પૂર્વીય આધ્યાત્મિક અને ધાર્મિક ગ્રંથોમાં ગુરુ-શિષ્ય અને સમર્પણ-આજ્ઞાપાલનનાં વિચારોની ભરપુર વાત છે. ઘણાં લોકો જે આશ્રમની મુલાકાતે આવે છે કે અન્ય લોકો જે મને લખતાં હોય છે તેમનામાં એક જીજ્ઞાસા રહેલી હોય છે કે તેમનાં માર્ગમાં ગુરુની શું ભૂમિકા હોઈ શકે, તેઓ મને લખતાં હોય છે કે શું સમર્પણ કરવું જરૂરી છે. વધુમાં, ઘણાં લોકો એ કબુલતાં હોય છે કોઈ પણ ગુરુને સંપૂર્ણ સમર્પણ કરવામાં તેમને તકલીફ પડતી હોય છે. મારી અગાઉની સમર્પણ ઉપરની પોસ્ટનાં અનુસંધાનમાં આજે હું તેનાં વિષે વધારે વાત કરીશ.

એવાં હજારો ગ્રંથો છે કે જેમાં સાચા ગુરુને મેળવવાનાં મહત્વ ઉપર ભાર મુકતા હોય. શું તે ખરેખર એટલું મહત્વનું છે ખરું? વારુ, તેનો જવાબ તમે શું જીવનમાં શું શોધી રહ્યા છો તેનાં ઉપર આધાર રાખે છે. જો તમને એક શિક્ષકની જરૂર હોય કે જે પુસ્તકો અને ગ્રંથોને આધારે તમને સાચી દિશાનું ભાન કરાવે તો એવાં લોકોની તો કોઈ કમી નથી. પરંતુ જો તમારે કોઈ એવી વ્યક્તિની જરૂરિયાત હોય કે જે તમને એનાં પોતાનાં સીધા અનુભવથી પ્રદર્શિત કરી શકે, કોઈ એવી વ્યક્તિ કે જેની હાજરીમાં તમે પોતે સલામતી, નિશ્ચિંતતા, પ્રેમ, અને શાંતિ અનુભવી શકો, તો તેનાં માટે તમારી પાસે બહુ જ ઓછી પસંદગી રહેલી છે.

ગુરુ-શિષ્યનો સંબંધ અત્યંત પ્રાચીન છે. કમનસીબે જો કે વર્તમાન સમયમાં હું સંશોધન કરતાં શોષણ થતું વધારે જોઉં છું. હાલનાં મોટાભાગનાં ગુરુઓ દુન્વયી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, તેઓ ચીજ વસ્તુઓને વેચે છે, એવી પ્રાઇવેટ હોસ્પિટલોમાં નાણા રોકે છે કે જે નફાનાં ધોરણે ચાલતી હોય છે, તેઓ જ્યાં ને ત્યાં આશ્રમો બાંધતા હોય છે, તેઓ પૈસા ઉઘરાવતાં હોય છે, નફો રળતાં હોય છે, આવા ગુરુઓની નજીક જવાની તકનો આધાર તમે કેટલાં પૈસા ચડાવી શકો છો તેનાં ઉપર છે. આવી લૂટ અને બગાડ જોતાં મારા હૃદયને ખુબ જ દુ:ખ થાય છે. શું આવી બાબતોમાં કશું ખોટું છે? તમે જાતે નક્કી કરો.

જો તમે એવી કોઈ વ્યક્તિને મળો કે જે પોતે ગોડમેન હોવાનો દાવો કરતી હોય, જે તમને ચકાસ્યા વગર જ પવિત્ર દીક્ષા આપતું હોય, જેને ફક્ત તમે તેને શું આપી શકશો તેમાં જ માત્ર રસ હોય, કે જે તમને નક્કામાં, મહત્વ વગરનાં અનુભવડાવે, કે જે તમારા ડર ઉપર પોતાનો ધંધો ચલાવી રહ્યો હોય તો તેનાં માટે હું કહીશ કે: એ વ્યક્તિનો ત્યાગ કરો. તે ઘેટાંનું અંચળો ઓઢીને ફરતાં રહેલાં વરુ જેવો છે, એક સંતનાં વેશમાં ફરતો પાપી છે. સવાલો પૂછતાં ક્યારેય ખચકાશો નહિ. જો કોઈ ગુરુ તમને લાફો મારી શકતાં હોય તો શું એ તમને શાસ્વત શાંતિનાં પાઠ ભણાવી શકે ખરા? જો તેને પોતે જ ભૌતિક વસ્તુઓનો વળગાડ હોય તો શું એ તમને વૈરાગ્ય શીખવી શકે ખરો? જો તેની પોતાની અંદર જ નકારાત્મક લાગણીઓ જેવી કે ક્રોધ, ઈર્ષ્યા, ધ્રુણા વિગેરે લાગણીઓ જેમ એક જિજ્ઞાસુમાં ઉઠતી હોય છે તેમ ઉઠતી હોય તો એ તમને કઈ રીતે આ બધી લાગણીઓથી ઉપર ઉઠાવી શકે?

