હું આશા રાખું કે તમે એ હકીકતથી વંચિત હશો કે કોઈ પણ બાહ્ય પરિબળો કરતાં જો કોઈ તમને તમારી જિંદગી, તમારા સ્વપ્નાની જિંદગી જીવવાથી રોકતું હોય તો એ ફક્ત ને ફક્ત તમે અને તમે જ હોવ છો. મોટાભાગનાં લોકો જીવનને “હા” કહેતાં ડરતાં હોય છે. અને તેઓ શા માટે ખુલીને પોતાની પાંખો ફેલાવીને નુતન ક્ષિતિજોને જોવા અને જીવવાથી ડરતાં હોય છે? આખરે તો તેમનાં મગજની જમણી બાજુ એવું શું હોય છે કે જે આનંદ, પરમ સુખ, અને ખુશીને નનૈયો ભણતું હોય છે? તમને ખબર છે કેમ? પ્રાથમિકપણે નાનપણથી આપણે બાહ્ય અભીપુષ્ટિ મળે તેનાંથી ટેવાયેલા હોઈએ છીએ. હંમેશાં કોઈને કોઈ એવું કાયમ રહેતું હોય છે કે જે તમારા કાર્યોનું અનુમોદન કરે, કે જેની મંજુરી મેળવવી તમારા માટે જરૂરી હોય. એ કાં તો ઘરમાં માતા-પિતા હોય, નિશાળમાં શિક્ષક હોય, કાર્યસ્થળે તમારો બોસ હોય, સમાજમાં તમારાં મિત્રો હોય, સરકાર, સંસ્થાઓ, ધાર્મિક ગુરુઓ વિગેરે તમે બસ નામ આપો.

આપણે ફક્ત શરતી વાતાવરણમાં જ નથી ઉછરતા પરંતુ એ પણ શરતી હોય છે. એ પહેલાં કે જે તમે ઈચ્છો એ તમને મળે ત્યાં કોઈ એક શરત હોય છે જે તમે પૂરી કરો એવી અપેક્ષા રહેલી હોય છે. નીચેનો સામાન્ય વાર્તાલાપ જુઓ કે જે મોટાભાગનાં લોકોનાં જીવનમાં થતો હોય છે:

બાળક અને માતા-પિતા:

“મને કેન્ડી આપશો?”
“પહેલાં તારું જમવાનું પૂરું કર!”
“હું રમવા જાઉં?”
“તારું લેશન પૂરું કર્યા પછી.”
“હું ટીવી જોઉં?”
“પહેલાં તારો રૂમ સાફ કર.”
“હવે સુઈ જા!”
સારું હું હવે સુઈ જાવ છું.”
“પહેલાં બ્રશ કરવાનું ભૂલતો નહિ.”
“શું હું આજે સ્કુલે રજા પાડું?”
“ના!”
હું આ કરું, પેલું કરું, અહી જવું, તહી જવું, અત્યારે કરું, પછી કરું વિગીરે વિગેરે. તમને જે પણ યાદ આવતું  હોય એ બધું અહી લખી શકો છો.
ના, ના, ના, પહેલાં આ કર, પહેલાં તે કર. ના, ના તે આના વિષે વિચાર્યું છે? મેં વિચાર્યું છે વિગેરે. ચાલો સોરી બોલો, થેંક યુ બોલો, પ્લીઝ બોલો.

કાર્યકર્તા અને બોસ

“હું આજે એક કલાક વહેલો જાઉં તો ચાલશે?”
“આજે? તું ખરેખર ગંભીર છે?”
“હું આવતા મહીને ફેમિલી વેકેશન પર જવાનું આયોજન કરું છું?”
“આવતા મહીને?” તને ખબર છે ને કે એ વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે?”
તમારા કામનાં મુલ્યાંકન વખતે: “તારું કામ સારું છે પણ હજી અમુક વસ્તુઓમાં તું સુધરી શકે છે. અભિનંદન, તને સૌથી વધુ પગાર વધારો મળે છે. ત્રણ ટકા.”
“આભાર.” મોંઘવારીમાં તો નવ ટકાનો વધારો થયેલો છે તમે તમારા મનમાં વિચારો છો.
“શું હું તમને એક સવાલ કરી શકું?”, “હું પ્રોજેક્ટની ડેડલાઈન ચુકી જવા બદલ દિલગીર છું.”, “તમારો ખુબ ખુબ આભાર…” વિગેરે વિગેરે. તમે શરતી વાતાવરણની અંદર આવા સોનેરી શબ્દોનો ઉપયોગ કરવાનું શીખી જાવ છો. તમને એક મોટા શરીરમાં રહેતા એક નાના બાળક જાણે કે ન હોવ એવી રીતે તમારી સાથે વર્તાવ કરવામાં આવે છે.

