શરૂઆતથી જ આપણને સારા, દયાળુ, દાન આપવાનું, માફ કરવાનું વિગેરે શીખવવામાં આવે છે. એ એક સારું શિક્ષણ છે, તેમાં કોઈ શંકા નથી. એક નૈતિક જીવન વિશે ધર્મ ઉપદેશ આપે છે, શિક્ષકો શિક્ષણ આપે છે, માં-બાપ અવિરત પ્રયાસથી મનમાં તેને બેસાડવાની કોશિશ કરે છે, સમાજ છે તે તેની તમારા પ્રત્યે અપેક્ષા રાખે છે અને તમારો જેનાં પર પ્રેમ છે તે તમારી પાસેથી તેની ઈચ્છા રાખે છે. તમે હંમેશાં સદગુણોથી ભરેલાં જીવન માટે કામ કરતાં રહો છો, અને તે ક્યારેય ખતમ જ નથી થતું જેમ કે કુતરું પોતાની પૂંછડી પકડવાની કોશિશ કરતુ હોય તેમ. તેમની અપેક્ષાઓ ક્યારેય ખતમ થતી દેખાતી જ નથી હોતી, અને કદાચ તેઓ પણ તમારા વિષે એવું જ કઇક કહેતાં હોય તેવું પણ બને. આજે હું મારા આ વિષેનાં વિચારો કહીશ, કદાચ તમને થોડા અસાધારણ લાગી શકે:

એક મજબુત અને ફળોથી લદાયેલાં વૃક્ષની કલ્પના કરો. જો તે સારી રીતે ઉછરેલું હશે તો તે ઉત્તરોત્તર પ્રત્યેક ઋતુમાં વધારે ને વધારે ફળો આપશે, દ્રાક્ષનાં વેલા તેની ફરતે ચડેલાં હશે, તે બીજાને છાંયો પણ આપતું હશે. તેની ડાળીઓ પર પક્ષીઓ પોતાનો માળો બાંધતા હોય, ખિસકોલીઓ તેની શાખાઓમાં ક્યાંક ઘર કરીને રહેતી હોય, તેની એક સુગંધ એક ખુશ્બુ હવામાં ચોમેર છવાયેલી હોય. તે પરીતંત્રને માટે સહાયકારક જ નહિ પરંતુ પોતે ખુદ એક પરીતંત્ર બની ગયું હોય એવું લાગે છે.

ઉપરોક્ત પ્રત્યેક વાત ત્યારે જ શક્ય છે જો વૃક્ષ પોતે મજબુત હશે અને તેને પુરતું પોષણ મળેલું હશે, જો તેને પોતાનાં મૂળ ફેલાવવાની અને જમાવવાની જગ્યા મળી હશે અને જો તેને જરૂરી તાજી હવા, ઓક્સીજન તેમજ પુરતો સૂર્યપ્રકાશ મળ્યો હશે. જો તે વૃક્ષને પોતાની મૂળભૂત જરૂરિયાતોથી દુર રાખવામાં આવ્યું હશે, તો તે ધીમે ધીમે ખવાતું જશે અને એક દિવસે સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે. અને તેનાં ફળનાં ખાનાર, પક્ષીઓ, ખિસકોલીઓ, બીજી વન-લતાઓ, પર્યાવરણ અને પરીતંત્ર એમ પ્રત્યેક વસ્તુ ખરાબ રીતે અસરગ્રસ્ત પામશે.

હવે એવું કલ્પનાચિત્ર બનાવો કે તમે પોતે તે વૃક્ષ છો. એ કેટલું સુંદર દ્રશ્ય હશે જયારે તમે એક સુગંધ અને ફળોથી લદાયેલાં છો, જયારે તમે લીલાછમ અને તંદુરસ્ત છો, પક્ષીઓ તમારી ઉપર બેસીને ગીત ગાય છે, દરેક ને તમારો હોવાનો ફાયદો થઇ રહ્યો છે. પરંતુ તમે દરેકને આ મુલ્ય લાંબા સમય સુધી ત્યારે જ પુરા પાડી શકો જ્યાં સુધી તમે પોતે જીવતા છો અને મજબુત છો. અને એ થવા માટે તમારે જેની જરૂર હોય તે તમને આપવું જ પડે. તમે ગમે તે હોવ, એક પુત્રી, એક માં, એક CEO, તમે કોઈ પણ અને ગમે તે હોવ, જો તમે તમારી પૂર્તિ માટે કામ નહિ કરો, જો તમે બીજાની અપેક્ષાઓ સંતોષવા માટે થઇ ને તમારી જરૂરિયાતોને અવગણતાં રહેશો તો તમે જેમ ઝાકળ સૂર્યપ્રકાશની હાજરીમાં અદ્રશ્ય થઇ જાય છે તેવી રીતે તમારા જીવનની મનોહરતા-સુંદરતા પણ એકદમ ઝડપથી અદ્રશ્ય થઇ જશે.

