હાસ્ય એક મૂળભૂત માનવીય અભિવ્યક્તિ છે અને  રમૂજવૃત્તિ હોવી એ એક દિવ્ય ગુણ પણ છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે હસતાં હોઈએ છીએ? હાસ્યનાં મૂળ તમે વિચારી શકો તેનાંથી પણ ઊંડા હોય છે, હાસ્ય એ વ્યક્તિ, સંસ્કૃતિ, જાતિ, સમુદાય વિષે ઘણું બધું કહી જાય છે. એવાં કેટલાંક જણ હોય છે કે જેઓ બીજા પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, અરે પોતાનાં પ્રત્યે પણ હસી લેતાં હોય છે. આજનું મારું વિષયવસ્તુ છે કે આપણે જોક્સ સાંભળીને હસતાં કેમ હોઈએ છીએ.આપણી જાતિની ઉત્ક્રાંતિ કે વિકાસ સાતત્યના સિદ્ધાંત પર થયેલ છે. હજારો વર્ષો સુધી આપણા પૂર્વજો ગુફાઓમાં રહેતાં હતા. એમનામાં કોઈ બદલાવ આવ્યો નહોતો, તેમને એવી કોઈ જરૂરિયાત નહોતી કે એવું તેમને પોતાને લાગતું હતું. જયારે જયારે કોઈએ કઈક નવી શોધ કરીને કઈક હંગામો ઉભો કર્યો, ત્યારે આપણે એક નવી દિશામાં એક પગલું આગળ ભર્યું, એક પગલું સાધારણ રૂઢીઓથી દુર. બદલાવ એક એવી વસ્તુ છે કે તેનાં આગમન સમયે ભાગ્યે જ કોઈ તેને આવકારતું હોય છે, લોકોને બદલાવનો એક ડર લાગતો હોય છે, એક અજાણ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેનો ભય.

કોઈ પણ જોક્સ ઉપર હસવું એ પણ કઈ એનાંથી જુદું નથી. એક જોક્સની શરૂઆત એક સામાન્ય દ્રશ્યથી થાય છે કે જેનાંથી સામાન્ય રીતે તમે પરિચિત હોવ છો, કે જે તમારી માન્યતાઓ સાથે બંધબેસતું હોય છે. અને એકદમ અચાનક જ તમારી સમક્ષ એક વિરોધાભાસ વાળી પરિસ્થતિ રજુ થાય છે કે જે અનપેક્ષિત, અભૂતપૂર્વ હોય છે, અને તેમાં એક બદલાવ હોય છે. એક સ્તરનો તણાવ મનમાં ઉભો થાય છે, જે તમારા તર્કને ચુનોતી આપે છે. અર્ધજાગૃત મનમાં એ ખબર હોય છે કે આમાં કોઈ ભય નથી. માટે તમારું મન એ તણાવને એક અટ્ટહાસ્ય સાથે મુક્ત કરે છે. તમારા મનમાં એક આકૃતિની ફેરરચના થાય છે અને વગર ગલગલીયાએ એક હાસ્ય ફૂટી નીકળે છે.

ઉદાહરણ તરીકે:
“Mary had a little lamb…”
She found it a bit too spicy.

[મેરી (ઘેટું) ને એક નાનું બચ્ચું આવ્યું, એને એ બહુ તીખું લાગ્યું]

જયારે નાનાં બાળકોને એ કહેવામાં આવે ત્યારે એ બહુ હસતાં હોય છે. શા માટે? બાળકો એમની અંદર વિરોધાભાસ કે અચાનક થતાં આશ્ચર્યભાવથી જે એક તણાવ પેદા થાય છે તેને તે બહુ જલ્દી મુક્ત કરી શકે છે. જયારે બીજી બાજુ એક પુખ્ત વ્યક્તિ પોતાનાં જીવન દરમ્યાન એવાં અનેક વિરોધાભાસોથી પરિચિત થઇ ગઈ હોય છે. ઉપરોક્ત રમુજમાં મેરી પોતાનાં બચ્ચાને ખાય છે તેમાં તેને કોઈ એટલો વિરોધાભાસ નથી જણાતો કે એક પુખ્ત વ્યક્તિને એનાં ઉપર હસવું આવે, તેનાંથી એની અંદર કોઈ તણાવ સર્જાતો જ નથી. અને માટે એને કોઈ નાનાં બાળકની જેમ અને જેટલું હસવું આવતું નથી.

