એક મુસાફરોથી ભરેલી બસમાં, કંડકટરને એક ફાટેલું પાકીટ નીચે પડેલું જડ્યું. તેને તે ઉપાડી લીધું અને તેની અંદરની વસ્તુઓ તપાસવા માંડી. તેમાં પાંચસો રૂપિયા અને કૃષ્ણ ભગવાનનો એક ફોટો હતો. તેમાં કોઈ બીજા કાર્ડ્સ કે ફોટા નહોતાં. કંડકટરે બુમ પાડી, “કોઈનું પાકીટ ખોવાયું છે?”
“મારું ખોવાયું છે?” એક વૃદ્ધ માણસે જવાબ આપ્યો.
“એ તમારું જ છે તે સાબિત કરવા માટે તમે મને એમાં શું છે તે જરા કહેશો?”
“મને ચોક્કસ કેટલાં પૈસા એની અંદર છે તેની તો ખબર નથી પણ એમાં એક કૃષ્ણ ભગવાનનો ફોટો છે.”
“હં…કૃષ્ણનો ફોટો તો કોઈપણની પાસે હોઈ શકે છે.” કંડકટરે શંકાશીલ થઇને કહ્યું, “તમે મને બીજું કશું જણાવી શકો ખરા?”

પેલો વૃદ્ધ માણસ બોલતા પહેલાં હસ્યો:
“જયારે હું પૈસા રાખવા અને બચાવવાનો વિચાર કરતા શીખ્યો ત્યારે મારા પિતાએ મને આ પાકીટ ભેટમાં આપેલું. તેમાં કૃષ્ણ ભગવાનનો ફોટો હતો. મારા પિતાએ મને કહેલું કે હંમેશા સારા કર્મો કરજે. જો કે હું એ સમયે કર્મોની ચિંતા કરવા માટે ઘણો નાનો હતો. મેં મારા માં-બાપનો ફોટો કૃષ્ણ ભગવાનના ફોટાની ઉપર મૂકી દીધો. હું મારા માં-બાપને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતો હતો. પરંતુ એ લાગણીને બદલાતાં બહુ વાર ન લાગી. પહેલાં તો મારી દુનિયા તેમની આસપાસ ઘૂમતી હતી પણ હવે તો મારા માટે હું પોતે જ સર્વસ્વ હતો. મને લાગતું કે મારે જે જોઈએ તે મને આપવા માટે તેઓ બંધાયેલાં છે. તો હું જેમ જેમ મોટો થતો ગયો તેમ મેં મારો પોતાનો ફોટો તેમની ઉપર મૂકી દીધો. મને લાગતું કે હું તેમનાં કરતાં ક્યાંય વધારે સારો લાગતો હતો.

થોડા સમય પછી હું કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો, અને એક છોકરીના પ્રેમમાં પડ્યો. તે દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ હતી. મેં તેનો ફોટો મારી બાજુમાં મૂકી દીધો અને તેનાંથી હવે માં-બાપનો ફોટો તો બિલકુલ જ દબાઈ ગયો હતો. તેને પરણ્યા પછી તેને મારા પુત્રને જન્મ આપ્યો. મેં મારા માં-બાપનો ફોટો કાઢી નાંખ્યો અને મારી પત્ની અને પુત્રનો ફોટો મારાં પાકીટમાં રાખી દીધો. મારી દુનિયા હવે મારી પત્ની અને પુત્ર હતાં. મારો દિવસ મારા પુત્રથી જ ઉગતો અને આથમતો. મારી જીવનની એક એક ક્ષણ તેની આજુબાજુ જ ફરતી. થોડા સમય પછી મારા માં-બાપ ગુજરી ગયા.