જો તમે અંદરથી ખુશ હશો, પરિપૂર્ણ હશો, થોડા અંશે પૂર્ણતાને અનુભવતા હશો, તમારી કાળજી લેવાઈ રહી હશે, તો તમે બીજાનું ધ્યાન ખુબ વધારે સારી રીતે રાખી શકશો. એટલા વ્યસ્ત ન બની જાવ કે તમે તમારી જાતને જ ભૂલી જાવ. એક ભોળા હોવું અને નમ્ર હોવું તેની વચ્ચે ખુબ પાતળો તફાવત છે. અને શું છે તે? તમારે મને કે બીજા કોઈને પણ પૂછવાની જરૂર નથી. અંતરાત્માને પૂછો. તમારો આંતર્નાદ તમને તેનો એકદમ સ્પષ્ટ જવાબ આપશે. કોઈ શ્રીમંત વ્યક્તિ, કે જેને પૈસો પોતાની આર્થિક કુશાગ્રતાથી ભેગો કરી જાણ્યો છે, તે જ તમને કહી શકશે કે તે પૈસાની કેટલી બચત કરવી અને કેટલો ખર્ચમાં વાપરવો, ખર્ચ કરવામાં કેટલો વાપરવો અને ફાયદાકારક પુંજીનિવેશ(investment)માં કેટલો લગાવવો, કેટલા ઉછીનાં લેવા કે કેટલાં ઉછીનાં આપવા તેનાં વિષે જ્ઞાન આપી શકે. તમારી આર્થિક સફળતા ઉપરોક્ત બાબતોમાં તમારું સંતુલન કેટલું જળવાયેલું છે તેનાં ઉપર આધારિત છે. અને એ જ વસ્તુ તમારાં સમય માટે-તમારા જીવન માટે પણ લાગુ પડે છે. સમય-જીવનનો થોડો ભાગ કોઈ બીજાને આપો અને થોડો ભાગ તમારા પોતાનાં માટે જાળવો, થોડો તમે ખર્ચો અને થોડો તમે બચાવો.

તમે તમને જેમાં આનંદ આવતો હોય કે સુખપ્રાપ્તિનો અનુભવ થતો હોય તેવી પ્રવૃત્તિમાં તમે જો નહિ જોડાયેલાં રહો તો તમારી આંતરિક શાંતિ અને આનંદનું બાસ્પીભવન થઇ જશે. તમને હંમેશાં એવું લાગતું રહેશે કે જીવનમાં કઈક ખૂટે છે અને એ જાણ્યા વગર કે શું ખૂટે છે, તમે બીજા પ્રત્યે, તમારા પ્રત્યે, અને આખી દુનિયા પ્રત્યે ગુસ્સે થયા કરશો. તમને જણાશે કે તમે હવે બહુ જલ્દી ચિડાઈ જાવ છો, તમને લાગશે કે તમે પહેલાંની જેવા ધીરજવાન કેમ નથી રહ્યા? જો તમે આ બધું અનુભવી રહ્યા હોવ તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે તમારી કાળજી બરાબર નથી કરી રહ્યા. તમારા સ્મિતની પાછળ તમે તમારી સ્વતંત્રતાનાં લાભને છુપાવી રહ્યા છો. તમે બીજાને તો મુર્ખ બનાવી શકો ખુદ ને નહિ. તમારી અસલિયત તમને તો ખબર જ છે.

થોડો સમય અંતરાવલોકન-આત્મવિશ્લેષણ માટે કાઢો. તમને શું કરવાનું ગમશે, તમને શું આનંદ આપશે, શું કરવાથી તમને પુર્ણતાની લાગણી અનુભવાશે, તમારા જીવનને શું અર્થપૂર્ણ લાગે છે તે લખી કાઢો. અને તમારી જાત માટે સમય, ભલે થોડો તો થોડો, આપવાનું ચાલુ કરી દો. તમે પોતાને એકદમ નવા મેળવીને આશ્ચર્યચકિત થઇ જશો. તમારી આજુબાજુનાં લોકો પણ તમારામાંથી ઘણું વધારે મેળવશે, સદગુણોને પછી શીખવવા નહિ પડે, તે આપોઆપ કુદરતી રીતે આવશે.

મુલ્લા નસરુદ્દીન જયારે નાના હતા ત્યારે એક દિવસ ઘરે એકલાં હતા. તેમના માતા-પિતાએ વચન આપ્યું હતું કે  મુલ્લા જો તેમની ગેરહાજરીમાં બરાબર રહેશે તો તેઓ તેમને ઇનામ આપશે.
પાછા આવ્યા બાદ તેમને પૂછ્યું, “તો, તું તોફાન કર્યા વગર એક ડાહ્યા દીકરાની જેમ રહ્યો હતો?”
“ખાલી ડાહ્યો? હું તો ડાહ્યા કરતાં પણ વધારે ડાહ્યો રહ્યો હતો. એટલો ડાહ્યો કે હું પોતે તો જે છું તે રહ્યો જ નહિ!”

જો તમે જે છો તે ન રહેવાનાં હોય તો પછી એવાં સારા બનવામાં સારું શું છે! તમારે આજથી ને અત્યારથી જ સમય ફાળવવો પડશે કારણ કે જીવન તો હર ક્ષણે પસાર થઇ રહ્યું છે, ઘડિયાળ ની ટીક-ટીક ચાલુ જ છે. અપેક્ષાઓ તો રહેશે જ જો વધશે નહિ તો પણ. શેક્સપીયર કહે છે આનંદ ઉઠાવવો હોય તો અત્યારે જ ઉઠાવો (Present mirth hath present laughter).  તેને સરકી ન જવા દો. જીવવાનું ચાલુ કરી દો. અત્યારે જ સારો સમય છે. તમારી કાળજી રાખવી એ કોઈ ખોટી વાત નથી, ખાલી તમારી એકલાની જ કાળજી રાખવી તે ખોટી વાત હોઈ શકે.

સદગુણોથી ઘાયલ ન થાવ, સદગુણોના કારણ બનો. બલિ ન બનશો, બળવાન બનો.

 

શાંતિ.

સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email