તમે કદાચ આકર્ષણનાં નિયમ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. એનાં વિશે વિચાર કરીએ તો, મોટાભાગનાં લોકો દુ:ખને ટાળવા માટે કામ કરતાં હોય છે, તેઓ છેતરામણી ખુશીને કાયમ મેળવવા માટે કામ કરતાં હોય છે. તેઓ હંમેશાં હકારાત્મક વસ્તુઓને આકર્ષવા માટે કોશિશ કરતાં હોય છે. કોઈ પણ માણસ પોતાની આજુબાજુ નકારાત્મક લોકો કે દુ:ખભર્યા સંજોગો કે દુર્ઘટનાઓને ઈચ્છતા હોતાં નથી. તો પછી તેમની આ બધી ઈચ્છાઓ પૂર્ણ કઈ રીતે થાય? એવું કેમ થાય છે કે જે તમારે નથી જોઈતું હોતું તે સહેલાઇથી આવી પડે છે અને જે તમારે ખરેખર જોઈતું હોય તેનાં માટે તમારે અત્યંત આકરી મહેનત કરવી પડતી હોય છે. આ તો એકદમ અન્યાયી બાબત છે; શું ખરેખર તેવું છે ખરું?

ચાલો હું તમને ભાગવત પુરાણ કે જે એક હિંદુ ગ્રંથ છે જેમાં કૃષ્ણ ભગવાનની લીલા અને તેમનાં અનેક અવતારોની કથા છે તેમાંથી એક સુંદર વાર્તા કહું. આ વાર્તા મહાભારતમાં પણ આવેલી છે.

શિશુપાલ ચેદી નામનાં રાજ્યનો રાજા હતો. તે કૃષ્ણ ભગવાનનો પિતરાઈ ભાઈ તેમજ એક દુષ્ટ શત્રુ પણ હતો. કૃષ્ણે શિશુપાલની માતાને વચન આપ્યું હતું કે પોતે શિશુપાલની સો ભૂલોને માફ કરશે પરંતુ ત્યારબાદ તે તેને માફ નહિ કરી શકે કારણકે શિશુપાલનો વધ તેમનાં હાથે નિમિત થવાનો હતો. તે વખતનાં કેટલાક દુષ્ટ આત્માઓની જેમ શિશુપાલ પણ કૃષ્ણને સખત નફરત કરતો હતો, તે હંમેશાં કૃષ્ણની નિંદા અને ધ્રુણા કરવામાં જ રચ્યો પચ્યો રહેતો. રાત-દિવસ બસ કૃષ્ણને મારી નાંખવાની યોજનાઓ બનાવ્યા કરતો. તે કૃષ્ણનો નાશ થાય તેમ ખુબ ઉત્કટતાથી ઈચ્છતો હતો.

એક વખત યુધિષ્ઠિરે એક પવિત્ર યજ્ઞનું આયોજન કર્યું કે જેમાં કૃષ્ણ અને તેમનો પિતરાઈ ભાઈ રાજા શિશુપાલ આમને સામને આવી ગયા. શિશુપાલે કૃષ્ણને ગાળો આપવાનું ચાલુ કરી દીધું, જયારે કૃષ્ણે પોતાનું સ્મિત જાળવીને તેને ચેતવણી આપી કે જો તેને પોતાની જિંદગી વ્હાલી હોય તો બસ ત્યાંથી જ અટકી જાય. પરંતુ શિશુપાલે ચેતવણી પ્રત્યે ધ્યાન ન આપ્યું અને કૃષ્ણને ગાળો આપવાનું ચાલુ રાખ્યું. જેવો શિશુપાલ ૧૦૦ ગાળોની હદ વટાવી ગયો કે કૃષ્ણે પોતાનો જમણો હાથ હવામાં ઉઠવ્યો અને પોતાની પ્રથમ આંગળી ઉંચી કરી કે તરત જ દંતકથામાં વર્ણવેલું સુદર્શન ચક્ર વીજળીના ચમકારાની જેમ પ્રગટ થયું. જેવું તેમને તે સુદર્શન ચક્ર છોડ્યું કે શિશુપાલને ખબર પણ પડે તે પહેલાં તેનું શીશ તેનાં ધડથી અલગ થઇ ગયું. તેનું નિષ્પ્રાણ શરીર તેનાં ઘમંડી મસ્તકની બાજુમાં પડ્યું, જેમાંથી લોહીનો સ્ત્રાવ વહેતો હતો. સભામાં એક સન્નાટો તેમજ એક ડર છવાઈ ગયો.

