શું વધારે મહત્વનું છે? તમારી પાસે જે છે તેની કિંમત કે જે નથી તેની કિંમત? એક ક્ષણ માટે આ બાબત પર વિચારો. કૃતજ્ઞતાનો અર્થ છે જે તમારી પાસે હાલમાં છે તેનું મુલ્ય કરવું અને મહત્વકાંક્ષાનો અર્થ છે જે તમારી પાસે ભવિષ્યમાં હોઈ શકે છે કે નથી હોઈ શકતું તેની કિંમત કરવી. જો તમે તમારી મહત્વકાંક્ષાની ગર્જનાઓમાં તમારી કૃતજ્ઞતાનો અવાજ ડુબાડી દેશો તો પછી તમારી પાસે ખાલી ઘોંઘાટ બચશે, સંગીત નહી હોય. એવું શા માટે? કારણ કે મોટાભાગે મહત્વકાંક્ષાનો કોઈ અંત હોતો નથી, તે સુસંગત તો હોતી જ નથી; જયારે કૃતજ્ઞતા એ આ જીન્દગી એ જે કઈ તમને આપ્યું છે કે પછી જે કઈ પણ તમારી પાસે છે તેનાં પ્રત્યેનો તમારો સામુહિક પ્રતિભાવ છે.

ઘણાં સમય પહેલાં એક ટાપુ પર લાગણીઓનું એક ટોળું રહેતું હતું, જેમાં હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની લાગણીઓ સામેલ હતી. તેમનાં નામ હતાં આનંદ, દુઃખ, અસુરક્ષા, ક્રોધ, ડર, દયા, નમ્રતા અને કૃતજ્ઞતા. એટલું જ નહિ, આ ટાપુ પર બીજા તત્વો પણ રહેતાં હતાં કે જેઓ ઉચ્ચ સ્થાનેથી સંચાલન કરતાં હતાં. તેમનાં નામ હતાં અહં, સંપત્તિ અને સમય. પ્રેમ પણ ત્યાં રહેતો હતો પરંતુ તે હંમેશા બીજા લોકો સાથે રહેતો હતો, એની પાસે કશું હતું નહિ કે તે કશું પકડીને પણ બેઠો નહોતો. તે હંમેશા મૃદુ, માયાળું અને સૌમ્ય સ્વભાવનો હતો. આ દરેક લાગણીઓ આ ટાપુ પર એક માણસનાં મકાનમાં ભાડુઆત તરીકે રહેતાં હતાં.

સમય જતા હિમશીલાઓ ઓગળવા લાગી અને સમુદ્રની સપાટી વધવા લાગી, ટાપુ છે તે ધીમે ધીમે પાણીમાં ગરકાવા લાગ્યો. બધાં રહેવાસીઓ એ એક તાત્કાલિક મીટીંગ કરી અને નક્કી કર્યું કે આ સમય હવે ટાપુને છોડીને ચાલ્યા જવાનો છે. તેમને નક્કી કર્યું કે દરેક જણ પોતાની વ્યવસ્થા માટે પોતે જાતે જ જવાબદાર રહેશે. દરેક પોત પોતાનાં કામે વળગી ગયું. પ્રેમે છે તો કઈક જુદું જ વિચાર્યું. પ્રેમે નક્કી કર્યુ કે જે ટાપુએ તેને આટલાં વર્ષો સુધી આસરો આપ્યો તેને છોડીને જવું નથી. તેને છેલ્લી ક્ષણ સુધી રાહ જોવાનું નક્કી કર્યુ, તેને લાગ્યું કે બીજા પણ કેટલાંક રહી જશે. પ્રેમ માટે આ કોઈ લેવડ-દેવડ કે વ્યવહારની બાબત નહોતી, પ્રેમ માટે આ એક અખંડતા અને વચનબદ્ધતાની બાબત હતી. જો કે ટાપુ ખુબ જ જલ્દી પોતાનો સુકો ભૂમિ પટ આ કઠોર સમુદ્રમાં ગુમાવી રહ્યો હતો.

માણસો આ ટાપુને છોડીને જવા માટે સૌથી પહેલાં હતાં. કેટલીક નકારાત્મક લાગણીઓ જેવી કે દુ:ખ, શોક અને અસુરક્ષા તેમની સાથે જ જતા હતાં. પ્રેમ પાસે પોતાની કોઈ નાવ નહોતી. તેને ખુબ આજીજી સાથે કહ્યું, “મહેરબાની કરીને મને તમારી નાવમાં બેસવા દો?” પ્રેમે ખુબ આશાભરી નજરે બીજી લાગણીઓ તરફ જોયું. માણસોએ તો કોઈ જવાબ આપવાની તસ્દી પણ ન લીધી. તેઓ તો એકબીજા જોડે લડવા-ઝઘડવામાં જ વ્યસ્ત હતાં.
“અમે પોતે જ આ માણસોને વળગીને બેઠેલાં છીએ,” આ લાગણીઓ એકી અવાજે બોલી ઉઠી, “અમારી પાસે તારા માટે કોઈ જગ્યા નથી.”

