એક દિવસે, કોઈક કે જે મને પહેલી વખત જ મળતું હતું તેમને મને બહુ રસપ્રદ સવાલ કર્યો. મારી પ્રેમ પરની એકાદ પ્રેમ પરની પોસ્ટનાં સંદર્ભમાં તેમને મને પૂછ્યું,: “તમે તમારા લેખમાં લખ્યું છે કે બિનશરતી પ્રેમ બહુ દુર્લભ હોય છે. શું માંનો પોતાનાં બાળક પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોતો નથી?” હું તમને તેનો જવાબ આપું એ પહેલાં તમને એક વાર્તા કહીશ:એક સમયે એક દંપતી હોય છે. તે એકબીજાને ખુબ જ પ્રેમ કરતાં હોય છે પણ પત્નીને કોઈ બાળક રહેતું નથી. તે પોતાનાં પતિને પોતે બાળક નથી આપી શકતી એમ વિચારીને ખુબ અફસોસ અનુભવતી હતી. જોકે મેડીકલ તપાસમાં એવું જણાયું કે પતિનાં વિર્યમાં સ્પર્મ કાઉન્ટ ખુબ જ ઓછા પ્રમાણમાં હતાં. અને હવે આખું સમીકરણ બદલાઈ ગયું. એ પતિની ખામી હતી કે જે પોતે એક તંદુરસ્ત બીજ પ્રદાન કરી શકતો નહોતો. અંતે એક દિવસ સદનસીબે પત્નીને સારા દિવસો રહ્યાં. જયારે તે પોતે ગર્ભવતી હતી ત્યારે જ દેશ ઉપર દુશ્મન દળોનો હુમલો થયો. લડાઈમાં તેઓએ પોતાનું ઘર ગુમાવ્યું અને તેમને એક સરકારી કેમ્પમાં રહેવું પડ્યું. તેને ત્યાં કેમ્પમાં જ એક પુત્રને જન્મ આપ્યો. જો કે તે અધૂરા મહિનામાં જ જન્મી ગયો હતો. સમય જતાં બધું સામાન્ય થવા લાગ્યું અને તેઓએ એક નવું ઘર લીધું. તેમને પોતાનાં પુત્રનાં શરીર પર એક બિંદુ અંકિત કર્યુ. પતિ-પત્નીનું જીવન તે પુત્રની આજુબાજુ રમવા લાગ્યું. આમ કરતાં કરતાં બાર વર્ષ વિતી ગયાં.એક દિવસે કોઈકે તેમનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો. એક સ્ત્રી એક છોકરા અને એક દંપતી સાથે આવી હતી. વિધિનાં લેખ મુજબ, તેમને ખબર પડી કે બાળકનાં જન્મ સમયે કેમ્પની અંધાધુંધી ભરી પરિસ્થિતિમાં બાળક છે તે ઇન્ક્યુબેટરમાં જ બદલાઈ ગયું હતું. હજી સ્ટાફના સભ્યોને પોતાની આ ભૂલની ખબર પડે એ પહેલાં જ એક બોમ્બ બ્લાસ્ટમાં તે સ્ત્રી ખુબ જ ઘવાઈ ગયી અને બાર વર્ષ સુધી કોમામાં જતી રહી. તેને કહ્યું તે પોતે તેમને તેમનો અસલી પુત્ર પાછો આપવાં માટે આવી છે. તેને જણાવ્યું કે તેમની સાથે જે પુત્ર આટલાં સમયથી મોટો થઇ રહ્યો છે તેનાં અસલી માતા-પિતા હકીકતમાં તેની સાથે જે બીજુ દંપતી આવ્યું છે તે છે.

પેલી સ્ત્રી અને તેનો પતિ એકદમ સ્તબ્ધ થઇ ગયાં. અને પેલો પુત્ર પણ ચોંકી ઉઠ્યો તેને નવા માં-બાપ જોડે નહોતું જવું. તેને તો પોતે જ્યાં હતો ત્યાં જ રહેવું હતું. પેલી સ્ત્રી પણ તેને જવા દેવા નહોતી માંગતી, પણ જે એક ક્ષણ માટે તેને પોતાનાં અસલી પુત્ર તરફ એક નજર નાંખી, તેને પોતાનાં જીવનની સૌથી મોટી દ્વિધા અનુભવી. તે પોતાનાં અસલી બાળક માટે કુદરતી રીતે જ એક ખેંચાણ, એક આકર્ષણ, એક પોતાનાંપણું અનુભવવા માંડી. દ્વિધા આ બે માંથી કોને પસંદ કરવો એનાં માટેની નહોતી પરંતુ તેને લાગતું હતું કે તેનાં મનમાં એક લાગણીની ખલબલી ઉઠી રહી છે એક ખુબ જ મોટી ગરબડ અનુભવાઈ રહી છે કે જે છોકરાને તે પહેલી વખત જ જોઈ રહી હતી તેનાં માટે આ લાગણીનું પુર કેમ ઊમટી રહ્યું છે? તેને લાગ્યું કે પોતાનાં અસલી પુત્ર માટે વધારે પ્રેમની લાગણી કેમ થવા માંડી હતી? બીજી સ્ત્રીને પણ પોતાનાં બાળક માટે કઈક આવું જ અનુભવાઈ રહ્યું હતું.