ત્યાં હાજર સૌનાં આશ્ચર્ય વચ્ચે, જે બીજી ઘટના ઘટી તેનાંથી સૌ વિસ્મય પામી ગયા. ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિએ જોયું કે શિશુપાલનો આત્મા કૃષ્ણની અંદર વિલીન થઇ ગયો. તેઓ સર્વે દિગ્મૂઢ થઇ ગયા. આવું કેવી રીતે બની શકે? શિશુપાલ તો કૃષ્ણને પ્રેમ પણ નહોતો કરતો, તે તો કૃષ્ણને ભગવાનનો અવતાર પણ માનવા તૈયાર નહોતો, તો પછી આમ કેમ? અરે તે તો કૃષ્ણનો હંમેશાં તિરસ્કાર જ કરતો આવ્યો હતો. યુધિષ્ઠિર કે જે હજી પણ આઘાતની લાગણીમાં ડૂબેલા હતા તેમને નારદજીને પૂછ્યું, “હે મહારાજ, શિશુપાલ તો કૃષ્ણની કાયમ ઈર્ષ્યા કરતો હતો. તે કૃષ્ણને નફરત કરતો હતો તેમ છતાં તેનો આત્મા કેમ કૃષ્ણની અંદર વિલીન થયો? અરે આ તો કોઈ યોગીએ કે જેને પોતાનું આખું જીવન એક પૂજ્ય ભાવ સાથે, ભક્તિ અને ધ્યાન પૂર્વક કૃષ્ણની ભક્તિ કરી હોય તેને પણ આવું નસીબ ભાગ્યે જ મળતું હોય છે. તો પછી શિશુપાલને આવું સદ્દનસીબ ક્યાંથી લાધ્યું?”

નારદજી હસ્યા અને બોલ્યા, “ઓ ઉત્તમ રાજા! શિશુપાલ કૃષ્ણમાં ભળી ગયો કારણકે તેને તેની આખી જિંદગી દરમ્યાન હર ક્ષણે તેમનું ધ્યાન ધર્યું હતું. તમે કોઈનું ધ્યાન પ્રેમથી કે નફરતથી ધરો છો તેનું મહત્વ નથી. તમારું પોતાનું મન નકારાત્મક કે હકારાત્મક, સાચા કે ખોટા વિચાર વચ્ચે કોઈ ભેદ નથી કરતું, તે તો એક સિક્કાની બે બાજુ જેવા છે, તે તો ફક્ત તમે શું પકડીને બેઠા છો તે જ માત્ર બતાવે છે. શિશુપાલની સમગ્ર ચેતના બધા સમય માટે ફક્ત કૃષ્ણનો જ વિચાર કરતી હતી અને તે જ એક માત્ર કારણ છે કે તે ચેતના અંત સમયે કૃષ્ણમાં જ વિલીન થઇ ગયી.”

તો આ છે તમારો આકર્ષણનો નિયમ! આ જ કારણને લીધે નકારાત્મક લોકો પોતાને જીવનમાં જે ડર હોય છે તે સાચા પડવાના અનેક ઉદાહરણો પુરા પાડી શકે છે. આ જ કારણને લીધે કોઈ પાગલ પણ અતિ સફળ બની જતો હોય છે. તમારા ઈરાદા કેટલા ઉમદા છે તે ખ્યાલ તમારું મન નથી સમજતું. તમે ક્યાં વિચારનું ધ્યાન ધરો છો તે જ મહત્વનું છે, જે વિચારનું જેટલું મોટું ધ્યાન ધરેલું હોય, તેટલો જ વધુ મજબુત તે વિચાર થઇ જાય છે. પ્રદર્શનની સાપેક્ષે જો વિચાર કરીએ તો, અહી નૈતિક શુદ્ધતા એ સૌથી મહત્વની બાબત નથી, પરંતુ વિચારની તીવ્રતા અને સાતત્યતા આ બે બહુ મહત્વની બાબતો છે. તમે જે કોઈ બાબત કે વિચાર ઉપર મક્કમતાથી એકાગ્ર થઇ જાઓ, કોઈ પણ પ્રકારનાં સંશય વગર, તો તે બાબત કે વિચાર તમારા જીવનમાં ખરેખર આકાર લેવા માંડશે કે પ્રદર્શિત થવા લાગશે. અલબત્ત તમારા કર્મો તે પ્રદર્શનને મદદરૂપ થશે.

