એક જાણીતી કહેવત છે કે ” જેનાંથી તમે મરતા નથી તેનાંથી તમે મજબુત બનો છો.” તે મોટાભાગનાં કિસ્સામાં સાચું છે સિવાય કે જો કોઈ એક પ્રસંગે તમને ખુબ જ તકલીફ પહોચાડી હોય, અને તેનાંથી તમને થયેલું નુકશાન જો ભરપાઈ થઇ શકે તેમ ન હોય તો. આવા કિસ્સામાં કોઈ રસ, કોઈ આશા, કોઈ વચન, કે કોઈ પ્રકાશ નજરે નથી ચડતો. મને અનેક ઈ-મેઈલ એવાં મળતા હોય છે કે જેમાં લોકોનો વિશ્વાસઘાત થયો હોય, બીજા વડે ત્યાગ થયેલો હોય, તેમને ખોટા પાડવામાં આવ્યા હોય, કોઈ વખત તેમને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હોય, કે હાલના પદેથી નીચે ઉતારી દેવામાં આવ્યા હોય, કે કશાયથી વંચિત રાખવામાં આવ્યા હોય. આવી પરિસ્થિતિમાં કેટલાંક લોકો પોતાની જાતને સાચવી લઇને આગળ વધી જતાં હોય છે, તો કેટલાંક લોકો એવાં હોય છે કે જેમનાં ઘાવ ક્યારેય રૂજાતા જ નથી હોતા. મોટાભાગનાં આવા ઈ-મેઈલમાં લોકો જવાબ શોધતાં હોય છે. તેઓ મને લખતાં હોય છે કે તેમને ક્યાં ખરાબ કર્મો કર્યા છે, તેઓ ક્યાં ખોટા પડ્યા? આવું તેમની જોડે જ શા માટે બન્યું? સત્ય એ છે કે આ કઈ હંમેશા તમે શું કર્યુ કે નથી કર્યુ તેનાં વિષે નથી હોતું, પરંતુ કોઈ વખત, તે સામે વાળી વ્યક્તિ વિષે, તેની પ્રાથમિકતા વિષે હોય છે. તમારે કદાચ ફરીથી લોકો તમને શા માટે પ્રેમ કે નફરત કરે છે તેનાં વિષે ફરી વાંચવું હોય તો.

હું આજે સંબધો ઉપર નથી લખી રહ્યો, આજે મારા રસનું કેન્દ્રબિંદુ તમે છો. ફક્ત તમે. તમે જો આ અગ્નિ-લડાઈ લડીને થાકી ગયા હોય, જયારે જિંદગી એકધારી તમને ધોબીપછાડ આપી રહી હોય, જયારે તમારો રસ્તો હંમેશા અવરોધોથી ભરાઈ જતો હોય, તેનો અર્થ છે કે એ એક હાંક છે. એક બદલાવની હાંક. જો તમે આ ક્ષણે બદલાવનો પ્રતિરોધ કરો કે તેને અવગણો તો તેનાં પછીની ક્ષણે જે પછાડ પડશે તે કદાચ મરણતોલ હશે. અને એ સમયે તે તમને મજબુત નહિ બનાવે, પણ તમને એવું નુકશાન પહોચાડશે કે જે ક્યારેય સરખું નહિ થાય. આપણે અહી એવું નથી ઈચ્છતા કે તમે સાજા ન થઇ શકો એટલાં બધા ઘાયલ થાવ. તમારી તાકાત કોઈ બહારનાં પ્રતિરોધમાંથી મળે તેનાં કરતાં અંદરની શાંતિમાંથી મળે તે વધારે મહત્વનું છે. તમે અર્થવ્યવસ્થાને, સરકારને, તમારા બોસને, તમારા એમ્પ્લોયરને, તમારી ઇન્ડસ્ટ્રીને બદલી શકતાં નથી. તે બધાં તમને પ્રેમથી રાખે એવી ઈચ્છા રાખવી એ નર્યુ બાળપણ છે. જિંદગી હંમેશા તમને તમે જે રીતે ઈચ્છો તે રીતે રાખે તેવી ખેવના રાખવી તે એક પ્રકારની અવાસ્તવિક વાત છે.

એક ફ્લાઈટ અટેન્ડન્ટે મુસાફરને પૂછ્યું, “તમે ડીનર લેશો?”
“મારી પસંદગી શું શું છે?” તેને કહ્યું.
“હા કે ના.” પેલીએ તરત જવાબ આપ્યો.

