હાલમાં જ હું ક્રોધ સાથે સહજ ન થવાથી થતાં ફાયદા ઉપર બોલ્યો હતો. જયારે તમે તમારા ક્રોધને અંદરથી આવતા એક સ્વાભાવિક પ્રતિભાવનાં રૂપે વ્યક્ત નથી કરતાં ત્યારે તમે તમારી જાતને એક પસંદગી, તેમજ તમારી જાતને શાંત થવામાં ખાસ્સો બધો અવકાશ આપો છો. તમે ત્યારબાદ શું કરવું તે નક્કી કરી શકો છો. ભલા થઇને પ્રતિભાવ આપી શકો, જતું કરી શકો, કે માફ કરી શકો વિગેરે. મારા પ્રવચનમાં મેં તમારી જાતને વ્યક્ત કરતાં પહેલાં ત્રણ દિવસ રાહ જોવા માટે કહ્યું હતું. તમે આ પ્રવચનનો અંશ અહી સાંભળી શકો છો. શ્રોતાગણમાંથી કોઈ એકે બહુ સરસ સવાલ કર્યો હતો: તેને કહ્યું હતું કે, “શું ક્રોધને અંદર દબાવી દેવો એ વધુ નુકશાનકર્તા નથી, પછી ભલેને એ ત્રણ દિવસ માટે પણ કેમ ન હોય?”

જો કે મેં ક્રોધ ઉપર પહેલાં ખાસ્સું લખ્યું છે. મને લાગ્યું કે મારે હજી વધુ વિસ્તારપૂર્વક લખવું જોઈએ. વિશેષતઃ આજે હું તમને તમારા પ્રતિક્રિયાત્મક અને ઝેરીલા ક્રોધ વચ્ચેનો ભેદ સમજવા માટે મદદ કરીશ. કારણ કે નહીતર તમને એ ખબર નહિ પડે કે તમારો ક્રોધ વિનમ્રતામાં બદલાઈને તમારા હૃદયમાં ઉતરી ગયો છે કે પછી કામચલાઉ રીતે સંતાઈ ગયો છે? તમને એ કેવી રીતે ખબર પડે કે ક્રોધનો પ્રકોપ એ ક્રોધનો અંત છે કે પછી ખાલી એ તો આઇસબર્ગની એક નાની ટોચ માત્ર છે? વાંચતા રહો.

પ્રતિક્રિયાત્મક ક્રોધ

પ્રતિક્રિયાત્મક ક્રોધ એ કોઈ અનીયંત્રણશીલ પરિસ્થિતિ પ્રતિ તમારો શારીરિક, લાગણીશીલ કે માનસિક પ્રતિભાવ હોઈ શકે છે. જેમકે તેનું નામ સૂચવે છે તેમ તે એક પ્રતિક્રિયા છે, એ તમારો આવેગ હોઈ શકે છે. અને તે કોઈ દુ:ખ, નફરત કે ડરનાં લીધે સક્રિય થઇ જાય છે. તે ફક્ત એક પ્રતિભાવ કે આવેગ છે, તેને વ્યક્ત કર્યા પછી કદાચ તમે હળવાશ કે સારું પણ અનુભવી શકો. જયારે તે દુ:ખના લીધે સક્રિય થતો હોય છે ત્યારે તે કદાચ અંદર ભરાઈ ગયેલી નકારાત્મક લાગણીઓ અને દુ:ખને બહાર નીકળવામાં મદદ કરે છે. છતાં, જયારે આ ક્રોધ ધ્રુણા કે નફરત, ડર કે આશ્ચર્યમાંથી બહાર આવે છે ત્યારે તે તમારો સહજ પ્રતિભાવ હોય છે, જાણે કે તમને કોઈએ ઊંઘતા ઝડપી લીધા હોય, તે ક્રોધનાં આવેગ જેવો હોય છે. તમને કદાચ વસ્તુ તોડવાનું, લાતો મારવાનું, મુક્કા મારવાનું, ચીસો પાડવાનું મન થાય છે. જયારે ક્રોધ પ્રત્યે પ્રતિભાવ આપવાની વાત આવે છે ત્યારે લોકો માટે બરાડા પાડવાનું સામાન્ય છે. એ કદાચ તેમાંથી બહાર આવવાનું એક વર્તન (coping mechanism) પણ હોઈ શકે, અને મોટા ભાગે તો તે એવું જ હોય છે. મોટાભાગે જે ઘરોમાં નાના બાળકો પોતાનાં માં-બાપને બરાડા પાડતાં કે દલીલો કરતાં જુએ છે તો તે પણ તેવાં બનવાની શક્યતા ધરાવે છે કદાચ હિંસક પણ બની શકે અને કાં તો તેમનાં પાછળનાં વર્ષોમાં અંદરથી ભયભીત અને અસુરક્ષિત મહેસુસ કરવા લાગે છે. જો કે આ પ્રકારનો ક્રોધ પ્રતિક્રિયાત્મક હોય છે છતાં પણ તે ઝેરીલા ક્રોધ જેટલો ખરાબ નથી.