બે ભાગીદારો, બીજા અન્ય કુટુંબીઓ, તમારા સહકર્મચારીઓ, અને સમાજના અન્ય લોકો, વચ્ચે થતી મોટાભાગની વાતોની કલ્પના કરો. સાદગીભર્યા જીવનને, જો બિનજરૂરી રીતે નહિ તો વ્યાજબી પણે તો ખરું જ, એક ગુંચવાડા ભર્યું બનાવી દેવાયું છે. અને શું આ બુદ્ધિમાની છે?

એક બાળક જેવા હોવું અને બાળકની જેમ તમારી સાથે વર્તાવ કરાય તે બન્ને બાબત વચ્ચે ફરક હોય છે. એક રીતે જોતા જો તમે તમારા માટે જીવવાનું ચાલુ નહી કરો તો આ દુનિયા તમને તમારી પોતાની શાળામાંથી ક્યારેય ગ્રેજ્યુએટ નહિ થવા દે. એ તમને એક બાળક જ માનશે અને તમારા માટે શું સારું છે અને શું ખરાબ છે એ કાયમ બતાવ્યા કરશે, તમારા માટે એને શું સારું લાગે છે એ જણાવ્યાં કરશે. હું આશા રાખું કે તમને તમારી જિંદગી કેટલી કિમતી છે એ વિચારવા માટે સમય મળ્યો હશે.  જીવન અને મરણ વચ્ચે તફાવત ફક્ત એ એક શ્વાસનો હોય છે, ફક્ત એક ક્ષણનો હોય છે. જેમાં તમે શ્વાસ અંદર તો લો છો પણ તેને બહાર નથી કાઢતા, એ જ મૃત્યુ હોય છે. કાં તો તમે એ શ્વાસ બહાર તો કાઢો છો પરંતુ પછી અંદર નથી લેતા, એ મૃત્યુની ક્ષણ હોય છે. એ પછીની તે બધી અનંત શક્યતાઓ કે જે તમે હજારો ફૂટ જમીનની ઉપર કે ૬ ફૂટ જમીનની અંદર શોધવનાં હોવ છો, તે ફક્ત આ શ્વાસ લેવાની કે નહિ લેવાની ક્ષણ ઉપર જ મોટાભાગે આધાર રાખે છે. જો તમે કોઈ કામને પૂરું કરવાની રાહ જોતા હોવ કે પછી તમે પોતે જે છો તે બની રહેવા માટેની કેટલીક શરતોને પૂરી કરવાંની રાહ જોતા હોવ તો મને લાગે છે એ સમય ક્યારેય આવતો જ નથી હોતો. હું એમ નથી કહેતો કે તમે તમારી જવાબદારીઓમાંથી ભાગી જાવ, પરંતુ જો તમે જીન્દગીને હા ભણવાનાં હોવ તો ઘણી તકો તમારા માટે રાહ જોતી બેઠી છે. વર્તમાનની આ ક્ષણ જ જીવન જીવવાની ક્ષણ છે, આનંદ માણવાની ક્ષણ છે.

મુલ્લા નસરુદ્દીન પોતાના એક મિત્ર સાથે એક શ્રીમંત માણસની સ્મશાન યાત્રામાં ગયા. તેમનો મિત્ર તો એકદમ ભપકાદાર વ્યવસ્થા જોઈને દંગ રહી ગયો.
“અરે આ કોફીન તો જુઓ, સુખડનાં લાકડાનું બનેલું છે,” તેને આશ્ચર્ય પામતા કહ્યું, “ અને તેમને દસ હાજર સોનાનાં સિક્કા સુશોભન માટે વાપર્યા છે. તેનાં કપડાં તો જુઓ, સીલ્કથી જાતે સીવેલા છે! અને તેની આસપાસ કિંમતી પત્થર, હીરા અને માણેક મુકેલા છે. અને કબરનો પત્થર પણ સરસ આરસમાંથી બનાવેલો છે.”
“ઓહ!” મુલ્લાએ નવાઈ પામતા કહ્યું, “અને, આ તો જીવન છે!”

તમારી જાતને કોઈ આનંદથી ફક્ત એટલાં માટે વંચિત ન રાખો કારણકે તમારા ઉપર બીજા લોકોએ મુકેલી શરતોને તમે પૂરી નથી કરી રહ્યાં. જ્યાં સુધી તમે કોઈને નુકશાન નથી પહોચાડી રહ્યાં ત્યાં સુધી બધું બરાબર છે. જીવો! તમારે હંમેશાં જે કરવું હોય છે તે કરવાં જ માંડો, તમે હંમેશાં જે બનવા માંગતા હોવ છો તે બની જાવ. તમારી જાતને એક તક આપો, તમારી જાત ઉપર બહુ કડક નહિ બનો, બસ એક તક આપો. અને આ ક્ષણ જ એનાં માટેનો સંપૂર્ણ શ્રેષ્ઠ સમય છે, કારણ કે સંપૂર્ણતા એ તો સાપેક્ષ છે, અને ‘હાલ’ની ક્ષણ જ ફક્ત એનાં માટેની શ્રેષ્ઠ ક્ષણ છે.

જાવ! જીવનને હા ભણો. વિના અટક્યે. તમારું પોતાનું સત્ય શોધો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email