ચાલો આજે હું તાઓ ધર્મની એક વાર્તાથી શરૂઆત કરું. એક વખત બે માણસો, એક કઠિયારો અને બીજો એનો શિષ્ય, એમ તે બન્ને એક જંગલમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તેઓ એક ઘટાદાર વડનાં ઝાડ પાસે પહોચ્યાં. જાણે કોઈ મોટું દિવ્ય વૃક્ષ ન હોય એમ તે રૂઆબદાર રીતે ઊભું હતું. તેનું થડ એકદમ પહોળું હતું, તેની ડાળીઓએ એક મોટો વિસ્તાર ઘેરી લીધો હતો, તેની અસંખ્ય ડાળીઓ હવામાંથી લટકી રહી હતી અને જમીનને અડી રહી હતી; ટુંકમાં, આ એક પ્રાચીન વૃક્ષ હતું.

યુવાન શિષ્ય તો બહુ ઉત્સાહમાં આવી ગયો. “અરે આ ઝાડ તો જુઓ,” તેને કહ્યું. “આપણે હવે બહુ દુર જવાની જરૂર નથી. આ એકલું જ આપણને જોઈએ તેટલું લાકડું આપી શકશે.”
અનુભવી કઠિયારાએ એક ઉપરછલ્લી નજર નાંખી અને ઉભા રહેવાની દરકાર પણ ન કરી. “આ ઝાડ ખુબ જ જુનું છે અને મારી કુહાડી માટે બહુ કઠણ પડે,” તેને જવાબ આપ્યો. “એનાં મુળિયાતો કશાય કામનાં નથી અને ડાળીઓ તો ખુબ જ મોટી છે.”
આ તો એકદમ નકામું છે. આપણને કામ લાગે તેવું તેમાં કશું નથી, બેટા,” તેને કહ્યું, “પણ તને ખબર છે આ જ બાબતો તેનાં દીર્ઘાયુષ્યનું રહસ્ય છે.”

જો તમે આ પ્રાચીન વડનાં ઝાડની જેમ ઊંડે સુધી મૂળિયાં નાંખીને અડીખમ ઊભા રહો તો આ દુનિયા તમને કશી અસર નહિ કરી શકે. અથવા એમ કહો કે જયારે એ તમારામાં કશી કિંમત નહિ જુવે ત્યારે એ તમને તમારી રીતે રહેવા દેશે. દરેક જણ પોતાનાં જીવનકાળ દરમ્યાન મુલ્યવાન વસ્તુઓની શોધ કરતાં હોય છે. પ્રથમ, આપણે કેટલીક વસ્તુઓને બીજી કરતાં વધુ મહત્વ આપવા માટે અનુબંધિત થઇ જતાં હોઈએ છીએ. ત્યારબાદ આપણે તેની પ્રાપ્તિ માટે લાગી જતાં હોઈએ છીએ. તેની પ્રાપ્તિ માટેની પ્રક્રિયામાં રહેલો સંઘર્ષ તેની પ્રાપ્તિ કોઈ લાભપ્રદ હશે તેમ માનવા માટે આપણને પ્રેરે છે. અને તે મેળવી લીધા પછી તેને ટકાવી રાખવા માટે આપણે સખત મહેનત કરતાં હોઈએ છીએ. આપણે જેની કિંમત કરતાં હોઈએ છીએ તેને ટકાવી રાખવા પણ માંગતા હોઈએ છીએ. મોટાભાગે, જે કઈ મેળવવા માટે જેટલો પ્રયત્ન વધુ લાગે તેટલું જ તે વધુ મુલ્યવાન પણ લાગતું હોય છે. એમ લાગવું તે કુદરતી છે. જરા તેનાં ઉપર વિચારો. દાખલા તરીકે, ઘણી મહેનત પછી કોઈ એક વ્યક્તિને એક હજાર રૂપિયા બચાવવાં માટે એક વર્ષ લાગતું હોય, તો તેને તેની કિંમત જે એક દિવસમાં એક હજાર બચાવી શકતી હોય તેવી વ્યક્તિની સરખામણીમાં કુદરતી રીતે જ વધુ રહેવાની. પ્રથમ વ્યક્તિએ એક હજાર રૂપિયા બચાવવાં માટે ઘણી મોટી કિંમત આપી હોય છે. તમે કોઈ પણ વસ્તુનું કેટલું અને કેવું મહત્વ આંકો છો તેનો આધાર તમે તેની કેટલી કિંમત આંકો છો તેનાં ઉપર છે.

જયારે તમે એવી વસ્તુઓનું કિંમત કરતાં શીખો છો કે જેની કિંમત દુનિયા માટે “કશીજ નથી” ત્યારે તમે તમારી આંતરિક શક્તિનાં સ્રોતની નજીક પહોંચો છો. જયારે જેની મોટાભાગનાં લોકોને કદર નથી હોતી, તે વસ્તુ એક યોગી માટે એક અતિ મુલ્યવાન સંપત્તિ સમાન હોય છે. દાખલા તરીકે: દરેક જણા શ્વાસ તો લેતાં જ હોય છે. એ કોઈ રોકેટ સાયન્સ નથી. મોટાભાગનાં લોકો તેમાં કઈ ખાસ નથી જોતા પરંતુ એક યોગી શ્વાસને સમજે છે, તે તેને વશમાં કરે છે. દુનિયા તેનાં માટે બહુ ખાસ વિચારતી નથી પરંતુ એક યોગી માટે તો શ્વાસ એ એક કમાલ છે. આનંદ જયારે શરતી નથી હોતો તેમજ જયારે તે કઈ મેળવવાનાં કે ગુમાવવાનાં આધાર પર ટકેલો નથી હોતો ત્યારે એ ચિરસ્થાયી હોય છે. તમે કશાયની પ્રાપ્તિ વગર સુખી કે આનંદી કેવી રીતે બની શકો? વારુ, એ જ તો આત્મસાક્ષાત્કાર છે. તેટલું પુરતું નથી જો કે.