કોઈ વખત તમારી પાસે ફક્ત બે જ પસંદગી હોય છે હા કે ના. જો તમે સારા વિકલ્પની કાયમ રાહ જોતા રહો, જો તમે સતત વિરોધ કરતાં રહો, તો તમે તમારા જીવનની સૌથી મહત્વની અને તમારા જીવનને આકાર આપનારી ક્ષણોને ગુમાવી દેશો. તમે ફક્ત ઘણું બધું પૃથ્થકરણ અને વિચાર જ કરતાં રહો તો એક પરિસ્થિતિ એવી આવી જાય કે પછી ત્યાં વધુ વિચાર એ બીજું કશું પેદા ન કરે પણ માથાનો દુ:ખાવો જ આપે, જયારે તમારું મન બહેરું થઇ જાય, જયારે સમજનો અંત આવી જાય, ત્યારે તેનો અર્થ એવો જરૂરી નથી કે તમે જે તારણ કાઢ્યું તે બધી બાબતોનો જવાબ છે કાં તો પછી આ બાબતોનો કોઈ જવાબ જ નથી. થોમસ મર્તોનના શબ્દોમાં, “એ ફક્ત એવું યાદ અપાવે છે કે વિચારવાનું બંધ કરો અને જોવાનું શરુ કરો. કદાચ તેમાં કશું જ હવે સમજવાનું નથી રહેતું. કદાચ આપણે હવે ફક્ત જાગવાની જ જરૂર છે.”

અંતે તો પરિસ્થિતિ પ્રત્યે તમારો શો પ્રતિભાવ છે તેનું જ મહત્વ હોય છે. તમારે શો પ્રતિભાવ આપવો છે તેનાં ઉપર વિચાર કરો, પસંદગી કરો અને તેને અમલમાં મુકો. જો તમારો પરિસ્થિતિ પ્રત્યેનો પ્રતિભાવ નહિ બદલાય, તો પરિણામ પણ એનું એ જ રહેશે. અમલ કરો!

વિલિયમ હેન્લી એ એક Invictus નામની સુંદર કવિતાની રચના કરી છે, જે મને બાળપણથી ખુબ પસંદ છે. આ રહી તે:

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds, and shall find, me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll.
I am the master of my fate:
I am the captain of my soul.

અરાજકતા, સંજોગો, અવરોધો કદાચ બાહ્ય વસ્તુ હોઈ શકે પરંતુ તેનાં માટે થતો સંઘર્ષ હંમેશા આંતરિક હોય છે. આ વાક્ય ઉપર થોડી મિનીટો માટે વિચાર કરો અને તમને જણાશે કે હું શું કહેવા માંગું છું. જયારે તમને તમારા આંતરિક સંઘર્ષોનું સમાધાન કેમ કરવું તે ખબર હોય તો બાહ્ય પરિબળો તમને હંમેશાં ઓછું ને ઓછું પજવશે. અને અંદરની શાંતિથી કેવી રીતે રહેવું, અને આંતરિક સંઘર્ષોનું સમાધાન કેવી રીતે કરવું? વારુ, આજની તારીખ સુધી હું જે કઈ લખી રહ્યો છું તે તેનાં વિષેનું જ છે. ટુંકમાં, તમારા કર્મો અને પ્રતિક્રિયાઓ પ્રત્યે સભાન બનો, તમારા ચિત્ત-શુદ્ધિકરણ ઉપર કામ કરો અને તમારી જાતને સાંભળતા શીખો.

જો તમે ટનલના અંતે પ્રકાશ ન જોઈ શકતા હોવ, તો કદાચ તમે આંખો બંધ કરીને ચાલી રહ્યા હશો. અને જો તમને પ્રકાશ દેખાઈ રહ્યો હોય તો યાદ રાખીને ખાત્રી કરી લેજો કે સામેથી કોઈ ટ્રેઈન તો નથી આવી રહી ને.

ભારતવર્ષમાં અત્યારે નવરાત્રી ચાલી રહી છે, નવ રાતોનો માં આદી શક્તિની પૂજાનો તહેવાર. તેની પાછળની પ્રાચીન વાર્તાનો ગર્ભિત અર્થ શું છે? સાધકની યાત્રામાં આવતાં પ્રાથમિક અવરોધો કયા છે? આ વિડીઓમાં તેનાં વિશેની વાત છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email