કોઈ વખત ગુસ્સામાં બરાડા પાડવાથી હલકા થઇ જવાતું હોય છે, તે તમને તમારી અંદર ભરાઈ ગયેલી ઘણી બધી લાગણીઓને મુક્ત કરવામાં, તેમજ ગુસ્સાના આવેગને અને અંદર ભરાઈ બેઠેલી ઘણી બધી વસ્તુઓને બહાર વહાવી દેવામાં મદદરૂપ થાય છે. પરંતુ જયારે તમે બરાડા પાડો છો ત્યારે તે સામે વાળી વ્યક્તિને તકલીફ પહોચાડે છે, અને ચોક્કસ તમારાં સંબંધની ગુણવત્તાને પણ અસર કરે છે. તે પણ ખરાબ રીતે. માટે તે કોઈ યોગ્ય વિકલ્પ ન કહેવાય. વધુમાં, બરાડા પાડવા તે એક ગુસ્સાની લાગણી સાથે જોડાયેલ પ્રવૃત્તિ છે માટે તે તમને નબળા પણ પાડી દે છે, કદાચ પાછળથી પસ્તાવો પણ કરાવે. તમે એવી કલ્પના કરો કે તમે ગુસ્સે થયા વગર બરાડા પાડી શકો છો. ગાંડા જેવું લાગે છે? આગળ વાંચો, જયારે તમે આ લેખનાં અંતે પહોચશો ત્યારે તમારો મત બદલાઈ જશે.

શાલીનતા અને શિષ્ટાચાર – કે જે ધર્મે શરતી બનાવી દીધાં છે – નાં નામે, આપણો સમાજ આપણને ખરેખર તો મુક્ત અભિવ્યક્તિ કરવાની છૂટ જ નથી આપતો. જ્યાં સુધી તમારી અભિવ્યક્તિ સમાજે બનાવેલી પ્રણાલીમાં બંધબેસતી હોય ત્યાં સુધી તો બધું બરાબર છે. પરંતુ જો તમે કોઈ બીજો રસ્તો અપનાવો તો તરત તે તમારાથી અંતર બનાવવાનું ચાલુ કરી દેશે. જો તમે એકદમ અલગ જ ચાલ ચાલો તો તે તમારો એકદમ તિરસ્કાર કરી દેશે. સોક્રેટીસને ઝેર પીવું પડ્યું, ઈશુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા, એરીસ્ટોટલ ભાગવામાં સફળ રહ્યા. આપણે બહું દુર જવાની પણ જરૂર નથી, તમે તમારા બોસ ઉપર ચિલ્લાઓ અને તમને તરત પાણીચું પકડાવી દેવામાં આવશે. તમે સોકરની રમતનાં મેદાન ઉપર રેફરી ઉપર ચિલ્લાઓ અને તમને તરત લાલ કાર્ડ આપવામાં આવશે. તમારી એ દરેક અભિવ્યક્તિ કે જે સમાજની માન્યતાની બહાર છે, સમાજ તેને ખતમ કરવાનો જ પ્રયત્ન કરશે.

શારીરિક પ્રવૃત્તિ પછી તે રમત હોય, શોપિંગ હોય, જીમમાં કસરત કરવાની હોય, અરે પ્રેમ કરવાની વાત પણ કેમ ન હોય, તે દરેક તમને એક નિકાસ માર્ગ-અભિવ્યક્તિ માર્ગ પૂરો પાડે છે. તમારી જાતને મુક્ત રીતે અભિવ્યક્ત કરવા માટેની તકની એક નાની બારી બને છે. તમે રમતના સ્ટેડીયમમાં કાં તો જીમમાં વજન ઉચકતી વખતે તમારામાં હોય તેટલું જોર કરીને બુમ પાડી શકો છો. ત્યારબાદ તમે વરસાદ પડ્યા પછી જેમ પ્રાકૃતિક દ્રશ્ય લીલુંછમ, તાજું અને નવું લાગે છે તેમ તમે પણ શાંત અને તણાવમુક્ત બની જાવ છો. દરેક બુદ્ધિશીલ પ્રવૃત્તિ તમને એક વ્યસ્તતા કે પછી અભિવ્યક્તિનો માર્ગ આપે છે. ઘણાં લોકો એવાં હોય છે કે જે સરકારને કોર્પોરેશનને દુનિયાનાં ભૂખમરા કે બાથરૂમના ટપકતા નળ વિષે પોતાનો મત લખી જણાવતાં હોય છે. તેમને બહુ સારી રીતે ખબર હોય છે કે તેમની ટપાલ કદાચ વાંચવામાં પણ નહિ આવે, તેમ છતાં તે તેમને એક અભિવ્યક્તિનો માર્ગ પૂરો પડે છે. અને તે જ એ ચાવી છે – એક નિકાસ માર્ગ! તમારી અનિચ્છનીય લાગણીઓને પણ તમારા તંત્રમાંથી કોઈ રીતે ધોઈ નાંખવાનો એક રસ્તો હોય તો કેવું! વારુ, રસ્તાઓ તો છે જ. ઘણાં બધા છે. તમારામાંના કેટલાંક ઉપરથી તો બંધ છે પણ સોડાની બોટલ જેવા. અંદર એક મોટું તોફાન હોય પરંતુ બહારથી છેતરાઈ જવાય એટલું શાંત.