આત્માસાક્ષત્કારી કે પ્રબુદ્ધ વ્યક્તિમાં એક બીજો મહત્વનો ગુણ હોય છે. તે કઈ ધ્યાન કે પછી કોઈ પરંપરાને વળગી રહેવા વિશેનો નથી, ખરેખર તો તેને ભાગ્યે જ સમાધિસ્થ અવસ્થા સાથે કઈ લેવાદેવા છે. ચાલો એ સમજવા માટે ફરી એક દંતકથા તમને કહું.

હિંદુ ધર્મમાં, ગાયને પવિત્ર અને પૂજ્ય ગણવામાં આવે છે. ખાસતો એટલાં માટે કે ગાયો એક સમયમાં મનુષ્યનાં જીવનનું એક અભિન્ન અંગ હતી. દુધની બનાવટોથી પોષણ મળતું. ગાયનાં છાણનો બળતણ તરીકે ઉપયોગ થતો, ગાયનો વાછરડો મોટો બળદ થાય ત્યારે ખેતીકામમાં મદદરૂપ થતો, કુવામાંથી પાણી સિંચવામાં ઉપયોગી થતો, બળદગાડા વડે વાહનવ્યવહારમાં માણસો તેમજ ચીજવસ્તુની હેરફેરમાં તે કામમાં આવતો. ગાયો પાલતું પશુ અને તેથી પણ વધુ હતી. આપણી આ વાર્તા કે જે ભારત દેશની છે, તેમાં એક ભૂંડ અને ગાય બન્ને વાતો કરી રહ્યા હતાં:
“લોકો તને શા માટે પૂજે છે અને મને તિરસ્કારે છે? “ભૂંડ બોલ્યું. “જયારે મારું કતલ કરવામાં આવે છે ત્યારે તો મારા શરીરનો તો એક એક ભાગ ઉપયોગમાં આવે છે. શું હું પવિત્ર ન હોવું જોઈએ?”
ગાયે કહ્યું, “તારામાં અને મારામાં એ જ તો ફર્ક છે. હું જીવતી હોય ત્યારે જ સેવા આપું છું જયારે તું મરી ગયા પછી કામમાં આવે છે.”

એક પ્રબુદ્ધ વ્યક્તિમાં બીજો મહત્વનો ગુણ આ હોય છે કે તે પોતે બીજાની નિ:સ્વાર્થપણે સેવા કરવા માટે ઈચ્છુક હોય છે અને કાબેલ પણ હોય છે. તમે એક ધંધાદારી કે ગૃહસ્થ હોઈ શકો છો, આસ્તિક કે નાસ્તિક હોઈ શકો છો, એક સાદા ઝભ્ભામાં કે બીઝનેસ સુટમાં હોઈ શકો છો, તેને કઈ લેવાદેવા નથી. તમે બીજા માટે શું કરી રહ્યા છો તેને જ કઈ અર્થ છે. ધર્મો, પરંપરાઓ, લેબલો તો ફક્ત વિવિધ રીતે જીવન જીવવાની રીતો છે, જુદા જુદા દ્રષ્ટિકોણ માત્ર છે, બહુ બહુ તો એક અલગ વિચાર પ્રથા હોય છે, એનાંથી વિશેષ બીજું કશું નથી હોતું. જોકે જયારે શરતી માન્યતાઓ મરી જાય છે ત્યારે જ આત્મસાક્ષાત્કાર થાય છે. ત્યારે જ બધી શરૂઆત થાય છે.

કોઈ તમને સોનું આપતું હોય, તમે તેની કશી કિંમત નથી આંકતા. કોઈ તમને કચરો આપે, તમે તેને પણ કશી કિંમત નથી આપતાં. કોઈ તમને કશું પણ ન આપે, તો પણ તમે તેની કિંમત આંકો છો કેમ કે હવે તેમાં તમને કશું અપાયું હોય કે તેનો અસ્વીકાર થયો હોય તેવું કશું નથી હોતું. આ જ તો સમતાનો માર્ગ છે. જયારે તમારે મન કશાયની કિંમત નથી હોતી ત્યારે બધું જ નક્કામું બની જાય છે, અને જયારે તમે કશાયની “કઈ પણ” કિંમત નહિ કરવાનું શીખી જાવ છો ત્યારે જિંદગી તમને જે કઈ પણ આપતી હોય છે તે તમને અતિ મુલ્યવાન લાગતું હોય છે. નિર્લિપ્તતા અને વૈરાગ્યનો તમારી અંદર આપોઆપ જ ઉદય થવા લાગે છે. કારણ કે, તમે જયારે જેને કઈ કિંમત આપતાં હોય તેને જ તમે વળગી રહેતા હોવ છો. તમારા લગાવની માત્રા તમે તમારા લગાવની વસ્તુને કેટલી કિંમત આપો છો તેનાં ઉપર સીધી આધારિત છે. એક પ્રબુદ્ધ વ્યક્તિનું અતિ મુલ્યવાન બાસ્કેટ હંમેશા ખાલી હોય છે. માટે આવી વ્યક્તિને કોનો લગાવ હશે? કશાયનો નહિ.

તમે જીવનમાં કોને મહત્વ આપો છો? લોકોને, વસ્તુઓને, બધાને, કે પછી કશાયને નહિ?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email