જરા થોડી વાર માટે ઉપરોક્ત વાર્તા પર વિચાર કરો. તમારે લેવો હોય તેટલો સમય લો. તેને તમારી અંદર ઊંડે સુધી શોષાવા દો. એમાં કોઈ શંકા નથી કે માંનો પોતાનાં બાળક માટેનો પ્રેમ એ એક ખુબ જ ઉંચી કક્ષાનો હોય છે. એક માં માટે તો એ ઘણાં બધાં બલિદાનોથી ભરપુર હોય છે. એ એકદમ અતિશુદ્ધ પ્રકારનો હોય છે કારણ કે એક માંની પ્રાથમિક ઈચ્છા પોતાનાં બાળકનું હંમેશાં સારું જોવાની જ હોય છે. માં પોતાનાં બાળકનાં કલ્યાણ માટે ગમે તે જતું કરવા માટે તૈયાર હોય છે. તેનાં પોતાનાં જીવન તેમજ તેનાં બાળકનાં જીવનનાં સંદર્ભમાં, એક માંનો પ્રેમ નિ:સ્વાર્થ છે. એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જો કે તે થોડો વધુ જટિલ છે. અને શું તે બિનશરતી છે?

હા તે પ્રેમ જરૂર છે, તે કદાચ શુદ્ધ પ્રેમની સૌથી નજીક છે. એ કદાચ સર્વોત્કૃષ્ટ પ્રેમની વ્યાખ્યા પણ હોઈ શકે. પણ તે બિનશરતી નથી હોતો; કોઈ પણ પ્રકારનો માનવીય સંબંધ ભાગ્યે જ બિનશરતી હોઈ શકે. પ્રથમ શરત તો બાળક પોતે જ છે. બાળક તેનું પોતાનું જ હોવું જોઈએ. તે બીજા કોઈ બાળક માટે એટલી તીવ્રતા નહિ અનુભવે. આ કઈ માં અને બીજા કોઈ પણ બાળક વિષે નથી હોતું પરંતુ એક માં અને તેનાં પોતાનાં બાળક વિષે હોય છે. કલ્પના કરો કે કોઈ એક ગુનેગાર કે જેને એક ખુબ જ ધ્રુણા ઉપજે એ રીતે કોઈ ઉપર બળાત્કાર કરી તેને મારી નાખે છે અને હવે તે પોતાની સજાની રાહ જોઈ રહ્યો છે. ચાલો માની લો કે આવતાં અઠવાડિયે તેને સજા મળવાની છે કાં તો જન્મટીપ કાં તો ફાસીનો માંચડો. આવા ગુનેગારની માં પણ તેનાં રક્ષણ અને માફી માટે પ્રાર્થના કરતી હોય છે. તે નથી ઈચ્છતી કે તેનો પુત્ર મરી જાય. તે જાણતી હોય છે કે તેને એક જિંદગી બરબાદ કરી નાખી છે અને વધુમાં શોષિત વ્યક્તિના કુટુંબીજનોને ભરપાઈ ન થઇ શકે તેવું નુકશાન પહોચાડ્યું હોય છે. છતાં પણ તે નહિ ઈચ્છે કે તેનાં પુત્રને કોઈ સજા થાય.

શા માટે એક માં પોતાનાં પુત્રના અધમોઅધમ કૃત્યને પણ માફ કરવા ઈચ્છતી હોય છે અને માફ કરી પણ શકતી હોય છે? પોતાનાં બાળકો માટે જે જોડાણ તેને હોય છે, જે પ્રેમ તે પોતાનાં બાળકો માટે અનુભવતી હોય છે તે ઉત્સાહ અને પુર્ણતાનો ભાવ તેને બીજા કોઈ પણ સંબંધની સરખામણીમાં ક્યાંય વધુ લાગતો હોય છે. આવું કેમ? ચાલો હવે મને મારો દ્રષ્ટિકોણ તમારી સમક્ષ મુકવા દો:

સત્ય એ છે કે એક માં અને તેનું બાળક કોઈ અલગ અસ્તિત્વ નથી હોતાં. દરેક રીતે જોતા એક બાળક તેની માંનો જ એક ભાગ હોય છે. તે પોતાની માંના શરીરમાંથી જ બહાર આવતું હોય છે, બાળકો તેમની માંના જ એક ઈંડામાંથી સર્જાતા હોય છે, ગર્ભાશયમાં એ એક જ ખોરાકમાંથી ભાગ પાડીને ખાતું હોય છે. એ બાળક એ માંની જ એક જિંદગી હોય છે જે બહાર ચાલતી હોય છે, કદાચ માંનો પોતાનાં જ અસ્તિત્વનો એક વિસ્તાર-ફેલાવ હોય છે. હકીકતમાં તો એક માં પોતાનાં બાળક દ્વારા એક અમરતાને પામતી હોય છે. તે પોતાની જિંદગીના વર્ષો ઉપરાંત પણ તે બાળક દ્વારા જીવતી હોય છે. તે પોતાનાં બાળકને પોતાનાંથી આગળ વધતું જોઈ આનંદ અનુભવતી હોય છે કારણકે તે તેની સાથે કોઈ સ્પર્ધામાં હોતી જ નથી. તમે તમારી પોતાની જ જાત સાથે સ્પર્ધા ન કરી શકો. તો તમે તમારી જાત સાથે સ્પર્ધા નથી કરી શકતાં તો પછી એક માં-પુત્રીની ઈર્ષ્યા કેમ કોઈ વખત સામાન્ય જણાતી હોય છે. એ સરળ છે. એક પુત્રી તેની માંનો એક ભાગ છે, એક જીવંત વ્યુત્પત્તિ કે સંજાત. તમે આ સ્થિતિમાં જે જોતા હોવ છો તે તો ફક્ત એક આંતરિક સંઘર્ષ હોય છે કે જે બાહ્ય સંબંધમાં ઉભરાતો હોય છે. આ કોઈ સ્પર્ધામાંથી ઉદ્દભવતો સંઘર્ષ નથી હોતો આ તો તેની વિરુદ્ધનું હોય છે. જેટલી એ માંની જિંદગી કઠીન તેટલાં જ પ્રમાણમાં આ સંઘર્ષ મોટો રહેવાનો. જેટલા વધુ પ્રમાણમાં તેમને પોતાનાં મત માટે, વસ્તુ માટે, વ્યક્તિ માટે, કે પોતાની જાત માટે લગાવ હોય છે તેનું આ સંઘર્ષોમાં એક પરાવર્તન જ મોટાભાગે જોવા મળતું હોય છે. માં અને પુત્રી બન્ને સંસ્કૃતિના, પ્રેમના, કાળજીના, દયાના અને આનુવંશિકતાનાં એક પ્રબળ શક્તિશાળી વાહક છે.

તો આ કારણ છે કે માંનો પોતાનાં બાળક માટેનો પ્રેમ જે છે તે કોઈ વર્ગીકરણથી પરે હોય છે. હું કદાચ એવું કહું છું કે આ પ્રેમ બિનશરતી નથી પણ પ્રામાણિકપણે તો હું તેને કોઈ સ્વાર્થી કે નિ:સ્વાર્થી, શરતી કે બિનશરતી વગેરે વિભાગોમાં વર્ગીકરણ કરવાથી દુર જ રહેવા માંગુ છું. એ પ્રેમ તો શબ્દોથી પરે છે. કોઈ એટલું હોશિયાર નથી, કોઈ શબ્દો એટલાં પારંગત નથી, કોઈ બુદ્ધિ એટલી મહાન નથી કે જે માંના પ્રેમની દિવ્યતાને સમજી શકવાની શરૂઆત પણ કરી શકે, એને સંપુટીત કરવાની તો વાત જ જવા દો.

જો તમે તમારી માંને ભેટ્યાં ન હો અને તમારો પ્રેમ અને કૃતજ્ઞતા જો વ્યક્ત ન કર્યા હોય, જો તમે તેનાં પગ પાસે બેસીને તેને તમારા માટે જે કઈ પણ કર્યુ છે તેનાં માટે આભાર ન માન્યો હોય, તો તમે તમારી અંદર રહેલાં પ્રેમની જે દિવ્યતાની બાજુ છે તેને ખોજી જ નથી. આપણે ફક્ત માતૃદિન નહિ પણ માતૃવર્ષ અને માતૃજીવન ઉજવવું જોઈએ. આ મારો વિચાર છે, તમે તમારો વિચાર કરવા માટે મુક્ત છો.

તો કાલે માતૃદિન છે. એને ખાસ બનાવજો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email