તમે બાળકોને જુઓ, તે ગમે ત્યારે બુમો પાડશે કે રડશે અને તેમની લાગણીઓને કાઢી નાંખશે અને બીજી જ ક્ષણે ખુશ થઇ જશે. મુખ્ય તફાવત એ છે કે તેઓ કોઈનાં પ્રત્યે બરાડા નથી પાડતા, તેઓ તો ફક્ત બરાડા જ પાડતા હોય છે. તેઓ હજુ સમાજનાં બનાવેલાં નિયમોનાં અનુબંધનમાં નથી આવ્યા હોતા. સમાજ તેમને અપરીપક્કવ ગણી તેમનાં તોફાન સહન કરી લે છે. બીજી બાજુ એક પુખ્ત વ્યક્તિ પોતાનાં મગજમાં માનસિક તોફાનો કરે છે. તેઓ ખાલી બરાડા નથી પાડી શકતા, માટે તેઓ “કોઈનાં ઉપર” બરાડા પાડે છે. ચાલો હું હવે વસ્તુનો સાર કહી દઉં. જાઓ અને કોઈ એક એકાંત સ્થળ શોધો કે જ્યાં તમે બરાડા પાડી શકો. હા બરાડા, કોઇપણ પ્રકારની રોકટોક વગર. એવાં સ્થળે કે જ્યાં તમે જઈ ને જોરથી, ખરેખર જોરથી, બુમો પાડી શકો – એવી ચિંતા કર્યા વગર કે કોઈ મને સાંભળશે.

ત્યાં સુધી બુમો પાડો જ્યાં સુધી અંદર ભરાઈ બેઠેલી વર્ષો અને વર્ષોની લાગણીઓ બહાર ન નીકળી જાય. કદાચ એવી ક્ષણો તમારા જીવનમાં આવી હતી જયારે તમને ખોટા પાડવામાં આવ્યા હતા અને તમને રડવાનું મન થઇ આવેલું પણ તમે નહોતા રડી શક્યા, જયારે તમે તમારી પ્યારી વ્યક્તિને ગુમાવી દીધી હતી પણ તમે તમારી ખોટને અભિવ્યક્ત નહોતી કરી શક્યા, એવી ક્ષણો કે જેમાં તમે ભયભીત થઇ ગયા હતા છતાં એક બહાદુર હોવાનો ચહેરો પહેરી લીધો હતો, તમને નીચા હોવાની લાગણીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો છતાં પણ તમને લાગ્યું હતું કે તમને કશી અસર નથી થઇ, તમે પોતે તમારી મહત્વકાંક્ષાઓ, ધ્યેયો, અને પ્રાથમિકતાઓને તમારા કુટુંબ અને મિત્રજનો માટે ત્યાગી દીધી હશે એવું બન્યું હશે. એવી ઘણી બધી સુષુપ્ત લાગણીઓ હશે કે જે તમને ભારનો અનુભવ કરાવતી હોય, જે તમારી અંદર ઊંડે ભરાઈ બેઠેલી હશે, તેને મુક્ત કરી દો. તો, તમારી આંખમાંથી આંસુ નીકળી પડે તેટલી જોરથી બરાડા પાડો. તમે પહેલાં ક્યારેય ન અનુભવ્યું હોય તેટલું હળવા થઇ જશો.

આ અનુભવો. તમારી અંદર જુઓ, તમે કેટલી વસ્તુઓને તમારી અંદર ભરીને ચાલી રહ્યા છો! તેમાંની મોટાભાગની તમારી પોતાની પસંદગીથી નથી, તમને એ ખબર જ નથી કે તેને તમારી અંદરથી બહાર કેમ કાઢવી. લોકો ધ્યાન કરે છે, કસરત કરે છે, રમત રમે છે, તેઓ પ્રયત્ન કરે છે, તેઓ હળવા થવા માંગે છે, તેઓ ખુશ થવા માંગે છે, તેમને શાંતિનો અનુભવ કરવો હોય છે. ક્યારેય તમે એક નાના બાળકના ચહેરાને જયારે તે સુતું હોય કે હસતું હોય ત્યારે જોયો છે? તેઓ પોતાની જાતને ખાલી કરવામાં માહેર હોય છે. તમારી જાતને ખાલી કરો. તે તમને ફોડી નાખે તે પહેલાં તેને મુક્ત કરી દો. જો તમારી અંદર કોઈ હકારાત્મક લાગણી છે – તેને એક માર્ગ આપો અને તે ઉગી ઉઠશે; જેમ કે એક દીવો બીજા દીવાને સળગાવે તેમ. તમારી અંદર કોઈ નકારાત્મક લાગણી છે? તેને પણ માર્ગ આપો અને તે તમને હળવા બનાવી દેશે.

તમે એક પવિત્ર હસ્તી છો, તમારી પૂજા કરો, જે કઈ પણ તમને તમારી ખુદની ભક્તિ કરવામાં લાયક ન ઠેરવતું હોય તેને પડતું મુકો. તેને અંદર ભર્યા ન કરો. તમારી જાત ને ખાલી કરો.

 

શાંતિ.

સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email