાવી શકો. જો તમે તમારી જાત સાથે આરામદાયક મહેસુસ કરતાં હોવ તો તમે સહેલાઇથી પ્રકોપિત-ઉત્તેજિત નહિ થઇ જાવ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email