મને ઘણી વાર નૈતિકતા વિષે સવાલો પૂછવામાં આવે છે. લોકોને એવું જાણવું હોય છે કે સાચું શું કે ખોટું શું, કે શું સારું કે શું ખરાબ. તેમને એવું જાણવું હોય છે કે શું આવું કરવું એ નૈતિક છે અને બીજું કરવું તે અનૈતિક છે? શું સારું કે ખરાબ છે? હું તમને પૂછું છું – આપણે નૈતિકતાને અનૈતિકતાથી અલગ કેવી રીતે પાડીએ છીએ? જે લોકો મને આવાં સવાલો પૂછતાં હોય છે તેમને પોતાનાં નૈતિકતા વિષેના કેટલાંક ચોક્કસ ખ્યાલો હોય છે. અને તેવાં ખ્યાલો હોવા એ કઈ ખોટી વાત પણ નથી, એનો મતલબ એવો પણ થાય કે તેઓનાં મનમાં નૈતિકતા વિષેની એક સ્પષ્ટતા પણ છે. બધા નહિ તો પણ મોટાભાગનાં કિસ્સાઓમાં તો આવાં ખ્યાલો, તેમનાં પોતાનાં હોતાં નથી. આ વિચારધારાઓ તેમનાં સુધી પસાર કરવામાં આવી હોય છે. દરેક પેઢી એવું માનવા માટે ટેવાયેલી હોય છે તેની આગલી પેઢી બધું સમજેલી હોય છે.

જો તમે એક ક્ષણ ચિંતન કરશો તો તમને જણાશે કે તમારી નૈતિકતા એ ફક્ત અનુબંધિત જ નહિ પરંતુ તે અનુબંધન પણ એક પ્રકારનું શરતી હોય છે. તમારા જીવનમાં તમારા પોતાનાં સિદ્ધાંતો હોઈ શકે છે પણ તેનો અર્થ એવો નથી કે તમારા નૈતિક નિર્ણયો એ સ્વતંત્ર, તાર્કિક અને મુલત: શુદ્ધ સ્વરૂપનાં હોય છે. તમે ક્યાં રહો છો અને કયો ધર્મ પાળો છો તેનાં આધારે કેટલીક વસ્તુઓ તમારા ધારા ધોરણ મુજબ નૈતિક હોય, તે કદાચ બીજા ધારા ધોરણ મુજબ નૈતિક ન પણ હોય. ચાલો હું તમને એક નૈતિક વિચાર-પ્રયોગની વાત કહું કે જે ઈ.સ. ૧૬૬૭ માં ફિલીપા ફૂટે એ કરી હતી.

કલ્પના કરો કે બે રેલના પાટા છે. પાંચ વ્યક્તિઓને એક પાટા પર બાંધેલા છે અને ફક્ત એક વ્યક્તિને બીજા પાટા પર બાંધેલો છે. હવે તેમને છોડવા માટેનો બિલકુલ સમય નથી. એક ટ્રેઈન સામેથી ખુબ જ ઝડપે આવી રહી છે. જો આ દ્રશ્ય જેમ છે તેમ જ ચાલવા દેવામાં આવે તો ટ્રેઈન પાંચ વ્યક્તિઓ પર ફરી વળશે. તમે લીવરની નજીક જ ઉભા છો. જો તમે લીવરને ખેંચો તો ટ્રેઈન બીજા પાટા પર વળી જશે કે જેના ઉપર એક વ્યક્તિ બાંધેલી છે. એમ કરવાથી તમે પાંચ વ્યક્તિઓનો જીવ બચાવી શકો તેમ છો. તેમ છતાં, તમારું આ કર્મ કોઈ એક વ્યક્તિનાં મોતનું કારણ બની શકે છે.

તમે શું કરશો? તમે પાંચ વ્યક્તિઓને મરવા દેશો કે પાંચને બચાવવા માટે થઇને એક વ્યક્તિને મારી નાંખશો? એ એક વ્યક્તિ તમારો નજીકનો સંબધી હોય તો તમે શું કરશો? વધુમાં નીચેના બે કલ્પનાઓ તપાશો:

પ્રથમ કલ્પના:

કલ્પના કરો કે એક ટ્રોલી એક પાટા ઉપર ધસમસતી આવી રહી છે જેનાં ઉપર પાંચ લોકો બાંધેલા છે. તમે પુલ ઉપર છો જેનાં નીચેથી તે ટ્રોલી પસાર થશે, અને તમે તેને રોકી શકો એમ છો જો કોઈ ભારે વજનદાર વસ્તુનો અવરોધ તેનાં માર્ગમાં ઉભો કરવામાં આવે. અને એવું બને છે કે ત્યાં એક ખુબ જ જાડો માણસ તમારી બાજુમાં ઉભો છે. તમારી પાસે ટ્રોલીની રોકવાનો એક માત્ર રસ્તો એ છે કે તમે તે જાડિયા માણસને પુલ પરથી ધક્કો મારીને નીચેનાં પાટા પર ફેંકી, તેને મરવા દઈ તે પાંચ માણસોનો જીવ બચાવી શકો છો. શું તમારે તેમ કરવું જોઈએ?

