એક વખત એક હોશિયાર અને ઉભરતાં લેખીકાએ મને લખીને કઈક પૂછ્યું. તેને બહુ રસપ્રદ સવાલ કર્યો: સ્ત્રીઓ તૈયાર કેમ થાય છે? તેમને એ જાણવું હતું કે આ વિષે કોઈ સાહિત્યિક મત છે કે કેમ? મેં એ સવાલનો જવાબ તેમને આપ્યો અને થયું કે તમારી બધાની સાથે પણ મારા એનાં વિષેના વિચારો વહેચું. અને તેનાં માટેની આજની આ પોસ્ટ છે. મારા કેટલાંક વાક્યો કદાચ પારંપરિક કે અતિ પ્રચલિત લાગી શકે, તેમ છતાં, પણ ધ્યાન રહે કે હું કોઈ એક જાતિને બીજી જાતિ કરતાં વધું સારી માનું છું એવું નથી. હું ચોક્કસપણે માનું છું કે સ્ત્રી અને પુરુષનાં શારીરિક અને લાગણીકીય બંધારણ જુદા જુદા હોય છે; જો કે આવા તફાવતો કોઈ એકને બીજા કરતાં વધુ સારા સાબિત નથી કરતાં. મૂળ વિષયવસ્તુ પર પાછાં ફરીએ તો, સ્ત્રીઓ શા માટે તૈયાર થાય છે તેનાં માટેનાં બે દ્રષ્ટિકોણ છે.

ઉત્ક્રાંતિમુલક દ્રષ્ટિકોણ

જો ઉત્ક્રાંતિવાદનો વિચાર કરીએ તો પુરુષ જાતિને હંમેશા સ્પર્ધા કરવી પડતી માટે તેમની સરંચના એવી રીતે થઇ છે કે તે હંમેશા તાકાત અને શક્તિ પ્રદર્શન કરે. જયારે સ્ત્રી પ્રજાતિને હંમેશાં પસંદગી કરવાનું રહેતું. માટે તેઓ એ રીતે વિકસિત થયા કે જેમાં પોતાની આકર્ષકતાને શ્રેષ્ઠ બતાવવા માટે તેમને જે કામ કરવું પડતું કે જે વિશેષતાઓને દર્શાવવી પડતી તે એટલી હદે રહેતી કે ત્યાં તેમને વધુ ને વધુ પ્રતીયોગીઓ સાથે સ્પર્ધા કરવી પડતી. સમય જતા, આ વલણ તેમનાં મગજમાં, સમાજમાં, અને બે પ્રજાતિનાં મગજમાં ખુબ ઊંડે ઉતરી ગયું. માટે સ્ત્રીઓ પોતાનાં માટે તેમજ બીજા પુરુષો તેમજ સ્ત્રીઓ માટે તૈયાર થાય છે. તે સૌથી સરસ દેખાવા માંગે છે. તે કદાચ જાગૃતપણે સારા દેખાવના વિશે ન પણ વિચારતી હોય, કે સારા દેખાવાની વાત કદાચ મુખ્ય પ્રેરણા ન પણ હોય. આ ભાવ એક ઉત્ક્રાંતિ છે, એક phylogenetic signature જેવું. મને ક્યાંક વાંચેલું વાક્ય યાદ આવે છે: “એક સામાન્ય સ્ત્રી બુદ્ધિ કરતાં સુંદરતાને વધુ પસંદ કરશે કારણ કે એક સામાન્ય પુરુષ સારું વિચારવાને બદલે સારું જોવાનું વધુ પસંદ કરે છે.” અનુચિત વાત છે, છતાં સામાન્ય અને અસામાન્ય બન્ને લોકો માટે વિચારવા યોગ્ય છે. રમુજ એક તરફ, માનવ જાતિમાં પશુ વૃત્તિ હોય શકે છે, પરંતુ આપણી પાસે બુદ્ધિ પણ છે જે બીજી કોઈ જાતિમાં નથી, અને તે મારા બીજા દ્રષ્ટિકોણ તરફ લઇ જાય છે.