તમે કોઈને સમર્પણ કરતાં પહેલાં કે કોઈને તમારા આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારતાં પહેલાં તમારો સમય લો, તમે તેની પૂરી સમાલોચના કરો. બુદ્ધનાં ગુરુ કોણ હતાં? મહાવીરનાં કોણ હતાં? નિશંક: બુદ્ધે ધ્યાન, તંત્ર, યોગ, અને કઠોરતાનો અભ્યાસ તેમજ તેનો અમલ અનેક ગુરુઓનાં માર્ગદર્શન હેઠળ, મુખ્યત્વે અલાર કલામનાં માર્ગદર્શન હેઠળ, કર્યો હતો. તેમ છતાં તેમને આત્મસાક્ષાત્કાર તો પોતાનો માર્ગ અત્યંત નિષ્ઠાપૂર્વક જાતે ખેડવાથી જ થયો હતો.

તમારે કોઈ ગુરુને શોધવાં જવાની જરૂર નથી. ફક્ત તમારા પોતાનાં શાંતિ અને પ્રેમનાં પથ પર તેમજ દયા અને સંતોષનાં અભ્યાસ પ્રત્યે પ્રામાણિક રહો; જયારે તમે આમ કરતાં હશો ત્યારે સાચા ગુરુ તેની મેળે જ આપોઆપ તમારી સમક્ષ આવી જશે. એક દિવ્ય સંરક્ષણ (વિધાતા) તમારા માટે સ્વયં તેની વ્યવસ્થા કરી આપશે. તે માટે મારાં વચન પર વિશ્વાસ રાખજો. તો શું સમર્પણ કરવું જરૂરી છે? અને જો તમે સમર્પણ ન કરી શકતાં હોવ તો શું? વાંચો આગળ.

સત્ય તો એ છે કે સમર્પણ એ તમારા હાથની વાત જ નથી. એક થીજી ગયેલાં માખણની હાલત અગ્નિ પાસે શું થતી હોય છે? જો અગ્નિ સાચો હશે તો, માખણ આપોઆપ પીગળી જવાનું. એક સાચા ગુરુ કે જેમનાં હૃદયમાં સત્ય રૂપી અગ્નિ રહેલો છે, જેમાં દયાની ઉષ્મા અને પોતાનાં તપની ગરમી અને એમનું સીધું પરમ જ્ઞાન તમને ક્ષણભરમાં પીગાળી નાખતું હોય છે. એ તમને કોઈ પસંદગી આપશે જ નહિ. સમર્પણની તો વાત જ જવા દો, તમે તે ગુરુ માટે ગમે તે કરવા માટે તૈયાર થઇ જશો. તે તમને એક સાચા કારણ માટે મરી જવા માટે પણ પ્રેરિત કરી શકે, તેમની હાજરી માત્રથી એ તમને ખાલી કરી દઈ શકે છે કે જેથી કરીને તમને ફરી પાછાં ભરી શકાય, તે તમને એટલાં નરમ બનાવી દઈ શકે છે કે તમને ફરી પાછો આકાર આપી શકાય, તે તમને પુરેપુરા બદલી શકે છે. તેની એક કૃપા નજર પડે કે તરત તમારી અંદર ધરબાયેલી દરેક નકારાત્મકતા, દ:ખ, અને દર્દ સપાટી ઉપર આવી જાય.