ઝેરીલો ક્રોધ

જયારે તમે તમારી કોઈ પણ લાગણીને દબાવો છો, તે તમારી ચેતનામાં સ્થિર થઇ જાય છે જાણે કે કોઈ ઝેરી બીજ. વધારે દબાણથી, સમય જતાં તે ઉગી નીકળે છે અને ફાલી ઉઠે છે પરિણામે કોઈ વખતે તમારા મન અને શરીરને ફરી સુધારી ન શકાય એટલું બધું નુકશાન કરી દે છે. અશાંત બાળપણ અને અત્યાચાર તેમજ અનુચિત વ્યવહારથી ભરેલો સંબધ આ બે બાબતો મુખ્યત્વે જવાબદાર કારણો હોય છે, એવું મેં આજ સુધી અનેક લોકોને મળ્યા પછી અનુભવેલું છે. છતાં કોઈ વખત એક સાથીદાર એટલું બધું આત્મમોહી હોય છે કે કે કદાચ તેમની સાથેનો સંબધ અત્યાચાર અને અનુચિત વ્યવહારથી ભરેલો ન પણ લાગે તેમ છતાં તે મુક્ત અભિવ્યક્તિની અવકાશ આપતો ન હોય એવું બની શકે. તમને તે સંબધમાં તમારા મત કે ગુસ્સાને અભિવ્યક્ત કરવાનો કોઈ મોકો જ નથી મળતો. આ પરીસ્થિતી કદાચ તમે જ્યાં કામ કરતાં હોય તે જગ્યાએ પણ હોઈ શકે છે. આ વખતે તમે તમારા ક્રોધને પકડી રાખો છો. જો તમે તેને તમારી અંદર રાખો અને એને બહાર ન આવવા દો, તો તે સમય જતાં અતિ ઝેરી બની જતો હોય છે. અને તમને એ કેવી રીતે ખબર પડે કે તમારો ક્રોધ તમારી અંદરથી બહાર નીકળી ગયો છે કે હજી પણ અંદર જ છે? આગળ વાંચો:

ઝેરીલો ક્રોધ, એક સ્થાયી લાગણી છે, કે જે મોટાભાગે તમને ડીપ્રેશન કે વ્યાકુળતા તરફ લઇ જાય છે. એ ચયાપચયની ક્રિયામાં દોષયુક્ત બદલાવ લાવે છે જે તીવ્ર માથાનાં દુઃખાવા અને વજનનાં વધારામાં પરિણમે છે. તેનાંથી હૃદયનાં રોગો, હાઈ બ્લડ-પ્રેશર, અને કેન્સર જેવા રોગો થઇ શકે છે. હા, કેન્સર પણ. સરળ રીતે સમજીએ તો કેન્સરગ્રસ્ત કોશો એક અતિ-તંદુરસ્ત કોશો હોય છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં ફાલતાં હોય છે. જો તેને આંતરિક પ્રક્રિયાનાં ભાગ રૂપે ઓક્સિજન મળે તો તે પોતાને શુદ્ધ કરી લેશે. યોગ અને આયુર્વેદનાં ગ્રંથો કહે છે કે ક્રોધ અને બીજી નકારાત્મક લાગણીઓની પ્રાણવાયુ કે જે એક મહત્વનું જીવન-બળ છે, તેનાં જથ્થા ઉપર સીધી અને નકારાત્મક અસર થતી હોય છે. અને પ્રાણવાયુની આવી ખોટનાં લીધે ચયાપચય, હોર્મોનલ અને બીજા ગ્રંથીય રોગોની સાથે સાથે ગાંઠ પણ થતી હોય છે. આ પ્રાણવાયુ એ ઓક્સિજનનો સાર તત્વ છે જે આપણા અસ્તિત્વને ટકાવવા માટે જરૂરી છે. તમે ક્રોધને રહેઠાણ તો નથી આપ્યુંને ને તે નક્કી કરવા માટે તમારી પોતાની તંદુરસ્તી તપાસો.