દ્વિતીય કલ્પના:

એક હોંશિયાર ટ્રાન્સપ્લાન્ટ સર્જન પાસે પાંચ દર્દીઓ છે, દરેકને જુદા-જુદા અવયવની જરૂર છે, અને તે પાંચેયને જો સમયસર તે અવયવ નહિ મળે તો તેઓ મૃત્યુ પામશે. કમનશીબે, એક પણ અવયવ ઉપલબ્ધ નથી અને આ પાંચમાંથી એક પણ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે તેમ નથી. એક તંદુરસ્ત મુસાફર, જે એ શહેરમાંથી પસાર થતો હોય છે જ્યાં આ સર્જન રહેતો હોય છે, તે ત્યાં સામાન્ય તપાસ માટે આવે છે. આ સામાન્ય તપાસ દરમ્યાન સર્જનને એ ખબર પડે છે કે આ વ્યક્તિનાં અવયવો પેલી પાંચેય મરતી વ્યક્તિઓ સાથે એકદમ બરાબર સંલગ્ન થાય છે. તો શું આ પાંચ વ્યક્તિઓની જિંદગી બચાવવા તે સર્જને એક તંદુરસ્ત વ્યક્તિની જિંદગીનો ભોગ આપવો જોઈએ?

ઉપરોક્ત બધાં વિકલ્પોમાં, પાંચ જિંદગીઓ બચાવવાં માટે એક વ્યક્તિનો ભોગ તો લેવાઈ જ રહ્યો છે. નૈતિક ઉલઝનો સરળ નથી હોતી. છાપેલા અક્ષરો સફેદ પેપર ઉપર હંમેશાં કાળા હોય છે. પરંતુ જીવન કઈ હંમેશાં એવું કાળું-ધોળું નથી હોતું. ખરેખર તો તમારે કોઈ સમાજ કે ધર્મની જરૂર નથી તમને એ કહેવા માટે કે શું સાચું છે કે શું ખોટું, શું સારું છે કે શું ખોટું. કારણ કે ધર્મ અને સમાજ તો હંમેશાં સુનિશ્ચિત શરતથી વાત કરે છે, પરંતુ જીવન તો ક્યારેય સુનિશ્ચિત હોતું જ નથી. જો તમે સુનિશ્ચિત સાચા કે ખોટામાં ફસાઈ જશો તો તમારે હંમેશાં વધારે દુઃખ સાથે જ તેનો અંત લાવવો પડશે. તમારી જાતને મુક્ત કરો. હું કોઈ પણ રીતે એવું નથી કહી રહ્યો કે તમે બધા નિયમોને તોડી પાડો પરંતુ હું એમ કહું છું કે તમે તમારા ઉપર લાદવામાં આવેલાં દરેક નિયમોની પૂરી ચકાસણી કરો. દયાના માર્ગે હંમેશાં એવું કરવા જેવું હોય છે.

જયારે તમારું જીવન કઠીનાઈઓમાંથી પસાર થઇ રહ્યું હોય ત્યારે, તમારા અંતરાત્માને અનુસરો. ફ્યોદોર દોસ્તોવ્સ્કીના શબ્દોમાં કહેવું હોય તો: “આપણું મગજ એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું આપણું પોતાનું ચારિત્ર્ય, આપણું હૃદય, આપણા ઉદાર ગુણો, અને આપણા પ્રગમનશીલ વિચારો હોય છે.” મગજ તો ખાલી ગણતરી કરતુ મશીન માત્ર છે. તે તો ફક્ત કોઈ પણ કામને, પછી તે ગમે તે હોય, તેને ઉચિત કે યોગ્ય માત્ર ઠરાવવાનું કાર્ય જ કરે છે. આખરે તો એ તમારું ચારિત્ર્ય હોય છે કે જે તમને તમારા સિદ્ધાંતો મુજબ જીવવા માટેની તાકાત આપતું હોય છે. શરતી નૈતિકતા એ એક ગણતરી વાળી ધારણા હોય છે – જો તમે આમ કરશો તો આમ થશે, આ આટલાં માટે સારું છે અને આ આટલાં માટે ખરાબ છે વિગેરે. બીજી બાજુ બિનશરતી નૈતિકતા એ એક જ અસલી વાત છે; બધી ગણતરીઓથી પરે, સરળ રીતે તમે તમારા માટે જાતે નક્કી કરેલા બેન્ચમાર્ક, પછી તે નૈતિક હોય કે બીજું કઈ, તેની અપેક્ષામાં ખરા ઉતરવાની એક પ્રક્રિયા છે. અને બિનશરતી નૈતિકતા? તે એક ગલત નામ પ્રયોગ છે.

તમે જે છો તે બની રહેવા માટે ખચકાશો નહિ. તમારો પોતાનો બેન્ચમાર્ક જાતે નક્કી કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email