શા માટે ગ્રંથો હંમેશા ગુરુનાં ગુણગાન ગાય છે? શા માટે ગુરુવંદનાની અપેક્ષા તમારી પાસે રાખવામાં આવે છે? કલ્પના કરો કે બે પાણીનાં પ્યાલા છે, એક પાણીથી છલોછલ ભરેલો છે અને બીજો એકદમ ખાલી. જો તમારે એક પ્યાલાંમાંથી પાણી બીજા ખાલી પ્યાલાંમાં ભરવાનું હોય તો ખાલી પ્યાલાં એ એક પગલું નીચે આવવું પડશે અને ભરેલા પ્યાલાંએ થોડું ઉપર રહેવું પડશે જેથી કરીને તેમાં જે ભરેલું છે તે બીજામાં આવી શકે. જયારે હું હિમાલયમાં હતો ત્યારે કોઈક વખત ગ્રામજનો માથા ઉપર ખુબ જ ભારે વજનનાં લાકડાનાં ભારા ઉચકીને જતાં મળતાં. તેઓ હંમેશાં ઉચિત રીતે અભિવાદન કરવામાં માનતાં હોય છે, અને તે માથા પરના ભારને કારણે પોતાનું માથું નમાવી શકે તેવી પરિસ્થિતિમાં ન પણ હોય. તેવી જ રીતે કેટલાંક લોકો પોતાનાં મગજમાં અંત્યત ભાર લઈને જ ફરતા હોય છે, ઘણાં બધા લેબલનો ભાર, અહંનો ભાર, પોતાની સિદ્ધિઓનો ભાર, પુસ્તકિયા જ્ઞાનનો ભાર, હોદ્દાઓનો ભાર. આ બધા વજનનાં ભારને લીધે તેમનું નીચે નમવાનું થોડું અઘરું થઇ પડે છે, તે તેમને સમર્પણ કરતાં રોકે છે. એક સાચા ગુરુ તમારા અહંકારને ઉપદેશ આપ્યા વિના જ સમાપ્ત કરી નાંખે છે. તો અહી તમારે સમર્પણ કરવું જોઈએ કે નહિ એ એક અર્થહીન સવાલ છે. સવાલ તો છે: તમે તમારી જાતને બદલવા માટે તૈયાર છો? જો તમે તમારી જાત સાથે ખુશ હોવ, તો પછી આ ગુરુ-શિષ્યનાં ઝમેલામાં પડવાની ચિંતા શું કામ કરવી! જો તમને લાગતું હોય કે તમારે તમારી જાત ઉપર કામ કરવું છે અને ખબર ન પડતી હોય કે કેવી રીતે તેમ કરી શકાય, વારુ, તો પછી તે તમે જેની પાસેથી શીખવા માંગતા હોય તેનાં માટે તમારે ગમે તે કરી છૂટવાની તૈયારી દાખવવી પડે.

એક ઊંડા ઘાવની કલ્પના કરો. જો કોઈએ તેનું ડ્રેસિંગ કરવાનું હશે, તો તે થોડું તો દુ:ખશે જ. એ જેમ જેમ રૂઝાતું જશે તેમ તેમ થોડી ખંજવાળ પણ આપશે, ત્યારબાદ તે સંપૂર્ણ મટી જાય તે પહેલાં ત્યાં થોડા સમય સુધી નિશાન પણ થઇ જશે. અને તે ડ્રેસિંગ કરવા વાળી વ્યક્તિ કોઈ મેડીકલ પ્રોફેશનલ હોવી જોઈએ. તેવી જ રીતે જયારે તમે કોઈ સાચા ગુરુને તમારા અહંકાર ઉપર, તમારી ખામીઓ ઉપર, કામ કરવાનું સોપો ત્યારે તે થોડું દર્દ પણ આપી શકે છે, પરંતુ અંતે તો એક સારી રૂઝ આપશે જ.

થોડી વાર પહેલાં, મેં સાધનાનાં ચાર સ્થંભ – એક આધ્યાત્મિક અભ્યાસ ઉપર લખેલું. તેમાં થોડું ગુરુની ભૂમિકા ઉપર પણ સ્પર્શ કરેલો.

આત્મસમર્પણમાં માણસે પોતાનો અહંકાર બાજુમાં મુકવો પડે છે, અને તેનાં માટે શક્તિની જરૂર પડે છે. કૃત્રિમ રીતે આત્મસમર્પણ કરવાની કોશિશ ન કરો, તેને અંદરથી જ આવવા દો. તમને જો એમ લાગે કે તમારે સમર્પણ કરવું જોઈએ પણ તે કરી ન શકતા હોવ તો તેમાં કશો વાંધો નથી, એ બિલકુલ બરાબર છે. તમારી જાતને સમય આપો. જો તમારી સમક્ષ ઉપસ્થિત વ્યક્તિ તમારા સમર્પણને લાયક હશે તો તમારી જાત એની મેળે જ સમર્પણ કરી દેશે. જ્યાં સુધી તમે કોઈ અપમાનજનક વર્તન નથી કરી રહ્યા ત્યાં સુધી તમે બરાબર છો. મુક્ત બનો અને નિર્ભય બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email