સૌથી મહત્વનો સવાલ એ છે કે તમારા ક્રોધને કઈ રીતે ચકાસવો? તમે તેનું માનસિક બીનઝેરીકરણ કેવી રીતે કરો? હાલમાં જ, થોડા લોકોનું એક જૂથ મારી સાથે ત્રણ દિવસનાં એકાંતવાસ (Spiritual Retreat)માં જોડાયું હતું, જેમાં મેં કેટલાંય ગુણો ઉપર ધ્યાન કરવાનું કહ્યું હતું કે જેથી તમે ક્રોધમુક્ત અવસ્થામાં- જે પ્રતિક્રિયાત્મક અને ઝેરીલા બંને પ્રકારથી મુક્ત – રહી શકો. છતાં એમાં એનાં વિષે મેં કહ્યું તેનાંથી પણ વધુ છે, અને તેને આ વર્ષનાં અંત સુધીમાં લખીને વણી લેવાની યોજના મારી અગ્રીમતાની યાદીમાં છે. ત્યાં સુધીમાં, તમે બ્લોગમાં માફી, કૃતજ્ઞતા, દયા વિગેરે પર વાંચી શકો છો. તમે એક નાની ઈ-બુક Seven Yogic Practices પણ વાંચી શકો છો જે ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

તમે તમારી જાતને જેટલી વધુ જાણશો તેટલી તમારા વિશેની વધુ જાગૃતતા તમે કેળવશો. અને તે જાગૃતતાની સાથે તમે તમારી ક્રિયા અને પ્રતિક્રિયા પ્રત્યે વધુ સભાન બનશો. અને આ સભાનતા સ્વયં એક માની ન શકાય તેટલો શક્તિશાળી ગુણ છે. સાથે સાથે તમારી જાતનું ધ્યાન રાખવું એ પણ એટલું જ અગત્યનું છે, તમારી જાતને શ્વાસ લેવાનો થોડો અવકાશ આપો, તમારી જાત પ્રત્યે કઠોર ન બનો, એક સ્વતંત્રતાને અનુભવવી અને તેની સાથે જીવવું એ પણ અગત્યનું છે. જો તમે અત્યાચારથી ભરેલા સંબધમાં જોડાયેલા હોવ તો તમે તમારી જાત સાથે ખોટો વ્યવહાર કરી રહ્યા છો, તમે તમારી જાતની બિલકુલ ખોટી રીતે સેવા કરી રહ્યા છો. તમને વધુ સારું મળવું જોઈએ કેમ કે તમે તેના માટે લાયક છો.

તમે સુખભરી જિંદગી જીવી શકો છો, તમારા માટે જે જરૂરી હોય તે બધું તમે કરી શકો છો અને તેમાં કશું ખોટું નથી, તમે જે છો તે બની રહો. એક સારો સંબધ, એક તંદુરસ્ત વાતાવરણ તમને એ માન અને એક અંગત અવકાશ આપે છે.

પ્રતિક્રિયાત્મક હોય કે ઝેરી, ક્રોધ એ યોગ્ય વસ્તુ નથી. તમારી લાગણીઓને સંચાલિત કરવાનો વધુ સારા રસ્તા હંમેશા હોય છે, જો તમે તમને તેમ કરવા દો તો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email