સર્જનાત્મક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ

સ્ત્રીનું સર્જન એક કલા છે. તે એક સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ છે. પ્રજનનમાં પણ તે વિકાસ અને અવલંબનનું જ પ્રતિનિધિત્વ કરે છે. પુરુષ માટે તો તે એક બીજ આપીને ભૂલી જવા જેવું છે પરંતુ એ એક સ્ત્રી છે જેની રચના એવી રીતની છે કે તે જે કઈ મેળવે તેની માવજત પણ કરે છે. તે એ બીજને મોટું પણ કરે છે તેમજ તેનું પોષણ પણ કરે છે. સ્ત્રી મૂળ સ્વભાવથી જ કાળજી કરનાર, પ્રેમાળ, અને લાગણીશીલ છે. તે લાગણી અને પ્રેમનું પ્રતિક છે. અને માટે જ જયારે તેનાં શરીરની વાત આવે ત્યારે પણ તેમાં કશો તફાવત નથી. તેને પોતાનાં શરીરની સંભાળ કરવાનું, તેને રંગવાનું, મેક-અપ કરવાનું, ચોક્ખું રાખવાનું ગમતું હોય છે. ચોક્કસ તેને પોતાની કદર કરવાનું તેમજ પોતાનાં વિશે સારી વાત સાંભળવાનું ગમતું હોય છે. પણ એક સ્ત્રી ફક્ત ધ્યાન ખેંચવા માટે થઈને જ ખાલી તૈયાર નથી થતી હોતી. તે તૈયાર થાય છે કારણ કે તેને તેમ કરવાનું ગમતું હોય છે. તે પોતાનાં તેમજ બીજાને માટે પ્રસંગને અનુરૂપ કે અનુચિત કપડા પહેરી શકે છે. આ એક જન્મજાત ગુણ અને ખાસિયત ને લીધે જ બાળપણમાં તે ઢીંગલી સાથે કલાકો સુધી રમ્યા કરતી હોય છે. જેમાં તે ઢીંગલીને કપડા પહેરાવતી હોય છે કે બીજા ઘરેણાં પહેરાવતી હોય છે. તે સમયે તે કોઈ ધ્યાન ખેંચવા માટે તેવું નથી કરતી હોતી, તે એવું એટલાં માટે કરતી હોય છે કે સ્ત્રી તેવી રીતની જ બનેલી હોય છે, તેને પોતાની રીતે જ કાળજી કરવી ગમતી હોય છે.

સ્ત્રી એટલે કલા અને પુરુષ એટલે તર્ક અને વિજ્ઞાન. અને આ જ કારણ હોય છે એક નાની છોકરી પણ, ઘરની બહાર પગ મુક્યા વિના જ અરીસા સામે કલાકો ના કલાકો કાઢી શકે છે. પુરુષ પોતાની પાસે જે હોય તેનો પુરેપુરો ઉપયોગ કર્યા પછી જ આગળ વધવાનું પસંદ કરે છે, જયારે એક સ્ત્રી સાચવી રાખવાનું પસંદ કરે છે. કુદરતની અંદર દરેક વસ્તુ એક કલા-કાર્ય છે, એક નારીપણું સર્વત્ર છવાયેલું છે. પર્વતો, લીલોતરી, સાગર, નદીઓ, તળાવો બધું જ એક કલા-કાર્ય છે. કલ્પના કરો કે આ બધી કુદરતી ભેટો વગરનું વિશ્વ કેવું લાગેત? પુરુષની કલા કોન્ક્રીટની બિલ્ડીંગોમાં, મશીનોમાં, વૈજ્ઞાનિક શોધોમાં દેખાય છે. હું તેને સારું કે ખરાબ, સાચું કે ખોટું એવાં કોઈ વિભાગોમાં વર્ગીકૃત નથી કરતો, ફક્ત મારા વિચારો રજુ કરું છું.

પુરુષની મુખ્ય લાક્ષણિકતા છે કાર્ય ઉપર ધ્યાન આપવું, અને સ્ત્રીનો મુખ્ય સ્વભાવ છે આકાર ઉપર ધ્યાન આપવું. કદાચ આ બન્ને ગુણો આ પૃથ્વીને જીવંત રાખવા માટે જરૂરી છે. ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી માતા કે ધરતી માતા શા માટે કહેવાય છે! પ્રકૃતિનું ઉગ્ર સ્વરૂપ તોફાનો, ભરતીઓ, વાવાઝોડાઓ, જ્વાળામુખીઓ દ્વારા પ્રકટ થાય છે ત્યારે તેને પ્રકૃતિનો પ્રકોપ કહેવાય છે. તે કદાચ સંતુલિતતા માટે હશે. પ્રચંડ ક્રોધ અને પ્રેમ બન્ને આંધળા છે; જેમ કે ધ્રુણા અને લાગણી.

રમુજમાં કહેવાનું હશે તો, ફરી ક્યારેક સ્ત્રીને તૈયાર થતાં બહુ જ વાર લાગે તો, શાંતિ રાખશો, આ તો જન્મજાત હોય છે. અને ફરી ક્યારેક પુરુષ તમને જન્મદિવસની ભેટમાં ઇલેક્ટ્રિક બ્લેન્કેટ આપે તો, શાંતિ રાખશો; તે તમને આરામ અને ઉષ્મા મળે તેનાં માટે વિચારે છે. જેમ કે હું હંમેશાં કહું છું કે તમારી જે સમજણ છે તેનાં માટે તમે ગુસ્સે ન થઇ શકો. સમજણ તો દયા તરફ દોરી જાય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email