શું તમે અનિર્ણયાત્મકતાથી પીડાઓ છો? મારી દ્રષ્ટીએ તે એક માનસિક ખામી છે, એક માનસિક નબળાઈ. જેઓ પસંદ કરતા ડરતાં હોય છે તેઓ મોટાભાગે નિર્ણયને પાછો ધકેલતાં હોય છે. એ એક ખોટી માન્યતા છે કે નિર્ણય લેવામાં તમે જેટલી વધુ રાહ જુઓ એટલો વધુ સારો નિર્ણય લઇ શકાય. હું તમે આવેગશીલ થઇ જાઓ તેમ નથી કહેતો, પરંતુ કાયમ રાહ જોયા કરવી એ પણ એક મૂર્ખતા છે.

જીવનમાં ડગલે ને પગલે પસંદગીઓ કરવાનું આવતું હોય છે. જો તમે ધ્યાનપૂર્વક ચકાસો તો જણાશે કે આ સાચો કે ખોટો નિર્ણય લેવાની કોઈ વાત નથી. તમે ધ્યાનપૂર્વક ગહન ચિંતન કરીને નિર્ણય લેશો તો પણ તેમાં કઈ નિશ્ચિંતતા નથી કે એ તમારો એક સાચો નિર્ણય જ હશે. ખરેખર તો નિર્ણય લેતી વખતે તમને એ ખબર હોતી જ નથી કે એ નિર્ણય સાચો કે ખોટો છે. એની ખબર તો તમને તે નિર્ણય લીધા પછી તેનું જે પરિણામ આવે તેનાં પરથી જ પડતી હોય છે.

તમારા નિર્ણયને શું અસર કરે છે?

દરેક નિર્ણયનાં પાયામાં ત્રણ વસ્તુ હોય છે: ઈચ્છા, ડર અને શરતીપણું. આ નિર્ણય લેવો કે પેલો નિર્ણય લેવો તે મોટાભાગે તે નિર્ણયમાંથી થતાં ફાયદા કે નુકશાન ઉપર આધાર રાખે છે. જો ફાયદાની ઈચ્છા નુકશાનનાં ડર કરતાં વધુ હોય તો તમે ફાયદાની તરફેણમાં નિર્ણય લેશો, અને જો નુકશાનનો ડર એટલો બધો ન હોય તો તમે નુકશાનની તરફેણમાં નિર્ણય લેશો. નિર્ણય ન લેવો એવું કશું હોતું જ નથી, કેમ કે તે પણ એક નિર્ણય જ થઇ ગયો. ફાયદા કે નુકશાન સિવાય સમાજ, ધર્મ અને સંસ્કૃતિ દ્વારા તમારા મન પર એક પ્રકારનું શરતીપણું લાગેલું હોય છે જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમે બીજા શું વિચારશે તેનાં પર વિચાર કરવાં લાગો છો. બીજા લોકોનાં મત તમારા નિર્ણયને અસર કરી શકે છે, જો તમે તેનાં પ્રત્યે જાગૃત ન હોવ તો.

ભવિષ્યનાં તમામ પરિબળોને ને વિભાગી કે જાણી ન શકાય, હકીકતમાં તો તેનાં માટે પ્રયત્ન કરવો એ પણ એક બાલ-હરકત ગણાશે. જયારે તમારે નિર્ણય લેવો જ પડે તેમ હોય ત્યારે તમે તમને તે સમયે જેટલી ખબર હોય તેનાં આધારે નિર્ણય લો અને પછી તેના મુજબ ચાલવા લાગો. જો તમારો નિર્ણય તમારું મનપસંદ પરિણામ આપે તો ઉત્સવ મનાવો અને એ આનંદ બીજા સાથે પણ વહેચો. અને જો તેનાથી વિપરીત પરિણામ મળે, તો તમારી જાત ને યાદ અપાવો કે તે નિર્ણય તમે એક જાગૃત રહીને કરેલી પસંદગી હતી અને એનું જે કઈ પણ પરિણામ આવે તે સહન કરવાની તમારી તૈયારી છે. આ કોઈ દુનિયાનો અંત નથી. તમે ઇચ્છિત પરિણામ આપે એવા જ નિર્ણયો લો તેવી અપેક્ષા ન રાખી શકો. ભલે ને તમે ગમે તેવાં હોશિયાર, અંત:સ્ફૂરણાથી ભરપુર, કે વિદ્વાન કેમ ન હોવ, તમારા અમુક નિર્ણયમાં ખોટ હોવી તે એક સામાન્ય વાત છે.

કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારી જાત ને બે સોનેરી સવાલ પૂછો:
૧. હું શા માટે આ નિર્ણય લઇ રહ્યો/રહી છું.
૨. હું મારા નિર્ણયની જવાબદારી લેવા માટે તૈયાર છું?

તમે ગમે તે પસંદગી કરો તેનું કોઈ ને કોઈ પરિણામ તો હોવાનું જ. જ્યાં સુધી તમે તમારી પસંદગીઓના પરિણામને સ્વીકારવાની હિંમત ધરાવો છો ત્યાં સુધી જિંદગી તમને સારા નિર્ણય લેવાની તક પણ આપતી રહેશે.