જયારે તમે હકારાત્મક લક્ષ્ય તરફ કામ કરી રહ્યા હોવ ત્યારે તમને ઘણાં સંશયો થશે. નકારાત્મક સંશયો તો તમારા અર્ધજાગૃત મનમાં હંમેશાં પડેલાં જ હોય છે. તમારો વાંક જો કે નથી. આ તો ઉત્ક્રાંતિનું પરિણામ છે. માનવ જાતિએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કઠોર પ્રયત્ન કરેલો છે. તે હંમેશાં પોતાનો વિનાશ થઇ જશે એવા ભયનાં ઓથાર હેઠળ જ જીવતી આવી છે. માનવ જાતની કુલ વસ્તી સમગ્ર પ્રાણી જાતની વસ્તી સામે નજીવી કહી શકાય તેટલી છે. વારુ, તો મન એ નકારાત્મકતાને ચીટકી રહેવાની વૃત્તિ ધરાવે છે, તમે નકારાત્મકતા માટે હંમેશાં દ્રઢતા દર્શાવતાં હોવ છો.

પ્રેમ હોય કે નફરત, એ છે તો ફક્ત લાગણીઓ જ. પરંતુ જયારે તમે તટસ્થ થઇ જાવ છો, ત્યારે તમે – પોતાની ઈચ્છા પ્રમાણે હોય કે એથી વિપરીત – તેને નથી આકર્ષતા. યહુદીઓનાં વિનાશમાંથી બચેલ અને નોબલ વિજેતા એવા ઇલી વાઇઝેલનું એક ખુબ જ અર્થસભર અને જીવનદર્શન કરાવતું વાક્ય છે, તે કહે છે:

The opposite of love is not hate, it’s indifference.
The opposite of art is not ugliness, it’s indifference.
The opposite of faith is not heresy, it’s indifference.
And the opposite of life is not death, it’s indifference between life and death.

તમે જેના વિશે દ્રઢતાપૂર્વક જેવું અનુભવતા હશો, તમે તેને જ આકર્ષવાના છો. જેનાં માટે પણ તમને જેવી લાગણી હશે, તમે તેને આકર્ષશો. તમે જેને પણ દ્રઢતાપૂર્વક નફરત કરતાં હશો, તમને તે જ આવી મળશે. તમે જેને દ્રઢતાપૂર્વક પ્રેમ કરતાં હશો, તો તમને તેમાં તે જ દેખાશે. તમે જે લોકોને નફરત કરતાં હશો કે જે તમને તમારા જીવનકાળમાં નહિ જોઈતા હોય, તો તે જ લોકો તમને જીવનનાં દરેક વળાંકે ભટકાશે. તમે જેનાથી નફરત કરતાં હશો કે ડરતા હશો તે તમને જીવનમાં મળે તેની શક્યતા, તમે જેને પ્રેમ કરતાં હશો કે જે તમારે જોઈતું હશે તે મળે તેનાં કરતા વધારે રહેવાની. નકારાત્મકતાની સાથે ડર હમેશા વગર આમંત્રણે આવી ચડતો હોય છે. અને એક નકારાત્મક વિચારની તાકાત ડરનાં ઉમેરાથી બેવડાઈ જતી હોય છે. અને આત્મ-સંશયથી એ તાકાત ત્રણ ગણી વધી જતી હોય છે, અને તેની સાથેનાં લગાવથી એ ચાર ગણી વધી જતી હોય છે.

અને હકારાત્મક વિચારની તાકાત બેવડાવવા માટે કયા ઘટકની જરૂર પડતી હોય છે? શ્રદ્ધાની. અને ત્રણ ગણી વધારવા માટે? સાતત્યતાની. અને ચાર ગણી કરવા માટે? હેતુની શુદ્ધતાની, જાવ શોધી કાઢો!

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email