ત્યારે જ પ્રેમની નજર અહં પર પડી કે જે પોતાની સ્ટીલની બનેલી હોડીમાં જઈ રહ્યો હતો. તે થોડી મજબુત, ભારે પરંતુ ટકાઉ લાગતી હતી.
“હું તમારી જોડે આવું?” પ્રેમે પૂછ્યું, “હું બહુ જ થોડી જગ્યા લઈશ.”
“ના!” અહં ચીખી ઉઠ્યો, “ક્રોધ અને ડરે મારી પાસે જે બે જગ્યા વધારાની હતી તે લઇ લીધી છે. વધુમાં હું તો તને ભાગ્યે જ કોઈ વાર મળ્યો છું, જયારે તેઓ તો મારા અતરંગ મિત્રો છે. હું તેમને ના છોડી શકું.”
પાણી તો સડસડાટ ઉપર ચડી રહ્યું હતું અને નજીકમાં જ પ્રેમે એક ભવ્ય નૌકા જોઈ જેનો માલિક સંપત્તિ હતો.
“તમે મને મહેરબાની કરીને તમારી નૌકામાં ચડવા દેશો? પ્રેમે પૂછ્યું.
“હું દિલગીર છું, મારી જોડે પહેલાથી જ આનંદ બેઠેલો છે,” સંપત્તિએ જવાબ આપ્યો, “હું તેનાં સાથમાં ભાગ ન પડાવું.”
પ્રેમ પોતાની આજુબાજુ મોટી નિરાશાજનક પરિસ્થિતિ પર એક નજર નાખી રહ્યો હતો ત્યાં જ એક અવાજ આવ્યો, “આવ, પ્રેમ, આવ. માર કુદકો.”

જેવો પ્રેમ નાવમાં બેઠો કે તેને દયા, નમ્રતા અને કૃતજ્ઞતાને જોયા કે જેમનાં મુખ પર એક અનોખું તેજ છવાયેલું હતું. તેઓ અંદર બેઠા હતાં. પ્રેમે તેમનો આભાર માન્યો.
“અરે, આ અમારી નાવ નથી,” કૃતજ્ઞતાએ કહ્યું, “તારે અમારો આભાર માનવાની જરૂર નથી.”
“તો પછી આ કોની નાવ છે?” પ્રેમને આશ્ચર્ય થયું. “મને કોણે બચાવ્યો?”
“આ નાવનો માલિક સમય છે,” દયાએ જવાબ આપ્યો.
“પણ મારી તો બીજા લોકોની નજરમાં કોઈ કિંમત જ નહોતી. સમયે મારી જિંદગી કેમ બચાવી?”
“છે ને પ્રેમ,” નમ્રતા બોલી, “સમયને જ ખાલી તારી કિંમતની ખબર છે.”

તમે ફરીથી આ વાંચો અને તેના પર વિચારો તો આ દંતકથામાં તમને જીવનનું ડહાપણ જોવા મળશે. આપણા આ દોડધામ વાળા જીવનમાં, તમે તમારી મંઝીલ કે સમાપન રેખા પર પહોચવા માટે એટલાં બધાં તલ્લીન હોવ છો, કે અમુલ્ય વસ્તુઓ નિરર્થક લાગતી હોય છે. કોઈપણ વસ્તુનો અર્થ તેની કિંમત પરથી નહિ પરંતુ તેનાં મુલ્ય પરથી નક્કી થતો હોય છે.

તમે કલ્પના કરો કે તમે દસ કરોડ રૂપિયા જલ્દી કમાઈ લેવા માટે તમારી તંદુરસ્તી અને તમારા કુટુંબ સાથે બાંધછોડ કરી રહ્યાં છો. તે બાંધછોડની કિંમત કદાચ દસ કરોડ રૂપિયા હશે, પરંતુ તે દસ કરોડ રૂપિયાનું મુલ્ય શું? શું તે આ બાંધછોડ માટેની કોઈ લાયક કિંમત છે? જયારે કૃતજ્ઞતા તમારી મહત્વકાંક્ષાને ઇંધણ પૂરું પાડે છે, ત્યારે જીવન એક સરળ મુસાફરી બની રહે છે, પરંતુ જયારે મહત્વકાંક્ષા તમારી કૃતજ્ઞતાને ચલાવી રહી હોય ત્યારે જીવનમાં કશુંક ખૂટતું હોવાની લાગણી તમને ક્યારેય છોડતી નથી. જયારે તમારી પાસે દયા, કૃતજ્ઞતા, નમ્રતા વગેરે હોય, ત્યારે તમારી પાસે ખરેખર તો પ્રેમ હોય છે. પ્રેમના આ ત્રણ પ્રાથમિક તત્વો છે. બાકીની કોઈ પણ ફેરબદલી કાં તો લગાવ હોઈ શકે ને કાં તો સનકીપણું.

આપણે આપણી પાસે શું હતું તેનું ખરું મુલ્ય જયારે તેને ગુમાવી બેસીએ ત્યારે કે પછી જેને હંમેશા હળવાશથી જ લીધું હોય તેને સમય જયારે આપણાથી જુદું પાડી દે ત્યારે જ સમજતા હોઈએ છીએ. તમે કૃતજ્ઞતા ઉપરનું પ્રવચન અહી સાંભળી શકો છો.

કૃતજ્ઞ બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email