જો કે તમારી અંદર ઉભા થતાં એ તણાવમાં જો ભય રહેલો હોય તો તે તણાવની મુક્તિ વખતે તમને હસવું આવતું નથી. કલ્પના કરો કે તમારી સમક્ષ કોઈ એકદમ બંધુક તાકીને તમારી દિશામાં ગોળી છોડી દે છે. તમને એવું જ લાગી જાય છે કે ગોળી તમને વાગી જ ગઈ. તમે તરત જ તમારા શરીર પર હાથ ફેરવીને ઘાવ કે લોહીનાં નિશાન પડ્યા છે કે નહિ તેની તપાસ કરો છો, પણ તમને કશું થયું હોતું નથી, એક જરા સરખો ઉઝરડો પણ નહિ. અને કલ્પના કરો કે તમને ખબર પડે છે કે એ વ્યક્તિ તો મજાક કરી રહ્યો હતો. તમે આ પરિસ્થિતિ પ્રત્યે હસી નહિ શકો. કારણ કે તમે તેમાં એક ભયનો અનુભવ કર્યો હતો. એક જીવન-મરણનો વિરોધાભાસ કઈ બૌદ્ધિક ખ્યાલ નથી હોતો, એ તમને હકીકતમાં તમને ગોળી વાગી ગઈ એવું જ લાગ્યું હતું. એ તણાવ તમારા માટે જરા વધારે પડતો હતો. જયારે તમને લાગ્યું કે તમે સલામત છો ત્યારે તમને તમારા હાસ્યમાં નહિ પરંતુ તમારી ઉત્તેજનામાં ઓર વધારો થતો અનુભવો છો. તેમ છતાં થોડા અઠવાડિયા કે મહિનાઓ પછી એની એ ઘટના ઉપર વિચારતા હવે તમે તેનાં પ્રત્યે હસી શકો છો. એવું કેમ? કેમ કે હવે તેની ભીતરનો જે ડર હતો તે હવે અદ્રશ્ય થઇ જાય છે.

શું જીવન પણ એક વિરોધાભાસોથી ભરેલી પરિસ્થિતિઓ વાળું નથી હોતું? બધી પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાની જરૂર નથી હોતી, તેમાંની ઘણી બધી પરિસ્થિતિઓ પ્રત્યે તમે હસી નાંખી શકો છો. તો પછી એ ડરથી ઉપર કેમ ઉઠવું? ડરને ચકાસો. જો તમે તેનું પૃથ્થકરણ કરી શકતા હોવ, તો તમે સાચો નિર્ણય પણ લઇ શકશો, અને પછી તમે ખરા વિચાર ઉપર ધ્યાન પણ કેન્દ્રિત કરી શકશો, અને ડર ત્યારબાદ આપોઆપ જ ગાયબ થઇ જશે. ડર હંમેશાં ધારણાઓમાંથી જન્મે છે. વર્તમાન ક્ષણમાં કોઈ ડર નથી, ડર તો છે હવે પછીની ક્ષણોમાં શું થશે એની ધારણાઓ કરવામાં.