પશ્ચ દ્રષ્ટિની જાળ

જયારે આપણી પસંદગી આપણને કોઈ ઈચ્છિત પરિણામ તરફ ન લઇ જાય, એ સમયે એવું લાગવું સામાન્ય છે કે આપણે આમ કરવાનું હતું કે આપણે આમ કરી શક્યા હોત. ક્યાંક તમને એવું માનવાનું મન થાય છે કે તમે તમારી પસંદગી ખરી કરી શક્યા હોત, તમે એ વ્યક્તિનું કહ્યું સાંભળી શક્યા હોત જે તમને આ પસંદગીની વિરુદ્ધ ચેતવી રહ્યા હતા, તમે થોડું વધારે વિચારી શક્યા હોત વિગેરે વિગેરે. હું આ બાબતને પશ્ચદ્રષ્ટીની જાળ કહું છું. હકીકત તો એ છે કે તમે એ સમયમાં સૌથી ઉત્તમ નિર્ણય કર્યો હોય છે. એવું કહેવાય છે કે પશ્ચદ્રષ્ટિ એ ૧૦ × ૧૦ ની દ્રષ્ટિ છે. એ સારું છે, પરંતુ તમે ફ્રી-વે ઉપર રીવર્સ ગીઅરમાં ગાડી નથી ચલાવતાં, તમે ગાડી આગળ ચલાવો અને નજર પાછળનું દ્રશ્ય બતાવતાં અરીસા પર ટેકવેલી રાખો તેમ ન પાલવે.

તમારા નિર્ણય મુજબ જીવવું એ રસ્તા પર ડ્રાઈવ કરવા જેવું છે; તમે થોડી થોડી વારે તમારી બંને બાજુ પરના અરીસા પર તેમજ પાછળનું દ્રશ્ય બતાવતા અરીસા પર નજર નાખી તમારી આજુબાજુના ટ્રાફિકને ચકાસી શકો છો, તમે લેન પણ બદલતાં હોવ છો, પરંતુ તમે હંમેશા આગળ જ તમારી મંઝીલ તરફ વધતાં રહો છો. અલબત્ત ત્યાં અવરોધો તેમજ શંકાઓ આવતાં જ રહેશે. એ તો રમતનો એક ભાગ છે. જો તમે તમારી જાત ને એમ કહી શકો કે – “હું જાણું છું ત્યાં સુધી હું સૌથી ઉત્તમ નિર્ણય લઉં છું” – ત્યાં સુધી તમે બરાબર છો એક દસકા પહેલાં મેં “Who Moved My Cheese?” નામનું એક સુંદર પુસ્તક વાંચ્યું હતું. તે ખરેખર વાંચવા જેવું છે. તમે તેને અહીં ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

“તારા માર્ક્સ એ સ્પષ્ટ બતાવે છે કે તું ભૂગોળનો અભ્યાસ બિલકુલ નથી કરતો!” શિક્ષકે કહ્યું,
“શું બહાનું છે તારી પાસે તેનું?”
“મારી પાસે કોઈ બહાનું નથી, મિસ. જોહ્ન્સન,” નાનકડાં જ્હોનીએ કહ્યું, “આ તો મારા પપ્પા કહે છે કે દુનિયા સતત બદલતી રહે છે. તો મને લાગ્યું કે હું તે સ્થિર થઇ જાય ત્યાં સુધી રાહ જોઈ લઉં, અને પછી તેનો અભ્યાસ કરું.”

અનંતકાલ સુધી રાહ ન જુઓ. જયારે તે અનંતકાલ આવશે ત્યારે તમારી પાસે જુદા પ્રકારની ચુનોતીઓ હશે. જો તમારે કઈ કરવું જ હોય તો, આગળ વધો અને તે કરવા માંડો. ફક્ત કાર્યો જ પરિણામનું સર્જન કરે છે. ખાલી વિચારો અને અનંત યોજનાઓ તમને એવા અંત વગરના રસ્તે લઇ જાય છે જ્યાં મુસાફરીનો કોઈ આનંદ રહેતો નથી. આવા રસ્તે ના તો કોઈ દિશા સૂચક નિશાની છે ના તો કોઈ પરમ સુખની પ્રાપ્તિ થાય તેવું કોઈ મંઝીલ સ્થાન. ત્યાં ફક્ત ઠાલા શબ્દો અને પોલી યોજનાઓ જ હોય છે.

જો તમે તરતા શીખવા માટે ગંભીર હોવ તો તમારે વહેલાં કે મોડા તમારા પગ ભીના કરવા જ પડશે. અન્ય કોઈ રસ્તાની મને ખબર નથી. કોઈ તમને માર્ગદર્શન આપી શકે, તમે શરૂઆતમાં ફ્લોટર્સનો ઉપયોગ કરી શકો. પરંતુ આખરે તો તમારે તમારી જાતે જ પાણીમાં એકલા રહેતા શીખવું પડશે, તમારે જવાબદારી તમારા હાથ પર લેવી જ પડશે. જો તમે અન્ય લોકોનાં મતથી પરેશાન હોવ તો આ વિડીઓ જુવો.

ભૂલો થાય તેનો કશો વાંધો નહી, ખોટા નિર્ણય લેવાય જાય તેનો પણ કશો વાંધો નહિ. તેને સ્વીકારો, તમારી શક્તિ મુજબ તેને સુધારી લો અને આગળ વધતા રહો. તમારી જાત ને સજા ન કરો. બદલાવ હમેશા વર્તમાન ક્ષણમાં થાય છે. તમે નિર્ણયો મૃત ભૂતકાળ કે છેતારમણા ભવિષ્યકાળ માટે લો છો. એવા બધાં વાક્યો કે જેમાં “આવું કર્યુ હોત”, “તેમ કરવા જેવું હતું”, “આવું કરી શક્યા હોત” – તે મૃત નિર્ણયો સૂચવે છે. અને એવા બધાં વાક્યો કે જેમાં “આમ કરીશ”, “તેમ કરીશ” તમારા ભવિષ્યના નિર્ણયો સૂચવે છે. ફક્ત વર્તમાન ક્ષણ જ એક માત્ર સત્ય છે. જો કાળની ભાષામાં કહેવું હોય તો…

The simple present and the present continuous are just about the only two tenses with any substance. All the other ones are simply there to tense you.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email