મારો પુત્ર મોટો થઇ રહ્યો હતો, તે ભણ્યો અને નોકરી કરતો થયો માટે તે ઘરમાંથી બહાર નીકળી ગયો, પરણ્યો, એને છોકરાં થયા, અને ઘણો વ્યસ્ત થઇ ગયો. થોડા વર્ષો પહેલાં મારી પત્ની ગુજરી ગયી, માટે મેં તેનો ફોટો મારા પાકીટમાંથી કાઢી નાંખ્યો. ગયા વર્ષે, હું દાદરા પરથી પડી ગયો, અને મેં મારા પુત્રને ફોન કરીને મારી જોડે થોડા દિવસો વિતાવવા માટે કહ્યું. તેને મને થોડા મજબુત બનો એમ કહ્યું. તેને મને તેના ઘેર આવવાનું પણ ન કહ્યું અને તે પોતે પણ મને મળવા ન આવી શક્યો કારણ કે તે પોતે પોતાનાં કામ અને કુટુંબને લઇને ખુબ જ તણાવગ્રસ્ત રહેતો હતો. મારું હૃદય કે જે પહેલાંથી જ ઘવાયેલું હતું તે હવે હજારો ટુકડાંઓમાં વેર-વિખેર થઇ ગયું. મેં એનો ફોટો મારા પાકીટમાંથી કાઢી નાંખ્યો અને અંદર નીચે કૃષ્ણ ભગવાનનો પેલો જે અસલી ફોટો હતો તે ઉપર આવી ગયો. તે ક્ષણ મારા જીવનની સૌથી મોટી આત્મસાક્ષાત્કારની ક્ષણ હતી. દરેક સંબંધ ક્ષણિક છે અસ્થિર છે, અને સ્વાર્થથી બનેલાં છે અને પાછા કાયમી તો નથી જ. લોકો આવ્યા અને ગયા પરંતુ ભગવાન હંમેશાં સતત મારી જોડે રહ્યાં.”

પેલા કંડકટરે તો તરત જ એક શબ્દ બોલ્યાં કે ચાલ્યાં વગર એ પાકીટ આ વૃદ્ધનાં હાથમાં આપી દીધું.
બસ પોતાનાં છેલ્લાં સ્ટોપ પર પહોચી અને બધાં ઉતરી ગયા. પેલો કન્ડકટર, જે પોતે ખ્રિસ્ત હતો, તરત જ એક નજીકની ગીફ્ટ શોપમાં ગયો. “તમારી પાસે જિસસનો ફોટો છે? મારે મારાં પાકીટમાં રાખવા માટે જોઈએ છે,” તેને દુકાનદારને કહ્યું.

તમારે દુનિયાના આ અસ્થિર સ્વભાવને સમજવા માટે કોઈ ઝટકાની રાહ જોવાની જરૂર નથી. આ સમજણ, અનુભવસિદ્ધ ઢંગથી, ઊંડા અને ગહન ચિંતનથી પણ મેળવી શકાય છે. તમારું પાકીટ તમારા જીવનની પ્રાથમિકતાઓ બતાવે છે. ઘણી બધી વાર એક પછી એક વસ્તુઓને બાદ કરતા જતાં, જે સાચી વસ્તુ છે તે ધ્યાન બહાર જતી રહે છે, અને લોકો પોતાની જીવન ગાડીનો પાટો ચુકી જાય છે.

બીજી રીતે જોઈએ તો, થોડું વિચિત્ર લાગશે પણ તમે બીજી વ્યક્તિનું પાકીટ ચકાસો તો તમને તે વ્યક્તિ વિષે ઘણી બધી બાબતો જાણવા મળી શકે. ઘણાં લોકોનું પાકીટ જૂની રિસીપ્ટોથી, બીઝનેસ કાર્ડ્સથી વિગેરેથી ભરેલું હોય છે. આવાં લોકો પોતાનાં મગજમાં પણ આટલી બધી અસ્ત-વ્યસ્તતાને ભરીને જ જીવતાં હોય છે. જો તમારા પાકીટમાં એક વર્ષની જૂની રીસીપ્ટ હોય તો તમારા હૃદયમાં દસ વર્ષ જૂની ફરિયાદ કે જલન ભરેલી હશે.

તમારી હેન્ડબેગ કે પાકીટને ચકાસો. તેના બાહ્ય દેખાવને તમે તમારું, તમારાં જીવનનું, તમારી જરૂરિયાતોનું કેટલું ધ્યાન રાખી રહ્યા છો એની સાથે સીધો સંબધ છે. તે એ પણ બતાવે છે કે તમે બીજા લોકો તમને કેવી રીતે જુવે કે સમજે એવું ઈચ્છો છો. પાકીટની અંદર રાખેલી ચીજ વસ્તુઓ તમે તમારા મગજમાં શું રાખો છો તે બતાવે છે – તમારા હૃદયમાં શું રાખો છો તે બતાવે છે. એની અંદર રાખેલો કોઈ ફોટો તમારી હાલની પ્રાથમિકતા બતાવે છે. તમારા પાકીટનો અંદરનો અને બહારનો કુલ મિલાવીને જે દેખાવ છે તે તમારા જીવનના હાલનાં તેમજ કુલ મિલાવીને સંપૂર્ણ સ્તરનું દર્શન કરાવે છે.

જાવ! જરૂર પડે તો નવું પાકીટ આજે લઇ આવો. તમારી જાતને ખુબ કાળજીપૂર્વક સાચવો; તમે તેને લાયક છો. એક દયા તમારી જાત માટે તેમજ અન્ય લોકો માટે રાખો.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email