તમારું મન જેટલાં વધારે વિરોધાભાસોને સંભાળી શકતું હોય તેટલાં વધારે ઓછા તમે સામાન્ય જોક્સ ઉપર હસશો. તમારાં જીવનમાં અનુભવો જેટલાં વધુ તેટલાં ઓછા પ્રમાણમાં એવાં જોક્સ હશે કે જે તમને હસાવી શકશે. તમારા સંઘર્ષો, તમારા અનુભવો અને તેનાંથી ઉત્ક્રાંતી પામતી તમારી બુદ્ધિ, અને જીવન, તમને કોઈ પણ તકને ચુનોતી આપતી પરિસ્થિતિ કે જે એકદમ મોટા વિરોધાભાસ અને સંઘર્ષથી ભરેલી હોય, તેમ છતાં પણ તેનો સ્વીકાર કરવાનું શીખવે છે. તમે આટલી બાબતો પરથી કોઈ પણ વ્યક્તિ વિષે ઘણું બધું જાણી શકો (અ). એ જે રીતે હસતાં હોય, (બ). ક્યાં પ્રકારનાં જોક્સ પર તેઓ હસતાં હોય, અને (ક). કોના અને શેના પ્રત્યે તેઓ હસતાં હોય. એનાં ઉપર પછી ક્યારેક.

બાળકો કે બાળકબુદ્ધિના લોકો કોઈ પણ સાદા હાવભાવ કે અર્થહીન જોક્સ પ્રત્યે પણ હસી પડશે. એ જ રીતે જો તમે બાળકો જેવા બની જાવ તો આ દુનિયામાં જીવવાનું એકદમ સરળ બની જશે, અને તે વધુ રસમય પણ બની ઉઠશે. બાળકો જેવા કેવી રીતે બનવું, તમે પૂછશો? દયા અને કૃતજ્ઞતાની પ્રેકટીશ કરો. અને બાળકોની જેમ ક્યારેક ફરિયાદ પણ કરી શકો અને રડી પણ શકો. પણ ફક્ત ક્યારેક જ.

કોઈ એક ગામડામાં એક વૃદ્ધ માણસ રહેતો હતો, ડાહ્યો અને સંતોષી. લોકોનાં ટોળા વચ્ચે તેને એક રમુજી જોક્સ કહ્યો. દરેકજણ તેનાં પર હસ્યાં. થોડી વાર પછી, તેને ફરીથી એનો એજ જોક્સ કહ્યો. આ વખતે થોડાક જ જણ હસ્યાં. તેને બીજી થોડી મિનીટો જવા દીધી અને પછી ફરી એનો એજ જોક્સ કહ્યો. આ વખતે કોઈ પણ ના હસ્યું. મોટા ભાગનાં લોકોએ વિચાર્યુ કે ડોસો પાગલ થઇ ગયો છે. “તમે એનાં એ જ જોક્સ ઉપર થોડી સમયથી વધુ ન હસી શકો.” લોકો એ કહ્યું. “અને તેમ છતાં એની એ જ સમસ્યા ઉપર તમે આખી જિંદગી રડતાં તો રહેતાં જ હોવ છો.” વૃદ્ધે કહ્યું.

જો તમને એવું જ્ઞાન થઇ જાય તો કેવું કે વિરોધાભાસ અને સંઘર્ષો તો જીવનમાં તમને હસાવવા માટે આવતાં હોય છે? કે આ સમગ્ર વિશ્વ કે બ્રહ્માંડ તો એક મજાક, એક રમત માત્ર, એક જોક્સ છે? કઈ પણ કરો એનાં ઉપર રડતાં રહેવા કરતાં તો તેનાં પર હસી નાંખવું એ જ વધારે સારું હોય છે. અને એ જ રીતે એ વધુ આનંદમય બનતું હોય છે. આ તો એક પસંદગીની વાત છે. જો તમારે એ પસંદ કરવી હોય તો.

“હે ભગવાન! મેં તારા ઉપર કરલા મારા નાનાં-નાનાં જોક્સને માફ કરી દેજે અને હું પણ તે મારા ઉપર કરેલા મોટામાં મોટા જોક્સને માફ કરી દઈશ.” – રોબર્ટ ફ્રોસ્ટ

હાસ્યનો અર્થ છે કે તમે આરામદાયક છો. જાવ! આજે કોઈને હસાવો, એ વસ્તું તમને આનંદ આપશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email